ભૂતકેશી (કલ્હાર) : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલાટિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Verbascum coromandalinum (Vahl.) Kuntzc. syn. Celsia coromandaliana Vahl. (સં. भूतकेशी, ગુ. કલ્હાર) છે. તે ભારત અને શ્રીલંકામાં ભેજવાળી જગાઓએ કે નદીકિનારે થાય છે. એકવર્ષાયુ, શાકીય, રોમિલ અને નાની વનસ્પતિ છે. તેનાં પર્ણો સંયુક્ત કે પક્ષવત્ નિદર (pinnatisect) પ્રકારનું છેદન ધરાવતાં વીણાકાર (lyrate) મૂલપર્ણો (radical leaves) હોય છે. ઉપરનાં સ્તંભીય (cauline) પર્ણો ક્રમશ: વધારે નાનાં અને અદંડી બને છે અને નિપત્ર(bract)માં પરિણમે છે. તે દંતુર (dentate) અને રોમિલ હોય છે. પુષ્પવિન્યાસ લાંબો અને અગ્રસ્થ કલગી (raceme) પ્રકારનો હોય છે. નિપત્રો પર્ણાભ (foliaceous) અને અંડાકાર હોય છે. દલપત્રો પીળાં, સમાન અને ચક્રાકાર હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું અને બહુબીજમય હોય છે.

આકૃતિ : ભૂતકેશીની પુષ્પ સહિતની એક શાખા

પર્ણોનો રસ પ્રશામક (sedative) અને સંકોચક (astringent) હોય છે અને તે અતિસાર (diarrhoea) અને મરડામાં ઉપયોગી છે. વનસ્પતિનો રસ ત્વચીય વિસ્ફોટ (eruption) અને તાવમાં આપવામાં આવે છે.

કલ્હારની Verbascum પ્રજાતિ ઘણી મોટી છે અને શાકીય કે ઉપક્ષુપ જાતિઓની બનેલી છે; જેમને મુલ્લીન (mullein) કહે છે. તેમનું વિતરણ મુખ્યત્વે એશિયા, આફ્રિકા અને યુરોપમાં થયું છે. elsiaની કેટલીક જાતિઓને કલ્હારની જેમ આ પ્રજાતિમાં સમાવવામાં આવી છે. ભારતમાં તેની ચાર વન્ય જાતિઓ થાય છે. V. thapsus Linn. (હિં., પં. गिद्रार तमाकु, बनतमाकु) નામની વિદેશી જાતિનો ભારતીય ઉદ્યાનોમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. ઉદ્યાનમાં કિનારીએ તેને સમૂહમાં ઉગાડવામાં આવે છે ત્યારે સમચંદ્રાભ (columnar) દેખાવ આપે છે. તેનો ભૂખરો-લીલો પર્ણસમૂહ પણ આકર્ષક હોય છે. કૂંડામાં એક વર્ષની વૃદ્ધિ પછી તે સુંદર ગુચ્છ (rotsette) બનાવે છે. તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા અને બીજ દ્વારા થાય છે. યુરોપમાં તેનો ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગ થાય છે.

તેનાં પર્ણોમાં રોટેનોન અને કૉમેરિન હોય છે. પર્ણોનો ઉકાળો માછલી માટે ઝેરી હોય છે. ઢોરોમાં અતિસાર અને ફેફસાંના રોગોની ચિકિત્સામાં તે આપવામાં આવે છે.

ઉત્તર ભારતમાં તેના મૂળનો ઉપયોગ જ્વરહર (febrifuge) તરીકે થાય છે અને તેનો ક્વાથ તાણ (cramp) અને આધાશીશી(migraine)માં આપવામાં આવે છે. બીજ માદક (narcotic) હોવાથી માછલીઓને મૂર્છિત કરવા કે મારવામાં તેનો ઉપયોગ થાય છે. આ વનસ્પતિમાંથી મળતું બાષ્પશીલ તેલ જીવાણુનાશક (bacteriocidal) હોય છે અને તે કાનના રોગોમાં ઉપયોગી છે. પુષ્પોમાં ક્રોસેટિન હોય છે. તેનો ઉપયોગ દાદરમાં થાય છે.

બળદેવભાઈ પટેલ