ભૂતકતી-સંચલન (plate tectonics) : પોપડાના ખંડિત વિભાગોનું સંચલન અથવા પ્રવહન. મધ્ય સામુદ્રિક ડુંગરધારો, મહાસાગરીય ખાઈઓ, ખંડીય અને દરિયાઈ વિભાગો, રેખીય પર્વતમાળાઓ, ક્ષૈતિજ ખસેડવાળા પાર્શ્વ સ્તરભંગો, જ્વાળામુખીને પાત્ર પ્રદેશો વગેરે જેવાં ભૂપૃષ્ઠ પર જોવા મળતાં ભૌગોલિક અને ભૂસ્તરીય લક્ષણોના તલસ્પર્શી અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે પૃથ્વીનો પોપડો અનેક વિશાળ ર્દઢ તકતીઓથી બનેલો છે અને જુદા જુદા ખંડિત વિભાગોમાં વહેંચાયેલો છે. આ ખંડિત વિભાગોને ભૂતકતીઓ કહે છે. જુદી જુદી નાનીમોટી તકતીઓ ખંડીય વિભાગો, સમુદ્ર તળપ્રદેશો અને ખંડીય છાજલીના વિસ્તારોને આવરી લે છે. આ તકતીઓ એકબીજીના સંબંધમાં ખસે છે. પોપડાના આ ખંડિત વિભાગોની ખસવાની ક્રિયાને ભૂતકતી-સંચલન કહે છે. ભૂતકતી-સંચલનની આ ઘટના ખંડીય પ્રવહન (continental drifting), મધ્ય મહાસાગરીય ડુંગરધારો, મહાસાગરીય ખાઈઓ, મોટા પાયા પરના સ્તરભંગો, ભૂકંપ, જ્વાળામુખીપ્રસ્ફુટન તેમજ ગિરિનિર્માણ માટે કારણભૂત ગણાય છે. પૃથ્વીના પટ પર ગેડપર્વતપટ્ટાઓની વહેંચણી, ભૂકંપીય પ્રક્રિયા, શ્રેણીબદ્ધ રેખીય પટ્ટાઓમાં થતી જ્વાળામુખી પ્રસ્ફુટન-ક્રિયા વગેરે વગેરે જેવી સંચલનજન્ય પરિસ્થિતિના નિર્માણ માટે ભૂતકતી-સંચલન સિદ્ધાંતને આગળ ધરવામાં આવે છે. પેટાળમાંથી સપાટી તરફ થતું ઉષ્માવહન અને તેમાં થતા રહેતા ફેરફારો, દરિયાઈ થાળાંઓનું તળર્દશ્ય અને તેમનાં ભૂસ્તરીય લક્ષણો તેમજ અગ્નિકૃત, વિકૃત અને જળકૃત ખડકોનું સંકલન વગેરે જેવી બાબતોને પણ આ સિદ્ધાંત સાથે તર્કબદ્ધ રીતે સાંકળી લઈ શકાય તેમ છે.

