મનોવિશ્લેષણ

January, 2002

મનોવિશ્લેષણ (psychoanalysis) (આયુર્વિજ્ઞાન) : મનની અંદરનાં દ્વંદ્વો અથવા વિરોધિતાઓ(conflicts)નો અભ્યાસ અને તેનો માનસિક રોગોના ઉપચારમાં ઉપયોગ. મન તથા વ્યક્તિત્વના વિકાસની છેલ્લી વિભાવના (hypothesis) મુજબ મનના અચેતન-સ્તરમાં પારસ્પરિક વિરોધિતા અથવા દ્વંદ્વો રહેલાં છે. મનોવિશ્લેષણની પ્રક્રિયામાં આ વિભાવનાને આધારે માનસિક ક્રિયાઓનો અભ્યાસ કરીને તેનો માનસિક રોગોના ઉપચારમાં ઉપયોગ કરાય છે. મનોવિશ્લેષણની પ્રક્રિયા સિગ્મંડ ફ્રૉઇડના સંશોધનને આધારે શરૂ થયેલી ઉપચારપદ્ધતિ છે. તેમાં કાર્લ યુંગ, આલ્ફ્રેડ ઍડલર, એરિચ ફ્રૉમ, હેરિસ્ટેક સુલિબાન, કરેન હાર્ન, મેલેની ક્લેઈન, ઑટો રૅન્ક, વિલ્હેમ રિચ અને અન્ય નિષ્ણાતોએ ઉમેરણ કર્યું છે. મનોવિશ્લેષણની વિભાવનાની અંતર્ગત મન અને વ્યક્તિત્વવિકાસની વિચારણાને, મનની અંદર રહેલી વિરોધિતાઓ(conflicts)ના અભ્યાસને, અન્ય બીજી રીતે જાણી ન શકાય તેવી અચેતન (unconscious) માનસિક પ્રક્રિયાઓની તપાસને તથા તેને સંબંધિત માનસિક રોગો(મનોવિકાર)ની સારવારને સમાવી લેવાય છે.

માનવમનનું બંધારણ : માનવમનને 3 સ્તરમાં વિભાજિત કરાય છે : સચેતન સ્તર (the conscious), પૂર્વચેતન સ્તર (the preconscious) અને અચેતન સ્તર (the unconscious). અચેતન સ્તરમાં મુખ્ય માનસિક ક્રિયાઓ થાય છે. અચેતન સ્તરમાંના ખ્યાલો અથવા માન્યતાઓ (ideas) અને લાગણીઓ અથવા ભાવ (affect) હોય છે. તેને પૂર્વચેતન સ્તરનો દાબક (repressor) અથવા વિકર્તક (censor) દબાવે છે. જ્યારે આ દાબક ઢીલો પડેલો હોય ત્યારે અચેતન સ્તરમાંની માન્યતાઓ અને ભાવ સ્વપ્નાંના રૂપે બહાર આવે છે. જ્યારે પૂર્વચેતન સ્તરમાંના દાબકને અવગણીને અચેતન સ્તરનાં ભાવ અને માન્યતાઓ બહાર આવે ત્યારે બોલવામાં પણ મર્યાદા ઓળંગાય છે.

વિચાર કરવાની પ્રક્રિયાને વિચારણા કહે છે. તેના 2 પ્રકાર છે : (1) દ્વૈતીયીક પ્રક્રિયા રૂપે થતી વિચારણા (secondary process thinking) તથા (2) પ્રારંભિક પ્રક્રિયારૂપ વિચારણા (primary process thinking). સચેતન સ્તર પર થતો વિચાર તાર્કિક હોય છે અને તેને દ્વૈતીયીક પ્રક્રિયારૂપે થતી વિચારણા કહે છે. જ્યારે અચેતન સ્તરની માનસિક ક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયારૂપ વિચારણા થતી હોય છે. આવું નાનાં બાળકોમાં, અતિતીવ્ર મનોવિકાર(severe psychosis)ના દર્દીઓમાં, માનસિક અલ્પવિકસન(mental retardation)નો વિકાર થયો હોય તો તેમાં કે સ્વપ્નાવસ્થામાં થાય છે. આ પ્રકારની વિચારણા સામાન્ય વિચારણા (normal thinking) કરતાં અલગ છે. અચેતન સ્તરમાં થતી પ્રારંભિક પ્રક્રિયારૂપ વિચારણાનો આધાર સામાન્ય રીતે આંતરિક પ્રચાલનશક્તિ (drive energy) પર છે અને તે વ્યવસ્થિત કે તાર્કિક હોતી નથી.

