મમફર્ડ, લૂઈસ

January, 2002

મમફર્ડ, લૂઈસ (જ. 19 ઑક્ટોબર 1895, ફ્લશિંગ, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 1990) : અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસકાર, સામાજિક તત્વચિંતક તેમજ સ્થાપત્ય અને નગર-આયોજનના નિષ્ણાત. બ્રિટનના સમાજવિજ્ઞાની પૅટ્રિક ગિડ્ઝનાં પુસ્તકો વાંચીને તેઓ માનવ-સમુદાયો તેમજ તેમના સાંસ્કૃતિક પર્યાવરણમાં રસ લેવા પ્રેરાયા.

લૂઈસ મમફર્ડ

તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં અભ્યાસ કર્યો; પછી થૉર્સ્ટિન વેબ્લેનના હાથ નીચે ન્યૂ સ્કૂલ ફૉર સોશિયલ રિસર્ચમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ‘ડાયલ’(1919)માં સહતંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા ઉપરાંત અગ્રણી સામયિકોમાં સાહિત્યિક વિવેચન-લેખો લખતા રહ્યા. 1927થી 1936 દરમિયાન તેઓ ‘ધી અમેરિકન કૅરેવાન’ના સહતંત્રી બન્યા.

સામયિકો તથા પુસ્તકોનાં લખાણો દ્વારા સ્થાપત્ય અને નગર-આયોજનના લેખક તરીકે તેમની પ્રતિષ્ઠા સ્થપાઈ, ‘ધ સ્ટોરી ઑવ્ યુટોપિયા’ (1922), ‘સ્ટિક્સ ઍન્ડ સ્ટોન્સ’ (1924), ‘ધ ગોલ્ડન ડે’ (1926, પુનર્મુદ્રણ 1934, 1977) અને ‘ધ બ્રાઉન ડેકેડ્ઝ : એ સ્ટડી ઑવ્ ધી આર્ટ્સ ઇન અમેરિકા (1885–1895) (1931) – એ તેમનાં પુસ્તકો અમેરિકન સાહિત્ય, કલા અને સ્થાપત્યને લગતાં છે. પોતાના જીવનની ગુણવત્તા સુધારવા સમૂહની પ્રતિક્રિયા અને અભિગમ પરત્વે તેમાં ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ‘ટૅકનિક્સ ઍન્ડ સિવિલાઇઝેશન’ (1934) બદલ તેમને લિયોનાર્દો દ વિન્ચી મેડલ મળ્યો હતો. એ પુસ્તકમાં તથા ‘કલ્ચર ઑવ્ સિટિઝ’ (1938) તેમજ ‘મૅન મસ્ટ ઍક્ટ’-(1939)માં તેમણે એવો મત દર્શાવ્યો છે કે ટૅકનૉલૉજિકલ સમાજનો વ્યક્તિગત વિકાસ તથા ધાર્મિક આકાંક્ષાઓ સાથે સમન્વય સધાવો જોઈએ. તેમના એક મહત્વના પુસ્તક ‘ધ સિટી ઇન હિસ્ટરી’(1961)માં માનવ-સંસ્કૃતિના નિર્માણમાં નગરોના ફાળાની વિસ્તૃત અને ઐતિહાસિક છણાવટ છે. બીજા વિશ્વયુદ્ધ પછી ‘ઇન ધ નેમ ઑવ્ સેનિટી’(1954)માં તેમણે અણુશસ્ત્રોના યુદ્ધની વિનાશક શક્યતાઓ વિશે પોતાની ચિંતા દર્શાવી છે. ‘ધ મિથ ઑવ્ ધ મશીન’ (2 ગ્રંથ) (1967–70)માં માનવ-વિકાસમાં ટૅકનૉલૉજીના ફાળા વિશે કડક આલોચના છે. ‘માય વર્ક ઍન્ડ ડેઝ : એ પર્સનલ ક્રૉનિકલ’ (1979) તથા ‘સ્કેચિઝ ફ્રૉમ લાઇફ : ધી ઑટોબાયૉગ્રાફી ઑવ્ લૂઈ મમફર્ડ, ધી અર્લી યર્સ’ (1982) – એ તેમનાં આત્મકથાત્મક લખાણો છે.

તેઓ અધ્યાપનકાર્યમાં પ્રવૃત્ત રહ્યા અને સંશોધનવિષયક અનેક પદોની જવાબદારી સંભાળી. સ્ટૅનફર્ડમાં માનવવિદ્યાના પ્રોફેસર (1942–44), પૅન્સિલવેનિયા યુનિવર્સિટીમાં નગર અને પ્રાદેશિક આયોજનના પ્રોફેસર (1951–1959), મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીમાં મુલાકાતી પ્રાધ્યાપક (1957–60; 1973–’75), બર્કલી ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં સંશોધન-પ્રાધ્યાપક (1961–62), વેઝલેન યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર ઍડવાન્સ્ડ સ્ટડિઝમાં સિનિયર ફેલો (1963–64) જેવી વિવિધ જવાબદારી તેમણે સફળતાપૂર્વક પાર પાડી હતી. તેમને મળેલાં અનેક સન્માનોમાં ‘ધ સિટી ઇન હિસ્ટરી’ માટે નૅશનલ બુક ઍવૉર્ડ તથા યુ. એસ. મેડલ ઑવ્ ફ્રીડમ (1964) મુખ્ય છે. 1943માં તેમને ‘નાઇટ ઑવ્ ધી ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નું બહુમાન અપાયું હતું.

મહેશ ચોકસી