1960માં હેસ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત સર્વ પ્રથમ વાર રજૂ કર્યો. આ સિદ્ધાંત મુજબ પૃથ્વીનો ર્દઢ ગણાતો પોપડો શિલાવરણની નાનીમોટી અનેક (20 જેટલી) તકતીઓથી બનેલો છે. આ સિદ્ધાંતનો પાયો નીચે મુજબ છે : પૃથ્વી ત્રણ ગોળાકાર આવરણોથી બનેલી છે : (1) 100 કિમી.થી ઓછી જાડાઈનો, વિવિધ પ્રકારના ઘન સ્વરૂપવાળો, પ્રમાણમાં બરડ, સિલિકેટ ખડકોના બંધારણવાળો પોપડો; (2) 2,800 કિમી.ની જાડાઈનું ગરમ સુઘટ્ય-અર્ધસુઘટ્ય ગુણધર્મવાળું, લોહસિલિકેટ ખડકના બંધારણવાળું ભૂમધ્યાવરણ અને (3) 3,500 કિમી.ની ત્રિજ્યાવાળો, મોટેભાગે દ્રવિત, લોહદ્રવ્ય-બંધારણવાળો, ભૂકેન્દ્રીય વિભાગ. ખંડીય તેમજ સમુદ્રીય પોપડાથી અને ઊર્ધ્વ ભૂમધ્યાવરણથી બનેલું, 50થી 150 કિમી. જાડાઈવાળું, શિલાવરણ તરીકે ઓળખાતું બરડ બાહ્યકવચ તેની નીચેના વધુ ગરમ, નરમ અર્ધસુઘટ્ય ઍસ્થેનોસ્ફિયર પર રહેલું છે. ઍસ્થેનોસ્ફિયર આશરે 700 કિમી.ની ઊંડાઈ સુધી વિસ્તરે છે. શિલાવરણનું આ પ્રકારનું માળખું તકતીઓ તરીકે ઓળખાતા ખંડિત વિભાગોમાં વહેંચાયેલું છે. આ તકતીઓ એકબીજીના સંબંધમાં ક્ષૈતિજ સ્થિતિમાં ખસે છે, ખસતી રહે છે, અથડાય છે, ઘસાય છે, એકની નીચે બીજી દબે છે; અથવા એકની ઉપર બીજી અમુક પ્રમાણમાં ધસી જાય છે. પરિણામે પ્રકારભેદે, સ્થાનભેદે તેમની સંપર્કસીમાઓ પર ભૂકંપીય ક્રિયાઓ, વિરૂપતા કે મૅગ્માની ઉદભવક્રિયા થતી રહે છે. ક્યાંક પોપડો નવીનીકરણ પામે છે, તો ક્યાંક આત્મસાત્ થઈ જાય છે.

સમુદ્રતળ-વિસ્તરણ અને ખંડીય પ્રવહનની સાથે તેમની સંપર્ક-સીમાઓ અનુરૂપ બને છે. આ બંને ક્રિયાઓ છેલ્લાં 60 કરોડ વર્ષથી થતી આવી છે. તેના સમજમાં ઊતરે એવા પુરાવા પણ અસ્તિત્વ ધરાવે છે. આ પુરાવાઓમાં સમુદ્રતળ પરની ચુંબકીય અસાધારણતા (magnetic anomaly), સમુદ્રતળ પર માત્ર નવા વયના જ મળતા દરિયાઈ નિક્ષેપો (જૂના આત્મસાત્ થઈ ગયા છે), સમુદ્રતળર્દશ્યનાં લક્ષણો, પ્રાચીન ભૂસ્તરીય કાળની ધ્રુવીય સ્થિતિનો સમાવેશ કરી શકાય.

ગતિશીલતા અને સીમા-પ્રકારો : ભૂસ્તરીય અવલોકનો, ભૂભૌતિક માહિતી અને સૈદ્ધાંતિક બાબતો પરથી તકતીઓની ત્રણ પ્રકારની સીમાઓ સ્પષ્ટ રીતે જુદી પાડી શકાય છે : (1) વિમુખી સીમાઓ; (2) સંયોગી સીમાઓ અને (3) પાર્શ્વ-સ્થાનાંતરિત સીમાઓ. મોટાભાગની તકતી-સીમાઓ ભૂકંપ અને જ્વાળામુખીને પાત્ર પ્રદેશ-પટ્ટીઓને અનુરૂપ વિસ્તરેલી હોઈ સ્થાન પરત્વે જુદી પાડી શકાય છે. વળી તકતીઓના વચ્ચેના ભાગોમાં સામાન્ય રીતે કોઈ ભૂસંચલનક્રિયા થતી હોતી નથી. તકતીઓની સંપર્કસીમાઓ ખંડીય અને સમુદ્રીય પોપડાઓની સીમાઓ સાથે અનુરૂપ હોઈ શકે, પરંતુ તે જરૂરી નથી.

ભૂમધ્યાવરણ તેની નીચેના ભાગમાં ગરમ થતું રહેતું હોવાથી તેમાંથી ઉષ્ણતાનયન (સંવહન) પ્રવાહો (convection currents) ઉપરના આવરણ તરફ વહ્યા કરે છે, ઉપર આવે છે ત્યારે તેમની વહનદિશાનું વલણ ક્ષૈતિજ બની રહે છે. આ પ્રવાહોને કારણે તકતીઓ પરસ્પર ગતિશીલ બની સંચલન કરે છે. આ ક્રિયાને ભૂતકતી-સંચલન કહે છે. સંચલન થવાથી સંપર્કસીમાઓ પર વિવિધ પ્રકારે વિક્ષેપ થતા રહે છે, જે મોટાભાગની ભૂસ્તરીય પ્રક્રિયાઓ માટે જવાબદાર લેખાય છે.