અચેતન સ્તર અને સચેતન સ્તરોની વચ્ચે પૂર્વચેતનસ્તર આવેલું હોય છે. અચેતન સ્તરમાંના વિચારો (માન્યતા અને લાગણીઓ) સચેતન સ્તર સુધી પૂર્વચેતન સ્તર દ્વારા જાય છે. તે જન્મસમયે હોતું નથી પરંતુ બાળપણમાં અહંભાવ (ego) વિકસે છે ત્યારે તેની સાથે સાથે વિકસે છે. પૂર્વચેતન સ્તરમાં વિકર્તક અથવા દાબક હોય છે. તે અચેતન સ્તરનાં ભાવ અને વિચારણાને દાબે છે અથવા તેમનું દમન (repression) કરે છે. એકાગ્ર ધ્યાન (focus of attention) વડે પૂર્વચેતન સ્તરમાં સંગ્રહાયેલાં ભાવ અને વિચારોને સચેતન સ્તરમાં લાવી શકાય છે. સચેતન સ્તર મનનો ઘણો નાનો ભાગ છે. ફ્રૉઇડે તેને એક સંવેદનાગ્રાહી ઇન્દ્રિય(sensory organ)ના રૂપે વર્ણવ્યું છે, જે મનની અંદરની અને બહારની ઉત્તેજનાઓને ઝીલે છે. તેમાં દ્વૈતીયીક પ્રક્રિયાલક્ષી વિચારણા ઉદભવે છે. પ્રારંભિક પ્રક્રિયાલક્ષી વિચારણા પ્રાથમિક એષણા (id), એટલે કે પ્રાથમિક ઇચ્છાઓ, તથા સુખખેવનાના સિદ્ધાંત પર કામ કરે છે, જ્યારે દ્વૈતીયીક પ્રક્રિયાલક્ષી વિચારણા વાસ્તવિકતા(reality)ના સિદ્ધાંત પર કામ કરે છે. ફ્રૉઇડ માનતા હતા કે દરેક માનસિક ક્રિયા હેતૂપૂર્ણ અને અર્થપૂર્ણ હોય છે. તેને માનસિક નિશ્ચિતતા (psychic determinism) કહે છે. 1923માં ફ્રૉઇડે મનના બંધારણની વિભાવના રજૂ કરી છે. તે પ્રમાણે પ્રાથમિક એષણાઓ (id), અહંભાવ (ego) અને અધિઅહંભાવ(super ego)ની આંતરક્રિયાઓ વડે મનનું બંધારણ થાય છે.

નવજાત શિશુના મનમાં મૂળ સ્વરૂપે પ્રાથમિક એષણાઓ હોય છે. તેઓ સંપૂર્ણપણે અચેતન સ્તરનાં આદિ પ્રચાલનો (primary drives) અને અંત:સ્ફુરણો(instincts)ના સ્વરૂપે જોવા મળે છે. તેમાં જિજીવિષા અને જીવન-એષણા (survival), લૈંગિક પ્રચાલન (sexual drive) અને આક્રમકતા(aggression)નો સમાવેશ થાય છે. તેથી મનાય છે કે તેને જીવવાની, લૈંગિક સુખ અને ઇચ્છિત વસ્તુ મેળવવા માટે લડી લેવાની પ્રારંભિક ઇચ્છા હોય છે તે પ્રારંભિક પ્રક્રિયાલક્ષી વિચારણા અને સુખખેવનાના સિદ્ધાંત પર આધારિત છે અને તેને વાસ્તવિકતા સાથે કશો સંબંધ નથી. તેમની મુખ્ય જરૂરિયાત ‘તરત મળતો’ સંતોષ (gratification) છે.

આકૃતિ 1 : મનનું બંધારણ

વાસ્તવિકતાના અનુભવ વડે અહંભાવ બંધાય છે અને તેથી અહંભાવ વાસ્તવિકતાના સિદ્ધાંત પર ઘડાય છે. અહંભાવ મુખ્યત્વે સચેતન સ્તરમાં હોય છે, પરંતુ તેમાંની કેટલીક બચાવ પ્રવિધિઓ (defence mechanisms) અચેતન સ્તરે પણ હોય છે. અહંભાવ એક બાજુએ પ્રાથમિક એષણાઓને અને બીજી બાજુએ અધિઅહંભાવને રાખે છે તથા તેમને તથા તેમની વચ્ચેની વિરોધિતાને વાસ્તવિકતા સાથે સાંકળે છે. ત્યારબાદ તે તેમની વચ્ચે સંતુલન કેળવે છે. દા.ત.; કોઈક વસ્તુને મેળવવાની ઇચ્છા (એષણા) હોય અને તે ન મેળવવી જોઈએ એવો નીતિમત્તાલક્ષી બાધ (અધિઅહંભાવ) હોય તો એ બંને વચ્ચેની વિરોધિતાને સાંકળીને તેમને વાસ્તવિક રૂપે તે વસ્તુ મેળવવામાં પડનારી મુશ્કેલી સાથે જોડે છે અને તે બધાં વચ્ચે સંતુલન કેળવીને અહંભાવ નિર્ણય કરે છે. અહંભાવ વડે સચેત (conscious), બૌદ્ધિક (intellectual), સ્વસંરક્ષક અને રક્ષણાત્મક કાર્યો થાય છે.

