ભોજ-પરમાર

January, 2001

ભોજ-પરમાર (શાસનકાળ : 1000થી 1055) : માળવાના રાજા સિંધુરાજનો પુત્ર અને પરમાર વંશનો બહુશ્રુત વિદ્વાન કવિ તથા સર્વશ્રેષ્ઠ રાજા. તેના રાજ્યઅમલના ઈ. સ. 1020થી 1047 સુધીના શિલાલેખો મળે છે. તેનું રાજ્ય ચિતોડ, વાંસવાડા, ડુંગરપુર, ભિલસા, ખાનદેશ, કોંકણ અને ગોદાવરીના ઉપલા પ્રદેશો સુધી વિસ્તર્યું હતું. તેના અમલનાં શરૂઆતનાં વરસોમાં તેણે તેના વારસાગત દુશ્મન કલ્યાણીના જયસિંહ ચાલુક્ય સામે લડવા ગાંગેયદેવ કલચુરિ અને તાંજોરના રાજેન્દ્ર ચોલ સાથે મિત્રસંઘ બનાવ્યો. શરૂઆતમાં મિત્રસંઘને વિજય મળ્યો, પરંતુ જયસિંહે આખરે તેમને હરાવ્યા. પાછળથી જયસિંહનો પુત્ર સોમેશ્વર પ્રથમ ગાદીએ બેઠો (ઈ. સ. 1042). તેણે ભોજ પર બદલો લેવા માટે ધારા, ઉજ્જૈન તથા માંડુમાં લૂંટ કરી અને ભોજને તેના પાટનગરમાંથી નાસી જવાની ફરજ પાડી.

ત્યારબાદ ભોજ વિજયયાત્રા લઈ ગયો અને ઓરિસાના ગંજકા જિલ્લામાં આદિનગરના રાજા ઇન્દ્રરથને હરાવ્યો. તેણે 1020માં કોંકણ જીતીને ખાલસા કર્યું. રાજા ભોજે દક્ષિણ ગુજરાત(લાટ)ના કીર્તિરાજ ચાલુક્ય અને ગુજરાતના ભીમદેવ પહેલાને હરાવ્યા. તેણે શાકંભરી પર ચડાઈ કરીને વીર્યરામ ચાહમાન પાસે આધિપત્ય સ્વીકારાવ્યું. ઈ.સ. 1043માં હિંદુ રાજાઓના સંઘમાં જોડાઈને તેણે ઝાંસી, થાણેશ્વર, નગરકોટ વગેરે રાજ્યો જીતી લીધાં. મુસ્લિમોનાં આક્રમણો સામે ઉત્તર ભારતના સંરક્ષણમાં રાજા ભોજનું પ્રદાન નોંધપાત્ર હતું. ગુજરાતના ભીમદેવ પહેલા અને કલચુરિ રાજા કર્ણે અનુક્રમે પશ્ચિમ અને પૂર્વમાંથી માળવા પર એકસાથે આક્રમણ કર્યાં. એ લડાઈ ચાલુ હતી તે દરમિયાન 1055માં ભોજનું અવસાન થયું, તેથી આક્રમણકારોએ ધારાનગરી કબજે કરી અને માળવામાં લૂંટ કરી.

ભોજ હિંદુ ધોરણોને અનુરૂપ એક આદર્શ લોકપ્રિય રાજા હતો. તે કવિ, વૈયાકરણ અને કોશકાર પણ હતો. વૈદક, ચિકિત્સા, ખગોળ, ગણિત, વ્યાકરણ, અલંકાર, જ્યોતિષ વગેરે વિષયો ઉપર તેણે ગ્રંથો લખ્યા છે. તેમાં ‘સરસ્વતીકંઠાભરણ’ નામનું સંસ્કૃત વ્યાકરણ, ‘શૃંગારપ્રકાશ’ નામનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ, ‘સમરાંગણસૂત્રધાર’ નામનો વાસ્તુશાસ્ત્રનો ગ્રંથ, ‘રાજમાર્તંડ’ નામનો આયુર્વેદનો ગ્રંથ, ‘રામાયણચંપૂ’ નામનું કાવ્ય અને ‘શૃંગારમંજરી’ નામનું ગદ્યકાવ્ય ખૂબ જાણીતાં છે. વળી ધર્મશાસ્ત્રના ‘યુક્તિપ્રકાશ’ અને તત્વપ્રકાશ’ ગ્રંથો, ‘રાજમૃગાંક’ નામનો જ્યોતિષનો ગ્રંથ, ‘શાલિહોત્ર’ નામનો અશ્વશાસ્ત્રનો ગ્રંથ તથા ‘સુભાષિતપ્રબંધ’, ‘વિશ્રાન્તવિદ્યાવિનોદ’, ‘આદિત્યપ્રતાપસિદ્ધાન્ત’ વગરે સાહિત્યના અલ્પપ્રસિદ્ધ ગ્રંથો પણ રાજા ભોજે રચ્યા છે.

તેની રાજસભામાં ધનપાલ, શોભન અને ઉવટ જેવાં અનેક વિદ્વદરત્નો હતાં. વિદ્યા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા તેણે ધારાનગરીમાં એક વિદ્યાલય સ્થાપ્યું હતું. દેશવિદેશથી અનેક વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસાર્થે આવતા હતા. તેણે ભોજપુર નામે નગર સ્થાપ્યું અને મોટી સંખ્યામાં શિવનાં મંદિરો બંધાવ્યાં. તેણે ‘ભોજસાગર’ નામે વિશાળ સરોવર બંધાવ્યું હતું. મધ્યયુગીન ભારતનો તે મહાન રાજા ગણાય છે.

ઉષાકાન્ત શાસ્ત્રી

પ્ર. ઉ. શાસ્ત્રી