તકતીઓનું સંચલન ધીમી ગતિથી થયા કરતું હોય છે. તેમની ગતિશીલતાનો આધાર પ્રત્યેક તકતી પર રહેલો હોઈ તેમાં ભિન્નતા રહે છે, તેમ છતાં તેમની ગતિનો દર પ્રતિ વર્ષે ભૂપૃષ્ઠના સ્થાનભેદે ક્યાંક 1થી 5 સેમી., તો બીજે 2થી 20 સેમી.નો મૂકી શકાય. મધ્ય સામૂહિક ડુંગરધારોથી અમુક અંતર રહેલા તળખડકોના વય પરથી આ અંદાજનું અનુમાન મુકાયેલું છે.

વિમુખી (રચનાત્મક) સંપર્કસીમાઓ (divergent or constructive plate margins) : મધ્ય સામુદ્રિક ડુંગરધારોની મધ્ય અક્ષ પરથી તકતીઓ જેમ જેમ વિમુખ બનતી જાય છે તેમ તેમ વચ્ચે પડતી ખાલી જગામાં નવું ને નવું જ્વાળામુખી દ્રવ્ય ઊપસતું આવે છે, ફાટો ભરાતી જાય છે, તકતીઓના ખસતા રહેવાને કારણે તે વળી ફાટતી રહે છે. આમ નવી ને નવી સંપર્કસીમાઓ રચાતી જાય છે અને સમુદ્રીય પોપડાનું નવીનીકરણ થતું રહે છે – આ ક્રિયા સતત ચાલુ રહે છે. આ કારણે આ પ્રકારની સીમાઓ રચનાત્મક પ્રકારની ગણાય છે. તેમાંથી નવી સમુદ્રીય તકતીઓ પણ બની શકે છે. મધ્ય આટલાન્ટિક ડુંગરધાર આ રીતે બનેલો વિભાગ છે. વિમુખ બનતી સીમાઓની ધાર પર અંશત: દ્રવીભૂત ભૂમધ્યાવરણના લોહસમૃદ્ધ ખનિજદ્રવ્યમાંથી છૂટા પડેલા સિલિકેટ દ્રવસ્વરૂપે બૅસાલ્ટિક મૅગ્મા ઉદભવે છે. તેમાંથી અસંખ્ય ડાઇક તેમજ અધોદરિયાઈ જ્વાળામુખી વિભાગો રચાતા જાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, પ્રસ્ફુટિત બૅસાલ્ટથી તૈયાર થયેલો જ્વાળામુખીજન્ય આઇસલૅન્ડ ટાપુ. વળી ખડકોનો જે વિભાગ, જ્યાં તણાવનાં બળો હેઠળ હોય ત્યાં નાના પાયા પરના ભૂકંપ પણ થતા રહે છે.

તકતીઓની સીમાઓ દર્શાવતી આકૃતિનો નકશો

તકતીઓના દૂર વિસ્તરણથી સંપર્કસીમાઓ બંને બાજુએ સમાન લક્ષણો સહિત વિભાજિત થતી રહે છે. ડુંગરધારોની મધ્ય અક્ષ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને બંને બાજુઓ ઉગ્ર ઢોળાવવાળી બને છે. ઉપલબ્ધ અવલોકનો મુજબ ડુંગરધારોની મધ્ય અક્ષ 2.75 કિમી. ± 100 મીટરની ઊંડાઈએ રહેલી છે. બાજુઓમાં વિસ્તરેલો મહાસાગરીય પોપડો 3 કરોડ વર્ષ જૂનો હોવાનું અને 4.37 કિમી. ± 100 મીટરની ઊંડાઈએ રહેલો હોવાનું જાણવા મળેલું છે. આઇસલૅન્ડના ભાગમાં સામુદ્રિક ડુંગરધારની મધ્ય અક્ષ સમુદ્રસપાટીથી ઉપર તરફ છે.

