મનોવિજ્ઞાન

મનોવિજ્ઞાનની શાખાઓ (મનોવિજ્ઞાનનું ક્ષેત્ર)

એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો જન્મ વુંટે ઈ. સ. 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં પ્રયોગશાળા સ્થાપી ત્યારથી થયો એમ ગણવામાં આવે છે. મનોવિજ્ઞાનની એક વિજ્ઞાન તરીકેની જન્મભૂમિ યુરોપ હતી પરંતુ તેની કર્મભૂમિ અમેરિકા (US) જ બની ગઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં મનોવિજ્ઞાન વિષયના વિકાસને ખૂબ વેગ મળ્યો. અમેરિકન સાઇકોલૉજિકલ ઍસોસિયેશને (APA) આ વિદ્યાશાખાના મુખ્ય પ્રવક્તા તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. મનોવિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિકોના કાર્યક્ષેત્રના વ્યાપ અંગે આ ઍસોસિયેશન સતત નોંધ લે છે અને તે અનુસાર મનોવિજ્ઞાનના વિભાગો (divisions of psychology) રચ્યે જાય છે. હાલમાં આ વિભાગોની સંખ્યા નીચે મુજબ 49 જેટલી થઈ ગઈ છે.

અમેરિકન સાઇકોલૉજિકલ ઍસોસિયેશન(APA)ના વિભાગો.

વિભાગ ક્રમાંક વિભાગનું નામ
1 2
1. સામાન્ય મનોવિજ્ઞાન
2. મનોવિજ્ઞાનનું અધ્યાપન
3. પ્રાયોગિક મનોવિજ્ઞાન
4.*
5. મૂલ્યાંકન અને માપન
6. શારીરિક અને તુલનાત્મક મનોવિજ્ઞાન
7. વિકાસલક્ષી મનોવિજ્ઞાન
8. વ્યક્તિત્વ અને સમાજલક્ષી મનોવિજ્ઞાન
9. ધ સોસાયટી ફૉર સાઇકોલૉજિકલ સ્ટડી ઑવ્ સોશિયલ ઇશ્યૂઝ (SPSSI)
10. મનોવિજ્ઞાન અને કલાઓ
11.*
12. ચિકિત્સા મનોવિજ્ઞાન
13. પરામર્શીય મનોવિજ્ઞાન (consulting psychology)
14. ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવિજ્ઞાન
15. શૈક્ષણિક મનોવિજ્ઞાન
16. શાળા મનોવિજ્ઞાન
17. સલાહ મનોવિજ્ઞાન (counselling psychology)
18. જનસેવામાં મનોવૈજ્ઞાનિકો
19. સેના મનોવિજ્ઞાન
20. પુખ્તાવસ્થાનો વિકાસ અને વૃદ્ધાવસ્થા
21. વ્યવહારલક્ષી પ્રાયોગિક અને ઇજનેરી મનોવૈજ્ઞાનિકો
22. પુન:સ્થાપનલક્ષી મનોવિજ્ઞાન (rehabilitation psychology)
23. ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાન
24. સૈદ્ધાંતિક અને તાત્વિક મનોવિજ્ઞાન
25. વર્તનનું પ્રાયોગિક વિશ્લેષણ
26. મનોવિજ્ઞાનનો ઇતિહાસ
27. જનસમુદાયનું મનોવિજ્ઞાન (community psychology)
28. મનોલક્ષી ઔષધશાસ્ત્ર (psychopharmacology)
29. માનસોપચાર
30. મનોવૈજ્ઞાનિક સંમોહન
31. સ્ટેટ સાઇકોલૉજિકલ એસોસિયેશન અફેર્સ
32. માનવવાદી મનોવિજ્ઞાન
33. મનોદુર્બળતા (mental retardation)
34. જનસંખ્યા અને પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન
35. મહિલાઓનું મનોવિજ્ઞાન
36. PIRI
37. બાળ, યુવા અને કૌટુંબિક સેવાઓ
38. આરોગ્યનું મનોવિજ્ઞાન (health psychology)
39. મનોવિશ્લેષણ
40. ચિકિત્સાત્મક ન્યુરૉસાઇકૉલોજી
41. મનોવિજ્ઞાન – લૉ સોસાયટી
42. સ્વતંત્ર રીતે વ્યવસાય કરનાર મનોવૈજ્ઞાનિકો
43. કૌટુંબિક મનોવિજ્ઞાન (family psychology)
44. સજાતીય સંબંધો ધરાવનાર વ્યક્તિઓનું મનોવૈજ્ઞાનિક અધ્યયન કરનાર મંડળ
45. વંશીય લઘુમતીઓનું મનોવૈજ્ઞાનિક અધ્યયન કરનાર મંડળ
46. સમૂહ માધ્યમનું મનોવિજ્ઞાન (media psychology)
47. વ્યાયામ અને રમતનું મનોવિજ્ઞાન
48. શાંતિનું મનોવિજ્ઞાન (peace psychology)
49. જૂથ મનોવિજ્ઞાન અને જૂથ માનસોપચાર

નોંધ : * ક્રમાંક 4 અને 11માં કોઈ વિભાગ નથી.

મનોવિજ્ઞાનના ઉપર્યુક્ત વિભાગોમાંથી કેટલાક મુખ્ય વિભાગોની વિગત આ મુજબ છે :

1. સામાન્ય મનોવિજ્ઞાન (general psychology) : જેમાંથી મનોવિજ્ઞાનની તમામ શાખાઓનો ઉદભવ થયો છે તેવું મનોવિજ્ઞાન વિષયનું સર્વસામાન્ય ક્ષેત્ર. મનુષ્યજાતિમાં મનુષ્ય તરીકે જે સર્વસામાન્ય ગુણધર્મો અને વિશેષતાઓ છે તેનું અધ્યયન સામાન્ય મનોવિજ્ઞાન કરે છે.

2. પ્રાયોગિક મનોવિજ્ઞાન (experimental psychology) : મનોવિજ્ઞાન મનુષ્યના મનોવ્યાપારો અને વર્તન વિશે અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણ, શીખવું અને સ્મૃતિ, ભાષા અને વિચારણા, આવેગ અને પ્રેરણ સહિત વિવિધ સ્વરૂપના મનોવ્યાપારો અને વર્તન વિશે પ્રાયોગિક મનોવૈજ્ઞાનિકો પાયાનાં સંશોધનો (basic research) કરે છે. પ્રાયોગિક મનોવૈજ્ઞાનિક પ્રાયોગિક સંશોધન-પદ્ધતિનો તજ્જ્ઞ હોય છે.

3. બોધાત્મક મનોવિજ્ઞાન (Cognitive psychology) : ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચે થતી માનસિક ઘટનાઓના અભ્યાસ સાથે બોધાત્મક મનોવિજ્ઞાન સંકળાયેલું છે. પ્રાયોગિક મનોવિજ્ઞાનનું જ એ એક પેટાક્ષેત્ર છે. મનોવિજ્ઞાનની આ શાખા વિચાર, ભાષા, સ્મૃતિ, સમસ્યા-ઉકેલ, જાણવું, તર્કક્રિયા, વિવેક (judging) અને નિર્ણય કરવાની પ્રક્રિયા જેવા ઉચ્ચ મનોવ્યાપારોનું અધ્યયન કરે છે.

4. શારીરિક મનોવિજ્ઞાન (physiological psychology) : મગજ તેમજ અન્ય દૈહિક પ્રક્રિયાઓનો વર્તન સાથેનો સંબંધ સ્પષ્ટ કરતી મનોવિજ્ઞાનની શાખા. આ શાખા પણ પ્રાયોગિક મનોવિજ્ઞાનનું જ એક પેટાક્ષેત્ર છે. આ વિદ્યાશાખાના અભ્યાસીઓને જૈવ-મનોવૈજ્ઞાનિકો (bio-psychologists) તરીકે પણ ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાનની આ શાખાએ મગજ અને વર્તન (brain and behaviour) વચ્ચેના સંબંધ પર નોંધપાત્ર પ્રકાશ પાડ્યો છે. મગજના કોષોમાંથી ઝરતાં ‘ન્યુરોટ્રૅન્સમીટર્સ’ તેમજ અંત:સ્રાવી ગ્રંથિઓમાંથી ઝરતા ‘હૉર્મોન્સ’ની વર્તનમાં શું ભૂમિકા છે તે સ્પષ્ટ કરવામાં પણ આ વિદ્યાશાખાએ મહત્વનો ફાળો આપ્યો છે.

5. તુલનાત્મક મનોવિજ્ઞાન (comparative psychology) : પ્રાયોગિક મનોવૈજ્ઞાનિકો મનુષ્યના વર્તનને સમજવા માટે કેટલીક વાર પ્રાણીઓ પર પણ પ્રયોગો કરે છે. આ ઉપરાંત ભિન્ન ભિન્ન જાતિઓનાં પ્રાણીઓના વર્તનની તુલના કરવા માટે પણ મનોવૈજ્ઞાનિકો પ્રાણીઓનું અધ્યયન કરે છે. આવાં અધ્યયનોમાંથી તુલનાત્મક મનોવિજ્ઞાનની વિદ્યાશાખા વિકસી છે.

6. વિકાસલક્ષી મનોવિજ્ઞાન (developmental psychology) : સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિઓ કેવી રીતે વૃદ્ધિ (grow) પામે છે, વિકસે (develop) છે અને તેમનામાં વય વધતાંની સાથે કેવાં કેવાં પરિવર્તનો (change) થાય છે તેનો અભ્યાસ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં થાય છે. જીવનના અન્ય કોઈ પણ તબક્કા કરતાં બાલ્યાવસ્થાનાં વર્ષોમાં ખૂબ ઝડપી અને નોંધપાત્ર ફેરફારો થતા હોય છે. આથી બાળમનોવિજ્ઞાને (child psychology) વિકાસાત્મક મનોવિજ્ઞાનની સૌથી મહત્વની પ્રશાખા તરીકેનો મોભો પ્રાપ્ત કર્યો છે. બાળમનોવિજ્ઞાન ગર્ભાધાનથી માંડીને તરુણાવસ્થાના પ્રવેશ સુધીનાં વિકાસ અને વર્તનનો અભ્યાસ કરે છે. તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિ અવસ્થાઓમાં પણ વિકાસાત્મક પરિવર્તનો થતાં રહે છે અને તેથી આ તબક્કાઓનું મનોવિજ્ઞાન પણ વિકાસાત્મક મનોવિજ્ઞાનનો જ ભાગ છે. વિશ્વના મોટાભાગના દેશોમાં સરેરાશ આયુષ્યમર્યાદા વધી હોવાથી વૃદ્ધાવસ્થાના મનોવિજ્ઞાન વિશેનાં અધ્યયનોએ પણ વેગ પકડ્યો છે.

7. વ્યક્તિત્વ મનોવિજ્ઞાન (personality psychology) : પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિત્વ આગવું હોય છે. એક વ્યક્તિના વ્યક્તિત્વગુણો (traits) બીજી વ્યક્તિથી અલગ હોય છે. વયની સાથે વ્યક્તિના વર્તનમાં જોવા મળતી સુસંગતતા અને પરિવર્તન તેમજ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને અલગ પાડનારા વ્યક્તિત્વગુણોના અભ્યાસ સાથે વ્યક્તિત્વ મનોવિજ્ઞાન સંકળાયેલ છે. વ્યક્તિત્વના વિકાસ પર જૈવિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની અસરો પડે છે. આ અસરોનાં અધ્યયનોમાંથી વ્યક્તિત્વ-વિકાસ વિશેના વિવિધ સિદ્ધાંતો (personality theories) મનોવૈજ્ઞાનિકોએ આપ્યા છે.

8. સમાજલક્ષી મનોવિજ્ઞાન (social psychology) : સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સમાજમાં થતા વ્યક્તિના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કે વ્યક્તિ અને જૂથ વચ્ચે થતી આંતરક્રિયાઓનું તે અધ્યયન કરે છે. સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વિચારે છે, લાગણી અનુભવે છે અને વર્તે છે તેનો તે વિચાર કરે છે. સમાજશાસ્ત્રના અભ્યાસનો એકમ ‘જૂથ’ છે, જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસનું કેન્દ્ર અને એકમ ‘વ્યક્તિ’ છે. વ્યક્તિ એકલી હોય તોપણ તેના પર કોઈ ને કોઈ પ્રકારની સામાજિક અસરો થતી જ હોય છે. આથી કેટલાક અભ્યાસીઓ તો એમ કહે છે કે ‘વાસ્તવમાં સમગ્ર મનોવિજ્ઞાન એ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે’. સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોએ સામાજિક મનોવલણોનો નોંધપાત્ર પ્રમાણમાં અભ્યાસ કર્યો છે. આથી કેટલાક અભ્યાસીઓ સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે સામાજિક મનોવલણો વિશે અભ્યાસ કરતું વિજ્ઞાન એવી વ્યાખ્યા કરવા પણ પ્રેરાયા છે. સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોએ મનોવલણો અને અભિપ્રાયોના માપનની ટેક્નિકમાં એટલી પૂર્ણતા પ્રાપ્ત કરી છે કે તેઓએ તેના આધારે કરેલી આગાહીઓ લગભગ સાચી પડે છે. ચૂંટણીઓ પૂર્વે લેવાતા ‘ઓપિનિયન પોલ’ અને ચૂંટણી પૂરી થયાના દિવસે લેવાતા ‘એગ્ઝિટ પોલ’ જેવી પ્રયુક્તિઓ એ આનું ઉદાહરણ છે. આ પ્રકારના પોલમાંથી ‘સેફૉલોજી’ નામની એક સ્વતંત્ર વિદ્યાશાખા પણ વિકસી છે.