અહંભાવમાંથી પૂર્વચેતન સ્તરે ઉદભવતા અધિઅહંભાવ નામના ભાગનું મુખ્ય કાર્ય નીતિમત્તા (morality) જાળવવાનું છે. તેના બે ઉપવિભાગો છે : (1) શિક્ષાત્મક (punitive) અને (2) અશિક્ષાત્મક (non-punitive). સામાન્ય રીતે માતાપિતા તથા કુટુંબની અન્ય વ્યક્તિઓનાં વર્તન, ટીકાઓ, નિયંત્રણો, દોષભાવ ઉદભવે તેવાં કથનોથી તથા ધર્મ અને સામાજિક વાતાવરણની અસર હેઠળ શિક્ષાત્મક પૂર્વચેતન સ્તરનો વિકાસ થાય છે. અહંભાવનાં કાર્યો સ્વીકારાય અથવા તેને પ્રોત્સાહન અપાય ત્યારે અશિક્ષાત્મક ભાગરૂપી અધિઅહંભાવ આદર્શરૂપે પોષણ પામે છે. તે પાછળથી જીવનધ્યેય રૂપે પણ વિકસે છે.

અહંભાવનું એક મહત્ત્વનું કાર્ય અસ્વીકાર્ય ઇચ્છાઓ અને અંત:સ્ફુરણાઓને દૂર કરવાનું છે. તે આપમેળે થતું અચેતન સ્તરનું અનૈચ્છિક કાર્ય છે અને તેને અહંભાવી બચાવ પ્રવિધિઓ(defence mechanisms) કહે છે. તેમને 4 જૂથોમાં વિભાજિત કરાયેલી છે : (અ) પ્રાથમિક, (આ) તીવ્ર મનોવિકારી (psychotic) અથવા સ્વમોહજન્ય (narcissistic), (ઇ) સૌમ્ય મનોવિકારી (neurotic) અથવા અપક્વ (immature) અને (ઈ) પક્વ (mature). તેમને અને તેમની સાથે જોડાયેલા વિકારોને સારણી 2માં ટૂંકમાં દર્શાવ્યા છે. બચાવપ્રવિધિઓ અનેક છે અને તેની કોઈ ચોક્કસ યાદી ન કરી શકાય. કોઈ બચાવપ્રવિધિ જાતે તીવ્ર કે સૌમ્ય મનોવિકારી ગણાતી નથી અને દરેક વ્યક્તિ સામાન્ય સંજોગોમાં તેમનો ઉપયોગ કરે છે જ. તેમનો વધુ પડતો ઉપયોગ મનોવિકાર સર્જે છે. સામાન્ય રીતે આ બચાવપ્રવિધિઓ અચેતન સ્તરે સક્રિય હોય છે, પરંતુ દમન (suppression) દ્વારા મનની ઇચ્છાઓને બળપૂર્વક દબાવવાની ક્રિયા સ્વૈચ્છિક બચાવપ્રક્રિયા છે. સંઘર્ષોમાં વ્યક્તિ સ્વૈચ્છિક રીતે તેમજ અચેતન સ્તરે તેને પહોંચી વળવા પ્રયત્ન કરે છે. આ પણ એક પ્રકારની પક્વ બચાવપ્રવિધિ જ છે.

સારણી 1 : સામાન્ય રીતે જોવા મળતી અહંભાવી સંરક્ષણાત્મક પ્રવિધિઓ અને તેમની સાથે જોડાયેલા વિકારો

