ભાદર :  સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. તે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેની કુલ લંબાઈ 193.12 કિમી. જેટલી છે. જસદણથી ઉત્તરે આવેલા મદાવા ડુંગરમાંથી નીકળીને જેતપુર સુધી તે વેગીલા પ્રવાહ સાથે વહે છે. જેતપુરથી દક્ષિણે જમણી બાજુએથી તેને કરનાલ નદી મળે છે. જેતપુરથી કુતિયાણા સુધી તે પશ્ચિમ તરફ વહે છે. અહીં તેને ઉતાવળી, ફોફળ, મોજ, વેણુ, મુનસર અને ઓઝત જેવી સહાયક નદીઓ મળે છે. છેવટે તે નૈર્ઋત્યનો વળાંક લઈ નવી બંદર પાસે અરબી સમુદ્રને મળે છે. કુતિયાણા સુધી સમુદ્રની ભરતીનાં પાણી તેમાં ફરી વળે છે. ચોમાસામાં તેનો નીચાણવાળો વિસ્તાર પૂરના પાણીનો ભોગ બની રહે છે. જસદણ, આટકોટ, નવાગઢ, જેતપુર, ઉપલેટા, ગણોદ અને નવી બંદર વગેરે તેના કાંઠે આવેલાં છે.

ભાદર : ગોંડલ પાસેના બંધને છલકાવીને વહી રહેલાં ભાદરનાં વારિનું રૌદ્ર રૂપ – એક દર્શન

શ્રીનાથગઢ (રોજડી) નજીક બંધ બંધાવાથી 45,000 એકર (17.17 હજાર હેક્ટર) જમીનને સિંચાઈનો લાભ મળે છે; નદીનો સ્રાવવિસ્તાર 7,158 ચોકિમી. જેટલો છે, જ્યારે 103.5 કરોડ ઘનમીટર જેટલા પાણીનો સંગ્રહ થાય છે. આ બંધનો પ્રારંભ 1956માં કરાયેલો અને તે 1968–69માં પૂર્ણ થયો હતો. કાંઠા નજીક ગોંડળ, કુતિયાણા અને પોરબંદર તાલુકાની જમીનો ફળદ્રૂપ હોઈ તેના જળનો લાભ મળે છે. આ બંધ દ્વારા જેતપુરથી રાજકોટ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે, જેથી રાજકોટ અને જેતપુરને પીવાનું પાણી મળે છે.

શિવપ્રસાદ રાજગોર