9. ચિકિત્સામનોવિજ્ઞાન (clinical psychology) : મનોવિજ્ઞાનની આ વિદ્યાશાખા માનસિક રીતે ક્ષુબ્ધ થઈ ગઈ હોય એવી વ્યક્તિઓનાં નિદાન, ઉપચાર, રોગનિવારણ અને સંશોધન સાથે સંકળાયેલી છે. ‘ચિકિત્સા મનોવૈજ્ઞાનિક’ અને ‘માનસચિકિત્સક (psychiatrist) વચ્ચેનો ભેદ ખ્યાલમાં રાખવા જેવો છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના ક્ષેત્રનો તજ્જ્ઞ છે, જ્યારે માનસચિકિત્સક તબીબી ક્ષેત્રનો તજ્જ્ઞ છે. M.B.B.S. થયા પછી જે તબીબો માનસિક રોગોનો ઉપચાર કરવાના સ્પેશિયાલિસ્ટ બને છે તેઓને માનસચિકિત્સકો કહેવામાં આવે છે. માનસચિકિત્સકોએ તબીબી ક્ષેત્રની તાલીમ લીધી હોય છે આથી માનસિક દર્દીઓના ઉપચારમાં તે દવાઓ, ઇન્જંક્શનો, ઇલેક્ટ્રિક શૉક આપી શકે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકે માનસશાસ્ત્રના ક્ષેત્રની તાલીમ લીધી હોય છે આથી તે તબીબી ઉપચારો કરવાની પાત્રતા ધરાવતો નથી. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક માનસોપચાર (psychotherapy) દ્વારા માનસિક રીતે ક્ષુબ્ધ થઈ ગઈ હોય તેવી વ્યક્તિઓનો ઉપચાર કરવાનો પ્રયાસ કરે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકે માનસશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સંશોધનના ક્ષેત્રની તાલીમ પણ લીધી હોય છે આથી માનસિક રોગો કે વિકૃતિઓના નિદાન અને ઉપચાર અંગેનાં સંશોધનો કરવામાં તેઓ ખૂબ ઉપયોગી થઈ પડે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો નિદાન અને ઉપચારમાં વ્યક્તિ-ઇતિહાસ પદ્ધતિ (case history method) તેમજ વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો પણ તેઓ ઉપયોગ કરે છે. માનસિક દર્દીઓની સારવારમાં તજ્જ્ઞોનું જૂથ પણ કામ કરતું હોય છે. આવા જૂથના એક સભ્ય તરીકે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક પોતાની સેવાઓ આપતો હોય છે.

10. ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવિજ્ઞાન (industrial and organizational psychology) : મનોવિજ્ઞાનની આ શાખા ‘કાર્યસ્થળ’ પર થતાં માનવીઓનાં વર્તન સાથે સંકળાયેલી છે. ઉત્પાદકતા, કાર્યસંતોષ અને નિર્ણય કરવાની પ્રક્રિયા એ તેનાં મુખ્ય કાર્યક્ષેત્રો છે. ઉદ્યોગ-ધંધા અને તે માટે રચાયેલાં સંગઠનોનું સંચાલન કરવા માટે કુશળ કર્મચારીઓ અને સક્ષમ અધિકારીઓની જરૂર પડે છે. ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો ‘યોગ્ય કામ માટે યોગ્ય માણસ’ શોધવામાં ઉદ્યોગ-ધંધાઓને સહાય કરે છે. તેઓ ભરતી અધિકારીઓ તરીકે સેવાઓ આપે છે. આવા મનોવૈજ્ઞાનિકોને ‘પર્સોનેલ સાઇકૉલોજિસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો એ કર્મચારીઓ/કામદારો અને મૅનેજમેન્ટ વચ્ચેની મહત્વની સંપર્ક-કડી છે. તેઓ કર્મચારીઓ/કામદારો જે પર્યાવરણમાં કામ કરે છે તે પર્યાવરણ અને ઉત્પાદકતા અંગેનાં અધ્યયનો કરે છે. ઉત્પાદન કઈ રીતે વધારવું, કામદારોનો ઊથલો અને ગેરહાજરી કઈ રીતે ઘટાડવાં, કામ અંગેના તાલીમી કાર્યક્રમો કઈ રીતે સુધારવા, કર્મચારી/કામદારના કાર્યનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, તેમની સાથેના માનવીય સંબંધો કઈ રીતે સુધારવા ઇત્યાદિ બાબતોમાં તેઓ સલાહ-સૂચન આપે છે. સાથે સાથે કામદોરોનાં જોમ અને જુસ્સો કઈ રીતે વધારવાં, કામ અંગેનો સંતોષ અને કામ કરવાની પ્રેરણા કઈ રીતે વધારવી તે અંગેના માર્ગો પણ તેઓ સૂચવે છે. પશ્ચિમના દેશોમાં તો ઘણા ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો કન્સલટિંગ ફર્મના એક સભ્ય તરીકે કામ કરતા હોય છે અથવા તો પોતાની જ કન્સલટિંગ ફર્મ ચલાવતા હોય છે. તેઓ પોતાને ‘કન્સલટિંગ સાઇકોલૉજિસ્ટ’ તરીકે ઓળખાવતા હોય છે.

11. શૈક્ષણિક મનોવિજ્ઞાન (educational psychology) : વિદ્યાર્થીને કેળવણીની પ્રક્રિયા શી રીતે અસર કરે છે તેની સાથે શૈક્ષણિક મનોવિજ્ઞાન સંકળાયેલું છે. અધ્યયન (learning) અને અધ્યાપન (teaching) બંને સાથે તેનો નાતો છે. બાળકોમાં પડેલી શક્તિઓને સમજવી, અધ્યાપન માટેની શ્રેષ્ઠ પ્રયુક્તિઓ વિકસાવવી તેમજ વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેની આંતરક્રિયા અને પ્રત્યાયનને કેમ સુગમ બનાવવાં ઇત્યાદિ બાબતો તેના કાર્યક્ષેત્રમાં આવે છે. કેટલાક શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો શાળા મનોવૈજ્ઞાનિક (school psychologist) તરીકે પણ સેવાઓ આપે છે. જે બાળકોને શૈક્ષણિક કે સંવેગાત્મક (emotional) સમસ્યાઓ હોય છે તેઓનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય તેઓ કરે છે. બાળકોની સમાયોજન-સમસ્યાઓમાં તે ‘સલાહકાર’ તરીકે પણ ફરજો બજાવે છે.

12. સલાહમનોવિજ્ઞાન (counselling psychology) : કુટુંબમાં, શાળામાં, કૉલેજમાં, વ્યવસાયમાં, લગ્નજીવનમાં એમ અનેક ક્ષેત્રોમાં વ્યક્તિઓ વિવિધ પ્રકારની સમાયોજન-સમસ્યાઓ અનુભવે છે. આ સમસ્યાઓ ગંભીર સ્વરૂપ પકડે તે પહેલાં તેનું નિદાન અને ઉપચાર થાય તો ‘પાણી પહેલાં પાળ બાંધી શકાય’. આ કાર્ય સલાહ મનોવૈજ્ઞાનિકો કરે છે. સલાહ મનોવૈજ્ઞાનિકો પોતાના અસીલો પર નિર્ણયો લાદતા નથી પરંતુ વાતચીતના માધ્યમ દ્વારા એવી શીખવાની પરિસ્થિતિ ઊભી કરે છે કે જેના કારણે વ્યક્તિ પોતે જ પોતાની જાતે યોગ્ય નિર્ણય પર આવી શકે છે અને પોતાની સમસ્યાને સુલઝાવી શકે છે. શૈક્ષણિક, સામાજિક અને કારકિર્દીને લગતી સમસ્યાઓમાં સલાહ મનોવૈજ્ઞાનિકો વિશેષ સહાયરૂપ થાય છે. પ્રત્યેક શાળા-મહાશાળામાં સલાહ/માર્ગદર્શન કેન્દ્ર (guidance and counselling centre) આ ર્દષ્ટિએ હોવું જરૂરી છે.

13. સેનામનોવિજ્ઞાન (military psychology) : સેના પણ એક પ્રકારનું સંગઠન છે. લશ્કરમાં યોગ્ય કામ માટે યોગ્ય માણસની ભરતી કરીને, તેને તાલીમ આપવાથી માંડીને યુદ્ધમાં સૈનિકોનું અને અધિકારીઓનું ખમીર જળવાઈ રહે ત્યાં સુધીની અનેક બાબતો કરવી પડે છે. યુદ્ધ દરમિયાન પ્રજાનું અને લશ્કરનું મનોબળ જાળવી રાખવા પ્રચાર કરવો પડે છે, શત્રુપક્ષના પ્રચારનો પ્રતિકાર (disinformation) કરવો પડે છે. આ બધા સાથે સેના મનોવિજ્ઞાન ગાઢ રીતે સંકળાયેલું છે.

14. ઇજનેરી મનોવિજ્ઞાન (engineering psychology) : ઓજારો અને યંત્રો સાથેની માનવીની આંતરક્રિયા શક્ય તેટલી સુગમ અને ક્ષતિરહિત બને તે માટે મનોવિજ્ઞાનની આ શાખા પ્રયત્ન કરે છે. લોકોને કામ કરવામાં અને વાપરવામાં અનુકૂળ પડે તેવી ઓજારો અને યંત્રોની ડિઝાઇન અને નિર્માણમાં તે યોગદાન આપે છે. કાર, કમ્પ્યૂટરથી માંડીને અવકાશયાત્રીઓ માટેનાં ઓજારો અને યંત્રોના નિર્માણમાં આ વિદ્યાશાખાઓ પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી શકે છે.

15. પુન:સ્થાપનાનું મનોવિજ્ઞાન (rehabilitation psychology) : કુદરતી કે માનવસર્જિત દુર્ઘટનાઓનો ભોગ બનેલાંઓમાં કેટલાક મૂળ સોતાં ઊખડી જાય છે. આવી વ્યક્તિઓને પુન:સ્થાપિત કરવી પડે છે. તેમના જીવનને થાળે પાડવું પડે છે. પુન:સ્થાપન મનોવિજ્ઞાન તરીકે ઓળખાતી મનોવિજ્ઞાનની શાખા આ કાર્યમાં ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે. દારૂડિયાઓ, કેફી દ્રવ્યોના બંધાણીઓ, રીઢા ગુનેગારો, અપહરણ-બળાત્કાર કે અમાનુષી યાતનાનો ભોગ બનેલાઓ કે પછી ધરતીકંપ, પૂર, વાવાઝોડાં, જેવી કુદરતી દુર્ઘટનાને લીધે વિસ્થાપિત થયેલ લોકોને પુન:સ્થાપિત કરવા પડે છે.

16. ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાન (consumer psychology) : લોકોની ખરીદીની ટેવો અને ખરીદનારના વર્તન પર થતી જાહેરખબરોની અસરો એ ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાનના મુખ્ય અભ્યાસ-મુદ્દાઓ છે. ગ્રાહકના વર્તનના અભ્યાસ અને આગાહી સાથે તે સંકળાયેલું છે. કેટલાક ગ્રાહકલક્ષી મનોવૈજ્ઞાનિકો ઔદ્યોગિક ગૃહો માટે કામ કરે છે. કોઈ ચોક્કસ ચીજવસ્તુને ગ્રાહકો વધુ પ્રમાણમાં ખરીદતા થાય તેવી ઝુંબેશનું તે આયોજન કરે છે, તો કેટલાક ગ્રાહકલક્ષી મનોવૈજ્ઞાનિકો ગ્રાહકોનાં હિતોનું અને હકોનું રક્ષણ કરનાર સરકારી કે સ્વૈચ્છિક સંગઠનોમાં પોતાની સેવાઓ આપે છે. ગ્રાહકોની રુચિ અને તેમાં વખતોવખત થતા ફેરફારો તેમજ ગ્રાહકોને મળતી ચીજવસ્તુઓ કે સેવાઓની ગુણવત્તા એ ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાનના ચિંતાના વિષયો છે.

17. જનસમુદાયમનોવિજ્ઞાન (community psychology) : માનસિક સ્વાસ્થ્યના આંદોલન અંગે જનસમુદાયમાં જાગૃતિ આવે અને આ આંદોલન છેક છેવાડાના માણસ સુધી પ્રસરે તેની સાથે મનોવિજ્ઞાનની આ શાખા સંકળાયેલી છે. જેઓ કોઈ વર્તન-સમસ્યાનો ભોગ બન્યા હોય કે બનવાની શક્યતા હોય તેઓના માટે વિશિષ્ટ કાર્યક્રમોનું જનસમુદાય મનોવૈજ્ઞાનિકો આયોજન કરે છે. કેટલાક જનસમુદાય મનોવૈજ્ઞાનિકો ‘સામાજિક કર્મશીલો’(social activists)ની ભૂમિકા ભજવે છે. આવા જનસમુદાય મનોવૈજ્ઞાનિકો ‘સામાજિક સમસ્યાભિમુખ’ હોય છે અને ભિન્ન ભિન્ન વાર્તનિક વિજ્ઞાનોમાં જે નવા વિચારો આવ્યા હોય તેનો સામાજિક સમસ્યાના ઉકેલમાં વિનિયોગ કરતા રહે છે. જેમ કે જનસમુદાયમાં બે જૂથો વચ્ચે વૈરભાવ વધી ગયો હોય, આતંકવાદી પ્રવૃત્તિઓ ફૂલીફાલી હોય, બેરોજગારીને લીધે લોકોમાં નિરાશા વ્યાપી હોય, યુવાવર્ગ કેફી દ્રવ્યોનો બંધાણી બનતો જતો હોય ઇત્યાદિ સમસ્યાઓને ઉકેલવા તે પ્રયત્ન કરે છે. કેટલાક જનસમુદાય મનોવૈજ્ઞાનિકો રોજબરોજની જિંદગીની ગુણવત્તા સુધરે તેવા વિધાયક પ્રયત્નો પણ કરે છે. જેમ કે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે, સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે, લોકોને રોજગારલક્ષી કેળવણી મળે, જનસમુદાયને સ્પર્શતા પ્રશ્નોમાં લોકોની ભાગીદારી વધે તે માટે તે પ્રયાસો કરે છે.

18. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન (environmental psychology) : મનોવિજ્ઞાનની આ વિદ્યાશાખા લોકો અને તેમના ભૌતિક વાતાવરણ વચ્ચેના સંબંધ વિશે વિચાર કરે છે. ઘરનું સ્થાપત્ય, હવામાન, વસ્તીની ગીચતા, ઘોંઘાટ, તાપમાન, ગંધ જેવાં અનેક પર્યાવરણીય પરબિળોની વર્તન પર અસર પડે છે. આ અસરોનો અભ્યાસ અને વિશ્લેષણ પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો કરે છે. પર્યાવરણનું રક્ષણ, જતન અને સંવર્ધન થાય, તેમાં કોઈ પ્રદૂષણ ન ફેલાય તે માટેની વ્યૂહરચનાઓ પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે. આધુનિક સમયમાં પર્યાવરણની જાળવણી એ એક આંદોલન બની ગયું છે.

19. આરોગ્યનું મનોવિજ્ઞાન (health psychology) : શારીરિક રોગો અને મનોવૈજ્ઞાનિક ઘટકો એકબીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના અધ્યયન સાથે આરોગ્ય મનોવિજ્ઞાન સંકળાયેલું છે. શરદીથી માંડીને કૅન્સર અને હૃદયરોગ જેવા જીવલેણ રોગોમાં ‘મનોભાર કે મનસ્તાણ(STRESS)ની શી ભૂમિકા છે તેનું સ્પષ્ટીકરણ મનોવિજ્ઞાનની આ શાખામાં કરવામાં આવે છે. એક બાજુ તંદુરસ્તીની જાળવણી માટેના ઉપાયો તે સૂચવે છે (જેમ કે વ્યાયામ કે યોગ), તો બીજી બાજુ તંદુરસ્તી માટે જોખમરૂપ એવાં પરિબળો(જેમ કે ધૂમ્રપાન)થી આપણને સાવચેત કરે છે. દર્દી અને તબીબો વચ્ચેના સંબંધોના મનોવિજ્ઞાનનું પણ તે વિશ્લેષણ કરે છે અને આ સંબંધોની અસરકારકતા વધારવા તે પ્રયાસ પણ કરે છે.

20. ન્યાય મનોવિજ્ઞાન (forensic psychology) : ન્યાયતંત્રની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં વર્તનોનું અધ્યયન મનોવિજ્ઞાનની આ વિદ્યાશાખામાં કરવામાં આવે છે. આરોપી સત્ય બોલે છે કે અસત્ય (lie detector), આરોપી કોઈ મનોવિકૃતિ કે માનસિક રોગનો ભોગ બનેલો છે કે કેમ, તેનું માનસિક સામર્થ્ય (mental competence) કેટલું છે તે નક્કી કરવામાં અદાલતો ન્યાય મનોવિજ્ઞાનના તજ્જ્ઞોની સહાય લે છે. આરોપી જો મનોવિકૃતિનો ભોગ બનેલ હોય તો તેને જેલમાં નહિ પણ ઉપચાર માટે મેન્ટલ હૉસ્પિટલમાં મોકલવામાં આવે છે. સાક્ષીઓની જુબાની અને જૂરીના નિર્ણયોની વિશ્વસનીયતા સુધારવા માટે પ્રયત્નશીલ એવા ન્યાયતંત્રના વિશારદોને મનોવિજ્ઞાનની આ શાખાનું જ્ઞાન ઉપયોગી પુરવાર થયું છે.

21. લઘુમતી જૂથોનું મનોવિજ્ઞાન (psychology of minorities) : દરેક સમાજમાં અમુક જૂથો લઘુમતીમાં હોય છે. અન્ય જૂથોની તુલનામાં તેમના વિશિષ્ટ પ્રશ્નો હોય છે અને તેઓ વિશિષ્ટ રીતે વર્તતા પણ હોય છે. લઘુમતી જૂથોનું મનોવિજ્ઞાન આવાં વર્તનોનું મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ અધ્યયન કરે છે. લઘુમતી જૂથોને સમાન તકો કઈ રીતે પૂરી પાડી શકાય અને તેમનામાં ઘર કરી ગયેલ અસલામતી અને અસલામતીમાંથી જન્મતાં વિવિધ વર્તનોનું નિવારણ કઈ રીતે કરી શકાય એ આ પ્રકારના મનોવિજ્ઞાનનો ચિંતાનો વિષય છે. અમુક સંદર્ભમાં પુરુષોની તુલનામાં મહિલાઓ પણ લઘુમતી જેવો ભાવ અનુભવે છે. લઘુમતી જૂથોનું મનોવિજ્ઞાન એ ર્દષ્ટિથી મહિલાઓના પ્રશ્નોનો પણ અભ્યાસ કરે છે.

22. સમૂહમાધ્યમનું મનોવિજ્ઞાન (media psychology) : અખબારો, રેડિયો અને ટેલિવિઝન જેવાં સમૂહમાધ્યમોની લોકોનાં વર્તન અને વ્યક્તિત્વ પર નોંધપાત્ર અસર પડી રહે છે. ‘મીડિયા ઇઝ ધ મેસેજ’ એ આ યુગનું સૂત્ર બની ગયું છે. સમૂહમાધ્યમના મનોવિજ્ઞાનમાં ‘મીડિયા’ની અસરોનું અધ્યયન થાય છે.

23. રમતમનોવિજ્ઞાન (sports psychology) : ખેલાડીના કે ટીમના દેખાવને નોંધપાત્ર રીતે સુધારવામાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો વિનિયોગ રમત મનોવિજ્ઞાનના તજ્જ્ઞો કરતા હોય છે. સામાન્ય નાગરિકોથી માંડીને વિશ્વકક્ષાના ખેલાડીઓ સુધી તેમની સેવાઓ વિસ્તરેલી છે. રમતના મેદાનમાં ખેલાડી/ખેલાડીઓ પોતાનું મનોબળ અને માનસિક સમતોલન જાળવી શકે, હાર કે જીતને પચાવી શકે તે માટેના પાઠ રમત મનોવૈજ્ઞાનિક શીખવે છે; ખેલાડીઓમાં ‘વિજય માટેનું વલણ’ અને ‘સંઘભાવના’ (team spirit) આવે તેવી વ્યૂહ-રચનાઓ તેઓ કરે છે. ખેલાડીએ રમત દરમિયાન જે પ્રવૃત્તિ કરવાની હોય તેનું તે વિશ્લેષણ કરે છે (task analysis). આ વિશ્લેષણને આધારે ખેલાડીએ કયાં કયાં કૌશલ્યો વિકસાવવાનાં છે અને તેનું કઈ રીતે સંકલન કરવાનું છે તેનું માર્ગદર્શન અપાય છે. રમત મનોવિજ્ઞાન સામાન્ય નાગરિકોને પણ સહાયભૂત થાય છે. જનસમુદાયમાં આબાલવૃદ્ધ સૌ રમતની પ્રવૃત્તિમાંથી શારીરિક, માનસિક અને ભાવાત્મક રીતે (રમતથી ભાવવિરેચન – catharsis થાય છે.) વધુમાં વધુ ભાગ કઈ રીતે લઈ શકાય તે વિશે એ વિચારે છે. જરૂર પડે તો વિવિધ કસરતો અને યોગ પણ તે શીખવે છે.

24. શાંતિનું મનોવિજ્ઞાન (peace psychology) : ‘યુદ્ધની શરૂઆત માનવમનમાંથી જ થાય છે. આથી શાંતિ માટેની દીવાલો પણ માનવમનમાં જ રચાવી જોઈએ’ – આ ર્દષ્ટિબિંદુને ધ્યાનમાં લઈને યુદ્ધો કેમ થાય છે અને વિશ્વશાંતિ કઈ રીતે સ્થાપી શકાય તે માટેનાં અધ્યયનો શાંતિના મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે.

25. મન:-ઔષધશાસ્ત્ર (psychopharmacology) : મન અને વર્તન પર દવાઓની અસરોનો અભ્યાસ. માનસિક માંદગીનો ઉપચાર કરવા માટેની દવાઓના વિકાસનું શાસ્ત્ર.

26. મનોમાપનશાસ્ત્ર (psychometry) : માપનમાં અમુક ચોક્કસ નિયમોને આધારે કોઈ પણ પદાર્થ, ઘટના કે નિરીક્ષણને સંખ્યાત્મક સ્વરૂપ આપવામાં આવે છે. મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ અને વ્યક્તિત્વમાપન જેવી અનેક બાબતોના માપન માટેની કસોટીઓ બનાવી છે. આ કસોટીઓની યથાર્થતા અને વિશ્વસનીયતા અંગે પણ તેઓ કાળજી રાખે છે, અને તે અંગેનાં સંશોધનો કરે છે. વ્યક્તિઓમાં રહેલી ક્ષમતાઓને જાણવામાં, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ભિન્નતાને સમજવામાં, વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપવામાં મનોવૈજ્ઞાનિક કસોટીઓ ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે.

27. કાર્યક્રમમૂલ્યાંકન (Program evaluation) : સમાજે, સરકારે, સંસ્થાએ કે સંગઠને મોટા પાયા પર કોઈ કાર્યક્રમ હાથ પર લીધો હોય તો તે કાર્યક્રમ તેનાં નિર્ધારિત લક્ષ્યોને પાર પાડી શક્યો છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવું પડે છે. મનોવિજ્ઞાનના તજ્જ્ઞોએ ‘ડેટા’ એકઠો કરવાની અને તેનું વિશ્લેષણ કરવાની તાલીમ લીધેલી હોય છે. આથી ‘કાર્યક્રમ–મૂલ્યાંકન’ના ક્ષેત્રમાં તેઓ સફળ કામગીરી બજાવી શકે છે. વીસ મુદ્દાના કાર્યક્રમનું અમલીકરણ, ગોકુળિયા ગ્રામની યોજના, સાક્ષરતા-અભિયાન, બાળગુરુ કે વિદ્યાસહાયક યોજના, મધ્યાહ્ન ભોજન યોજના, સ્વાધ્યાય પ્રવૃત્તિ અને વિશ્વકોશ જેવા અનેક કાર્યક્રમોનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી શકાય.

નટવરલાલ શાહ

ધર્મવિષયક મનોવિજ્ઞાન (psychology of religion)

ધર્મવિષયક મનોવિજ્ઞાનમાં ધાર્મિક માન્યતાઓ, પ્રથાઓ, પરંપરાઓ અને વ્યવહારોનો વ્યક્તિઓ અને સમૂહોના માનસ અને વર્તન ઉપર કેવો પ્રભાવ પડે છે તેનો અવલોકનનિષ્ઠ (empirical) તથ્યાત્મક (factual) અભ્યાસ કરવામાં આવે છે. મનોવિજ્ઞાનની અન્ય શાખાઓની જેમ ધર્મનું મનોવિજ્ઞાન પણ મનોવિજ્ઞાનની એક શાખા છે. ‘અમેરિકન સાઇકોલૉજિકલ એસોસિયેશન’ (APA) નામની મનોવિજ્ઞાનીઓની સંસ્થાના એક વિભાગનું નામ ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજિન’ રાખવામાં આવ્યું છે. APAના જુદા જુદા વિભાગોમાં તે તે વિભાગ હેઠળ આવતાં મનોવૈજ્ઞાનિક સંશોધનોને આવરી લેવામાં આવે છે અને તે વિભાગની પ્રવૃત્તિઓનું સંકલન થાય છે.

વીસમી સદીના પૂર્વાર્ધમાં વિલિયમ જેમ્સ, સ્ટેનલી જૉલ તેમજ ગૉર્ડન ઑલપૉર્ટ જેવા અગ્રણી અમેરિકન મનોવિજ્ઞાનીઓએ આ ક્ષેત્રમાં તેમના ગ્રંથો દ્વારા મહત્વનું યોગદાન કર્યું છે, પરંતુ વીસમી સદીના મનોવિજ્ઞાનમાં જે રીતે મનોવિજ્ઞાનની બીજી શાખાઓ વિસ્તરતી ગઈ તે રીતે ધર્મના મનોવિજ્ઞાનનો વિસ્તાર અને વિકાસ થયો નથી. ઉદ્યોગો, શિક્ષણ, વ્યવસાય, માનસ-વિકૃતિઓ આદિ લૌકિક ક્ષેત્રનાં પરિવર્ત્યો(variables)થી પ્રભાવિત એવા માનવવર્તન ઉપર સ્વાભાવિક રીતે જ વધુ સંશોધનો થયાં છે.

ધર્મવિષયક મનોવિજ્ઞાન એક પ્રભાવક મનોવિજ્ઞાન તરીકે મુખ્ય પ્રવાહના મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ કરતાં ઓછું વિકસ્યું છે તેનું એક કારણ એ દર્શાવવામાં આવે છે કે મનોવિજ્ઞાનની બીજી શાખાના વિષયો અવલોકનક્ષમ છે, જ્યારે ધર્મવિષયક માન્યતાઓ, વ્યવહારો, પ્રથાઓ કે પરંપરાઓના વિષયો તરીકે ઈશ્વર, આત્મા, પુનર્જન્મ, કર્મ, પાપ-પુણ્ય વગેરે આવે છે અને આવા વિષયોની સત્યતાનો નિર્ણય કરવાનું મનોવિજ્ઞાન પાસે કોઈ સાધન નથી. તેથી જ મનોવિજ્ઞાનની અન્ય શાખાઓમાં જેવું વિષયગત તેમજ પ્રમાણભૂત જ્ઞાન મળી શકે છે તેવું આ શાખામાં શક્ય નથી તેમ દર્શાવાયું છે. જોકે, ઘણા મનોવિજ્ઞાનીઓ માને છે કે મનોવિજ્ઞાનીઓએ તો વ્યક્તિની માન્યતાઓ (beliefs), તેનું વર્તન, તેનાં મનોવલણો વગેરે કયાં પરિબળોથી પ્રભાવિત થાય છે તેનો જ અભ્યાસ કરવાનો છે. તેથી જો ધર્મ વ્યક્તિનાં અને સમૂહનાં વર્તનોને નિર્ણાયક રીતે પ્રભાવિત કરતો હોય તો ધર્મ પણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિની પરિભાષા પ્રમાણે, એક અગત્યનું પરિવર્ત્ય (variable) બને છે અને મનોવિજ્ઞાનીઓએ તેના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. ધાર્મિક માન્યતાની સામગ્રી ગમે તે હોય પણ જો તે નિર્ણાયક રીતે વ્યક્તિના કે સમૂહોનાં વર્તન, મનોવલણ વગેરે ઉપર પ્રેરક પ્રભાવ પાડતી હોય તો મનોવિજ્ઞાનીઓએ તેનો અભ્યાસ કરવો જ જોઈએ. ધર્મ જે કહે છે તેને વૈજ્ઞાનિક સમર્થન નથી તેવું ઘણા મનોવૈજ્ઞાનિકો માનતા હોય છે. પણ પ્રશ્ન એ નથી. પ્રશ્ન તો એ છે કે ધર્મમાં જે કહેવાયું છે તે લોકોને અમુક રીતે વર્તવા પ્રેરે છે કે નહિ ? જો ધર્મ વર્તનનું પ્રેરકબળ હોય તો એ મનોવિજ્ઞાનનો મહત્વનો વિષય બને જ છે.

અલૌકિક તત્વોમાં શ્રદ્ધા એ જ ધર્મનું હાર્દ ગણવામાં આવે છે. તેથી ધાર્મિક વર્તનનું લક્ષ્ય અને ધાર્મિક માન્યતાનો વિષય એ બંનેને તર્કના ક્ષેત્રની બહાર મૂકવામાં આવે છે તેથી ધર્મને બિનતાર્કિક (non-logical) ગણનારાઓ તેના વૈજ્ઞાનિક અભ્યાસને પણ મહત્વ આપતા નથી, પરંતુ ખરેખર તો પ્રશ્ન એ પુછાવો જોઈએ કે શું મનુષ્યનું વર્તન, હંમેશાં વ્યક્તિગત અને સામૂહિક કક્ષાએ તાર્કિકતા(rationality)થી જ પ્રેરાયેલું હોય છે ? ખુદ મનોવૈજ્ઞાનિકો જ માને છે કે લોકો જૂથની સ્વીકૃતિ મેળવવા માટે, જૂથ દ્વારા સ્વઓળખ પ્રાપ્ત કરવા માટે, જૂથ-જોડાણ ટકાવી રાખવા માટે, તેમજ આશ્વાસનની, ટેકાની અને સલામતીની જરૂરિયાત માટે પણ ઘણા પ્રકારનું પ્રબલનકારક અને અનુકૂલન-સાધક વર્તન કરતા હોય છે. લોકોનું ધાર્મિક વર્તન પણ આ જ પ્રેરકો(motives)થી સમજાવી શકાય છે. ધાર્મિક વર્તન પણ રૂઢિ, પરંપરા, વ્યક્તિના સામાજિકીકરણ(socialization)ની તરેહો, સમાજનાં ધોરણોનું વ્યક્તિઓએ કરેલું આંતરિકીકરણ (internalization) વગેરેથી ઉદભવે છે, ટકી રહે છે અને દોરવાય છે. તેથી જ, તાર્કિકતાને આગળ કરીને ધર્મના વૈજ્ઞાનિક અભ્યાસની અવગણના થઈ શકે નહિ. અતાર્કિક પ્રેરકોનો અભ્યાસ કરવાનું મનોવિજ્ઞાનમાં ટાળવામાં આવે તો પછી મનોવૈજ્ઞાનિકો અફવાનું, ટોળાનું, પ્રચારનું, સ્વપ્નોનું, ભ્રમનું અને પૂર્વગ્રહનું મનોવિજ્ઞાન રચી જ ન શકે ! તેનો અર્થ એ નથી કે ધાર્મિકતા એ આ બધા વિષયો જેવી જ અતાર્કિક છે. ખરેખર તો સંશોધનનો મુદ્દો એ હોવો જોઈએ કે વિજ્ઞાન-ટૅકનૉલૉજી આધારિત આધુનિકતાને વરેલા સમાજોમાં શા માટે હજી પણ પવિત્ર ગ્રંથોની અને ગુરુઓની લોકોત્તર તત્વોનો બોધ આપતી વાણીમાં લોકો માની રહ્યા છે ? તેનાં કયાં પ્રેરકબળો છે ? શા માટે લોકો વૈજ્ઞાનિક સમજૂતીઓ ઉપરાંતની અલૌકિક સમજૂતીઓ સ્વીકારવા પ્રેરાય છે ?

લોકો જે માને છે અને જે રીતે વર્તે છે તે માન્યતાના વિષયો કલ્પિત હોય, અસત્ય હોય, અસમર્થિત હોય, ભૂલભરેલા હોય કે તે વર્તનનાં લક્ષ્યો સિદ્ધ થાય તેવાં ન હોય તે અંગેની વાત મનોવિજ્ઞાનીઓએ બાજુએ મૂકીને જ ઘણાં ક્ષેત્રોમાં સંશોધન કરવું જરૂરી બને છે. દા.ત., પૂર્વગ્રહયુક્ત માન્યતાઓ અતાર્કિક હોય છે, સાહિત્ય કે કલાના વિષયો કેવળ કલ્પનાગમ્ય હોય છે, સ્વપ્નોમાં ભાસતા પદાર્થો મિથ્યા હોય છે અને અફવાઓ અસત્ય હોય છે, છતાં પૂર્વગ્રહનો, સાહિત્યકલાનો, સ્વપ્નોનો કે અફવાઓનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ ગંભીરતાથી કરવામાં આવે છે, કારણ કે અવાસ્તવિક, કલ્પિત, અતાર્કિક કે અસત્ય કે અસમર્થિત હોય તેવી બાબતો પણ મનુષ્યના વર્તનને વાસ્તવિક રીતે, વ્યક્તિગત કે સામૂહિક કક્ષાએ પ્રભાવિત કરે જ છે. ધર્મનો પણ દરેક સમાજમાં દરેક ઐતિહાસિક તબક્કે વ્યક્તિઓના અને સમૂહોના માનસ ઉપર વ્યાપક પ્રભાવ પડ્યો છે તે હકીકત છે. તેથી પોતાનો અભ્યાસ તથ્યનિષ્ઠ છે તેવો દાવો કરનારા મનોવિજ્ઞાનીઓ કઈ રીતે આ હકીકતને અવગણી શકે ? મનોવિજ્ઞાનમાં ધર્મવિષયક માન્યતાઓના વિષયોની સત્યતા/અસત્યતા નક્કી કરવાની કોઈ પદ્ધતિ જ નથી. ધર્મનિષ્ઠ વર્તનનાં લક્ષ્યો (જેમ કે મોક્ષ) ખરેખર સિદ્ધ થાય છે કે કેમ તેનો નિશ્ચય કરવાનાં પણ મનોવિજ્ઞાન પાસે કોઈ સાધનો નથી. ધર્મવિષયક અનુભવોનું પ્રામાણ્ય પણ મનોવિજ્ઞાન નિશ્ચિત કરી શકે નહિ. મનોવિજ્ઞાન આવા વિષયો, લક્ષ્યો અને અનુભવોનો કેવળ તથ્યાત્મક અભ્યાસ કરી શકે છે.

ધર્મના અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની જેમ જ ધર્મનો મનોવૈજ્ઞાનિક અવલોકનનિષ્ઠ અભ્યાસ મુખ્યત્વે વર્ણનાત્મક, માપનલક્ષી અને સર્વેક્ષણ સ્વરૂપનો હોય છે. વ્યક્તિની ધાર્મિકતાનાં માપનો માટે મનોવૈજ્ઞાનિક સાધનો (પ્રશ્નાવલિ વગેરે) બનાવવામાં આવે છે અને તેને આધારે વ્યક્તિની ધાર્મિકતાનાં માપનો અને વ્યક્તિના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનાં કે તેનાં મનોવલણોનાં કે તેનાં માનસિક સ્વાસ્થ્ય અંગેનાં માપનો સાથે સહસંબંધ શોધવામાં આવે છે. દા.ત., ઊંચી ધર્મભક્તિવાળા લોકો પ્રમાણમાં વધુ રૂઢિચુસ્ત છે કે ઓછા ઉદાર હોય છે ખરા ? તેઓ વધુ સ્વસ્થ કે ઓછા ચિંતાતુર હોય છે ખરા ? વિવિધ વ્યાવહારિક ક્ષેત્રોમાં તેમનું સમાયોજન કેવું હોય છે ? તેઓ અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દર્શાવે છે કે કેમ ? તેઓ સમાનતામાં માને છે કે ઈશ્વરસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં ઉચ્ચાવચતા હોય તો તે પણ સ્વીકારી લે છે ? આવા અનેક પ્રશ્નો લઈને મનોવૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે. આવાં સંશોધનોમાં ધર્મના વિષયની સત્યતાનો પ્રશ્ન ઉઠાવવામાં આવતો જ નથી. જર્મનીની કોલોન (Colongue) યુનિવર્સિટીના વૉલ્ફગાંગ ઝેગોડઝિન્સ્કી અને શિકાગો તેમજ એરિઝોના યુનિવર્સિટીના એન્ડ્ર્યુ ગ્રીલીએ ધર્મ અંગેના 1991ના ઇન્ટરનૅશનલ સર્વે પ્રોગ્રામની માહિતીનું વિશ્લેષણ કર્યું છે. ધર્મવિષયક આ સર્વેક્ષણમાં પશ્ચિમ જર્મની, પૂર્વ જર્મની, હંગેરી, ઇટલી, આયર્લૅન્ડ, નોર્વે, યુ.એસ., ન્યૂઝીલૅન્ડ, ઇઝરાયલ વગેરે સત્તર દેશોના લોકોના નિદર્શ (sample) લેવામાં આવ્યા હતા. નીચેનાં છ વિધાનો પ્રત્યેના નિદર્શમાં સમાવિષ્ટ લોકોના ઉત્તરો ઉપરથી તેમનું પાકા નિરીશ્વરવાદી (નાસ્તિકો), હળવા નિરીશ્વરવાદીઓ અને અતિહળવા નાસ્તિકો એવું વર્ગીકરણ કરવામાં આવ્યું. એ છ વિધાનો આ પ્રમાણે છે :

(1) હું ઈશ્વરમાં માનતો નથી.

(2) ઈશ્વર છે કે કેમ તે હું જાણતો નથી અને તે જાણવા માટેનો કોઈ માર્ગ પણ નથી.

(3) હું વ્યક્તિસ્વરૂપ ઈશ્વરમાં માનતો નથી પણ કોઈક પ્રકારની શક્તિ(power)માં માનું છું.

(4) હું કેટલીક વાર ઈશ્વરમાં માનું છું તો વળી બીજા કેટલાક પ્રસંગે ઈશ્વરમાં માનતો નથી એવું પણ અનુભવું છું.

(5) જ્યારે મને શંકાઓ ઘેરી વળે છે ત્યારે મને જણાય છે કે હું ઈશ્વરમાં માનું છું.

(6) ઈશ્વર ખરેખર અસ્તિત્વમાં છે તે હું જાણું છું અને મારામાં તે અંગે કોઈ શંકા નથી.

આ સર્વેમાં બીજો એક પ્રશ્ન આ પ્રમાણે હતો :

મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો ? તેમાં ચાર વિકલ્પો દર્શાવાયા હતા :

(1) હા, ચોક્કસ રીતે માનું છું.

(2) હા, સંભવિત છે, કદાચ તેવું હોય.

(3) ના, કદાચ તેવું સંભવિત નથી.

(4) ના, હું નિશ્ચિત રીતે તેમાં નથી માનતો.

ઉપરનાં પ્રથમ છ વિધાનોમાંથી જે પહેલું વિધાન સ્વીકારે, અને પછીનાં ચાર વિધાનોમાંથી જે છેલ્લું વિધાન સ્વીકારે તો પાકા નાસ્તિકો ગણાય. પહેલાં છ વિધાનોમાં જે બીજો વિકલ્પ સ્વીકારે તે અજ્ઞેયવાદી(agnostic) કે અતિહળવા નાસ્તિકો ગણાય. સંશોધનના પરિણામે જાણવા મળ્યું છે કે જુદા જુદા દેશોમાં અતિહળવા નાસ્તિકોથી માંડીને સંપૂર્ણ નાસ્તિકોની ટકાવારી ખૂબ જ ઓછી છે દા.ત., પશ્ચિમ જર્મનીમાં માંડ પાંચ ટકા પાકા નાસ્તિકો છે અને યુ.એસ.માં અજ્ઞેયવાદીઓ ત્રણ ટકા તો સંપૂર્ણ નિરીશ્વરવાદીઓ તો 0.9 % જ છે ! આવાં ઘણાં તારણોનું વિશ્લેષણ કરતાં વિવેચકોને સમજાયું છે કે વિજ્ઞાન-ટૅકનૉલૉજી આધારિત આધુનિકતાના પ્રભાવ હેઠળ વિવિધ પ્રજાના માનસ ઉપર ધર્મનો પ્રભાવ ઘટતો જશે તેવી ધારણા આવાં સર્વેક્ષણોથી ખોટી પડી છે. જોકે પહેલાંના જેવો જ પ્રજાઓ ઉપર તો ધર્મનો સર્વવ્યાપક પ્રભાવ અકબંધ રહ્યો છે તેમ તો કહી શકાય નહિ, કારણ કે આધુનિક વિજ્ઞાને માનવજાતની જેટલી સમસ્યાઓ ઉકેલી છે તેટલી સમસ્યાઓ પહેલાં કદી પણ કોઈ સાધનોથી કે સંસ્થાઓથી ઉકેલાઈ નથી. જુદા જુદા ધર્મોમાં માનતાં રાષ્ટ્રોએ પણ નિરક્ષરતાનિવારણ કે રોગનાબૂદીથી માંડીને પરમાણુ-પરીક્ષણ સુધીની બાબતોમાં આધુનિક વિજ્ઞાનો ઉપર જ આધાર રાખવો પડે છે. કેટલાક સમાજશાસ્ત્રીઓએ આધુનિકતાના ઇહલોકવાદી પ્રભાવ હેઠળ ધર્મનો પ્રભાવ તદ્દન ઘટી જશે એમ કહ્યું હતું પણ તેવું હજી સુધી તો બન્યું નથી એમ પણ જણાયું છે. રાજ્યો દ્વારા જો પ્રજાઓ ઉપર ધર્મવિહીનતા બળજબરીથી લાદવામાં આવી ન હોય તો વ્યક્તિઓ સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા મહદ્અંશે ધાર્મિક વર્તનનો અંગીકાર કરી લે છે. જુદાં જુદાં જૂથોની ધાર્મિકતામાં જે તફાવતો જોવા મળે છે, તે જુદા જુદા સામાજિકીકરણને લીધે જણાય છે.

માપનલક્ષી અભિગમ મનોવિજ્ઞાનમાં અત્યંત આવશ્યક છે તે અંગે કોઈ વિવાદ નથી, પણ કેટલાક મનોવિજ્ઞાનીઓને વ્યક્તિઓ ઉપરના ધર્મના પ્રભાવ અંગેનાં તથ્યાત્મક અવલોકનોને બદલે ખુદ ધર્મના સ્વરૂપનાં મનોવૈજ્ઞાનિક સૈદ્ધાન્તિક અર્થઘટનોમાં વધુ રસ છે. આવા મનોવિજ્ઞાનીઓમાં ફ્રૉઇડ, યુંગ, ઇરિક ફ્રૉમ, અબ્રાહમ મેસલો આદિનો સમાવેશ થાય છે. આવા મનોવિજ્ઞાનીઓ કેટલાક મૂળભૂત પ્રશ્નો ઉઠાવે છે. દા.ત., ધર્મ શું છે ? શું તે એક ભ્રાન્તિ છે ? કોઈક મનોવિકૃતિ છે ? શું તેના વિકલ્પે બીજા કોઈ તંત્રો કે વ્યવહારો તેનું સ્થાન ન લઈ
શકે ? આવા પ્રશ્નો ધર્મો અંગે સૈદ્ધાન્તિક વિચારણાને કેન્દ્રમાં મૂકે છે. દા.ત. ફ્રૉઇડે જેમ સ્વપ્નોનું અર્થઘટન કર્યું તેમ જ ધર્મનું અર્થઘટન કર્યું છે.

વિશ્વના ઉદભવ, સ્વરૂપ અને તેની સંરચના અંગેની ધર્મનિષ્ઠ માન્યતાઓને કૉપરનિકસ, ડાર્વિન અને ફ્રૉઇડે અનેક રીતે આઘાત પહોંચાડ્યો છે. ધર્મની માર્કસે અફીણ સાથે તુલના કરી અને ફ્રૉઇડે ધર્મને માનસિક નબળાઈ કે બીમારી તરીકે સમજાવ્યો છે. પહેલાં મનોદબાણ (obsession) તરીકે, પછી ઇચ્છાતૃપ્તિ તરીકે અને છેલ્લે ભ્રાન્તિ તરીકે તેમજ દમન પામેલી અચેતન સામગ્રીના પુનરાગમન તરીકે ફ્રૉઇડે ધર્મની સમજૂતી આપી છે. વ્યક્તિઓ ધાર્મિક વિધિ અને ક્રિયાકાંડના યંત્રવત્ પુનરાવર્તનથી પોતાના અપરાધભાવ(guilt)ને ઘટાડવાનો પ્રયત્ન કરે છે તેવું ફ્રૉઇડે સમજાવ્યું છે. આમ, તેમના મતે ધર્મ એક ‘ન્યુરોસિસ’ છે. ફ્રૉઇડ પ્રમાણે જીવનની કઠોર વાસ્તવિકતાનાં દબાણો અને સંઘર્ષોને પહોંચી વળવા માટે પુખ્ત વ્યક્તિઓને પણ પિતાસ્વરૂપ ઈશ્વરની કલ્પનાનો આશ્રય લેવો પડે છે. તેમાંથી તેમને સલામતી અને હૂંફ મળે છે. ફ્રૉઇડ પ્રમાણે ઈશ્વર વગેરે અંગેની ધાર્મિક માન્યતાઓને કોઈ વાસ્તવિક પુરાવાઓનું તાર્કિક સમર્થન નથી મળતું. તેથી જ, તેનો વિષય કેવળ કાલ્પનિક ઇચ્છાતૃપ્તિ તરીકે જ પ્રવર્તે છે. એટલે ધર્મ એક ‘ન્યુરોસિસ’ પ્રકારની માનસિક અવદશા છે તે ભ્રાન્તિની સ્થિતિ છે, તેમાં માનનારાઓ માનવજાતની બાલ્યાવસ્થાના અવશેષો હજી છોડતા નથી. રોમન કૅથલિક ચર્ચે ફ્રૉઇડના મનોવિશ્ર્લેષણનો ભૌતિકવાદ, પ્રકૃતિવાદ, જીવવિજ્ઞાનવાદ, યંત્રવાદ, ઉત્ક્રાંતિવાદ વગેરે જેવાં ચૌદ કારણોસર અસ્વીકાર કર્યો છે. જોકે ઘણા મનોવિજ્ઞાનીઓ ફ્રૉઇડનો ધર્મવિષયક મત આમ પણ સ્વીકારતા નથી. જેમ કે, કાર્લ યુંગ, ઇરિક ફ્રોમ, અબ્રાહમ મેસલો વગેરે. દા.ત., કર્મકાંડ અને ધાર્મિક પ્રવિધિઓ સંપૂર્ણ રીતે અતાર્કિક છે તેવું ફ્રોમ સ્વીકારતા નથી. તે જ રીતે, ફ્રોમ મનોવિશ્ર્લેષણ અને ધર્મ વચ્ચે ફ્રૉઇડે કલ્પેલો આત્યંતિક વિરોધ સ્વીકારતા નથી. આધ્યાત્મિક અનુભવોમાં જે વિષય નિરૂપાયો છે તેની સત્યતા/અસત્યતા નક્કી કરવા માટે મનોવિજ્ઞાન પાસે કોઈ પદ્ધતિ નથી, પણ તેથી આવા અનુભવો કેવળ ભ્રાન્તિ સ્વરૂપના છે કે માનસિક નબળાઈનાં લક્ષણોરૂપ છે તેવું સ્વીકારવા પણ ઘણા મનોવિજ્ઞાનીઓ તૈયાર નથી. વૈયક્તિક ધાર્મિક-આધ્યાત્મિક અનુભવોને પણ વ્યક્તિઓ પોતાની ધર્મ-પરંપરાની પરિભાષામાં વ્યક્ત કરે છે. માનસિક સારવારના ક્ષેત્રે પણ પ્રાર્થના, પૂજા, ભક્તિ, સત્સંગ, ધાર્મિક પ્રસંગોની ઉજવણીઓ વગેરેનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. જોકે, વ્યક્તિની ચિંતા ઘટાડવાના એક સાધન તરીકે કે શારીરિક-માનસિક ઉપચારમાં ઉપકારક નીવડે છે માટે જ ધર્મને સ્વીકારવો અને કોઈ પારલૌકિક તત્ત્વ સાથેના અનુસંધાન માટેના પ્રયત્ન કે માર્ગ તરીકે તેનો સ્વીકાર કરવો એ બંને જુદી બાબતો છે. ધર્મનો વિષય ભ્રાન્તિરૂપ હોય તોપણ ધર્મનું મનોવિજ્ઞાન શક્ય છે કારણ કે ભ્રાન્તિનું મનોવિજ્ઞાન શક્ય છે.

ઇતિહાસ, રાજ્યવિષયક સમાજશાસ્ત્ર, સંસ્થાઓનું સમાજશાસ્ત્ર અને સામૂહિક ધાર્મિક વર્તનનું સમાજલક્ષી મનોવિજ્ઞાન – એમ અનેક રીતે ધર્મનો અભ્યાસ થાય છે. મનોવિજ્ઞાનમાં તો ધર્મસંલગ્ન એવી વ્યક્તિગત માનસિક અને વર્તનપરક ઘટનાઓનો જ અભ્યાસ થાય છે. ઐતિહાસિક સંજોગોને અધીન એવાં ધર્મનાં સંસ્થાસ્વરૂપોને લીધે ઉદભવતા સામાજિક સ્થગિતતાના, સંઘર્ષોના, પ્રગતિબાધકતાના અને ધર્મ સાથે જોડાઈ જતી વ્યક્તિની રાજકીય, સામાજિક-સાંસ્કૃતિક સ્વ-ઓળખને લીધે ઉદભવતા રૂઢિચુસ્તતા, ધર્મજડતા અને ટોળાશાહી અસહિષ્ણુતાના પ્રશ્નો તો મુખ્યત્વે સમાજશાસ્ત્રીય પ્રશ્નો છે, મનોવિજ્ઞાનમાં તો ધર્મસંલગ્ન એવી વ્યક્તિ પરત્વે બોધાત્મક, આવેગાત્મક અને વર્તનપરક બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે છે. જે તાર્કિક રીતે સિદ્ધ ન હોય અથવા તો તે સિદ્ધ થઈ શકે છે કે કેમ તેને અંગે જાણવાની કોઈ અવલોકનનિષ્ઠ પદ્ધતિઓ ન હોય તેવી ઘણી બાબતોમાં લોકો ઘણાંબધાં મનોવૈજ્ઞાનિક કારણોસર માનતા હોય છે. તેથી બીજાં ક્ષેત્રોની જેમ ધાર્મિક ક્ષેત્રોમાં પણ ધર્માનુસરણના તાર્કિક નહિ પણ મનોવૈજ્ઞાનિક કારણો શોધવામાં આવે છે. ધર્મને અનુસરીને ઊંચી નૈતિક ભૂમિકા સિદ્ધ કરવાના પ્રયત્નોને પ્રબલન મળે અને ધર્મ દ્વારા જુદા જુદા પૂર્વગ્રહો અને વિભાજનવાદી વલણો પોષાય નહિ તેવું વ્યક્તિનું સામાજિકીકરણ ઇષ્ટ છે, એવો મૂલ્ય-નિર્ણય જરૂરી છે. છેલ્લાં દશેક વર્ષમાં આ અંગેના સાહિત્યમાં વ્યૂલ્ફ(Wulff)નું પુસ્તક ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજિન’ (1991) તેમજ પેરગેમેન્ટ- (Pargament)નું પુસ્તક ‘ધ સાઇકૉલોજી ઑવ્ રિલિજસ કૉપિંગ’ (1997) ઘણાં ઉપયોગી નીવડ્યાં છે. એક અગ્રણી સંશોધક અને ચિંતક માઇકિયેલ નીલસન(અમેરિકાની જ્યૉર્જિયાના સધર્ન યુનિવર્સિટીના અધ્યાપક)નું ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજન’ (1994) પણ આ ક્ષેત્રમાં એક આગવું પ્રદાન ગણાય છે. ધર્મ અંગેના સંશોધનલેખો, ‘ધ જર્નલ ઑવ્ ધ સાયન્ટિફિક સ્ટડી ઑવ્ રિલીજન’, ‘રિવ્યૂ ઑવ્ રિલિજસ રિસર્ચ’ તેમજ ‘ઇન્ટરનૅશનલ જર્નલ ઑવ્ સાઇકૉલોજી ઑવ્ રિલિજન’માં પ્રકાશિત થાય છે.

મધુસૂદન બક્ષી

શૈક્ષણિક મનોવિજ્ઞાન

મનોવિજ્ઞાનની અનેક શાખાઓમાંની એક શાખા શૈક્ષણિક મનોવિજ્ઞાન છે. તેમાં મનોવિજ્ઞાનના સિદ્ધાન્તો તથા નિયમો શૈક્ષણિક પ્રક્રિયાઓ(educational processes)ને લાગુ પાડવામાં આવે છે. અહીં શિક્ષણને તેના વિશાળ અર્થમાં સમજવામાં આવે છે. શિક્ષણ માણસના જન્મથી માંડી મૃત્યુપર્યંત દર પળે ચાલતું રહે છે.

બાળપણમાં બાળક ચાલતાં તથા બોલતાં શીખે છે. મા-બાપ પાસેથી તે તેની ભાષા, બોલી કે લઢણો શીખે છે. બાળક જ્યારે શાળાએ જાય છે ત્યારે શાળાના પર્યાવરણમાંથી તથા શિક્ષકો પાસેથી વિવિધ વિષયોનું જ્ઞાન મેળવે છે. તેમના વિચારો, માન્યતાઓ, હાવભાવ વગેરેનું અનુકરણ કરે છે. તે પોતાના વિશાળ વાતાવરણમાંથી પણ ઘણું શીખે છે અને મા-બાપ તથા શિક્ષકો પાસેથી શીખેલી બાબતોમાં કેટલાક ફેરફારો કરે છે. મોટી થતાં વ્યક્તિ અનેક મનુષ્યોના સંપર્કમાં આવે છે અને તેમની પાસેથી પણ તે પહેરવેશ, રીતરિવાજો, માન્યતાઓ, બોલી વગેરે અનેક બાબતો અંગે કંઈક ને કંઈક ગ્રહણ કરે છે. નોકરી-ધંધામાં લાગે ત્યારે તે અંગેનું જ્ઞાન મેળવવા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શિસ્ત પણ તે શીખે છે. પોતાનાં બાળકો, પુત્રવધૂ તથા જમાઈઓ તેમજ પૌત્રો, પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓ પાસેથી પણ માણસ કંઈક ને કંઈક શીખતો રહે છે. તથા તેમની સાથેની આંતરક્રિયાઓ(interaction)માંથી પણ કંઈક બોધ ગ્રહણ કરે છે.