બચાવ (સંરક્ષણાત્મક) પ્રવિધિનાં જૂથ અને પ્રકારો નોંધ
1 2
દમન (repression) (અ) પ્રાથમિક ચિંતાકારક વિચારને અભાનપણે ભૂલવો; દા.ત., વ્યક્તિ કે વસ્તુને ભૂલી જવું, બોલવામાં ભૂલ થઈ જવી.
                                                  (આ) તીવ્ર મનોવિકારી અથવા સ્વમોહજન્ય (narcissistic)
વિપરીત વિકસન (regression) નાના બાળક જેવો વ્યવહાર કરવો; દા.ત., તેવાં સ્વપ્નાં આવવાં, બાળકો જેવી રમતો રમવી.
અસ્વીકાર (denial) પીડાકારક કે અપ્રિય વાસ્તવિકતાને સચેતન સ્તરમાંથી દૂર કરવી; દા.ત., શોકજન્ય સ્થિતિને ન સ્વીકારવી, કોઈ શારીરિક રોગ થયો છે તેવું ન માનવું, બાળકોમા સામાન્યપણે આવું જોવા મળે છે.
પરનિક્ષેપણ (projection) અસહ્ય કે પીડાકારક ઇચ્છાઓ અને માન્યતાઓને બીજામાં નિરોપવી, આવું સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં અને ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે.
વિકૃતીકરણ (distortion) બાહ્ય વાસ્તવિકતાને આંતરિક જરૂરિયાત પ્રમાણે નવો ઘાટ આપીને તે પ્રમાણે માનવું.
                                                  (ઇ) સૌમ્યમનોવિકારી અથવા અપક્વ
મન:પરિવર્તન (conversion) દબાવી રખાયેલી આંતરિક ઇચ્છા કોઈ એક શારીરિક વિકાર રૂપે પ્રદર્શિત કરાય; દા.ત., ધ્યાનાકર્ષિતા(hysteria)નો હુમલો આવવો (પોતાના તરફ ધ્યાન ખેંચવા કોઈ ક્રિયા કરવી).
મનોવિઘટન (dissociation) પોતાના વ્યક્તિત્વથી છૂટા પાડીને (વિયોજિત કરીને) વ્યક્ત કરાતી દબાયેલી માનસિક ક્રિયા; દા.ત., મૃત્યુસમીપી અનુભવ.
વિસ્થાનીકરણ (displacement) ભય અનુભવવાથી ઉદભવતી લાગણીઓને ઓછા જોખમી વિષય, વસ્તુ કે વ્યક્તિ પર અભાનપણે ફેરવવી; દા.ત, નાના માણસ પર ગુસ્સે થવું.
વિચાર-ભાવનું અલગીકરણ વિચાર કે માન્યતાને તેના દ્વારા ઉદભવતી લાગણીઓ(ભાવ)થી અલગ કરવી; દા.ત., શોક અથવા ઈજા થવાની વાત પાછળથી વગર લાગણી અનુભવ્યે વર્ણવવી.
પ્રતિભાવસર્જન (reaction formation) અસ્વીકાર્ય આવેગને અભાનપણે બરાબર વિરુદ્ધ પ્રકારના આવેગો, ભાવો કે વર્તનમાં ફેરવવા; દા.ત., સામાન્યપણે 3 વર્ષથી 6 વર્ષની ઉંમરનાં બાળકોનું ચારિત્ર્યઘડતર આ પ્રક્રિયા વડે થાય છે.
અકૃતીકરણ (undoing) અસ્વીકાર્ય વિચાર, આવેગ કે ક્રિયા થયા પછી તુરત જ જ તેને અભાનપણે નકારવાં; દા.ત, કોઈને અથડાયા પછી તરત અભાનપણે માફી માંગવી.
વ્યવહારીકરણ (rationalisation) અસ્વીકાર્ય આંતરિક ઇચ્છાઓથી ઉદભવતા અયોગ્ય વર્તનને તાર્કિક રીતે સમજાવવાની ક્રિયા.
બૌદ્ધિકીકરણ (intellectualisation) બાહ્ય ભયજનક સ્થિતિને બુદ્ધિપૂર્વક પહોંચી વળવાની ક્રિયા, જેથી અંદરનો ભય દબાયેલો રહે.
નાટ્યીકરણ (acting out) આંતરિક ભાવને નાટકીય રીતે ભજવી દેવો; દા.ત, ગુસ્સામાં કોઈ વસ્તુને નુકસાન કરવું.
કાલ્પનિક સ્વપ્નદર્શન (schizoid fantasy) વાસ્તવિકતાને કારણે પ્રાપ્ત થયેલી હતાશા ઘટાડવા અને ઇચ્છાઓને દબાવવા દિવાસ્વપ્નો (day dreams) જોવાં.
સ્વવિરોધિતા (retroflexion) બીજા તરફનો ક્રોધ કે વિરોધ પોતાના પર વાળી પોતાને ઈજા પહોંચાડવી, પોતાની ટીકા કરવી કે પોતાનું અવમાન કરવું; દા.ત., ગુસ્સામાં માથું કૂટવું, પોતાની વસ્તુનો નાશ કરવો, આપઘાતની કોશિશ કરવી.
સ્વાંત:ક્ષેપન (introjection) અન્ય વ્યક્તિ કે વસ્તુની લાક્ષણિકતાઓને પોતાનામાં સમાવવી; દા.ત., અપહૃત વ્યક્તિ આતંકવાદીઓની વાત સ્વીકારી લે. તેને સ્ટૉકહોમનું સંલક્ષણ (Stockholm syndrome) કહે છે. શોકગ્રસ્ત વ્યક્તિ પણ આવું કરે છે.
વ્યાધિભય (hypochondriasis) અણગમતા આવેગોને અચેતન સ્તરે રૂપાંતરિત કરીને અસંબંધિત (inappropriate) શારીરિક ચિંતામાં ફેરવવા; દા.ત., માંદા હોવાની ભાવના અનુભવવી અથવા તેવું વર્તવું.
ક્ષતિપૂરણ (compensation) ભય કે વિરોધિતાને કારણે અચેતન સ્તરે ઉદભવતા આવેગ વડે વધુ પડતો વિરોધ કરવો; દા.ત., અતિ-સાસહપૂર્ણ કાર્ય કરવું; જેમ કે, ઊંચાઈ પરથી કૂદવું, વધુ પડતી કસરત કરીને શરીરની મજબૂતાઈ વધારવી.
દ્વિદલીય વિચ્છેદન (splitting) અખિલાઈથી વિચારવાને બદલે એકાંગી વિચારથી કોઈકને કે કશાકને સારું કે ખરાબ ગણવું.
                                                  (ઈ) પક્વ
ઊર્ધ્વીકરણ (sublimation) શૈશવકાળના અસ્વીકાર્ય આવેગોને ધીમે ધીમે અચેતન સ્તરે વ્યક્તિગત ધોરણે સંતોષ આપતી અને સામાજિક રીતે મૂલ્યવાન કહેવાય તેવા વર્તનમાં ફેરવતી ક્રિયામાં રૂપાંતરણ; દા.ત., બાળપણની જાતીયતા મોટી ઉંમરે કળામાં પરિવર્તન પામે.
સ્વૈચ્છિક દમન (voluntary suppression) સચેતન સ્તરે આવેલા આવેગને તત્કાળ પૂરતો કે કાયમી ધોરણે દબાવવો.
આશંકા (anticipation) ભવિષ્યમાં બનનાર અશુભ કે દુ:ખદ બનાવની પહેલેથી આશંકા રાખીને તૈયાર રહેવું.
રમૂજ (humour) અસ્વીકાર્ય આવેગના પ્રતિભાવ રૂપે રમૂજ વડે પોતાને કે બીજાને અપ્રિય ન લાગે તેવી સ્થિતિ સર્જવી.

