ભાર્ગવ, ગોપીચંદ (જ. 1889, સિરસા, જિ. હિસાર, પંજાબ; અ. 26 ડિસેમ્બર 1966) : સ્વાતંત્ર્યસેનાની કૉંગ્રેસી નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન. ગોપીચંદ ભાર્ગવના પિતા પંડિત બદ્રીપ્રસાદ મધ્યમ વર્ગના ભાર્ગવ બ્રાહ્મણ અને સરકારી કર્મચારી હતા. ગોપીચંદે મૅટ્રિકની પરીક્ષા 1905માં હિસારમાં, ઇન્ટરમીડિયેટની પરીક્ષા 1907માં અને એમ.બી.બી.એસ.ની પરીક્ષા 1912માં લાહોરમાં પસાર કરી હતી. 1913માં એમણે ડૉક્ટર તરીકે કામગીરી શરૂ કરી.

લાહોરના ડૉ. નિહાલચંદ સિક્રી નામના કૉંગ્રેસી નેતાએ એમને રાજકારણમાં રસ લેતા કર્યા. તેઓ ગાંધીજીના ખાદી, અહિંસા તથા સત્યાગ્રહના વિચારોથી આકર્ષાયા હતા. લાલા લજપતરાય, મદનમોહન માલવિયા અને સ્વામી ગણેશ દત્ત પાસેથી પણ એમણે પ્રેરણા મેળવી હતી. ડૉ. નિહાલચંદ, લાલા દુણીચંદ અને રામપ્રસાદ એમના ગાઢ સાથીદારો હતા. 1920થી એમણે કૉંગ્રેસની દરેક ચળવળમાં ભાગ લીધો. 1921, 1923, 1930, 1933, 1940 અને 1942માં ધરપકડો વહોરી જેલમાં ગયા હતા. તેઓ હિંદુ-મુસ્લિમ એકતામાં માનતા અને બિનસાંપ્રદાયિક વલણ ધરાવતા હતા. તેઓ જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતાના વિરોધી તથા વિધવાલગ્ન અને રાષ્ટ્રીય શિક્ષણના હિમાયતી હતા. તેઓ ગાંધીજીની પાયાની કેળવણીમાં શ્રદ્ધા ધરાવતા અને લાલા લજપતરાયે સ્થાપેલ નૅશનલ કૉલેજના સંચાલકમંડળના સભ્ય હતા.

ગોપીચંદ ભાર્ગવ પ્રામાણિક નેતા અને શક્તિશાળી વક્તા હતા. એમણે વિવિધ વિષયો પર ઘણા લેખો તથા ‘ગાંધીજીનો રચનાત્મક કાર્યક્રમ’ નામનું પુસ્તક લખ્યું હતું. 1921માં તેઓ લાહોર જિલ્લા કૉંગ્રેસ સમિતિના મંત્રી, 1922માં લાહોર શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અને 1921થી 1926 સુધી પંજાબ પ્રદેશ કૉંગ્રેસ સમિતિની કારોબારીના સભ્ય હતા. 1920થી 1924 સુધી લાહોર કૉર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અને 1928થી હરિજન સેવક સંઘની પંજાબ શાખાના પ્રમુખ હતા. તેઓ ઘણાં વર્ષો સુધી અખિલ ભારતીય ગ્રામોદ્યોગ મંડળની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તથા જલંધરના ગુલાબદેવી મેમૉરિયલ ટ્રસ્ટના મંત્રી તરીકે રહ્યા. 1946માં તેઓ પંજાબ વિધાનસભાના અને વિભાજન સમિતિના સભ્ય બન્યા. 1947માં હિંદના વિભાજન પછી તેઓ પૂર્વ પંજાબના મુખ્ય પ્રધાન બન્યા. પંજાબમાં લાલા લજપતરાય પછી સૌથી મોટા રાજકીય નેતા તરીકે એમણે નામના મેળવી હતી. પંજાબના જાહેર જીવનમાં એમનું મહત્નું પ્રદાન હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી