મદનમોહન (જ. 1924, બગદાદ; અ. 14 જુલાઈ 1975) : સંગીત-નિર્દેશક. પૂરું નામ મદનમોહન કોહલી. પિતા રાયબહાદુર ચુનીલાલ બૉમ્બે ટૉકિઝમાં પ્રોડક્શન કંટ્રોલર હતા અને ફિલ્મિસ્તાન સ્ટુડિયોના સ્થાપક હતા. મદનમોહનનું ભણતર અંગ્રેજીમાં થયું હતું અને ભારતીય સંગીતની તેમણે કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી; તેમ છતાં અનેક ગીતોમાં તેમણે શાસ્ત્રીય રાગોનો જે રીતે ઉપયોગ કર્યો છે તે હેરત પમાડે તેવો છે.

મદનમોહન

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મદનમોહન લશ્કરમાં જોડાયા હતા. યુદ્ધ પૂરું થયા બાદ 1946માં આકાશવાણીના લખનૌ કેન્દ્રમાં જોડાયા અને ત્યાં જ ફૈયાઝખાન, બડે ગુલામઅલીખાન, બેગમ અખ્તર વગેરેની સોબતમાં રહીને સંગીતના પાઠ શીખ્યા. સંગીતકાર બન્યા પહેલાં મદનમોહને પાર્શ્વગાયક બનવાનો પ્રયત્ન કરી જોયો હતો. સંગીતકાર ગુલામ હૈદરે ‘શહીદ’ ચિત્રમાં લતા અને મદનમોહન પાસે એક ગીત ગવડાવ્યું હતું, પણ ચિત્રમાં એ ગીતનો સમાવેશ કરાયો નહોતો. મદનમોહને પણ એ પછી સંગીતકાર બનવા તરફ વધારે ધ્યાન આપવા માંડ્યું.

મદનમોહને પોતાની કારકિર્દી દરમિયાન લતા મંગશેકરનાં શ્રેષ્ઠ ગીતો આપ્યાં પણ 1950માં મદનમોહને પ્રથમ વાર જ્યારે ‘આંખેં’ ચિત્રમાં સંગીત આપ્યું ત્યારે લતાએ તેમાં ગીતો ગાવાની ના પાડી દીધી; કારણ કે લતાને કોઈએ કહ્યું હતું કે મદનમોહન નવાસવા સંગીતકાર છે અને સંગીતનું તેમની પાસે કોઈ પદ્ધતિસરનું જ્ઞાન પણ નથી. આમ પણ રાયબહાદુર ચુનીલાલના પુત્ર તરીકે જ લતાને તેમની ઓળખ હતી; પણ ‘આંખેં’ ચિત્રમાં સંગીતની તેમની ગજબની સૂઝ જોઈને લતાએ તેમના ચિત્ર ‘મદહોશ’માં ગીતો ગાયાં. ખાસ કરીને ગઝલોની બંદિશ રચવામાં મદનમોહન અજોડ રહ્યા. લતા અને તલત મેહમૂદ સાથે રહી તેમણે અનેક યાદગાર ગઝલો આપી.

મદનમોહને સંગીતબદ્ધ કરેલાં કેટલાંક યાદગાર ગીતો : ‘મેરી યાદ મેં તુમ ન આંસૂ બહાના’ (મદહોશ – 1951), ‘બસ્તી બસ્તી, પરબત પરબત ગાતા જાયે બનજારા’ (રેલવે પ્લૅટફૉર્મ – 1955), ‘ઐ દિલ મુઝે બતા દે તૂ કિસ પે આ ગયા હૈ’ (ભાઈભાઈ – 1956), ‘દો ઘડી વો જો પાસ આ બૈઠે’ (ગેટવે ઑવ્ ઇન્ડિયા – 1957), ‘કૌન આયા મેરે મન કે દ્વારે’ (દેખ કબીરા રોયા – 1957), ‘યૂં હસરતોં કે દાગ મુહબ્બત મેં ધો લિયે’ (અદાલત – 1958), ‘હમ પ્યાર મેં જલને વાલોં કો ચૈન કહાં ?’ (જેલર – 1958), ‘જા રે બદરા બૈરી જા’ (બહાના – 1960), ‘વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ’ (સંજોગ – 1961), ‘હૈ ઇસી મેં પ્યાર કી આબરૂ’ (અનપઢ – 1962), ‘રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરૂં’ (ગઝલ – 1964), ‘કર ચલે હમ ફિદા જાનોતન સાથિયો’ (હકીકત – 1964), ‘તેરી આંખ કે આંસૂ પી જાઊં’ (જહાંઆરા – 1964), ‘જો હમને દાસ્તાં અપની સુનાઈ’ (વો કૌન થી ? – 1964), ‘નૈનોં મેં બદરા છાયે, બિજલી સી ચમકી હાયે’ (મેરા સાયા – 1966), ‘યે દુનિયા, યે મેહફિલ, મેરે કામ કી નહીં’ (હીર રાંઝા –  1970).

હરસુખ થાનકી