મનોલૈંગિક વિકાસ : સન 1905માં ફ્રૉઇડે લૈંગિકતાની વિભાવના (theory of sexuality) પર 3 નિબંધો પ્રસિદ્ધ કર્યા હતા. તેમણે શિશુકાળથી લૈંગિક (જાતીય) ભાવનાનો વિકાસ થાય છે એવો વિચાર મૂક્યો અને તેને આધારે મનોલૈંગિક વિકાસના વિવિધ તબક્કાઓ પણ નિશ્ચિત કર્યા. આ સમગ્ર વિચારણા હજુ પણ એક વિભાવના- (theory)ના રૂપે જ છે અને તેનાં બધાં જ પાસાંઓ માટે જરૂરી સાબિતીઓ મળેલી નથી. મનોવિશ્લેષણની પ્રક્રિયામાં માનસિક બંધારણ ઉપરાંત મનોલૈંગિક વિકાસને પણ ઘણું મહત્વ અપાય છે. ફ્રૉઇડે જણાવ્યા પ્રમાણે મનોલૈંગિક વિકાસના 5 તબક્કા (ફલક) છે : (1) મુખફલક (oral phase), (2) ગુદાફલક, (3) જનનવિસ્તારફલક (Oedipal or Phallic), (4) લિંગસુષુપ્તિ ફલક (latency phase), અને (5) જનનાંગફલક (genital phase).

