મણિયાર, પ્રિયકાન્ત

January, 2002

મણિયાર, પ્રિયકાન્ત (જ. 24 જાન્યુઆરી 1927, વિરમગામ; અ. 25 જૂન 1976, અમદાવાદ) : ઉત્તમ ઊર્મિકવિ. વતન અમરેલી. પિતાનું નામ પ્રેમચંદ અને માતાનું નામ પ્રેમકુંવર. શરૂઆતમાં વસવાટ માંડલ- (તા. વિરમગામ)માં કર્યા પછી અમદાવાદમાં સ્થિર થયા.

પ્રિયકાન્ત મણિયાર

તેમનાં કાવ્યસર્જનોમાં ‘પ્રતીક’ (1953), ‘અશબ્દ રાત્રિ’ (1959), ‘સ્પર્શ’ (1966), ‘સમીપ’ (1972), ‘પ્રબલ ગતિ’ (1974), ‘વ્યોમલિપિ’ (1979) તથા ‘લીલેરો ઢાળ’(1979)નો સમાવેશ થાય છે.

પ્રિયકાન્તે માતાના કંઠે અનેક હાલરડાં, ગીતો અને ભજનો સાંભળેલાં બાળપણથી જ તેમની રુચિ શબ્દ – ભાષા – સાહિત્ય પ્રત્યે ગાઢ બની. ‘પોતે અન્ય કરતાં નોખા છે’ એવા મનોભાવને કારણે સવિશેષ એકલા રહેતા પ્રિયકાન્તને માંડલની મોહન વિનય મંદિર રાષ્ટ્રીય શાળાના ઉત્તમ શિક્ષક જગજીવનભાઈએ સાહિત્યના પ્રથમ પાઠ ભણાવ્યા. ખલીલ જિબ્રાન તેમજ રવીન્દ્રનાથનાં લખાણોનું તેમજ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજીનું તેમણે આકર્ષણ અનુભવ્યું. પ્રકૃતિનો ઊંડો પ્રભાવ પણ અનુભવ્યો. સુરેન્દ્રનગરમાં વસવાટ યોગ્ય ન જણાતાં તેઓ અમદાવાદમાં ખાડિયા બાલા હનુમાનની નજીકમાં કવીશ્વરની પોળમાં, એક સાંકડી મેડીમાં આવી રહ્યા. ત્યાં રહી સૌપ્રથમ કવિતાનો આસ્વાદ કરવાનું શરૂ કર્યું. નગરજીવનનો પરિચય થતાં તેમને પ્રબળ પ્રશ્ન થયો : ‘ભાષામાં કેમ પ્રકટવું ?’

1942–43માં નવમા ધોરણથી અભ્યાસ પડતો મૂકી કવિ પ્રિયકાન્ત પિતાના ચૂડીઓ બનાવવાના વ્યવસાયમાં જોડાયા. અમદાવાદમાં આવ્યા બાદ કંકણકળા અને કાવ્યકળા પર એકસાથે તેમનો હાથ બેસવા લાગ્યો. ‘કુમાર’ની બુધસભામાં તેઓ હાજરી આપવા લાગ્યા. ન્હાનાલાલથી પ્રભાવિત કવિ પ્રિયકાન્ત ડોલનશૈલીનું અનુકરણ કરતા; રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની કવિતાની આબોહવા તળે કવિ પોતાનાં કાવ્યો લખતા.

પ્રિયકાન્તની કવિતા જનસામાન્યને સીધી સ્પર્શે છે. તેમનાં પ્રણયકાવ્યોમાં પ્રણયરસની સંતૃપ્તિ વર્ણવાઈ છે. રાધાકૃષ્ણનાં ગીતોમાં કવિ બૃહદ્ ભાવપરિમાણોને વ્યાપમાં લેતાં કલ્પનો આપીને ગોપીભાવની પરાકાષ્ઠા દાખવતાં અપૂર્વ લયમાધુર્યભર્યાં સૌન્દર્યચિત્રો પણ આપે છે.

લેખનના એક જ ઢાંચામાં બંધાઈ રહે તેવી વ્યક્તિઓમાંના પ્રિયકાન્ત ન હતા. તેઓ કાવ્યલેખનમાં જુદી જુદી પદ્ધતિઓ અજમાવતા. પ્રિયકાન્તની કવિતા સમય જતાં સ્વતંત્ર રૂપ ધારણ કરીને આવે છે.

‘પ્રતીક’ સંગ્રહે પ્રિયકાન્તની સાફસૂથરા અને સુઘડ છંદની શક્તિનો પરિચય કરાવ્યો. પ્રિયકાન્તની વિશેષતા તે નગરજીવનમાં જોવા મળતી માનવગ્લાનિનું નિદર્શન. 1972માં અમેરિકાના પ્રવાસે ગયેલા પ્રિયકાન્ત માર્કસની બાહ્ય કરતાં ગહનતર વાસ્તવિકતાનાં ગ્લાનિપૂર્ણ ચિત્રો આપે છે. ‘એ લોકો’ કાવ્યમાં કવિનો આક્રોશ સબળ રીતે પ્રગટ થયો છે.

નવી કવિતામાં ઇન્દ્રિયગ્રાહ્યતાનું જે તત્વ પ્રવેશ્યું છે તે ‘સ્પર્શ’ અને ‘પ્રબલ ગતિ’માં જોવા મળે છે. તેમના ‘સ્પર્શ’માં કેટલાંક ઉત્તમ ગીતો છે.  ગીત-કવિતા પ્રિયકાન્તનું નજરાણું છે ‘લીલેરો ઢાળ’. ‘વ્યોમલિપિ’માં આધુનિક મનુષ્યની સંવેદનાને રજૂ કરતી કવિતા છે. ભિન્ન ભિન્ન કાવ્યર્દષ્ટિ લઈ આવતા ભાવકના ચિત્તમાં પ્રિયકાન્તની કવિતા નવાં નવાં ભાવસ્પંદનો જગાવે છે. પ્રિયકાન્તને કવિતા માટે ‘કુમાર’ ચંદ્રક તેમજ 1972–73નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યાં હતાં.

ડાહ્યાભાઈ હાથીભાઈ ચૌધરી