મધ્યોદભિદ વનસ્પતિઓ : મધ્યમસરનું તાપમાન, માફકસરનો ભેજ, જરૂરી પ્રાણવાયુ અને ભૂમિમાં પૂરતા પ્રમાણમાં દ્રાવ્ય ક્ષારો અને કાર્બનિક પદાર્થો હોય તેવી જગાએ થતી વનસ્પતિઓ. તેઓ જે ભૂમિમાં પાણી ભરાઈ રહેતું હોય તે સ્થાને ઊગવાનું પસંદ કરતી નથી. કેટલેક અંશે તેઓ જલોદભિદ અને શુષ્કોદભિદ વચ્ચેનું સ્થાન ધરાવે છે. સૂર્યમુખી, ધાણા, રાઈ, વરિયાળી, જાસૂદ અને ડુંગળી જેવી વનસ્પતિઓમાં મધ્યોદભિદનાં લક્ષણો જોવા મળે છે.

ઘણીખરી મધ્યોદભિદ વનસ્પતિઓ વધારે ભેજવાળી આબોહવામાં જોવા મળતી ટૂંકા ગાળા માટેની શુષ્કતા દરમિયાન જીવંત રહી શકે છે. કેટલીક મધ્યોદભિદ વનસ્પતિઓ ભેજવાળા પ્રદેશો કરતાં શુષ્ક પ્રદેશોમાં વધારે સારી રીતે ઊગે છે. ઘઉંની કેટલીક જાતોનું શુષ્ક પ્રદેશોમાં થતું વાવેતર વધારે ઉત્પાદક અને લાભકારક હોય છે. કેટલાક ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વનસ્પતિની વૃદ્ધિ માટે અનુકૂળ સમય તેમજ ઉનાળા દરમિયાન શુષ્કતાનો કે શિયાળા દરમિયાન શુષ્કતા અને ઠંડીનો સમય એકાંતરે આવે છે. આવી પરિસ્થિતિને અનુકૂળ થતી વનસ્પતિઓને પરિવૃત્તિ-ઉદભિદ (tropophyte) કહે છે. તે સતત ભેજવાળા ઉષ્ણ કટિબંધમાં થતી વનસ્પતિઓ કરતાં રચનાત્મક રૂપાંતરોમાં તફાવતો દર્શાવે છે. આ વનસ્પતિસમૂહ ઉનાળા અને શિયાળાની ઋતુ દરમિયાન શુષ્કોદભિદ જેવાં લક્ષણો ધરાવે છે, જ્યારે બાકીના સમય દરમિયાન તેમનામાં મધ્યોદભિદ કે કેટલીક વખત આર્દ્રતોદભિદ(hygrophyte)નાં લક્ષણો જોવા મળે છે. ઘણી પરિવૃત્તિઉદભિદ વનસ્પતિઓ શિયાળા દરમિયાન પર્ણપાતી (deciduous) લક્ષણ દર્શાવે છે અને વસંત ઋતુમાં તેમનો નગ્નપ્રરોહ પુન: લીલા પર્ણસમૂહ (foliage) વડે આચ્છાદિત થાય છે. શંકુવૃક્ષ(conifer)માં પર્ણપતન થતું નથી. તેનો શુષ્કતાનુરૂપ (xeromorphous) પર્ણસમૂહ શુષ્કતા અને ઠંડી સામે પૂરતા પ્રમાણમાં રક્ષિત હોય છે. શાકીય વનસ્પતિઓમાં કેટલીક વાર શિયાળામાં માત્ર પુષ્પીય પ્રરોહ જ નાશ પામે છે; જ્યારે ગાંઠામૂળી ધરાવતી શાકીય વનસ્પતિઓનાં બધાં જ હવાઈ (aerial) અંગોનો નાશ થાય છે અને વસંતઋતુમાં હૂંફાળા તાપમાને અને પાણીના પુરવઠાના વધારા સાથે આ અંગોનું પુનર્નિર્માણ થાય છે. ભૂમિગત પ્રકાંડનું સર્જન ચિરકાલિક (perennating) કલિકાઓ માટેનું અનુકૂલન છે; જેથી ઉનાળાની અને શિયાળાની પરિસ્થિતિમાં તે જીવંત રહી શકે છે.