વળી સમૂહમાધ્યમો જેવાં કે છાપાંઓ, સામયિકો, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો, નાટકો વગેરેમાંથી પણ તે ઘણું શીખે છે. આમ મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી કંઈક ને કંઈક શીખતો રહે છે. આ સર્વ શૈક્ષણિક ક્રિયાઓ મનોવિજ્ઞાનના સિદ્ધાન્તો અને નિયમો અનુસાર વિકસે છે અને તેથી તે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ બને છે.

શૈક્ષણિક મનોવિજ્ઞાનના વિષયવસ્તુમાં તેથી બાળકના શારીરિક વિકાસ, ભાવાત્મક વિકાસ, ભાષાવિકાસ, વ્યક્તિત્વના વિવિધ અંશોના વિકાસ, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના ભેદ – વૈયક્તિક ભેદ (individual differences), શાળાના વિવિધ વિષયોના શિક્ષણની પદ્ધતિઓ, શીખવાની પ્રક્રિયા (learning) અને તેને ઝડપી બનાવનાર તત્વો, બાળકોનાં વર્તનની સમસ્યાઓ, સમૂહમાં તેના વર્તન, માર્ગદર્શન, સામૂહિક માધ્યમો દ્વારા થતા શિક્ષણ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

શૈક્ષણિક મનોવિજ્ઞાનની શરૂઆત ઘણા મનોવિજ્ઞાનીઓને આભારી છે. પરંતુ તેમાં એડવર્ડ એલ. થૉર્નડાઇક(1874–1944)નો ફાળો મહત્વનો છે. વળી સ્વિટ્ઝર્લૅન્ડના મહાન શિક્ષક પેસ્ટાલૉઝીનું સ્થાન પણ અગત્યનું ગણાય, કેમ કે તે પહેલી વ્યક્તિ હતા જેણે કહ્યું હતું, ‘હું શિક્ષણમાં મનોવિજ્ઞાનને પ્રયોજીશ (I will psychologize education).’ ત્યારથી અનેક મનોવિજ્ઞાનીઓએ શિક્ષણના ક્ષેત્રમાં પ્રયોગો કરી સામાન્ય મનોવિજ્ઞાન તથા શૈક્ષણિક મનોવિજ્ઞાન એમ બંને ક્ષેત્રે નવી નવી પ્રણાલીઓ ઊભી કરી છે.

શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ સામાન્ય મનોવિજ્ઞાનની પદ્ધતિઓ જેવી જ છે, એટલે કે તેમાં પણ અંતર્દર્શન (introspection), અવલોકન (observation) તથા આંતરક્રિયાઓ (interaction) છે. તેમાં આંકડાશાસ્ત્રનો ઉમેરો થતાં શૈક્ષણિક આંકડાશાસ્ત્ર એક વિભાગ બની ગયો છે, જેનો ઉપયોગ મનોવૈજ્ઞાનિક કસોટીઓ તથા સંશોધનિકાઓ(inventories)માં અને વિવિધ વિષયોની પરીક્ષાઓમાં થાય છે.

કૃષ્ણકાંત ગો. દેસાઈ

શાળાકીય મનોવિજ્ઞાન

શાળાકીય મનોવિજ્ઞાન(school psychology)નો સંબંધ શાળાઓમાં થતા શિક્ષણ સાથે છે અને તે શૈક્ષણિક મનોવિજ્ઞાનની એક પેટા શાખા છે. બાળક નાનું હોય ત્યારે પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે, જ્યાં તેને શિક્ષકો વિવિધ વિષયો અંગે શિક્ષણ આપે છે. તે ઉપરાંત તે સહઅભ્યાસક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. જેથી તે રમતો, વાદવિવાદો, પ્રદર્શનો, ક્ષેત્ર-મુલાકાતો અંગે શિક્ષણ મેળવે છે. ઉપરાંત શાળાઓમાં એક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ હોય છે, જેમાંથી તે પોતાના વ્યક્તિત્વના વિવિધ અંશોનો વિકાસ સાધે છે.

શિક્ષકોએ બાળકોના શારીરિક વિકાસ, ભાવાત્મક વિકાસ, ભાષાવિકાસ તથા વ્યક્તિત્વના વિવિધ અંશોના વિકાસનું જ્ઞાન પણ મેળવવું જરૂરી બને છે, કેમ કે બાળકની શીખવાની શક્તિનો ઘણો આધાર તેના વિવિધ પ્રકારના વિકાસો પર નિર્ભર રહે છે.

શીખવાની પ્રક્રિયા (learning process) એ શાળા મનોવિજ્ઞાનનો કેન્દ્રીય વિષય છે. તેમાં ઉત્પ્રેરણ(motivation)નો ઘણો મોટો હિસ્સો છે. બાળકને જો શીખવાની વસ્તુ અંગે ઉત્પ્રેરણ થાય તો શીખવાની પ્રક્રિયા ત્વરિત બને છે. અન્યથા શિક્ષકના મોટાભાગના પ્રયત્નો વ્યર્થ જાય છે.

શિક્ષકો જ્યારે વિવિધ વિષયો શીખવે છે ત્યારે તે દરેક વિષયની અનેક શિક્ષણપદ્ધતિઓને પ્રયોજી જુએ છે. ઉપરાંત સર્વ વિષયોની શિક્ષણપદ્ધતિઓમાં કેટલાંક સામાન્ય તત્વો હોય છે. આ સર્વની ચકાસણી માટે પરીક્ષાઓ અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ તથા સિદ્ધિ કસોટીઓનો ઉપયોગ થાય છે. આ બધાંમાં આંકડાશાસ્ત્રનો ખૂબ ઉપયોગ થાય છે.

શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિસ્ત પાળતાં શીખવવાનું હોય છે. વળી ઘણા વિદ્યાર્થીઓમાં વિવિધ પ્રકારની વર્તનસમસ્યાઓ ઊભી થાય છે. તેથી તેમના ઉકેલ માટે શિક્ષકોએ માર્ગદર્શનની વ્યવસ્થા કરવી પડે છે. જ્યારે વિદ્યાર્થી મોટો થઈ કૉલેજમાં જાય છે ત્યારે તેણે ઘણા વિષયો ઝડપથી પોતાની જાતે શીખી લેવા પડે છે, એટલે કે સ્વયંશિક્ષણ દ્વારા ઘણો અભ્યાસ કરવાનો હોય છે.

વિદ્યાર્થીઓના વૈયક્તિક ભેદો (individual differences) જાણવા તથા તેમનું માપન કરવા મનોવૈજ્ઞાનિક માપનનું એક મોટું ક્ષેત્ર ઊભું થયું છે, જેમાં પ્રચુર માત્રામાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. અવયવ પૃથક્કરણ (factor analysis) જેવા આંકડાશાસ્ત્રનો ઉદભવ શાળા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાંથી મહદ્અંશે થયો છે.

ઔપચારિક શિક્ષણ (formal education) સાથે વિદ્યાર્થીઓએ અનૌપચારિક શિક્ષણના અનેક માર્ગ શાળામાં અપનાવવા પડે છે. તે રમતો, ચર્ચાવિવાદો, પ્રદર્શનો, શૈક્ષણિક સ્થળોની મુલાકાતો વગેરેમાં પણ શાળા દરમિયાન ભાગ લે છે. એટલે ઔપચારિક તેમજ અનૌપચારિક (non formal education) એમ બંને પ્રકારનાં શિક્ષણનો સમાવેશ શાળા મનોવિજ્ઞાનમાં થાય છે.

શિક્ષકોની તાલીમી સંસ્થાઓમાં શાળા મનોવિજ્ઞાનની સર્વ બાબતો અંગે શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષકોને તેમનાથી સજ્જ કરવામાં આવે છે. અમેરિકા જેવા પ્રગતિશીલ દેશોમાં શાળામનોવિજ્ઞાની(school psychologist)ની નિમણૂક કરેલી હોય છે. તે વિદ્યાર્થીઓના વૈયક્તિક ભેદોનું માપન કરે છે તથા તેમના અભ્યાસની કચાશ તથા વર્તન સમસ્યાઓના નિકાલ માટે માર્ગદર્શન આપે છે.

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન (environmental psychology) એ વર્તન અને ભૌતિક પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની એક શાખા છે. ‘ભૌતિક પર્યાવરણ’ એ શબ્દ દ્વારા ‘કુદરતી’ (un-built or natural) અને ‘માનવનિર્મિત’ (built or man-made) એમ બંને પ્રકારનાં પર્યાવરણનો નિર્દેશ થાય છે. ‘કુદરતી પર્યાવરણ’માં ઘોંઘાટ, વિવિધ હવામાન-તાપમાન, પર્યાવરણનાં ઝેરી તત્વો, પ્રદૂષણ, કુદરતી આપત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે અને ‘માનવનિર્મિત પર્યાવરણ’માં વાહનવ્યવહાર તથા સંદેશા-વ્યવહારનાં સાધનો, બહુમાળી ઇમારતો, કારખાનાં, મિલ, પાવર સ્ટેશનો, અણુવિદ્યુત મથકો, બંધો, પુલ, નહેરો વગેરેનો સમાવેશ થાય છે. ‘વર્તન’ શબ્દ દ્વારા માનવીની પ્રગટ અને પ્રચ્છન્ન ક્રિયાઓ, પ્રત્યક્ષીકરણ, બોધન, વિચાર, લાગણી, આવેગ વગેરેનો નિર્દેશ થાય છે. આ ક્ષેત્રમાં સંશોધન કરનારા મનોવૈજ્ઞાનિકોને ‘પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો, (environmental psychologists) કહેવાય છે.

1970ની આસપાસના સમય દરમિયાન કેટલાક મનોવૈજ્ઞાનિકોએ કુદરતી પર્યાવરણની પરિસ્થિતિઓ જેવી કે ગરમી-ઠંડી, પ્રકાશ, અવકાશ (space), ઘોંઘાટ વગેરેની માનવીના કાર્ય તેમજ કાર્યક્ષમતા ઉપર થતી અસરોને લગતાં સંશોધનો કર્યાં. પ્રોશેન્સ્કી, ઇટ્ટલસન અને રીવલીન (1970), સોમર (1969), કેપ્લન (1972) વગેરે સંશોધકોએ માનવનિર્મિત પર્યાવરણની વર્તન પર થતી અસરોને લગતાં સંશોધનો કર્યાં. બેલ, ફીશર અને લુમિસ (1978) વગેરે સંશોધકોએ પણ કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણ અને વર્તન વચ્ચેના આંતરસંબંધોને લગતા અભ્યાસો કર્યા. આ સંશોધનોના આધારે ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એ માનવવર્તન અને કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરે છે’ એવી વ્યાખ્યા પ્રચલિત બની. આ જ સમય દરમિયાન ન્યૂયૉર્ક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન’નો સમાવેશ થયો. આ રીતે મનોવિજ્ઞાનની એક વ્યવસ્થિત શાખા તરીકે 1970માં ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન’નો ઉદભવ થયો.

પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધો અતૂટ એકમો છે. આ શાખામાં પર્યાવરણના ઉદ્દીપકો પ્રત્યેની વ્યક્તિગત પ્રતિક્રિયાઓને નહિ પણ કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણ અને વર્તન વચ્ચેના સમગ્રતાલક્ષી સંબંધ(molar relationship)ના અભ્યાસને મહત્વ અપાય છે. પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધો પારસ્પરિક છે. એટલે કે કુદરતી પર્યાવરણની પરિસ્થિતિઓ માનવીના વર્તન ઉપર સતત અસર કરે છે અને માનવી આ કુદરતી પર્યાવરણનો આધાર લઈને ‘માનવનિર્મિત પર્યાવરણ’નું નિર્માણ કરે છે. આ માનવનિર્મિત પર્યાવરણ માનવીને ઉપયોગી બનવાની સાથે સાથે અનેક સમસ્યાઓ પણ સર્જે છે; જેમ કે વાહનવ્યવહારનાં સાધનો, કારખાનાં, મિલ, પાવર સ્ટેશનો, અણુવિદ્યુતકેન્દ્રો વગેરે દ્વારા ફેલાતું પ્રદૂષણ કુદરતી પર્યાવરણમાં અસંતુલન પેદા કરે છે. આ રીતે પર્યાવરણ અને વર્તન વચ્ચેના આંતરસંબંધો પારસ્પરિક છે અને પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન આ પારસ્પરિક સંબંધનો અભ્યાસ સમગ્રતાલક્ષી ર્દષ્ટિબિંદુથી કરે છે.

પર્યાવરણ અને વર્તનની પારસ્પરિક અસરો તપાસવા માટેનાં સંશોધનોના કેન્દ્રમાં કોઈક વ્યાવહારિક સમસ્યા હોય છે અને સંશોધનનો હેતુ આ સમસ્યાના નિરાકરણનો હોય છે. તેથી આવાં સંશોધનો મોટેભાગે પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિમાં નહિ પણ વાસ્તવિક-કુદરતી પરિસ્થિતિમાં કરવામાં આવે છે અને તે સંશોધનોનાં પરિણામોનો ઉપયોગ જે તે વ્યાવહારિક સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવે છે. આમ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ અને સિદ્ધાંતો મૂળભૂત રીતે વ્યાવહારિક સંશોધનો(applied research)માંથી નીપજ્યાં છે. ગ્લાસ અને સિંગર (1972), કોહેન તથા અન્ય સંશોધકો (1980) વગેરેએ કરેલાં સંશોધનો દર્શાવે છે કે પ્રયોગશાળામાં કરેલાં સંશોધનો કરતાં વાસ્તવિક-કુદરતી પરિસ્થિતિમાં કરેલાં સંશોધનો વધુ વિશ્વસનીય અને યથાર્થ પરિણામો આપી શકે છે. જોકે પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિમાં કરેલાં સંશોધનોનો હેતુ તો વ્યાવહારિક સમસ્યાના નિરાકરણનો જ હોય છે.

પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધોનો અભ્યાસ કરવા માટે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ જેવી કે સમાજલક્ષી મનોવિજ્ઞાન, વ્યાવહારિક મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન વગેરેના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય સામાજિક વિજ્ઞાનો જેવાં કે નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સ્થાપત્યકલા વગેરેની માહિતી અને જ્ઞાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આમ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ આંતર વિદ્યાશાખાકીય (interdisciplinary) છે. આ વિવિધ સિદ્ધાંતોના ઊંડા અભ્યાસ પરથી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન પોતાના સિદ્ધાંતો તારવનારું એવું સારગ્રાહી પદ્ધતિતંત્ર (eclectic methodology) અપનાવે છે.

પર્યાવરણ અને વર્તનના પારસ્પરિક સંબંધના અભ્યાસ માટે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે પ્રયોગ પદ્ધતિ, સહસંબંધ અને વર્ણનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સંશોધન માટે બે રીતોનો ઉપયોગ થાય છે : (1) વ્યક્તિને ખબર હોય કે તેનો અભ્યાસ થઈ રહ્યો છે. આ પ્રકારની પદ્ધતિમાં મુલાકાત અને પ્રશ્નાવલિનો ઉપયોગ થાય છે. 1968માં બાર્કરે જુદા જુદા પરિવેશમાં વર્તનની લાક્ષણિકતાઓ તપાસવા માટેના સંશોધનમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. (2) વ્યક્તિને ખબર ન હોય કે તે આ સંશોધનનો એક ભાગ છે. 1971માં બીકમને કરેલા મદદરૂપ વર્તન અંગેના સંશોધનમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

પર્યાવરણની વર્તન ઉપરની અસરોને તપાસવા માટેનો એક અભિગમ પર્યાવરણના ભાર(environmental load)ના સંદર્ભમાં વર્તનને સમજવાનો છે. પર્યાવરણની પરિસ્થિતિઓનું માનવી જે રીતે પ્રત્યક્ષીકરણ કરે છે તે સંદર્ભમાં માનવી પર્યાવરણનો અતિભાર (over load), અલ્પભાર (underload) અથવા અનુકૂળ ભારની સ્થિતિ (optimum level) અનુભવે છે. જો માનવી પોતાની સહનશક્તિ કરતાં વધુ માત્રામાં ભાર અનુભવે તો તે અતિભારની સ્થિતિ કહેવાય. શહેરી જીવનશૈલી, તેમજ ભીડ અને ગીચતાની સમસ્યાઓ પર્યાવરણના અતિભારના સંદર્ભમાં સમજાવી શકાય. જો પર્યાવરણની પરિસ્થિતિઓ માનવીમાં વર્તનની કોઈ ઉત્તેજના જન્માવી શકે નહિ એટલી ઓછી માત્રામાં ભાર હોય ત્યારે અલ્પભાર કહેવાય. માનવીની એકધારી પ્રવૃત્તિ, નીરસ જીવન, અને એકલતાની અસરોને અલ્પભારના સંદર્ભમાં સમજાવી શકાય. અતિભાર માનવીમાં તનાવ (stress) ઉત્પન્ન કરે છે. જ્યારે અલ્પભાર તીવ્ર ચિંતાનો અનુભવ કરાવે છે. આમ આ બંને પરિસ્થિતિઓ માનવી માટે હાનિકારક છે. માનવી જ્યારે પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને વર્તે છે ત્યારે અનુકૂળ ભાર (optimum level) કહેવાય છે. આવી અનુકૂળ ભારની સ્થિતિમાં માનવી કોઈ પ્રકારનો તણાવ કે ચિંતા અનુભવ્યા વિના સાધારણ પ્રતિક્રિયાઓ કરી શકે છે.

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસક્રમમાં મુખ્યત્વે (1) પર્યાવરણની પરિસ્થિતિઓ અને તેની સાથેની આંતરક્રિયાનાં પાસાંઓ; (2) પર્યાવરણનું પ્રત્યક્ષીકરણ અને બોધન; (3) વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ જેવી કે ઘોંઘાટ, હવામાન-તાપમાન, કુદરતી આપત્તિઓ, પ્રદૂષણ, વ્યક્તિગત અવકાશ, ભીડ અને ગીચતા વગેરેની વર્તન પર થતી અસરો; (4) પર્યાવરણની વાર્તનિક અસરો અને ઇચ્છિત વર્તન નિપજાવવા માટે વાતાવરણની તરેહો, (5) બદલાતા પર્યાવરણને લગતાં બોધનો, પ્રત્યક્ષીકરણ અને વર્તન તેમજ (6) પર્યાવરણમાં ફેરફાર અને જાળવણી વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કુદરતી પર્યાવરણની સમતુલામાં મનુષ્યની દખલગીરીથી પર્યાવરણ દૂષિત બને છે ત્યારે વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ ઉદભવે છે. પર્યાવરણને દૂષિત બનાવવું એટલે પ્રદૂષણ સર્જવું. માનવનિર્મિત પ્રવૃત્તિઓથી ઘોંઘાટ, હવા, પાણી, ભૂમિ વગેરેને લગતાં પ્રદૂષણો અત્યારે ચિંતાનો વિષય બન્યાં છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન આ સંદર્ભમાં ઘોંઘાટ, હવામાન-તાપમાન, ભૂમિ, માનવવસ્તી વગેરેનો અભ્યાસ કરે છે.

હવાના પ્રદૂષણ માટે ઘરવપરાશમાં, વ્યાપારી ધોરણે તથા ઉદ્યોગોમાં વપરાતું બળતણ વગેરે જવાબદાર છે. હવામાં ઊડતા રજકણો, મિલો, કારખાનાં, ચૂનાની ભઠ્ઠી, સિરામિકનાં કારખાનાં તેમજ અન્ય અસંખ્ય કારખાનાંઓ જવાબદાર છે. જેના કાર્બનકણો હવામાં ભળે છે, જે સૂર્યપ્રકાશ ઘટાડે છે. માનવી શ્વસનતંત્રના રોગોનો ભોગ બને છે, રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય બગડે છે.

જળપ્રદૂષણ માટે ગંદા વસવાટોનું બહાર ફેંકાતું પાણી, રંગ-રસાયણોનાં કારખાનાં, રાસાયણિક ખાતરો તેમજ કારખાનાંઓનાં ગંદાં અને ઝેરી પાણીનો નિકાલ વગેરે જવાબદાર છે. આ બધું ગંદું પાણી જળાશયોનાં સ્વચ્છ પાણીમાં ભળે છે અને તેને દૂષિત કરે છે. આ પાણી પીવામાં આવે એટલે પાચનતંત્રના અને ચામડીના રોગો થાય છે.

ઘોંઘાટ એટલે અરુચિકર, અસહ્ય અને ન ગમતો અવાજ. ઘોંઘાટનું પ્રદૂષણ વિવિધ પ્રકારનાં વાહનો, કારખાનાનાં યંત્રો, જેટ વિમાન વગેરેના અસહ્ય અવાજથી ફેલાય છે. અવાજની તીવ્રતાશક્તિ માપવા માટેના ખાસ એકમને ડેસિબલ (DB) કહેવાય છે. સામાન્ય રીતે 30 DB સુધીનો અવાજ સાંભળવો ગમે છે. આશરે 80 DBનો અવાજ માણસને અકળાવે છે. અને તેથીયે વધારે તીવ્રતાવાળો અવાજ માનવીના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરે છે. માનવનિર્મિત પર્યાવરણથી ઘોંઘાટનું પ્રદૂષણ ભયંકર રીતે ફેલાયું છે જે માનવીના સમગ્ર જ્ઞાનતંત્રને અસર કરે છે. કાર્યક્ષમતા ઘટે છે, સાંભળવાની ક્ષમતા ઘટે છે, નિર્ણયશક્તિ ઘટે છે – આ બધું અન્ય મનોદૈહિક બીમારીઓનું કારણ બન્યું છે. આમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જોખમાય છે.

ભૂમિપ્રદૂષણ પણ માનવીને અનેક રીતે નુકસાનકારક છે. જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં બિનજરૂરી ફેરફારોથી જમીનની ગુણવત્તા અને ઉપયોગિતા નષ્ટ થાય એવા પ્રદૂષણને ભૂમિ કે જમીનનું પ્રદૂષણ કહેવાય. ભૂમિપ્રદૂષણ માટે વિનાશક વાવાઝોડું, વરસાદનું પાણી, વિનાશક પૂર, હિમપ્રપાત, જ્વાળામુખીનો વિસ્ફોટ વગેરે જેવી કુદરતી ઘટનાઓ તો જવાબદાર છે જ, પણ એથીયે અનેકગણું વધારે માનવનિર્મિત પર્યાવરણ જવાબદાર છે. જેમ કે રસ્તા, રેલમાર્ગ, જળાશયો અને બંધો માટે આડેધડ જમીનનું ખોદકામ, જંતુનાશકો, રાસાયણિક ખાતરો વગેરેનો ઉપયોગ, આ બધાંથી ભૂમિ-પ્રદૂષણનો વ્યાપ વધતો ગયો છે.

પ્રદૂષણની વિનાશક અસર હવામાન-તાપમાન ઉપર પણ થઈ છે. માનવનિર્મિત પ્રદૂષણને કારણે જ પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે. ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. ઋતુચક્ર પણ અનિયમિત બની ગયું છે. 11° સે.થી નીચું અને 32° સે.થી ઊંચું તાપમાન માનવી અને પ્રાણી ઉપર ઘાતક અસરો પેદા કરે છે અને તનાવ સર્જે છે. ઔદ્યોગિક ક્રાન્તિ માટે ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રયાસો પણ વિનાશક સાબિત થયા છે. આ ઉપરાંત પૃથ્વીની આસપાસ અવકાશમાં હાલ ખૂબ જ ઉપગ્રહોનો ભરાવો થઈ ગયો છે. આ ઉપગ્રહોનો ભંગાર તેમજ અવકાશયાત્રીઓએ ઠાલવેલો કચરો અવકાશીય (spatial) પ્રદૂષણ સર્જે છે. માનવવસ્તીમાં થતા ઝડપી વધારાથી ભીડ અને ગીચતા જેવી સમસ્યાઓ સર્જાઈ છે, જેનાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે. વિશ્વબૅંકનો 1990નો હેવાલ જણાવે છે કે, ‘વિકાસગામી દેશોના સંપૂર્ણ ગરીબ એવા એક અબજથી પણ વધુ લોકો પર્યાવરણમાં પ્રમાણ બહારનો બગાડ સર્જે છે.’ માનવસંખ્યામાં થતો ઝડપી વધારો માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે પાણી, સેનિટેશન, ખોરાક, ઊર્જા, રહેઠાણ, તેમજ મોકળાશભરી જગ્યાની ભારે ખેંચ અને તંગી સર્જે છે. યુનોના પૉપ્યુલેશન ફંડના વિશ્વ-વસ્તી વિશેના 1990ના હેવાલમાં દર્શાવાયું છે કે ‘પર્યાવરણમાં બગાડ સર્જવા માટે જો કોઈ મહત્ત્વનું જવાબદાર પરિબળ હોય તો તે માનવવસ્તી છે. આપણે જો પર્યાવરણની જાળવણી નહિ કરીએ તો આપણાં બાળકોને ઝેરનો વારસો આપી જવાનો રહેશે.’

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં પણ પર્યાવરણમાં ફેરફાર અને જાળવણી વિશેનો અભ્યાસ તેમજ સૂચનો કરવામાં આવે છે. સંશોધકો વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ અને વ્યક્તિ પોતાના અવકાશનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનો અભ્યાસ કરીને નવી ઇમારતોની તરેહો રચવા માટેનાં સૂચનો કરે છે. ભીડ અને ગીચતા વ્યક્તિમાં ક્યારેક તનાવ (stress) જેવી નકારાત્મક પ્રતિક્રિયાઓ નિપજાવે છે તો કેટલાક સંજોગોમાં હૂંફ અને વ્યક્તિગત આનંદની લાગણી જન્માવે છે. આવી વિવિધ અસરોનો અભ્યાસ મનોવિજ્ઞાનની આ શાખામાં કરવામાં આવે છે. એ રીતે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક રસપ્રદ અને વ્યવહારુ શાખા છે. તેમાં સંશોધનો તેમજ તેના વ્યાવહારિક અમલીકરણને ઘણો અવકાશ છે.

પર્યાવરણને નજર સમક્ષ રાખીને સજીવો અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છેલ્લા એકાદ સૈકા દરમિયાન અસ્તિત્વમાં આવ્યું છે, જે પરિસ્થિતિવિજ્ઞાન (ecology) તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રે 1968માં આર. જી. બાર્કરે સજીવો (living organism) અને પર્યાવરણના પારસ્પરિક સંબંધને તપાસતાં અનેક સંશોધનો કર્યાં. તેમણે પોતાના આ કાર્યને ‘પરિસ્થિતિવિજ્ઞાનલક્ષી મનોવિજ્ઞાન’ (ecological psychology) એવું નામ આપ્યું. બાર્કરનાં સંશોધનો ‘વર્તન પરિવેશ’(behaviour setting)ને લગતાં છે. આમ 1968માં ‘પરિસ્થિતિવિજ્ઞાનલક્ષી મનોવિજ્ઞાન’નો ઉદભવ થયો અને બાર્કર તેના પ્રણેતા ગણાય. પરંતુ પાછળથી અન્ય મનોવૈજ્ઞાનિકોએ માનવવર્તન અને ભૌતિક પર્યાવરણ (કુદરતી તેમજ માનવનિર્મિત) વચ્ચેના પારસ્પરિક સંબંધના અભ્યાસને મહત્વ આપ્યું, જે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન તરીકે ઓળખાયું.

