ભોજક, જયશંકર ‘સુંદરી’

January, 2001

ભોજક, જયશંકર ‘સુંદરી’ (જ. 30 જાન્યુઆરી 1889, ઊંઢાઈ; અ. 22 જાન્યુઆરી 1975, વિસનગર) : જૂની ગુજરાતી રંગભૂમિમાં નારીપાત્ર ભજવતા વિખ્યાત અભિનેતા અને દિગ્દર્શક. માતાનું નામ કૃષ્ણા. વિસનગરના શ્રીમાળી ભોજકોમાં પ્રસિદ્ધ ગાયક ત્રિભોવનદાસ એમના દાદા હતા. નાની વયમાં દાદાની સાથે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું અને તેની ઘેરી અસર પડી. પછી નાટકનું ઘેલું લાગ્યું. ભણવામાં રસ રહ્યો નહિ. એમની અંદરના નટને તૈયાર કરવામાં ‘હરિશ્ચંદ્ર’ નાટક ઉપરાંત બહુરૂપીના વેશ, નળદમયંતીની કથા, ઇલાચીકુમારનું ચિત્ર વગેરેએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પિતા ભૂધરદાસની આખ્યાન-ગાન-સમયની લાક્ષણિક મુદ્રાઓ, ભાવવાહી ગાન, પ્રસંગને તાદાત્મ્યભરી રીતે રજૂ કરવાની સચોટ શૈલીની શિશુ જયશંકર પર અસર થઈ હતી.

જયશંકર ભોજક

9 વર્ષની ઉંમરે દાદાભાઈ રતનજી ઠૂંઠીના ઠઠનિયા થિયેટરની પારસી નાટકમંડળી કૉલકાતામાં જોડાવા કૉલકાતા ગયા. હિંદી અને ઉર્દૂ ભાષામાં નાટકો કરતાં શીખ્યા. કોલકાટામાં એમના બત્રીસ મહિનાના રોકાણ દરમિયાન ‘ગુલઝરીના’, ‘ચત્રાબકાવલી’, ‘હામાન’, ‘ખુદાદાદ’, ‘જામેજહાન’ તેમજ ‘સિતમગર’ નામનાં નાટકોમાં નાયિકાની ભૂમિકા ભજવી. દાદાભાઈની નાટ્યશાળામાં વેશભૂષા, મેકઅપ, પ્રકાશયોજના, ગાયનકલા, સંવાદછટા, અંગમરોડ તેમજ નાટ્યકલાનાં અન્ય વિવિધ પાસાંનું જ્ઞાન મેળવ્યું. 1899માં વિસનગર પાછા ફર્યા અને ફરી શાળામાં અભ્યાસ શરૂ કર્યો, પણ જીવ નાટકોમાં. દેશી સમાજના મૂળ સ્થાપક તેમજ ‘સંગીતલીલાવતી’ના લેખક એમના ફુઆ કેશવલાલ શિવરામ અધ્યાપકની સલાહથી છોટાલાલ મૂળચંદ કાપડિયાની મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાવા 1901માં મુંબઈ ગયા. આ મંડળીનાં નાટકો કાપડિયાની માલિકીના જ ગેઅટી થિયેટર(હાલના કૅપિટલ)માં ભજવાતાં હતાં. પારંગત દિગ્દર્શક/અભિનેતા દયાશંકર વશનજી ગિરનારા તેમજ બાપુલાલ નાયકના માર્ગદર્શન હેઠળ અભિનય તેમજ નાટ્યકલાની તાલીમ લીધી. પંડિત વાડીલાલ શિવરામ નાયક પાસે સંગીત શીખવા મળ્યું, ગેઈટીમાં જોડાયા ત્યારે જ કવિ મૂળશંકર હરિનંદ મૂલાણીલિખિત ‘સૌભાગ્યસુંદરી’ નાટક તૈયાર થઈ રહ્યું હતું. મૂળ રાજકવિ નથુરામ સુંદરજી શુક્લરચિત નાટકને મૂલાણીએ જયશંકરને ‘સુંદરી’ની ભૂમિકામાં કલ્પીને નવું કલેવર બક્ષ્યું હતું. બાપુલાલે સૌભાગ્યની ભૂમિકા ભજવી હતી. એકધારાં 3 વર્ષ સુધી ચાલેલા ‘સૌભાગ્યસુંદરી’ નાટકની ‘સુંદરી’ પર તો આખું મુંબઈ આફરીન હતું. મુંબઈની સ્ત્રીઓ ‘સુંદરી’ની ચાલ–એના હાવાભાવ વગેરેની નકલ કરવા માંડી હતી. કેટલાક ચુસ્ત નીતિવાદીઓએ ફરિયાદ પણ કરી હતી કે મુંબઈને વંઠાવનાર ‘ગેઈટીની સુંદરી’ છે. ‘સૌભાગ્યસુંદરી’ નાટકે જ જયશંકર ‘સુંદરી’નું અમર બિરુદ આપ્યું.