સંયોગી વિનાશાત્મક તકતી સીમાઓ (convergent-destructive plate margins) : વિમુખ થતી જતી તકતીઓ પર જો નવા દ્રવ્યજથ્થાનું ઉમેરણ થતું જતું હોય તો સંતુલન જળવાઈ રહેવા માટે અન્યત્ર પોપડાનું શોષણ પણ થવું જોઈએ, નહિ તો પૃથ્વીની ત્રિજ્યામાં ફરક પડી જાય. સંયોગી તકતી સીમાઓ પર થતી આત્મસાતીકરણની ક્રિયા બે તકતીઓના સામસામે અથડાવાથી અથવા એક તકતીનું બીજી તકતી નીચે દબાતા જવાથી થાય છે. તકતીનો દબાતો જતો વિભાગ બેનિયૉફ વિભાગ અથવા બેનિયૉફ તલસપાટી તરીકે ઓળખાય છે. (જુઓ બેનિયૉફ વિભાગ). નીચે દબાતી તકતી મોટેભાગે તો વધુ ઘનતાવાળી સમુદ્રપોપડાની તકતી હોય છે. પ્લવનશીલ, હલકી, ઓછી ઘનતાવાળી ખંડીય તકતી તેની ઉપર તરફ ચઢતી હોય છે. દા.ત., દક્ષિણ અમેરિકી તકતી નાઝકા તકતીની ઉપર ચઢે છે; તેમ છતાં ક્યારેક બે સમુદ્ર તકતીઓમાં પણ આ ઘટના બનતી હોય છે; દા.ત., બેરિંગ સમુદ્રવિભાગની તકતી પૅસિફિક તકતીની ઉપર ચઢે છે. (જુઓ નકશો). નીચે દબાતી તકતીનો ઢાળ આશરે 45oનો રહેતો હોય છે. દબાતા જતા પ્રત્યેક વિભાગ પરનાં ભૂકંપ-કેન્દ્રો (છીછરાં કેન્દ્રો – 70 કિમી.થી ઓછી ઊંડાઈ, મધ્યમ ઊંડાઈવાળાં કેન્દ્રો 70થી 300 કિમી. ઊંડાઈ, ઊંડાં કેન્દ્રો 300–700 કિમી.) પરથી આ અનુમાનનો અંદાજ મુકાયેલો છે.

બેનિયૉફ તલસપાટી સમુદ્રખાઈઓથી દૂર તરફ અને ખંડો કે દ્વીપચાપો તરફ હોય છે. બેનિયૉફ વિભાગોનાં સ્થાન ક્રિયાશીલ જ્વાળામુખીઓથી તેમજ ઊંડી સમુદ્રખાઈઓ પરથી તારવી શકાય છે. આ પ્રકારનાં લક્ષણો દક્ષિણ અમેરિકાની પશ્ચિમ સરહદે તથા પશ્ચિમ પૅસિફિકની મોટાભાગની કિનારીઓ પર સ્થિત છે. આશરે 120 કિમી.ની ઊંડાઈએ તકતીની ઉપરની સપાટી પહોંચે ત્યારે તે સ્થાનિક વિભાગ પર, તેના શોષાતા જવાથી ઉદભવતા મહદ્અંશે ઍન્ડેસાઇટ બંધારણવાળા મૅગ્માનું પ્રસ્ફુટન થાય છે. દક્ષિણ અમેરિકી ઍન્ડીઝ પર્વતમાળા, જાપાન અને ફિલિપાઇન્સ જેવી પૅસિફિક મહાસાગરની દ્વીપચાપો પરના જ્વાળામુખી આ રીતે બનેલા છે. સંયોગી સીમાઓ દ્વીપચાપો પર વિકસે છે અને જટિલ ભૂસ્તરીય લક્ષણોવાળી બની રહે છે. વળી જ્વાળામુખીજન્ય દ્વીપચાપો અને ખાઈઓ વચ્ચેનો વિસ્તાર પણ વિકૃતિજન્ય સમુદ્રી પોપડાના નિક્ષેપોથી જટિલ ગેડીકરણ અને ધસારા સપાટીઓવાળો બની રહે છે, જેનાથી ખંડીય અભિવૃદ્ધિ (continental accretion) થાય છે.

