ભાર્ગવ, ઠાકુરદાસ (જ. 1886, રેવાડી, હરિયાણા; અ. 1962) : સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રવાદી નેતા અને બંધારણ સભાના સભ્ય. તેમનો જન્મ મધ્યમ વર્ગના ભાર્ગવ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ બદ્રીપ્રસાદ અને માતાનું નામ રામપ્યારી હતું. એમના પિતાની હિસારમાં નિમણૂક થતાં તેઓ હિસારની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષણ લઈ લાહોરની દયાનંદ અગ્લો-વેદિક કૉલેજમાં જોડાયા. એ પછી એમણે ફોરમૅન ક્રિશ્ચિયન કૉલેજ, લાહોરમાં અભ્યાસ કરી બી.એ.ની ડિગ્રી અને યુનિવર્સિટી લૉ કૉલેજ, લાહોરમાં અભ્યાસ કરી એલએલ.બી.ની ડિગ્રી મેળવી. કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં જોડાઈને એમણે અનુસ્નાતક ડિગ્રી મેળવી. એમના જીવનના શરૂઆતના તબક્કામાં મહાત્મા હંસરાજ, લાલા લજપતરાય, ભાઈ પરમાનંદ, મેરઠના ચૌધરી મુખ્તારસિંઘ અને હિસારના પંડિત લખપતરાયે એમના પર મહત્ની અસર કરી હતી.

ઠાકુરદાસે દિલ્હીમાં વકીલાત શરૂ કરી; પરંતુ પછીથી તેઓ હિસારમાં સ્થિર થયા અને ત્યાં જીવનભર વકીલાત કરી. હિસાર જિલ્લા વિદ્યા પ્રચારિણી સભાના કાર્યકર તરીકે તેમણે જાહેર જીવનની શરૂઆત કરી. થોડા સમયમાં એના પ્રમુખ થયા. હિસાર જિલ્લાના હરિજન સેવક સંઘના પ્રમુખ બનીને એમણે હરિજનોની સ્થિતિ સુધારવા પ્રયાસો કર્યા. 1920માં ગાંધીજીની અસહકારની ચળવળ શરૂ થતાં તેઓ કૉંગ્રેસમાં જોડાયા. 1926માં પંડિત મદનમોહન માલવિયા અને લાલા લજપતરાયે સ્થાપેલ રાષ્ટ્રવાદી પક્ષના ઉમેદવાર તરીકે ઇન્ડિયન લેજિસ્લેટિવ એસેમ્બ્લીમાં ચૂંટાયા. તેઓ ફરજિયાત પ્રાથમિક શિક્ષણના હિમાયતી હતા. વિવિધ ચળવળો દરમિયાન ધરપકડો વહોરીને એમણે કેટલાંક વર્ષો જેલમાં ગાળ્યાં હતાં.

1927માં હિંદની ધારાસભાના વિસર્જન પછી તેઓ 15 વર્ષ સુધી ધારાસભાથી દૂર રહ્યા; પરંતુ 1946માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે હિંદની ધારાસભા અને બંધારણસભામાં સભ્ય તરીકે ચૂંટાયા. એમના લઘુબંધુ ડૉ. ગોપીચંદ ભાર્ગવ 1947માં હિંદના વિભાજન પછી પૂર્વ પંજાબના મુખ્ય પ્રધાન બન્યા. 1952 અને 1957માં તેઓ કૉંગ્રેસી ઉમેદવાર તરીકે ભારતની પાર્લમેન્ટમાં ચૂંટાયા. રૂઢિચુસ્ત બ્રાહ્મણ હોવા છતાં તેઓ સુધારાવાદી હતા. એમણે હિંદુ કોડ બિલ, સારદા બિલ અને હિંદુ વારસા ધારાને ટેકો આપ્યો હતો. તેઓ સ્ત્રીસમાનતા અને હરિજન-ઉદ્ધારના હિમાયતી હતા. ગ્રામોદ્ધાર માટે તેઓ કુટિર ઉદ્યોગો અને નાના ઉદ્યોગોની તરફેણ કરતા હતા. તેઓ પંજાબના વધુ ભાગલા કરવાના વિરોધી હતા અને જીવ્યા ત્યાં સુધી એમણે પંજાબ અને હરિયાણાનું વિભાજન થતું અટકાવ્યું હતું. ઠાકુરદાસ ભાર્ગવ પ્રખર રાષ્ટ્રવાદી હતા અને રાષ્ટ્રની સેવામાં એમણે જીવન સમર્પિત કર્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી