ભાતખંડે, વિષ્ણુ નારાયણ

January, 2001

ભાતખંડે, વિષ્ણુ નારાયણ (જ. 10 ઑગસ્ટ 1860, મુંબઈ; અ. 19 સપ્ટેમ્બર 1936, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના વિખ્યાત શાસ્ત્રકાર અને પ્રવર્તક. તેમનો જન્મ એક મહારાષ્ટ્રીય કુટુંબમાં કૃષ્ણજન્માષ્ટમીને દિવસે થયો હતો. નાનપણથી જ તેમને સંગીતમાં રુચિ પેદા થઈ હતી, કારણ કે તેમનાં માતા-પિતાને શાસ્ત્રીય સંગીતમાં રસ હતો. 10–12 વર્ષના હતા ત્યારે તેમને વાંસળી વગાડવાનો શોખ થયો. મુંબઈમાં પ્રાથમિક અને હાઈસ્કૂલ શિક્ષણ લીધા પછી ત્યાંની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચશિક્ષણ શરૂ કર્યું. તે વખતે તેમનામાં સિતાર વગાડવાનો શોખ જાગ્યો. મુંબઈના વાળકેશ્વર વિસ્તારમાં રહેતા ગોપાલગિરિ ગોસાંઈ નામના સિતારવાદક તેમને પોતાના ગુરુ પાસે લઈ ગયા અને તે રીતે ભાતખંડેજીની સિતારની તાલીમ શરૂ થઈ. 1885માં બી.એ.ની પરીક્ષા અને 1887માં એલએલ.બી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ત્યારબાદ કરાંચી જતા રહ્યા, જ્યાં તેમણે વકીલાત શરૂ કરી. એક વર્ષ બાદ ફરીથી મુંબઈ આવ્યા.

તેઓ વાંસળી તો વગાડતા જ, પણ સિતારની પણ સારી એવી તાલીમ પ્રાપ્ત કરી. મુંબઈની ‘ગાયન ઉત્તેજક મંડળી’ નામની પારસીઓના સંચાલન હેઠળની સંસ્થા સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ પ્રસ્થાપિત થયો. આ જ સંસ્થામાં નોકરી કરતા રાવજીબુવા વેલબાગકર ધ્રુપદિયા હતા. જેમની પાસેથી તેમણે ધ્રુપદ, ધમાર ઇત્યાદિનું અધ્યયન કર્યું અને ઉસ્તાદ અલી હુસેનખાં પાસેથી તેઓ ખ્યાલ-ગાયકી શીખ્યા. તે વખતે મુંબઈ આવતા અગ્રણી સંગીતકારોની મહેફિલો પંડિતજી ‘ગાયન ઉત્તેજક મંડળ’માં ગોઠવતા, જેને લીધે તે જમાનાના નામી ઘરાનાના ઘણા કલાકારોના પરિચયનો તેમને લાભ મળ્યો.