સંયોગાત્મક ક્રિયા થવા માટે એક તકતી સમુદ્રીય પોપડાથી બનેલી હોવી જરૂરી છે; પરંતુ જો બંને તકતીઓ ખંડીય હોય તો દબવાને બદલે સામસામે અથડામણ થાય છે, જેમાં સંતુલન માટે જરૂરી પોપડાના ઘટાડાની ઘટના તો થાય જ છે; પરિણામે ભીંસને કારણે ગેડીકરણ પામેલા રેખીય પર્વત-પટ્ટાઓ ઉત્થાન પામે છે. આવી બે તકતીઓ વચ્ચે ખંડીય કિનારીઓના ભાગ હોય અને ત્યાં જો થાળું (ગર્ત) હોય, તેમાં નિક્ષેપ-જમાવટ થયેલી હોય તો ઘનિષ્ઠ ગેડો અને અતિધસારાઓ રચાય છે. આ પ્રકારની ખંડીય અથડામણ થયાનું શ્રેષ્ઠ ઉદાહરણ હિમાલય પર્વતપટ્ટો પૂરું પાડે છે. પ્રારંભિક કેનોઝોઇક યુગ દરમિયાન અર્થાત્ આજથી આશરે 5 કરોડ વર્ષ અગાઉના સમયગાળા વખતે ભારતીય ખંડીય તકતી ખસતી ખસતી આવીને એશિયન ખંડીય તકતી સાથે અથડાઈ. આ બંને તકતીઓ વચ્ચે તે વખતે અસ્તિત્વ ધરાવતા ટેથિસ સમુદ્રથાળામાં જામેલી કણજમાવટ ભીંસમાં આવવાથી ઉત્થાન થતું ગયું. હિમાલય પર્વતમાળા આ ઉત્થાનને કારણે અસ્તિત્વમાં આવેલી છે. વિમુખી તકતીઓની જેમ, સંયોગી તકતીઓની સીમાઓ પર પણ અગ્નિકૃત ખડકપ્રકારોનાં સ્પષ્ટ જૂથ તૈયાર થતાં હોય છે. જેમ બેનિયૉફ વિભાગ પર ઍન્ડેસાઇટ લાવાનાં જૂથ મળે છે તેમ અહીં ગ્રૅનાઇટ-ગ્રૅનોડાયોરાઇટનાં જૂથ મળે છે. બંને પ્રકારની સંપર્કસીમાઓ પર સર્વસામાન્ય લક્ષણ એ રહે છે કે મૅગ્મા તૈયાર થાય છે.

પાર્શ્વગતિશીલ તકતીઓ (conservative plate margins) : આ પ્રકારની સીમાઓ ધરાવતી તકતીઓનું સંચલન પાર્શ્વ સ્થિતિવાળું ક્ષૈતિજ હોય છે. સ્તરનિર્દેશન દિશાકીય ખસેડવાળા સ્તરભંગો(strike slip faults)માં આ પ્રકારની સ્થિતિ ઉદભવી શકે છે. આવી સંપર્ક-સપાટીઓ બે ડુંગરધારો, બે ખાઈઓ કે ડુંગરધાર-ખાઈ વચ્ચે હોઈ શકે. જ્યારે તે ખસે છે ત્યારે ભૂકંપને પાત્ર બની રહે છે. કૅલિફૉર્નિયાનો સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ ઉત્તર અમેરિકી તકતી અને પૅસિફિક તકતીની સંપર્કસીમા પર આવેલો છે, જે આ પ્રકાર માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઊંડી, સાંકડી ફાટખીણના વિભાગો પણ પાર્શ્વ ખસેડને પાત્ર ગણાય છે. સામુદ્રિક ડુંગરધારો પરની પાર્શ્વસ્તરભંગ રચનાઓ પણ આવી સંપર્ક-સીમાઓનાં ઉદાહરણ છે. આવા સ્તરભંગો પરનું પાર્શ્વસ્થાનાંતર થોડા દશકથી થોડા શતક કિમી.નું હોય છે, તેમાં કવચિત્ ભૂમિવિસ્તરણ અને પરિણામી આગ્નેય પ્રક્રિયા પણ થઈ શકે છે.

