ભારતચંદ્ર (જ. 1712, અ. 1760) : પ્રાગ્-આધુનિક બંગાળી સાહિત્યના કવિ. દક્ષિણ રાઢ પ્રદેશમાં બ્રાહ્મણ જમીનદારને ત્યાં જન્મ. પિતાની જાગીર (વર્ધમાન જિલ્લો) 1740માં જપ્ત થઈ અને તેઓ અપીલ કરે તે પહેલાં તેમના પર આરોપ મૂકી તેમને જેલમાં નાંખ્યા. ત્યાંથી નાસી છૂટીને તેઓ વૃંદાવન તરફ જતા હતા ત્યારે સગાએ ઓળખી લેતાં તેઓ ઘેર પાછા આવ્યા. નસીબ અજમાવવા તેઓ ચંદ્રનગર ગયા, જ્યાં તેમના સાહિત્યિક ગુણોની કદર થઈ અને કૃષ્ણનગરના રાજા કૃષ્ણચંદ્ર રાય તરફથી આશ્રય અને વર્ષાસન મળે તેવી ગોઠવણ થઈ.

ભારતચંદ્રનું બિરુદ ‘રાય ગુણાકર’ હતું. કૃષ્ણચંદ્રના આશ્રયમાં કવિએ 1750 પહેલાં સૌપ્રથમ ‘રસમંજરી’ની રચના કરી, જે સંસ્કૃત પર આધારિત શૃંગાર અને સાહિત્યશાસ્ત્રનો ગ્રંથ છે. તેમની શ્રેષ્ઠ કૃતિ ‘અન્નદામંગલ’ કે ‘અન્નપૂર્ણામંગલ’ની રચના 1753માં પૂરી થઈ. ‘અન્નદામંગલ’માં 3 સ્વતંત્ર કાવ્યો છે : (1) ‘અન્નમંગલ’ શિવ-પાર્વતીની પરંપરાગત વાર્તા છે; જેમાં ભૂખે મરતા શિવને પાર્વતીએ રાંધેલું અન્ન ખવરાવ્યું ને તે અન્નદાત્રી બની. (2) ‘વિદ્યાસુંદર’ શૃંગારિક પ્રેમાખ્યાન છે. (3) ‘માનસિંહ’ જેસોરના પ્રતાપાદિત્ય સાથે જહાંગીરના સંઘર્ષ પર આધારિત ઐતિહાસિક ઉપાખ્યાન છે. પહેલા ભાગની રચના તો આશ્રયદાત્રી અન્નદાદેવીની મૂર્તિપૂજાના સમર્થનમાં થઈ હતી. ત્રીજા ભાગનો હેતુ કૃષ્ણચંદ્રના વંશના સ્થાપકનું ગૌરવ કરવાનો હતો. ‘અન્નદામંગલ’ મંગલ કાવ્યોની પરંપરામાં લખાયેલું હોવા છતાં કવિનું ધ્યાન વિશેષે કાવ્યકલા પર હતું. કવિએ સંસ્કૃતની સાથે અરબીફારસીના શબ્દોનો પણ એમાં સુંદર વિનિયોગ કર્યો છે. દરબારી કવિનાં રીતિપરસ્ત માનસ અને અભિવ્યક્તિ તેમની કવિતામાં જોવા મળે છે. ‘વિદ્યાસુંદર’ની કથા તેમની ઉપલબ્ધિ છે. ‘વિદ્યાસુંદર’ની કથા બંગાળમાં આ પહેલાં પ્રચલિત હતી, પછી પણ રહી. પણ કથાતત્વમાં તેમને કોઈ પહોંચી શક્યું નહિ. આશરે એક સૈકા સુધી ‘વિદ્યાસુંદર’ કવિઓની કલ્પના પર છવાયેલું રહ્યું. રાજા વીરસિંહની સુંદર અને ગુણિયલ એકની એક પુત્રી તે વિદ્યા. પોતાને શાસ્ત્રાર્થમાં જે હરાવશે તેની સાથે લગ્ન કરવાની તેની પ્રતિજ્ઞા હતી. રાજા ગુણસિંધુનો એકનો એક પુત્ર સુંદર રાજકુમારીને વરવા આવ્યો; વિદ્યાની માલણ હીરાએ દૂતીનું કામ કરીને બંનેનો સંપર્ક સ્થાપી આપ્યો. દેવી કાલીની કૃપાથી સુંદરે રાજમહેલના વિદ્યાના ખંડ સુધી ભોંયરું બનાવ્યું. તેથી પ્રેમીઓ મળવા લાગ્યાં. વિદ્યા ગર્ભવતી થયાની જાણ રાજાને થતાં પેલા અજાણ્યા પ્રેમીને પકડીને રાજાએ મૃત્યુદંડની સજા કરી. ફાંસીના સ્થળે સુંદર કાલીની પ્રાર્થના કરતો હતો ત્યારે એક જણે તેને રાજકુમાર તરીકે ઓળખી કાઢ્યો – બંનેનાં લગ્ન થયાં. ‘માનસિંહ’ કાવ્યમાં ફારસી-હિંદી શબ્દોના પ્રયોગોવાળી શૈલી મળે છે. ભારતચંદ્રની વર્ણનશક્તિ ઉત્તમ છે. તેમનું છંદચાતુર્ય પ્રશંસાપાત્ર છે. તેમની રચનામાં અલંકારોની બહુલતા પણ છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગે તેમની કવિતાના પડઘા મધુસૂદન વગેરેની કવિતામાં સાંભળવા મળે છે. તેમની ભાષા આધુનિક બંગાળીની બહુ નજીકની છે : તેમના સમયથી બંગાળી ભાષા જાણે આધુનિક યુગને ઉંબરે આવીને ઊભેલી વરતાય છે.

બીજી એક રીતે પણ આ કવિ પોતાના યુગબોધ પ્રત્યે પ્રામાણિક હતા. અઢારમા સૈકાના આરંભમાં સાંપ્રતકાલીન વિષયોએ (ઘણુંખરું હાસ્યરસપ્રધાન) લેખકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેથી તેમણે હાસ્યપરક શૈલીમાં ઋતુ, રાધા-કૃષ્ણ વગેરે વિષયો પર બે-ચાર કડીનાં નાનાં નાનાં કાવ્યો રચ્યાં છે. તેઓ સંસ્કૃતમાં પણ સારા શ્લોકો રચી શકતા, જેનું ઉત્તમ ઉદાહરણ છે ‘નાગાષ્ટક’. વર્ધમાનના રાજાના એક પ્રતિનિધિ રામદેવ નાગે જ્યારે કવિને કૃષ્ણચંદ્રે આપેલી જમીન પડાવી લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે આશ્રયદાતાને વિનંતીરૂપે આ રચના રચાઈ છે ‘નાગ’ અને ‘કૃષ્ણ’ શબ્દ પર શ્લેષ છે. પરંપરાના અનુસરણમાં તેમણે સંસ્કૃતમાં એક નાનું નાટક – ‘સંગીતનાટક’ રચવાનો પ્રયત્ન પણ કર્યો હતો : ચંડીએ કરેલો મહિષાસુરનો વધ એ તેનો વિષય હતો; પણ પૂર્વરંગ આગળ વધે તે પહેલાં જ કવિનું મૃત્યુ થયું હતું.

અનિલા દલાલ