રેણુકા મહેતા

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ : બુદ્ધિકસોટીઓ

વ્યક્તિત્વના આંતરિક ગુણોના આવિષ્કૃત સ્વરૂપના વ્યવસ્થિત અભ્યાસ પરથી સંખ્યાત્મક સ્વરૂપ આપીને પરીક્ષા કરવી તે માનસિક પરીક્ષણ-કસોટીની પદ્ધતિ મનોવિજ્ઞાનની અન્ય પદ્ધતિ કરતાં વધારે વૈજ્ઞાનિક ગણાય છે. તેનાં કારણો નીચે મુજબ છે : (1) પ્રાપ્ત થયેલી માહિતીની યથાર્થતા (validity), (2) પ્રાપ્ત થયેલી માહિતીની વસ્તુલક્ષિતા (objectivity), (3) માહિતીની ચકાસણી કે પરીક્ષણની સુવિધા, (4) વર્તન વિશેનું વસ્તુલક્ષી અને સંખ્યાત્મક જ્ઞાન, (5) એક જ વ્યક્તિના વ્યક્તિત્વના વિવિધ પાસાંની તુલના, (6) વિવિધ વ્યક્તિઓ વચ્ચે એક જ માનસિક પરિબળને અનુલક્ષીને થતી તુલના, (7) સંખ્યાત્મક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિના ઉપયોગની સુગમતા, (8) વ્યક્તિત્વના સામાન્યીકરણમાં વધારે ઊંડા જવાની સુગમતા.

આ પ્રકારના પરીક્ષણનો ઉદભવ ફ્રાંસમાંથી 1905થી થયો. આલ્ફ્રેડ બીને (1857–1911) અને તેના મદદનીશ સાયમને વિવિધ ઉંમર માટેની ત્યાંની શાળામાં ભણતાં બાળકોની બૌદ્ધિક શક્તિ માપવા માટેનું કાર્ય શરૂ કર્યું. બૌદ્ધિક કે માનસિક માપન એટલે વિવિધ ઉંમર માટેની દરેક પ્રકારની માનસિક પ્રક્રિયાઓનાં લાક્ષણિક ધોરણોની વાસ્તવિક ધોરણોને આધારે કરવામાં આવતી સ્થાપના.

તેમાં નીચેનાં લક્ષણો મહત્વનાં ગણાય છે : (1) વ્યક્તિની ઉંમરને અનુરૂપ સ્વરૂપ, (2) ચિકિત્સકનો કસોટી સાથેનો પરિચય, (3) કસોટીની વિશ્વસનીયતા (reliability), (4) કસોટીની યથાર્થતા  (અ) નિષ્ણાતનો અભિપ્રાય, (બ) ભવિષ્યકથનની સચોટતા (prediction), (ક) સમાન કસોટીનાં પરિણામો સાથે યોગ્ય સહસંબંધ, (5) કસોટીનાં પરિણામો માટેનાં યોગ્ય ધોરણો, (6) કસોટીનાં પરિણામોનો વર્તન સાથેનો સહસંબંધ.

બુદ્ધિકસોટીનો વિકાસ : 1905 : બીને – સાયમનની પ્રથમ કસોટી. 1908 : પ્રથમ સુધારો – 3 વર્ષથી 13 વર્ષ સુધીનો ગાળો વાર્ષિક રીતે વહેંચી નાખવામાં આવ્યો છે. માનસિક વય અને બુદ્ધિલબ્ધિના ખ્યાલો ઉમેરાયા છે.

1911 :  કસોટીની વ્યાપકતા કસોટીને 15 વર્ષ સુધીનો વધારો. દરેક કસોટીમાં સરખી સંખ્યામાં મુદ્દાઓનો સમાવેશ.

1916 : એલ. એમ. ટર્મેન દ્વારા બુદ્ધિકસોટીનું અમેરિકામાં સ્થળાંતર – સ્ટેનફૉર્ડ – બીને કસોટી એ તેનું નવું નામ રાખવામાં આવ્યું. ‘બુદ્ધિ એટલે અમૂર્ત વિચારણા કરવાની શક્તિ.’ એમ બુદ્ધિની નવી વ્યાખ્યા કરવામાં આવી. સામાન્ય અને તેજસ્વી પુખ્ત વયની વ્યક્તિ માટેની બે વિશેષ કસોટીનો પણ ઉમેરો થયો – શાળાકીય પ્રવૃત્તિઓમાંથી બહાર લાવીને બૌદ્ધિક વ્યાખ્યામાં સામાન્ય અનુભવનો પણ ઉમેરો.

1937 : સ્ટેનફૉર્ડ–બીનેની બુદ્ધિકસોટીનો પ્રથમ સુધારો – આ કસોટીના બે સમાંતર વિભાગ બહાર પાડવામાં આવ્યા છે. તેને Form L & M તરીકે ઓળખવામાં આવે છે. – 2 વર્ષથી શરૂ થતી આ કસોટીઓ 16 વર્ષ સુધી ચાલુ રહે છે. ઉપરાંત બે વર્ષ વધારીને અઢાર વર્ષ સુધી વિસ્તૃત કરી છે.

1960 : સ્ટેનફૉર્ડ–બીનેની બુદ્ધિકસોટીનો દ્વિતીય સુધારો – 1937ના બુદ્ધિકસોટીના બંને વિભાગોમાંથી વધારે યથાર્થતા ધરાવતા મુદ્દાઓનું સંકલન – 2 વર્ષની ઉંમરથી 18 વર્ષની ઉંમર સુધીનો વ્યાપ – 1937થી 1960 સુધીની અમેરિકાની વૈજ્ઞાનિક પ્રગતિની કસોટી પર જણાતી અસર – Z scoreના ખ્યાલનો ઉમેરો.

સ્ટેનફૉર્ડ–બીને બુદ્ધિકસોટીની મર્યાદાઓ : (1) વ્યક્તિનો બુદ્ધિલબ્ધિનો કુલ ગુણાંક જાણી શકાય છે. પરંતુ કઈ વ્યક્તિ કઈ પ્રવૃત્તિમાં નિષ્ણાત છે તે કહી શકાતું નથી. (2) એક વ્યક્તિની અન્ય વ્યક્તિઓ સાથે વિવિધ પ્રવૃત્તિમાં સરખામણી થઈ શકતી નથી. (3) આ કસોટી શાબ્દિક જ્ઞાનને અતિ મહત્ત્વ આપે છે. (4) આ કસોટી મુખ્યત્વે શાળામાં ભણતાં બાળકો માટેની છે. પુખ્ત વયની વ્યક્તિઓ માટે વાપરી શકાતી નથી. (5) તે વ્યક્તિગત કસોટી હોવાથી મોટા સમૂહોને એકસાથે આપી શકાતી નથી.

વેશ્લર-બેલેવ્યૂ બુદ્ધિમાપન સામૂહિક કસોટી : આ કસોટી પુખ્ત વયની વ્યક્તિઓને ખ્યાલમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જે વ્યક્તિઓ શાળામાં ન જતી હોય તેમજ જેમની માતૃભાષા અંગ્રેજી ન હોય તેવી વ્યક્તિઓના બુદ્ધિમાપનને માટે ડૅવિડ વેશ્લર નામના બેલેવ્યૂ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકે 1942માં આ કસોટીઓ વિકસાવી છે. તેમાં શાબ્દિક ને અશાબ્દિક કસોટીઓ આપવામાં આવી છે. આ કસોટીઓ સામૂહિક કસોટી તરીકે વપરાય છે.

વેશ્લર–બેલેવ્યૂ પ્રૌઢ મનોમાપન કસોટી : આ કસોટીને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવી છે : શાબ્દિક અને અશાબ્દિક. દરેક વિભાગના પેટાવિભાગો નીચે પ્રમાણે છે :

વેશ્લર–બેલેવ્યૂ પ્રૌઢ બુદ્ધિકસોટી

શાબ્દિક (verbal) અશાબ્દિક (non verbal)
1. શબ્દભંડોળ (vocabulary) ચિત્રની ગોઠવણી (picture arrangement)
2. માહિતી (information) ચિત્રપૂર્તિ (picture completion)
3. સામાન્ય સમજૂતી (comprehension) પાસાંની ગોઠવણી (block design)
4. સામ્ય (similarities) વસ્તુસંકલન (object assembly)
5. આંકડા વિસ્તાર (digit speen) આંકડા પ્રતીક કસોટી (digit symbol test)
6. ગાણિતિક તર્કવિચારણા (arithmetical reasoning)

ક્રિયાલક્ષી બુદ્ધિમાપન કસોટીઓ (performance tests) : અન્ય માતૃભાષા ધરાવતા તેમજ શ્રવણ અને કથનમાં મુશ્કેલી અનુભવતી વ્યક્તિઓ માટે ક્રિયાલક્ષી કસોટીઓનો વિકાસ કરવામાં આવ્યો છે. અહીં વાતચીતને બદલે વ્યક્તિને મનોવૈજ્ઞાનિક એક કાર્ય કરી બતાવવામાં આવે છે. પછી તે પ્રકારનાં અન્ય કાર્યો વ્યક્તિએ ઝડપથી અને ભૂલ વિના કરવાનાં હોય છે. આ કસોટીને આર્થર પોઇન્ટ સ્કેલ એવું નામ આપવામાં આવ્યું છે.

આર્થર પોઇન્ટ સ્કેલમાં આવતી કસોટીઓ : (1) નોક્સ ઘનની કસોટી (Knox cube test), (2) સેંગ્વીનનું આકૃતિદર્શક પાટિયું (Senguine form board), (3) દ્વિ પ્રતિમાદર્શક પાટિયું (two figures form baord), (4) કેશુઇસ્ટ આકારનું પાટિયું (casuist form board), (5) મેનિકીન અને ચહેરાકૃત કસોટી (Manikin & feature profile), (6) ઘોડી અને વછેરો સમજૂતી દર્શક કસોટી (mare & focal distinction), (7) હિલિ-ચિત્રપૂર્તિ કસોટી (healy-picture competition), (8) પોર્શિયસ ભુલભુલામણીની કસોટી (poreteus mares), (9) કોહસી બ્લૉકરચના કસોટી (Kohsi block design).

ગુજરાતની મનોમાપન કસોટીઓ : આ કસોટીઓ મુખ્ય બે વિભાગમાં છે : 1. વ્યક્તિગત અને 2. સામૂહિક.

1. વ્યક્તિગત કસોટીઓ : આ કસોટીઓમાં મુખ્ય બે કસોટીઓનો સમાવેશ થાય છે. (i) WISC (વેશ્લર ઇન્ટલિજન્સ સ્કેલ ફૉર ચિલ્ડ્રન) : આ કસોટી ડૉ. મહેન્દ્રિકા ભટ્ટે 1971માં બહાર પાડેલ છે અને તેમાં 2થી 10 વર્ષ સુધીનાં બાળકો માટેની શાબ્દિક અને અશાબ્દિક કસોટીઓનો સમાવેશ થાય છે. (ii) સ્ટેનફૉર્ડ – બીનેની 1960ની કસોટીનું ગુજરાતીમાં રૂપાંતર – આ કસોટી ડૉ. જે. એચ. શાહે 1971માં પ્રસિદ્ધ કરેલ છે. તેમાં ગુજરાતી સંસ્કૃતિને ખ્યાલમાં રાખીને મૂળ કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

2. સામૂહિક બુદ્ધિકસોટીઓ : (i) દેસાઈ સામૂહિક બુદ્ધિકસોટીઓ – આ કસોટી ડૉ. કે. જી. દેસાઈએ 1952માં પ્રસિદ્ધ કરેલ છે અને આઠમાંથી અગિયારમા ધોરણ સુધી ભણતાં બાળકો માટે વાપરી શકાય તેવી છે.

(ii) અશાબ્દિક બૌદ્ધિક કસોટી : આ કસોટીઓ મુખ્યત્વે લેખનની કે ઇન્દ્રિયની કોઈ પણ ક્ષતિ ધરાવતાં હોય તેવાં બાળકો માટે તૈયાર કરવામાં આવી છે.

(iii) સામૂહિક શાબ્દિક અને અશાબ્દિક બૌદ્ધિક કસોટીઓ : ધોરણ પાંચથી સાતમાં ભણતાં બાળકો માટે આ કસોટીઓ 1962માં પ્રસિદ્ધ થયેલ છે.

(iv) અશાબ્દિક સામૂહિક બૌદ્ધિક કસોટીઓ : 1966માં પ્રસિદ્ધ થયેલ આ કસોટીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓના વર્ગીકરણ માટે વાપરવામાં આવે છે. તે પણ અત્યારે શાળાઓમાં વપરાય છે અને વિદ્યાર્થીઓને તેમની યોગ્ય કક્ષા પ્રમાણે વર્ગમાં મૂકવામાં આવે છે.

બૌદ્ધિક કસોટીઓની મર્યાદાઓ : (1) ભાષાકીય મર્યાદા : બધી જ કસોટીઓ બધે વાપરી શકાતી નથી. (2) સંખ્યાત્મક મર્યાદા : એક કસોટી વધારેમાં વધારે કેટલા વિદ્યાર્થીઓ ઉપર વાપરી શકાય તેની માહિતી ઘણી કસોટીઓમાં આપી હોતી નથી. (3) સ્થળ અને સમયની મર્યાદા : સ્થળ અને સમય બદલાતાં દરેક કસોટીમાં જરૂરી સુધારા ઉમેરવા પડે છે. જે દરેક કસોટીમાં બની શકતું નથી. (4) વયની મર્યાદા : નાનાં બાળકો સ્કૂલના અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિશે જેટલી કસોટીઓ અત્યારે અસ્તિત્વ ધરાવે છે તેટલી પ્રૌઢ અને વૃદ્ધત્વ માટે નથી. (5) નાણાંની મર્યાદા : અતિશય ગરીબ દેશો આ કસોટીઓનો લાભ મેળવી શકતા નથી.

કુસુમ ભટ્ટ