મદનમોહના : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અનોખી પદ્યવાર્તા. એ વાર્તાપ્રકારમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર કવિ તે શામળ.

‘મદનમોહના’ શામળની સ્વતંત્ર રચના છે. એ શામળની ઉત્તમ પદ્યવાર્તાઓમાંની એક છે. આ વાર્તા મથુરા નગરીના રાજાની કુંવરી મોહના અને પ્રધાનપુત્ર મદનની એક રસપ્રદ પ્રણયકથા છે.

મથુરાનો રાજા પોતાની પુત્રી મોહનાને શુકદેવ પંડિતને ત્યાં વિદ્યા શીખવા મોકલે છે. બંને વચ્ચે મોહ ન થાય એ માટે વચમાં આડો પડદો રાખવામાં આવે છે; એટલું જ નહિ, રાજાએ રાજકુમારી અંધ અને ડાકણ જેવી છે એવું પંડિતને, અને પંડિત કોઢવાળો છે એવું રાજકુમારીને કહ્યું હોય છે. વિદ્યાભ્યાસ પૂરો થતાં પંડિત પોતાની શિષ્યાની પરીક્ષા લે છે. તે દરમિયાન એક સમસ્યાની બાબતમાં બંને વચ્ચે વાદવિવાદ થાય છે. એટલામાં પ્રધાનપુત્ર મદન ત્યાં આવે છે અને તેનું નિરાકરણ કરે છે. આ સમયે મોહના પડદો દૂર કરે છે અને મદનને જુએ છે. કંદર્પ સરખા રૂપવાન મદનને જોતાં જ મોહના તેના પ્રેમમાં પડે છે અને તેને પોતાની સાથે લગ્ન કરવા આગ્રહપૂર્વક વીનવે છે. મદન આનાકાની કર્યા પછી છેવટે તેની વિનંતીનો સ્વીકાર કરે છે. મોહના માતાપિતાને અજાણ રાખીને મદન સાથે ગાંધર્વલગ્ન કરે છે. રાજાને ખબર પડતાં તે મદનને દેશવટો આપે છે. મોહના પણ પુરુષવેશે તેની સાથે ચાલી નીકળે છે. માર્ગમાં ગણિકાના હાથમાં સપડાતાં તેની ચાલાકીને લીધે બંને વિખૂટાં પડી જાય છે. મોહનાને રસ્તામાં અગ્નિમાં પડેલા સર્પને બચાવતાં એક ચમત્કારી મણિ પ્રાપ્ત થાય છે. આના ઉપયોગથી પુરુષવેશી મોહના 5 રાજકન્યાઓને પરણે છે. અનેક યુક્તિ-પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને તે મદનને મળે છે. મદને પણ અરુણા નામની એક રાજકન્યા સાથે લગ્ન કર્યું હોય છે. બંને જ્યારે પોતાના નગરમાં પાછાં ફરે છે ત્યારે રાજા અને રાણી તે બંનેને આવકારે છે.

‘મદનમોહના’ની વાર્તામાં આ મુખ્ય કથાવસ્તુ ઉપરાંત આડ-કથાઓ, સમસ્યાઓ, ઉપદેશાત્મક નીતિસૂત્રો અને છપ્પા-દોહરાઓની શામળે લહાણી કરી છે. શામળ આ વાર્તા માટે મૌલિકતાનો યશ લેવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ કહે છે : ‘સંસ્કૃત માંહેથી એ શોધિયું, ભણ્યો દ્વિજ ગુર્જર ભાખ.’

આ વાર્તાનો પ્રવાહ સાદ્યંત એકસરખી ગતિથી વહેતો નથી. તે ક્યારેક ગતિશીલ, ક્યારેક મંદ તો ક્યારેક આડવાર્તાઓ અને સમસ્યાબાજીના વમળમાં ફસાઈને થંભી જતો જણાય છે. આરંભમાં મથુરા નગરી, તેનો રાજા, મોહનાનું રૂપવર્ણન, તેનાં લગ્ન માટેની ચિંતા, શુકદેવ પાસે વિદ્યાપ્રાપ્તિ – આ બધા પ્રસંગોમાં શામળની વેગવતી કથનશૈલીનો પરિચય મળે છે. શામળનાં સ્ત્રીપાત્રો પુરુષપાત્રો કરતાં વધારે તેજસ્વી અને ચતુર હોય છે એ હકીકતની પ્રતીતિ આ વાર્તાના નાયક-નાયિકા દ્વારા પણ થાય છે. નાયક બુદ્ધિમાન અને ગુણવાન હોવા છતાં તેના મુકાબલે અનેક વિદ્યામાં પારંગત, નીડર, પુરુષવેશે સાહસ ખેડતી, પોતાના ચાતુર્યથી ગણિકાને છેતરતી અને નાયકને શોધી કાઢતી મોહના વધારે તેજસ્વી અને આકર્ષક છે. આ ઉપરાંત વિદ્વાન શુકદેવ, કપટી ગણિકા અને સમસ્યાનો ઉકેલ આપનારની સાથે લગ્ન કરવાનું વ્રત લેનાર અરુણાનાં પાત્રો પણ સ્પષ્ટરેખ બન્યાં છે.

‘મદનમોહના’ મદન અને મોહનાના પ્રણયની કથા હોઈ એનો મુખ્ય રસ શૃંગાર છે. તે સાથે પ્રસંગોપાત્ત, અદભુત અને વીરરસનું મિશ્રણ પણ થયું છે. જોકે શામળ કેટલેક સ્થળે રસનિરૂપણની ર્દષ્ટિએ ખીલવી શકાય એવા પ્રસંગોને પણ સંક્ષેપમાં પતાવીને કે ચીલાચાલુ વર્ણન કરીને આગળ વધે છે.

‘મદનમોહના’ વાર્તાકાર શામળની શક્તિ અને મર્યાદા બંનેનું દર્શન કરાવતી તેની પ્રતિનિધિરૂપ પદ્યકથા છે.

ડાહ્યાભાઈ હાથીભાઈ ચૌધરી