ભૂતકતીઓનો વિસ્તાર અને પ્રકાર : ભૂતકતીઓનાં સ્થાન અને પરિમાણ ભૂકંપ દ્વારા ઉદભવતા કંપતરંગો દ્વારા નક્કી થઈ શકે છે. તેમના અભ્યાસ પરથી તકતીઓની જાડાઈ નક્કી કરવાનું પણ શક્ય બન્યું છે. ભૂકંપ-તરંગો ભૂગર્ભ તરફ ગતિ કરે છે ત્યારે 97 અને 402 કિમી. ઊંડાઈ વચ્ચે ધીમા પડે છે તથા તેમની તીવ્રતા પણ ઘટે છે. આ અવલોકનો પરથી ભૂકંપશાસ્ત્રીઓ સૂચવે છે કે ઉપરનું નક્કર શિલાવરણ તેનાથી નીચે રહેલા ઓછા ર્દઢ ઍસ્થેનોસ્ફિયર ઉપર તરતી સ્થિતિમાં રહેલું છે. નીચેનું આવરણ પ્રમાણમાં વધુ સુઘટ્ય હોઈ શિલાવરણને ઊર્ઘ્વ અને પાર્શ્વ-સંચલનની સ્થિતિમાં રાખે છે. ભૂકંપીય અભ્યાસ અને અવલોકનો પરથી નિષ્ણાતોએ તારણ કાઢ્યું છે કે શિલાવરણ જુદી જુદી ભૂતકતીઓમાં વિભાજિત થયેલું છે. કેટલીક તકતીઓ નાની છે, તો બીજી ઘણી તકતીઓ લાખો ચોકિમી.ના પરિમાણવાળી પણ છે; પરંતુ તેમની જાડાઈ તકતીભેદે અને સ્થાનભેદે 72થી 153 કિમી. જેટલી છે (જુઓ નકશો). ખંડીય તકતીઓની અથડામણ થાય તે પછીથી ઉદભવતો તકતીઓનો સંવેગ (momentum) ખંડીય પોપડાની જાડાઈમાં વધારો કરી મૂકે છે; એક તકતી બીજી તકતી પર ધસી જાય છે; પરંતુ આ ક્રિયાને પણ મર્યાદા હોય છે, કારણ કે ખંડીય પોપડો હલકો હોવાથી દબવાની ક્રિયામાં ધીમો પડતો જાય છે, સંવેગનું વિતરણ થઈ જાય છે, ક્યારેક પાર્શ્વ સંચલન પણ થાય છે, પરિણામે તકતીની કિનારીઓમાં ફેરફારો ઉદભવે છે.

તકતીસંચલનનો દર : તકતીઓનું સંચલન તદ્દન ધીમું હોય છે. તેમના સંચલન–દરની જાણકારી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના અભ્યાસ પરથી મળી રહે છે. ભૂસ્તરીય ઇતિહાસના અતીતમાં ચુંબકીય ક્ષેત્રમાં વ્યુત્ક્રમણો (magnetic reversals) થતાં રહેલાં છે. મહાસાગર-તળ જેનાથી બનેલું છે તે બૅસાલ્ટ-ખડકોમાં કાયમી અવશિષ્ટ ચુંબકત્વ જળવાઈ રહેલું જોવા મળે છે. સમુદ્રતળ-વિસ્તરણની આજુબાજુ સામાન્ય ધ્રુવત્વ સાથેના પટ્ટા વ્યુત્ક્રમી ધ્રુવત્વ સાથેના પટ્ટા સાથે વારાફરતી ગોઠવાયેલા હોય છે. આવા જુદા જુદા પટ્ટાઓનાં વયનિર્ધારણ કરીને વિસ્તરણનો દર તારવી શકાય છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને છૂટી પડતી તકતીઓના સંચલનનો દર જાણી શકાય છે. ઉત્તર આટલાન્ટિક મહાસાગર માટે 0.8 સેમી. પ્રતિવર્ષથી પૅસિફિક મહાસાગર માટે 6.4 સેમી. પ્રતિવર્ષ નક્કી કરાયો છે. વિમુખી તકતીઓના સંચલન–દરનાં નિર્ધારણો પરથી ભૂસ્તરશાસ્ત્રીઓએ અથડામણ પામતી કે સરકતી તકતીઓની સાપેક્ષ ગતિની ગણતરી પણ કરી છે. આ રીતે બધી જ તકતીઓના સંચલનનો દર નક્કી થઈ શકે છે.

