ભોજ પ્રતિહાર (મિહિર)

January, 2001

ભોજ પ્રતિહાર (મિહિર) (ઈ. સ. 836–885) : પ્રતિહાર વંશનો પ્રતાપી રાજા. તેનો પિતા રામભદ્ર હતો. તેના અવસાન બાદ પ્રતિહાર સામ્રાજ્યનાં સત્તાનાં સૂત્રો ભોજને હસ્તક આવ્યાં. શરૂઆતમાં તે પાલ રાજવી દેવપાલ સામે ફાવ્યો નહિ, તેમજ રાષ્ટ્રકૂટો સામે પણ ખાસ સફળતા મળી જણાતી નથી. ત્રિપુરીના ચેદિઓએ પણ તેને પરાજિત કર્યો જણાય છે; પરંતુ તે નિરાશ થયો નહિ. દેવપાલના મૃત્યુ પછી તેનો અનુગામી નારાયણપાલ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ રસ લેતો હોવાથી પાલ સામ્રાજ્ય રાષ્ટ્રકૂટ રાજવીઓની મહત્વાકાંક્ષાનો ભોગ બન્યું. ભોજે આ સુંદર તક ઝડપી લઈને ચેદિ અને ગુહિલોટ રાજાઓ સાથે સંધિ કરી અને નારાયણપાલ પર આક્રમણ કર્યું તથા તેનો સખત પરાજય કર્યો. આ રીતે તેણે બંગાળ પર આધિપત્ય પ્રાપ્ત કર્યું. ત્યારબાદ નર્મદા નદીના તીરે રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ બીજાનો પરાજય કર્યો. તેની પાસેથી માળવા પડાવી લીધું. હવે તેણે ગુજરાત પર આક્રમણ કર્યું અને ખેટક પ્રદેશ (આજનો ખેડા જિલ્લો) કબજે કર્યો. પછી તેણે સમસ્ત સૌરાષ્ટ્ર પર આધિપત્ય સ્થાપ્યું; પરંતુ રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ બીજાએ, ઉજ્જૈન પાસે તેનો સામનો કર્યો. જોકે આ યુદ્ધનું કોઈ નિર્ણાયક પરિણામ આવ્યું જણાતું નથી, કારણ કે માળવાના પ્રદેશ પર મિહિર ભોજનો કાબૂ રહ્યો.

આમ પ્રતિહાર–પાલ–રાષ્ટ્રકૂટો વચ્ચેના ત્રિકોણિયા જંગમાં, મિહિર ભોજના શક્તિશાળી નેતૃત્વ નીચે, એકમાત્ર પ્રતિહારો જ બળવાન સત્તા તરીકે ઊપસી આવ્યા હતા. ત્યારબાદ મિહિર ભોજે પંજાબ અને ઔંધ પણ જીતી લીધાં હતાં. આમ મિહિર ભોજના સમયમાં પ્રતિહાર સામ્રાજ્ય ઉત્તરે હિમાલયથી લઈને દક્ષિણે નર્મદા નદી, તથા પૂર્વમાં બંગાળાથી લઈને પશ્ચિમે પંજાબના કર્નૂલ સુધી વિસ્તર્યું હતું. ઈ. સ. 851માં અરબ મુસાફર સુલેમાન હિંદની મુસાફરીએ આવ્યો હતો. તેણે પ્રતિહાર સામ્રાજ્યની સમૃદ્ધિનાં વખાણ કર્યાં છે. તે નોંધે છે તે મુજબ આરબો તરફ તેને મિત્રભાવ નથી અને ઇસ્લામનો તે શત્રુ છે. તેની પાસે સમૃદ્ધિ છે. તેનો દેશ કીમતી ખનિજ-સંપત્તિથી ભરપૂર છે. ચોર-લૂંટારાઓ સામે તે દેશને સુરક્ષિત રાખે છે. તેની પાસે ઊંટ અને ઘોડાઓની મોટી સંખ્યા છે. મિહિર ભોજ કવિઓ અને વિદ્વાનોનો આશ્રયદાતા હતો. તેની રાજસભામાં કાવ્યમીમાંસા, બાલરામાયણ, કર્પૂરમંજરી વગેરેનો કર્તા કવિ રાજશેખર બિરાજતો હતો. ગ્વાલિયર-પ્રશસ્તિમાં સમ્રાટ મિહિર ભોજની પરાક્રમગાથા લખનાર કવિ બાલાદિત્ય પણ તેની રાજસભાને શોભાવતો હતો.

તે સમયના હિંદમાં એક શક્તિશાળી સમ્રાટ તરીકે ભોજની ખૂબ પ્રતિષ્ઠા હતી. મુસલમાનોનાં આક્રમણો સામે એક અડગ પ્રહરી તરીકે તેણે દીવાલરૂપ રક્ષણ પોતાના દેશને પૂરું પાડ્યું તથા તેના ઉત્તરાધિકારીઓ માટે વારસામાં આ પવિત્ર કાર્ય મૂકતો ગયો. તે આદિવરાહ, મિહિર અને પ્રભાસ જેવાં નામોથી પણ જાણીતો હતો.

ઉષાકાન્ત શાસ્ત્રી