(1) મુખફલક (oral phase) :  તે જન્મથી વર્ષ 1થી 11 સુધી ચાલે છે. આ સમયે શિશુને તેના મુખવિસ્તારથી સંતોષપ્રાપ્તિ થાય છે. તેનાં બે ઉપફલકો છે : (અ) મુખઉત્કામી ફલક (oral erotic phase), જેમાં શિશુ માતાને ધાવવાથી સંતોષ પામે છે, અને (આ) મુખપરપીડનકારી ફલક (oral sadistic phase), જેમાં શિશુ બચકાં ભરે છે. આ ફલકમાં મનોવિકાસ અટકે કે મનોવિકાસમાં આ ફલકનું મહત્વ વધે છે તો કેટલાક માનસિક વિકારો થાય છે; જેમ કે, (ક) વ્યક્તિત્વ-વિકાસમાં વિષમતાઓ અને તેના વિકારો થાય, (ખ) વિચ્છિન્નમનસ્કતા (schizophrenia) થાય, (ગ) તીવ્ર મનોદશા-વિકાર (mood disorder) થાય અથવા (ઘ) દારૂ કે નશાકારક દવાઓનું અવલંબન થાય.

(2) ગુદાફલક (anal phase) : તે 1થી 11 વર્ષથી શરૂ થઈને 3 વર્ષ સુધી રહે છે. તેમાં બાળકને ગુદા અને તેની આસપાસના વિસ્તારની ક્રિયાઓથી સંતોષ પ્રાપ્ત થાય છે. આનો મોટો લાભ હાજતો પર નિયંત્રણ મેળવવામાં થાય છે. તેનાં પણ 2 ઉપફલકો છે : (અ) ગુદાઉતકામી ફલક (anal erotic phase), જેમાં ઉત્સર્જનની ક્રિયા વિકસે છે અને (આ) ગુદાપરપીડનકારી ફલક (anal sadistic phase), જેમાં સ્વેચ્છાએ હાજત રોકવી કે થવા દેવાની ક્રિયાનો સમાવેશ થાય છે. આ ફલકનું મનોવિકાસમાં મહત્વ વધે તો મુખ્યત્વે 2 પ્રકારના વિકારો થાય છે : (ક) અનિરુદ્ધ પુનરાવર્તિતા(obsessive compulsive)વાળો વ્યક્તિત્વપ્રકાર (personality trait) અથવા વ્યક્તિત્વવિકાર (personality disorder) અને (ખ) ગુદાપરપીડન-પ્રકારનો અનિરુદ્ધ પુનરાવર્તિતાવિકાર (obsessive compulsive disorder).

(3) જનનાંગવિસ્તારફલક (phallic of Oedipal phase) : આ તબક્કો 3થી 5 વર્ષનો હોય છે. બાળકને મુખ્ય સંતોષ જનનવિસ્તારમાંથી મળે છે. તેથી તે આ ઉંમરે હસ્તમૈથુન (masturbation) કરતો થાય છે. ફ્રૉઇડના મત અનુસાર છોકરા અને છોકરીઓમાં અલગ અલગ રીતનો વિકાસ થાય છે. છોકરાને જનનાંગ ગુમાવવાનો ભય રહે છે, જ્યારે છોકરીઓને પુંજનનાંગની ઈર્ષા ઉત્પન્ન થાય છે.  છોકરો પોતાના કલ્પિત ભયને કારણે પોતાના પિતા સાથે સ્પર્ધા કરે છે અને માતાનો પ્રેમ વધુ અને વધુ મેળવવા પ્રયત્ન કરે છે. તેને કારણે ક્યારેક તે તેના પિતા તરફ આક્રમક બને છે. ત્યારે તેનામાં ગ્રીક દંતકથા મુજબની માનસિક સ્થિતિનું નિર્માણ થાય છે; જેમાં ઈડિપસ નામનો છોકરો પોતાના પિતાને મારીને પોતાની માતાને પરણે છે. જોકે તે સમયે તેઓ બંને પોતાનાં સગપણો વિષે અજ્ઞાત હોય છે. આ દંતકથામાં દર્શાવાયેલી આક્રમકતાને ઈડિપસ મન:સંકુલ અથવા પિતાવેરીભાવ (Oedipus complex) કહે છે. જોકે સમય જતાં તે પિતા જેવો બનીને તેમની રીતભાત શીખે છે અને આમ બાળક પિતાવેરીભાવમાંથી મુક્તિ પામે છે. છોકરીઓનો મનોલૈંગિક વિકાસ જુદી રીતે થાય છે. તેમને પોતાનાં જનનાંગોમાં શિશ્નની ગેરહાજરી સાલે છે અને તેથી તે મેળવવા માટે પોતાની માતાના જેવી થવા પ્રયત્ન કરે છે અને એક સંતતિની વાંછના કરે છે. આ ઉપફલકને ઇલેક્ટ્રા મન:સંકુલ અથવા બાળસંતતિવાંછના (Electra complex) કહે છે. આ જનનાંગવિસ્તારફલકથી ઉદભવતા વિકારોમાં લૈંગિક વિચલનો (sexual deviations), લૈંગિક દુષ્કાર્યતા (sexual dysfunction) અને સૌમ્ય મનોવિકારો(neurotic disorders)નો સમાવેશ થાય છે.