પ્રાચીન ભૌગોલિક પરિસ્થિતિનાં કેટલાંક ઉદાહરણો : આટલાન્ટિક મહાસાગરની આજુબાજુ રહેલા ખંડો જે પ્રથમ જીવયુગ દરમિયાન જુદી સ્થિતિમાં ભેગા હતા તેમાં ટ્રાયાસિક કાળ વખતે ભંગાણ પડવાથી અને ક્રમશ: તેમનું પ્રવહન થવાથી તેમની વચ્ચે ઉત્તર-દક્ષિણ ઉદભવેલા થાળામાં આટલાન્ટિક મહાસાગર તૈયાર થયેલો છે. તકતીઓનાં સંચલન આ માટે જવાબદાર છે. આ ક્રિયાપદ્ધતિ મધ્ય હિન્દી મહાસાગર, અગ્નિકોણીય હિન્દી મહાસાગર, લાબ્રાડોર અને નૉર્વેજિયન સમુદ્રો માટે પણ લાગુ પાડી શકાય. આ જ રીતે ઘણી બધી ભૂસ્તરીય ઘટનાઓ પણ તકતી-સંચલન સાથે સાંકળી લઈ શકાય તેમ છે. સમુદ્રસપાટીમાં, આબોહવામાં તથા જીવનઉત્ક્રાંતિમાં થતા રહેલા ફેરફારો માટે પણ તકતી-સંચલનને જવાબદાર લેખી શકાય. ર્દશ્ય જીવયુગ દરમિયાન જ્યારે જ્યારે મોટા પાયા પર આબોહવાના વિષમ પ્રકારના ફેરફારો થયેલા ત્યારે ખંડો પરની હિમનદીઓ લગભગ ઓગળી ગયેલી, સમુદ્રસપાટી 100 મીટર જેટલી ઊંચે આવેલી; ક્રિટેશિયસ કાળ દરમિયાન દરિયાઈ અતિક્રમણ થયેલું તેમાં સમુ્દ્રસપાટી લગભગ 300 મીટર ઊંચે આવેલી.

વિમુખી લક્ષણ ધરાવતી તકતીઓના સંચલનથી સમુદ્રતળનું વિસ્તરણ થાય છે અને વચ્ચે સામુદ્રિક ડુંગરધારો રચાય છે. ધારો કે તકતી-સંચલન અટકી જાય અને સમુદ્રતળ અવતલન પામતું જાય – આમ ડુંગર-ધારોવાળો મોટો વિસ્તાર અવતલન પામે તો આજથી 7 કરોડ વર્ષ પછી મહાસાગરજળ 450 મીટર જેટલાં નીચે ઊતરી જાય અને ખંડીય કિનારીઓના ભાગો 320 મીટર સુધી ખુલ્લા બની જાય.

તકતીસંચલન અને પૃથ્વીનો ઇતિહાસકાળ : તકતીસંચલનથી પૃથ્વીના પટ પરનું ભૂકંપીય અને જ્વાળામુખીવિતરણ, મહાસાગર-થાળાનું તળર્દશ્ય, ખાઈઓ, સામુદ્રિક ડુંગરધારો વગેરેનું વિતરણ જેમ સમજાવી શકાય છે, તે જ રીતે મધ્યજીવયુગ અને વિશેષે કરીને કેનોઝોઇક કાળની મોટાભાગની પર્વતમાળાઓનાં ઉત્પત્તિ-ઉત્થાન પણ સમજાવી શકાય છે, પૃથ્વી પર નબળા ગણાતા બે પ્રકારના પર્વતપટ્ટાઓ આ કારણ હેઠળ તૈયાર થયેલા છે : (1) કૉર્ડિલેરન પ્રકાર, (2) અથડામણથી ઉદભવતો પ્રકાર (collision type). રૉકિઝ, પૅસિફિક કોસ્ટ રેઇન્જ અને ઍન્ડીઝ પર્વતમાળાઓ રચતો કૉર્ડિલેરન પટ્ટો સમુદ્ર તકતીઓના ખંડીય તકતીઓની નીચે દ્બાતા જવાથી તૈયાર થયેલો છે. આલ્પાઇન-હિમાલયન પટ્ટો આફ્રિકી/ભારતીય-યુરેશિયાની તકતીઓના અથડાવાથી તૈયાર થયેલો છે.