મુંબઈ ગુજરાતી નાટક મંડળીના નેજા હેઠળ જયશંકરે ભજવેલાં અન્ય નોંધપાત્ર નાટકોમાં ‘વિક્રમચરિત્ર’, ઉર્દૂ નાટક ‘દાગે હસરત’, ‘જુગલ જુગારી’ અને ‘કામલતા’નો સમાવેશ થાય છે. મૂળ કાલિદાસના ‘શાકુંતલ’નું રૂપાંતર મૂલાણીએ ‘કામલતા’ નામે કર્યું હતું. ‘જુગલ જુગારી’ નાટકે પ્રેક્ષકો પર જુગારના દુર્ગુણથી થતી પાયમાલી વિશે ઘેરી અસર ઉપજાવી હતી. આ નાટકમાં જયશંકરની લલિતાના પાત્રની ભૂમિકા ઉચ્ચ કોટિની હતી. જ્યારે ‘વિક્રમચરિત્ર’માં જયશંકર-અભિનીત રંભા દૂધવાળીનું ‘કોઈ દૂધ લ્યો દિલરંગી….’ ગીત ખૂબ લોકપ્રિય થયેલું. મુંબઈની કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનાર પર એની પંક્તિઓ પણ છપાવેલી.

1906માં કાયદા મુજબ જૂનું લાકડાનું ગેઈટી થિયેટર નવું પથ્થરનું બંધાયું. નવા બંધાયેલા ગેઈટીમાં ‘નંદબત્રીસી’ (પ્રથમ પ્રયોગ, 1907), ‘ચંદ્રભાગા’ (1909), ‘નવલશા હીરજી’ (1909), ‘વસંતપ્રભા’ (1910), ‘નવલકુસુમ’ (1910), ‘દેવકન્યા’ (1911), ‘કૃષ્ણચરિત્ર’ (1912), ‘પ્રતાપલક્ષ્મી’ (1914), ‘સંગતનાં ફળ’ (1915), ‘સ્નેહસરિતા’ (1915), ‘સુધાચંદ્ર’ (1916) અને ‘મધુબંસરી’ (1917) નાટકોમાં નાયિકાની ભૂમિકાઓ ભજવી. આ ભૂમિકાઓના અભિનયમાં જયશંકરનું ભાવવિશ્વ ખૂબ બહોળું રહ્યું હતું. રસનિષ્પત્તિના વિવિધ આયામોને એ સ્પર્શી લેતા હતા.

1922માં બાપુલાલે મુંબઈ ગુજરાતી નાટક મંડળી ખરીદી લીધી. એ પછી જયશંકર મુંબઈના લક્ષ્મીકાંત નાટક સમાજમાં દિગ્દર્શક તરીકે જોડાયા. અહીં વિભાકરલિખિત ‘અબજોનાં બંધન’ નાટક સર્જ્યું જેમાં એમની નાયિકા મનોરમાની ભૂમિકા ઘણી પંકાયેલી. નાટકમાં એમણે ગાયેલા ‘તમે પહેરોને ખાદી’ ગીતે ગાંધીજીની ખાદી-ઝુંબેશને વેગવંતી બનાવવામાં ફાળો આપ્યો હતો. 1923માં કાપડિયાએ ફરી પોતાના ગેઈટી થિયેટરમાં શરૂ કરેલ ‘સુબોધ ગુજરાતી નાટક મંડળી’માં તેઓ જોડાયા અને ‘છત્રપતિ શિવાજી’ નાટક સર્જ્યું. તેમાં જીજાબાઈની ભૂમિકા ભજવી. આ ગાળામાં મરાઠી રંગભૂમિના કેટલાક જાણીતા મરાઠી નાટ્યલેખકોના સંપર્કમાં આવ્યા. મરાઠી રંગભૂમિમાં નારીપાત્ર ભજવતા મહાન અભિનેતા બાલ ગંધર્વ તો જયશંકર સુંદરીને પોતાના ગુરુ કહેતા ! 1924માં બાપુલાલ સાથે મતભેદ થતાં તેમજ સુબોધ ગુજરાતી નાટક મંડળી બંધ પડતાં જયશંકર વિસનગર પાછા ફર્યા. 1925થી 1932 દરમિયાન ફરી બાપુલાલ સાથે જોડાયા અને જૂનાં તેમજ નવાં નાટકોમાં નાયિકાની ભૂમિકા ભજવવા લાગ્યા. વળી નટોને તાલીમ આપવાનું કામ તો ખરું જ. ‘મદાંધ મહિલા’, ‘નૂરજહાં’, ‘કૉલેજની કન્યા’, ‘જમાનાનો રંગ’ અને ‘કાશ્મીરનું પ્રભાત’ જેવાં નવાં નાટકો ભજવ્યાં. 28 એપ્રિલ 1932ના રોજ ‘સ્વામીભક્તિ’ નાટકમાં નાયિકા ગજરાની અવિસ્મરણીય ભૂમિકા ભજવીને તેમણે નિવૃત્તિ લીધી અને વિસનગર પાછા ફર્યા. ત્યાં અવેતન નાટ્યશોખીન મિત્રો સાથે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી. ર. વ. દેસાઈ કૃત ‘શંકિત હૃદય’ અને રસિકલાલ છો. પરીખ કૃત ‘રૂપિયાનું ઝાડ’ નાટકો તેમણે ભજવ્યાં.