(4) લિંગસુષુપ્તિફલક (latency period) : તેનો સમયગાળો 5-6 વર્ષથી 12 વર્ષની ઉંમર સુધીનો છે. આ સમયગાળામાં અધિઅહંભાવ વિકસે છે. બાળકના મનોલૈંગિક ભાવો તે સમયે પારસ્પરિક સંબધો, રમતગમત, શાળાકાર્ય વગેરે વિવિધ સમાજલક્ષી ક્રિયાઓમાં વળે છે. આ ફલકલક્ષી વિકારોમાં મુખ્યત્વે સૌમ્ય-મનોવિકારોનો સમાવેશ થાય છે.

(5) જનનાંગફલક (genital phase) : તે 12 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેને કારણે પુખ્તવયના લૈંગિક ભાવો વિકસે છે; યૌવનારંભ (puberty) થાય છે અને સ્વસન્માનભાવ વધે છે. ધીમે ધીમે માતાપિતા તરફના અવલંબનમાં ઘટાડો થાય છે અને સમવયસ્કો (peer group) સાથે મેળ વધે છે. પોતાની ખરી ઓળખનો વિકાસ થાય છે. આ ફલકના વિકારો રૂપે ક્યારેક સૌમ્ય મનોવિકારો થાય છે.

સ્વપ્ન અંગેની વિભાવના : જેમ મનોવિશ્લેષણની ક્રિયામાં મનોલૈંગિક વિકાસ અને તેને સંબંધિત વિકારોની સંભાવનાને ચકાસવામાં આવે છે તેમ સ્વપ્નાંના અર્થઘટનને પણ મહત્વ અપાય છે. ફ્રૉઇડે પોતાનાં જ સ્વપ્નોનું વિશ્લેષણ કરીને જણાવ્યું હતું કે સ્વપ્નો તો અચેતન મન સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. તેઓ માનતા કે અચેતન સ્તરની કલ્પનાઓ અને આવેગોને સચેતન સ્તર પર સ્વપ્ન દ્વારા પ્રદર્શિત કરાય છે અને આમ વ્યક્તિ જે સચેતન સ્તરે પોતાની અંદરની ઇચ્છાઓની પૂર્તિ કરીને સંતોષ ન મેળવી શકાતી હોય તે સ્વપ્ન રૂપે સંતોષપ્રાપ્તિ કરે છે. ક્યારેક તે ચિંતા ઉત્પન્ન કરે અને તેથી ઊંઘને અસર થાય છે. તેથી તેમાં થોડા ફેરફારો કરાય છે. આ ફેરફાર કરવાની પ્રક્રિયાને સ્વપ્નકાર્ય (dream work) કહે છે. સ્વપ્નમાં જે લાગણીઓ અને ઇચ્છાઓ પ્રદર્શિત થાય છે તેને સ્વપ્નકાર્ય કહે છે અને જે અપ્રદર્શિત રહે છે તે તેની મૂળ લાગણીઓ અને ઇચ્છાઓનો સમૂહ છે. પ્રદર્શિત અને અપ્રદર્શિત લાગણીઓ અને ઇચ્છાઓના સમૂહને સ્વપ્નદળ (dream content) કહે છે. ફ્રૉઇડના મતે પ્રદર્શિત લાગણીઓ અને ઇચ્છાઓ (પ્રદર્શિત સ્વપ્નદળ) વડે અપ્રદર્શિત લાગણીઓ અને ઇચ્છાઓ (અપ્રદર્શિત સ્વપ્નદળ) સુધી પહોંચવું જોઈએ. તે માટે સ્વપ્નનું અર્થઘટન કરવું જોઈએ. તેના વડે સ્વપ્નનો કયો ખરો અનુભવ છે તે જાણી શકાય છે. વિવિધ પદ્ધતિઓ દ્વારા સ્વપ્નકાર્ય પ્રદર્શિત થાય છે : (1) સંજ્ઞારૂપદર્શિતા (symbolism), જેમાં મનનો ભાવ કે ઇચ્છા કોઈ સંજ્ઞાપ્રતીક(symbol)ના રૂપે અનુભવાય છે, (2) વિસ્થાપન (displacement), જેમાં ભાવ કે ઇચ્છા અન્ય કોઈ અનુભવરૂપે તાર્દશ થાય છે, (3) સંઘટ્ટન (condensation), જેમાં ભાવ કે ઇચ્છા ટૂંકમાં સંઘટિત થાય છે, (4) પ્રક્ષેપન (projection), જેમાં ભાવ કે ઇચ્છા અન્ય પર પ્રક્ષેપિત થાય અથવા બીજા પર નિરોપિત થાય છે, અને (5) આનુષંગિક વિશદીકરણ (secondary elaboration) જેમાં ભાવ કે ઇચ્છાને વધુ સ્પષ્ટ અનુભવાય છે. સ્વપ્નદળમાં પ્રારંભિક પ્રક્રિયારૂપ વિચારણા થયેલી હોય છે, માટે તેમાં જો તર્કની મદદથી આનુષંગિક વિશદીકરણ કરાય તો તે દ્વૈતીયીક પ્રક્રિયારૂપ વિચારપ્રક્રિયા બને છે. અચેતન સ્તરની ઇચ્છાઓ, કલ્પનાઓ અને આવેગો ઉપરાંત નિદ્રાસમયે લાગેલી ભૂખ, તરસ કે પેશાબની હાજતની સંવેદનાઓ પણ સ્વપ્નને અસર કરે છે. વળી દિવસ દરમિયાન થયેલા અનુભવોની શેષ અસરો પણ સ્વપ્નોને અસર કરે છે.