પરિવૃત્તિ-ઉદભિદમાં શુષ્ક આબોહવા સામે અનુકૂલન સાધવા થતાં અન્ય રચનાકીય રૂપાંતરો આ પ્રમાણે છે : (1) શિયાળામાં કલિકાઓને વધારે સારું રક્ષણ, (2) પ્રકાંડની ફરતે અને પર્ણપતન પછી રહી જતાં ચાઠાં(scars)ની ફરતે જાડી ત્વક્ષા (cork), (3) હવાછિદ્ર(lenticel)ને બંધ કરવા ત્વક્ષાના કોષોનું નિર્માણ.

શીતળ, ઉચ્ચપર્વતીય (alpine) કે ઉપોચ્ચપર્વતીય (sub-alpine) સમશીતોષ્ણ વનસ્પતિસમૂહ મોટેભાગે પરિવૃત્તિ-ઉદભિદ હોય છે. શીમળો (Bombax), પાનરવો (Erythrina indica), વડ (Ficus bengalensis), સાલ (Shorea robusta) અને સાગ (Tectona grandis) તેનાં અન્ય ઉદાહરણો છે. સાલ અને સાગ ઉનાળામાં પર્ણપતનની ક્રિયા કરે છે.

મધ્યોદભિદ વનસ્પતિઓની કેટલીક સ્વરૂપલક્ષી અને રચનાત્મક લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે :

સ્વરૂપલક્ષી લાક્ષણિકતાઓ : (1) મૂળતંત્ર સુવિકસિત હોય છે. તે ઘણાં પાર્શ્વમૂળો, ઉપમૂળો અને મૂળરોમો ધરાવે છે. મૂળતંત્રનો વિકાસ વનસ્પતિઓના હવાઈ ભાગ જેટલો થયેલો હોય છે. (2) પ્રકાંડ સામાન્યત: લીલું, સીધું, શાખિત, મજબૂત અને કંટકરહિત હોય છે. (3) પર્ણો મોટાં, લીલાં અને પાતળાં હોય છે. પર્ણદલ (leaf blade) પ્રમાણમાં મોટું હોય છે.

રચનાત્મક લાક્ષણિકતાઓ : (1) પ્રકાંડના અધિસ્તર (epidermis) ઉપર રક્ષકત્વચા(cuticle)નું આવરણ પાતળું હોય છે. ક્વચિત્ રંધ્ર (stomata) પણ આવેલાં હોય છે. (2) મકાઈ જેવી વનસ્પતિઓના મૂળમાં યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય મજ્જામાં આવેલા લિગ્નિનયુક્ત કોષોની મદદથી થાય છે. સૂર્યમુખી અને મકાઈના પ્રકાંડમાં કાષ્ઠતંતુઓ(wood fibres)ની મદદથી યાંત્રિક આધાર પ્રાપ્ત થાય છે. (3) પર્ણની બંને સપાટીએ રક્ષકત્વચાનું પાતળું આવરણ આવેલું હોય છે. રંધ્ર બંને સપાટીએ જોવા મળે છે. વડ જેવી કેટલીક વનસ્પતિઓમાં રંધ્રો પર્ણની નીચેની સપાટી ઉપર જ માત્ર આવેલાં હોય છે. (4) મકાઈ જેવી વનસ્પતિઓમાં પર્ણમાં મધ્યપર્ણ (mesophyll) પેશી વિભેદન પામેલી હોતી નથી. સૂર્યમુખીમાં મધ્યપર્ણ પેશીનું લંબોતક (palisade) અને શિથિલોતક (spongy) પેશીમાં વિભેદન થયેલું હોય છે. લંબોતક પેશીના બેથી વધારે સ્તરો હોતા નથી. (5) સંવહનપેશી અને યાંત્રિક (mechanical) પેશીઓ સુવિકસિત હોય છે.

વિષુવવૃત્તીય જંગલો અને ઉષ્ણ કટિબંધીય ઘાસનાં બીડનો મધ્યોદભિદ વનસ્પતિ-સમાજોમાં સમાવેશ થાય છે.

સંજય વેદિયા