ઉપલબ્ધ પુરાવાઓ પરથી કહી શકાય છે કે ર્દશ્યજીવયુગ દરમિયાન, છેલ્લાં 60 કરોડ વર્ષથી તકતી-સંચલન, સમુદ્રતળ-વિસ્તરણ, ખંડીય પ્રવહન ક્રમશ: થતાં રહ્યાં છે. એ પણ શક્ય છે કે આ તકતીસંચલનની ઘટના કદાચ છેલ્લાં 250 કરોડ વર્ષથી ચાલતી આવી હોય, જેને કારણે ઘણી ભૂસ્તરીય ઘટનાઓ આકાર પામી છે. વર્તમાન મહાસાગર થાળાં તો પર્શ્ચાત્ પૅલિયોઝોઇક કાળનાં હોઈ પ્રમાણમાં નવાં ગણાય. તેમની ઉત્પત્તિ માટે સમુદ્રતળવિસ્તરણ જવાબદાર લેખાય છે. ખંડોની ઉત્પત્તિ-ઉત્ક્રાંતિ પ્રી-કૅમ્બ્રિયન કાળથી ચાલતી આવી છે, કારણ કે તે કાળનાં કેટલાંક ભૂકવચ આજે પણ હયાત છે. તેમનો બાકીનો ભાગ દબીને શોષાઈ ગયો હોય. ગ્રૅનાઇટ-ગ્રૅનોડાયોરાઇટ જે પર્વતપટ્ટાઓમાં મળે છે તે જૂની ખંડીય તકતીઓનું ગલન થવાથી બન્યા હોય અને ઉત્થાન પામ્યા હોય. ઍપેલેશિયન અને કૅલિડોનિયન પટ્ટા પણ તકતી-સંચલનને કારણે અંતિમ પ્રી-કૅમ્બ્રિયન કાળ વીત્યા પછી, પણ પૅલિયોઝોઇક કાળ દરમિયાન બન્યા છે. લૉરેશિયા, પૅન્જિયા, ગાડવાના ભૂમિસમૂહનાં ભંગાણ પણ આ રીતે જ સમજાવી શકાય. મધ્યજીવયુગ – તૃતીય જીવયુગ – ચતુર્થ – જીવયુગ કાળગાળામાં આટલાન્ટિક મહાસાગર વિસ્તરતો જવાથી પ્રથમ જીવયુગમાં તૈયાર થયેલો ઍપેલેશિયન-કૅલિડોનિયન સળંગપટ્ટો વિભાજિત થયો, ઍપેલેશિયન યુ.એસ.માં અને કૅલિડોનિયનના વિભાગો ગ્રીનલૅન્ડ, ગ્રેટબ્રિટન અને સ્કૅન્ડિનેવિયામાં ગોઠવાયા.

250 કરોડ વર્ષ જૂના કાળના ઘણા આવા પટ્ટાઓને પણ આ જ રીતે મૂલવી શકાય; કદાચ તેનાથી જૂના પુરાવા પણ મળી આવે, પ્રકાર ભલે જુદા હોય. તકતીઓનાં માળખાં અને પરિણામી ભૂસ્તરીય ઘટનાઓ પૃથ્વીના ઇતિહાસ-કાળ દરમિયાન સંજોગો મુજબ બદલાતાં રહ્યાં છે. જૂના મહાસાગરો અને સમુદ્રોને સ્થાને ખંડો કે અન્ય મહાસાગરો-સમુદ્રો ગોઠવાતા ગયા છે; ખંડોનાં ભંગાણ, અથડામણ અને સંધાન થતાં રહ્યાં છે. ટૂંકમાં, પૃથ્વીના સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન બદલાતી પરિસ્થિતિ હેઠળ ભૂસ્તરીય ઘટનાઓએ આકાર લીધેલો છે.

ગિરીશભાઈ પંડ્યા