વિષ્ણુ નારાયણ ભાતખંડે

પંડિતજી સંસ્કૃતના વિદ્વાન હતા. સંગીત વિષય પર સંસ્કૃતમાં જેટલા ગ્રંથ હતા તે બધાનો તેમણે અભ્યાસ કર્યો. તેને લીધે ગ્રંથસ્થ સંગીત અને પ્રચલિત સંગીત વચ્ચેનો તફાવત તેમને સ્પષ્ટ રીતે દેખાયો. વકીલાત બંધ કરી અને માત્ર સંગીતના જ અધ્યયન પર ભાર મૂક્યો. 1904થી 1908ના ગાળામાં સમગ્ર દેશનું ભ્રમણ કર્યું. જુદાં જુદાં નગરોનાં પુસ્તકાલયોમાં સંગીત પરના જૂના ગ્રંથોનું અધ્યયન કર્યું અને સાથોસાથ સંગીતના વિદ્વાનો સાથે વાર્તાલાપ કર્યા. ત્યારબાદ મુંબઈ પાછા ફરી ‘લક્ષ્યસંગીત’ નામનો સંસ્કૃત ગ્રંથ લખ્યો, જેમાં પ્રચલિત રાગોના નિયમોનું તેમણે બયાન કર્યું છે. ‘હિંદુસ્તાની સંગીતપદ્ધતિ’ના નામથી હિંદુસ્તાની સંગીતશાસ્ત્રની સંપૂર્ણ ચર્ચા અને રાગોનું વિદ્વત્તાપ્રચુર વિવરણ તેમણે મરાઠી ભાષામાં કર્યું છે. ખૂબ કષ્ટ ઉઠાવીને તેમણે બે હજાર જેટલી જૂની બંદિશોનું ‘ક્રમિક પુસ્તક માલિકા’ના 6 ભાગોમાં પ્રકાશન કર્યું. 1916માં તેમણે વડોદરા ખાતે પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલનનું આયોજન કર્યું અને તેમાં ઑલ ઇન્ડિયા મ્યુઝિક અકાદમીની સ્થાપનાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ દેશનાં અન્ય નગરોમાં તેમણે સંગીત-સંમેલનોનું આયોજન કર્યું.

તેમના સંશોધનકાર્યમાં તથા શાસ્ત્રીય સંગીતના પ્રચારકાર્યમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને પ્રોત્સાહન આપી, સક્રિય સહાય આપી હતી તેમજ ગ્વાલિયર અને ઇંદોરના નરેશોએ પણ પંડિતજીના સંચાલન હેઠળ ચાલતી સંગીત-સંસ્થાઓને આર્થિક મદદ કરી અને તે દ્વારા ઉચ્ચકક્ષાના સંગીતશિક્ષણની વ્યવસ્થા કરી આપી. લખનૌમાં મૉરિસ કૉલેજ ઑવ્ મ્યુઝિક, ગ્વાલિયરમાં માધવ સંગીત વિદ્યાલય તથા વડોદરામાં મ્યુઝિક કૉલેજની સ્થાપના પંડિતજીના પ્રયત્નોથી જ થયેલી.

પંડિત ભાતખંડેજીએ પોતાની સરળ સ્વરલિપિ(notations)–સ્વરલેખનપદ્ધતિમાં સંગીતની 2,500 જેટલી ખાનદાની બંદિશો ઉતારી તથા ‘ચતુર્દંડી પ્રકાશિકા’ નામના ગ્રંથ ઉપરથી ઉત્તર હિંદુસ્તાની સંગીતને દસ થાટોમાં વ્યવસ્થિત રીતે વિભાજિત કરવાનું શકવર્તી કાર્ય કર્યું છે. તેમણે લખેલાં પુસ્તકો ભારતની વિવિધ યુનિવર્સિટીઓના સંગીતના અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો તરીકે પસંદગી પામ્યાં છે.

‘હિંદુસ્તાની સંગીતપદ્ધતિ’ (ચાર ભાગમાં પ્રકાશિત), ‘લક્ષ્ય સંગીત’, ‘શૉર્ટ હિસ્ટૉરિકલ સર્વે…. એ કમ્પેરેટિવ સ્ટડી’, ‘ક્રમિક પુસ્તક માલિકા’ (છ ભાગમાં પ્રકાશિત), ‘અભિનવ રાગમંજરી’ તથા ‘શ્રીમલ્લક્ષ્યસંગીતમ્’ – આ તેમનું ગ્રંથસર્જન છે.

ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની જેટલી ચીજોમાં ‘ચતુર’ શબ્દનો ઉલ્લેખ થાય છે તે બધી જ ચીજો ભાતખંડેજીએ રચેલી છે.  તેમનું ઉપનામ ‘ચતુર પંડિત’ હતું.

તેમના બહોળા શિષ્યવર્ગમાં અગ્રણી સંગીતજ્ઞ કે. એન. રાતનજનકર(1900–1974)નો પણ સમાવેશ થાય છે.

મંદાકિની અરવિંદ શેવડે