12મી ફેબ્રુઆરી 1949ના દિવસે ગુજરાત વિદ્યાસભાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે તેઓ અમદાવાદ ગયા. એ પ્રસંગે જશવંત ઠાકર સાથે રમણભાઈ નીલકંઠ કૃત ‘રાઈનો પર્વત’ દિગ્દર્શિત કર્યું. 1949થી 1965નો અમદાવાદનો ગાળો જયશંકર માટે ખૂબ સક્રિય રહ્યો હતો. ગુજરાત વિદ્યાસભા સંચાલિત નાટ્યવિદ્યામંદિર અને પછી નટમંડળ અને ભારત સહકારી નાટ્યસંઘ જેવી સંસ્થાઓમાં તેમણે શૈક્ષણિક તેમજ પ્રાયોગિક રીતે ફાળો આપ્યો. રસિકલાલ પરીખ અને જશવંત ઠાકર, ધનંજ્ય ઠાકર ઉપરાંત દીના ગાંધી (પાઠક), પ્રાણસુખ નાયક, કૈલાસ પંડ્યા અને શહેરના અન્ય નાટ્યરસિક આગેવાનો સાથે રહી તેમણે અવનવા નાટ્યપ્રયોગો કર્યા. ભવાઈ જેવા લોકનાટ્યને આધુનિક નાટ્યસર્જનમાં પ્રયોજીને ‘મેના ગુર્જરી’ જેવી રસપ્રદ અને સફળ નાટ્યકૃતિઓ ભજવાવી. નાટ્યવિદ્યામંડળ અને નટમંડળના ઉપક્રમે ભજવાયેલ એક ડઝનથી પણ વધારે નાટકોમાં ‘મેના ગુર્જરી’ ઉપરાંત ‘જુગલ જુગારી’, ‘મિથ્યાભિમાન’, ‘વિરાજવહુ’ અને ‘વિજયા’ વિશેષ પ્રમાણમાં લોકપ્રિય રહ્યાં. ઇબ્સનનાં બે નાટકો ‘લેડી ઑવ્ ધ સી’ અને ‘ડૉલ્સ હાઉસ’ પરથી ‘સાગરઘેલી’ અને ‘ઢીંગલીઘર’ પણ સર્જ્યાં. જયશંકર સુંદરી તો જૂની અને નવી ગુજરાતી રંગભૂમિના અપ્રતિમ સેતુ સમાન હતા. એમનો નાટ્યશિક્ષણક્ષેત્રે પણ મોટો ફાળો રહ્યો છે. 69 વર્ષની ઉંમરે તેઓ આ ક્ષેત્રમાંથી નિવૃત્ત થયા.

એમની નાટ્યકલા માટે મળેલાં ખાસ માનઅકરામોમાં ગુજરાત સાહિત્ય સભાનો રણજિતરામ સુવર્ણચંદ્રક (1954), ભારતના રાષ્ટ્રપતિશ્રી રાજેન્દ્રપ્રસાદના હસ્તે શ્રેષ્ઠ દિગ્દર્શન માટેનો ઍવૉર્ડ (1957) અને છેવટે રાષ્ટ્રપતિશ્રી વી. વી. ગિરિના હસ્તે એનાયત થયેલો ‘પદ્મભૂષણ’ (1971). રંગદેવતાને સમસ્ત જીવન અર્પણ કરી દેનાર આ સમર્થ કળાકાર વિસનગરમાં અવસાન પામ્યા.

1998માં દિલ્હીની રાષ્ટ્રીય નાટ્યશાળાનાં અનુરાધા કપૂરે ‘સુંદરી’ નાટક સર્જ્યું. જયશંકર સુંદરીની આત્મકથા ‘થોડાં આંસુ થોડાં ફૂલ’ના અમૃત ગંગરે કરેલા અંગ્રેજી અનુવાદ પરથી દિનેશ ખન્નાએ તેનું હિંદીકરણ કર્યું. ‘સુંદરી’ના કેટલાક જીવનપ્રસંગોને આવરતું આ હિન્દી નાટક દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વડોદરામાં ભજવાયું હતું. રંગમંચનો અગ્રપડદો અને ર્દશ્ય ડિઝાઇન જાણીતા ચિત્રકાર ભૂપેન ખખ્ખર અને નીલિમા શેખે તૈયાર કર્યાં હતાં.

ગુજરાત રાજ્યે સંગીતનૃત્યનાટ્ય અકાદમીના ઉપક્રમે અમદાવાદમાં તૈયાર કરેલ નાટ્યગૃહને ‘જયશંકર સુંદરી’ નામ આપી તેમની સ્મૃતિને કાયમ કરી છે.

અમૃત ગંગર