મદનપાલ (રાજ્યકાલ : 1100–1114) : કનોજના ગાહડવાલ વંશનો રાજા. ગાહડવાલ વંશના સ્થાપક ચંદ્રદેવ ઉર્ફે ચંદ્રરાયનો તે પુત્ર હતો. તે મદનચંદ્ર નામથી પણ ઓળખાતો હતો. મુસ્લિમ તવારીખકારો મુજબ ગઝનાના સુલતાન મસૂદ ત્રીજા(1099–1115)એ ભારત ઉપર ચડાઈ કરી અને કનોજના રાજા મલ્હીને કેદ કર્યો. તેણે સુલતાનને મોટી રકમ આપીને મુક્તિ મેળવી હતી. મલ્હી એ જ મદનપાલ (મદનચંદ્ર) હતો. ભારતીય નોંધ અનુસાર મદનચંદ્રના પુત્ર ગોવિંદચંદ્રે મુસ્લિમોને હરાવીને પિતાને મુક્ત કરાવ્યા હતા. મદનચંદ્રના 1104 અને 1109ના અભિલેખો પ્રમાણે વારાણસી, ઇટાવા જિલ્લાનું બિઠુર અને પ્રાચીન પાંચાલના પ્રદેશો તેના કબજામાં હતા. મદનચંદ્રે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. તે પોતે વિદ્વાન હતો તથા ‘મદનવિનોદ વિઘંટ’ નામનો આયુર્વેદનો ગ્રંથ પણ લખ્યો હતો. તેણે વારાણસીમાં આદિકેશવનું મંદિર પણ બંધાવ્યું હતું.

(2) મદનપાલ (રાજ્યકાલ : 1144–1161) : બંગાળના પાલ વંશનો રાજા. રામપાલ(રાજ્યકાલ : 1077–1120)નો સૌથી નાનો પુત્ર. રાજા ગોપાલ ત્રીજા પછી તેનો કાકો મદનપાલ 1144માં ગાદીએ બેઠો. તેણે ગાહડવાલો પાસેથી મોંઘીર પાછું જીતી લીધું. તેણે તેના બળવાખોર સામંત ગોવર્ધનને હરાવ્યો. પડોશી રાજ્યો સાથે તેણે લડાઈઓ ચાલુ રાખી; પરંતુ પૂર્વ બંગાળમાં સેન વંશના રાજાઓની સત્તા વધતી જતી હતી તે મદનપાલ માટે ચિંતાજનક બાબત હતી. માલદા જિલ્લામાં કાલિંદી નદી પાસે સેન વંશના વિજયસેન સામે તેણે ખૂનખાર લડાઈ કરી. તેણે શત્રુઓને પીછેહઠ કરવાની ફરજ પાડી. પરંતુ થોડાં વર્ષ બાદ 1152માં વિજયસેન સામેની લડાઈમાં વરેન્દ્રી ગુમાવ્યું. ત્યારબાદ તેણે 1161 પર્યંત અંગદેશમાં રાજ્ય કર્યું.

જયકુમાર ર. શુક્લ