મકવાણા (ડૉ.) યોગેન્દ્રકુમાર

January, 2002

મકવાણા (ડૉ.) યોગેન્દ્રકુમાર (જ. 23 ઑક્ટોબર 1933, સોજિત્રા, ગુજરાત) : ગુજરાતના જાણીતા દલિત નેતા અને કેંદ્રીય મંત્રી. પિતા માવજીભાઈ. માતા રતનબહેન. તેમનો વ્યવસાય વણકરનો. તેમનું પ્રાથમિક અને શાલેય શિક્ષણ વતનમાં. આ દરમિયાન કઠિન પરિશ્રમભર્યું જીવન જીવીને, ખેત-મજૂરી કરીને તેઓ આગળ વધતા ગયા. વતનની શાળામાં શિક્ષણ દરમિયાન તેઓ વ્યાયામવીર છોટુભાઈ પુરાણીના પરિચયમાં આવ્યા અને તેથી જાહેર જીવનમાં સક્રિય બનવાની શરૂઆત થઈ. પ્રારંભે ખેડા જિલ્લાના સમાજવાદી પક્ષમાં દાખલ થયા. તે પછી સામાજિક કાર્યના ભાગ રૂપે દલિતો અને વંચિતો માટે રાત્રિશાળાનો આરંભ કરી વતનના અન્ય દલિતો અને વંચિતો માટે પ્રગતિનો પથ તૈયાર કર્યો. શાળાના સામયિક ‘પ્રગતિના પંથે’ના તંત્રી બની તેમણે વાચન, લેખન અને વક્તવ્યની શક્તિઓ વિકસાવી. 1952માં એસ.એસ.સી.ની પરીક્ષા વિશેષ ગુણવત્તા (ડિસ્ટિન્ક્શન) સાથે ઉત્તીર્ણ કરી. તેમની તબીબ બનવાની મહેચ્છા અને ગુણવત્તા હોવા છતાં તે અભ્યાસ ખર્ચાળ નીવડવાના ભયે અમદાવાદની ગુજરાત કૉલેજમાં વિનયન વિદ્યાશાખામાં દાખલ થયા. દરમિયાન સરકારી નોકરી મળતાં કૉલેજ બદલી, અભ્યાસ અને નોકરી – બંને ચાલુ રાખ્યાં અને અર્થશાસ્ત્રના સ્નાતક બન્યા. તે પછી તેઓ કાયદાના સ્નાતક બન્યા તેમજ થોડાં વર્ષો બાદ ‘ગુજરાતના દલિત : સામાજિક ન્યાય અને વિકાસની શોધમાં’ – વિષય પર શોધનિબંધ રજૂ કરી ડૉક્ટરેટની પદવી મેળવી.

તેઓ અભ્યાસ બાદ સતત રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતા. 1969માં કૉંગ્રેસ પક્ષનું વિભાજન થયું ત્યારે ઇન્દિરા ગાંધીના આમંત્રણથી દિલ્હી ખાતેની બેઠકમાં તેઓ હાજર રહ્યા. ચંદ્રશેખર જેવા પીઢ નેતાના પ્રોત્સાહનથી રાજકારણમાં સક્રિય બનવા નોકરીને તિલાંજલી આપી. આ સમયે તેમનાં પત્ની શાંતાબહેન મકવાણા સંસ્થા કૉંગ્રેસ સાથે જોડાયેલાં હતાં અને ગુજરાતનાં વિધાનસભ્ય હતાં. આમ છતાં તેમણે ઇન્દિરા કૉંગ્રેસ સાથેના સંપર્કો જાળવી, વધારી તેનો પ્રચાર કર્યો.

1971માં ગુજરાતની રાજ્યસભાની એક બેઠક શ્યામપ્રસાદ વસાવડાના અવસાનથી ખાલી પડતાં તેમણે તે માટેની પેટા ચૂંટણી જીતી, રાજ્યસભાનું સભ્યપદ હાંસલ કર્યું.