મનોવિશ્લેષણનો ચિકિત્સાલક્ષી ઉપયોગ : મનશ્ચિકિત્સા(માનસોપચાર)ની વિવિધ પદ્ધતિઓમાં ફ્રૉઇડ દ્વારા શરૂ કરાયેલ મનોવિશ્લેષણ એક મહત્વની માનસિક રોગો માટેની સારવારપદ્ધતિ છે. ક્યારેક મનોવિશ્લેષણાત્મક મનશ્ચિકિત્સા પણ કરાય છે. તે બંને પદ્ધતિઓનો આધાર ઉપર જણાવેલ વિવિધ સિદ્ધાંતો ઉપર નિર્ભર છે (જુઓ મનશ્ચિકિત્સા). તેમાં દર્દીએ 3થી 5 વર્ષ માટે દર અઠવાડિયે 3–5 વખત મનશ્ચિકિત્સકની મુલાકાત લેવી પડે છે. તેમાં તકલીફોનો ઇતિહાસ નોંધવામાં આવતો નથી કે કોઈ શારીરિક તપાસ કરાતી નથી. ખાસ કોઈ નિદાન પણ કરાતું નથી. દર્દી સાથે મુક્ત મને વાત કરીને તેના વિચારો અને આંતરિક ભાવો બહાર કઢાવવા પ્રયત્ન કરાય છે. મનશ્ચિકિત્સક ખાસ સક્રિય હોતો નથી અને તે કોઈ ચોક્કસ દિશા તરફ વાતને વાળતો નથી. તે દર્દીની માનસિક બચાવપ્રવિધિઓને ટકોરે છે અને દર્દીનો વિરોધ અથવા તેના દ્વારા વ્યક્ત થતાં ભાવ, વર્તન અને વ્યવહારની નોંધ લે છે. દર્દીને કોઈ સલાહ અપાતી નથી; પરંતુ ઉપલબ્ધ માહિતીનું અર્થઘટન કરાય છે. આ સિવાય અન્ય કોઈ સારવાર પણ અપાતી નથી. આ પ્રકારનો સમયગાળો ઘટાડી શકાય છે. તેમાં દર્દીને ક્યારેક ટૂંકી સલાહ અપાય છે; ક્યારેક ઔષધો પણ વપરાય છે. ક્યારે આદર્શ અથવા શુદ્ધ મનોવિશ્લેષણ(classical psychoanalysis)નો ઉપયોગ કરવો અને ક્યારે સુધારેલી (modified) મનોવિશ્લેષણાત્મક મનશ્ચિકિત્સા આપવી તેનો આધાર ચિકિત્સકના નિર્ણય પર રહે છે; પરંતુ લાંબા ગાળાની વિરોધિતા(દ્વંદ્વ)ને કારણે તકલીફો સર્જાયેલી હોય, એ દર્દીનો અહંભાવ વધુ પડતો કડક હોય, મનોવિશ્લેષણ સમયે દર્દી હતાશા (frustration) અનુભવતો હોય અથવા તેના જીવનમાં તણાવકારકો (stressors) વધુ જોવા મળેલા હોય તો શુદ્ધ મનોવિશ્લેષણને સ્થાને મનોવિશ્લેષણાત્મક મનશ્ચિકિત્સા કરાય છે. ભારતમાં શુદ્ધ મનોવિશ્લેષણનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થાય છે.

ઈન્દિરા ઘનશ્યામ જોશી

શિલીન નં. શુક્લ