મકવાણા, કરમશી કાનજીભાઈ

January, 2002

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ ગરીબીમાં ખેતીના કામમાં જોતરાવું પડેલું. આથી મહેનતકશ જીવનનો પાકો અનુભવ મળ્યો. વળી વિદ્યાપીઠમાં સમાજસેવા વિદ્યાશાખાના અભ્યાસને લીધે ગામડાંના ઉત્થાનના કાર્યમાં જોડાવાનો નિશ્ચય પણ પાકો થયો. તેથી સ્નાતક બન્યા પછી પોતાના વતન ધજાળામાં 1952માં પરત આવ્યા અને માત્ર શિક્ષક ન રહેતાં ગ્રામસેવક પણ બન્યા. તેમણે પોતાના વિસ્તારમાં આદરેલી ગ્રામોત્કર્ષની પ્રવૃત્તિઓ પંચાયતી રાજના આગમનથી વેગીલી બની. ઘનશ્યામભાઈ ઓઝા જેવા નેતાઓના પ્રોત્સાહનથી તેઓ ગામડાંના રાજકારણમાં સક્રિય બન્યા. 1962થી અવસાન સુધીનાં સતત 35 વર્ષ પંચાયતી રાજની વિવિધ કક્ષાઓએ સક્રિય કામગીરી કરી અને ગામડાંના ઉત્કર્ષના કાર્યમાં મંડ્યા રહ્યા; જેનો પુરાવો સાયલા, સુદામડા, ભીમોરા, ધ્રાંગધ્રા વગેરે ગામોને સમાવતો સમગ્ર પાંચાળ પંથક છે. ત્યાં તેમણે લોકકેળવણીનો ઉજાસ પાથર્યો. સમાજસેવા કરતાં કરતાં જરૂર પડે ત્યાં અને ત્યારે રાજનીતિમાં પ્રવેશ કરી પ્રજાના પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન કેંદ્રિત કર્યું. આપદ્ધર્મ તરીકે પંચાયતોથી માંડીને સરકારમાં પ્રધાનપદ સુધીના રાજકીય હોદ્દાઓ તેમણે સ્વીકાર્યા. તેઓ ગુજરાત રાજ્યના નશાબંધી અને વનવિભાગના મંત્રી બન્યા. આ કામગીરી દરમિયાન 1990માં નાની સિંચાઈ ખાતાના મંત્રી તરીકે હવાલો સંભાળી ચેક-ડૅમો, સેફ-સ્ટેજ વગેરેનાં કામોની ઝુંબેશ ચલાવી. તેના પરિણામે 1990થી 1994નાં વર્ષોમાં અગાઉનાં વર્ષો કરતાં બમણાં કામ થયાં અને ગુજરાતના સૂકા પ્રદેશો હરિયાળા બન્યા.

સરકારો બનાવવા-બગાડવાની પ્રવૃત્તિમાં પક્ષપલટા માટે ભારે મોટી રોકડ રકમના પ્રલોભનને ઠોકર મારી પક્ષદ્રોહી બનવાથી તેઓ દૂર રહ્યા અને જાહેર જીવનમાં ગરિમાભર્યા રાજકીય જીવનનો નમૂનો પૂરો પાડ્યો. ગ્રામીણ ગુજરાતના આ સન્નિષ્ઠ કાર્યકરે આદર્શ પ્રજાસેવક તરીકે પ્રજાજીવનમાં નિશ્ચિત સ્થાન હાંસલ કર્યું. તેમણે પોતાના જીવનના અનુભવો ‘વનરાનું હું તો ભાઈ ફૂલડું’(1993)માં સંગૃહીત કર્યા છે.

રક્ષા મ. વ્યાસ