દિલ્હીના વસવાટ દરમિયાન ઇન્દિરા કૉંગ્રેસમાં સક્રિય રહી કૉંગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીના પ્રમુખ વરાયા, તે સાથે રાજ્યસભામાં કૉંગ્રેસ પક્ષના મદદનીશ દંડક તરીકે કામગીરી કરી. શ્રીમતી ગાંધી સાથે ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો. ઇન્દિરા ગાંધીએ આ તરવરિયા યુવાનની શક્તિ અને કામગીરી પિછાણી તેમને 1980માં રાજ્યકક્ષાના ગૃહમંત્રી નીમ્યા; વધુમાં તેમને અનુસૂચિત જાતિ અને જનજાતિઓ અંગેના મંત્રાલયની કામગીરી સોંપી. તેમણે ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ ‘સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્લાન ફૉર શિડ્યુલ્ડ કાસ્ટ’ની રચના કરી. દેશની વિવિધ રાજ્ય સરકારો આ અંગે સક્રિય બને તેવી વ્યવસ્થા તેમણે ઊભી કરી અને છઠ્ઠી પંચવર્ષીય યોજના સાથે ઉપર્યુક્ત યોજના જોડીને તે અંગે નાણાંની ખાસ વ્યવસ્થા કરાવી. આ યોજના અંગેની નાણાફાળવણી જે એક ટકાથી પણ ઓછી હતી તેને છઠ્ઠી યોજનામાં 3.41 ટકા સુધી વધારાવી અને દલિતો–વંચિતો માટે વિકાસની દિશા વધુ સ્પષ્ટ કરાવીને જ તેઓ જંપ્યા.

કેંદ્રમાં ગૃહ મંત્રાલય સિવાય સંચાર, કૃષિ, સહકાર, આરોગ્ય, લોખંડ અને ખાણ મંત્રાલય જેવાં વિવિધ મંત્રાલયોની જવાબદારી તેમને વખતોવખત સોંપાયેલી અને તે તેમણે અદા કરેલી. સરકારના મંત્રીની રૂએ અમેરિકા, સોવિયેત સંઘ, જર્મની, ફ્રાંસ, ઇટાલી, ઇજિપ્ત, સીરિયા અને અન્ય દેશોનો પ્રવાસ ખેડેલો.

સામાજિક ક્ષેત્રે ઇતર પ્રવૃત્તિઓની સાથે તેમણે વિશ્વ ગુજરાતી પરિષદ સ્થાપી, વિદેશોમાં વસતા ગુજરાતીઓના પ્રશ્નોમાં મદદરૂપ બનવા તત્પરતા દાખવી હતી. અંગ્રેજી-હિન્દી માસિક ‘Parish Sandesh’ – ‘પરિશ સંદેશ’નું તંત્રીપદ સંભાળવા ઉપરાંત વિવિધ સામયિકોમાં તેઓ લેખો લખતા રહેતા. ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર – અ ક્રૂઝેડર’ નામનો તેમનો લેખ જાણીતો બન્યો હતો.

થાઇલૅન્ડમાં મળેલી વિવિધ દેશોના આરોગ્યમંત્રીઓની પરિષદમાં તેઓ સર્વાનુમતિથી તેની ‘મુસદ્દા ઘડતર સમિતિ’ના અધ્યક્ષ પસંદ થયેલા. સીરિયા ખાતે પણ તેમણે કૃષિવૈજ્ઞાનિકોના પ્રતિનિધિમંડળના નેતા તરીકે સફળ કામગીરી બજાવી હતી. તેઓ તેમની વાંચન-લેખનની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે.

‘જન હરિજન’ અને ‘એન એપ્રોચ ટુ સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્લાન ફૉર શિડ્યુલ્ડ કાસ્ટ ઇન સિક્સ ફાઇવ ઇયર પ્લાન’ એ તેમનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.

મહેન્દ્ર જાદવ

રક્ષા મ. વ્યાસ