ભરહુતનો શિલ્પ-વૈભવ

May, 2024

ભરહુતનો શિલ્પ-વૈભવ : મધ્યપ્રદેશ(જિ. સતના)ના ભરહુત નામના સ્થળેથી 1873માં મેજર જનરલ એલેક્ઝાન્ડર કનિંઘમે એક બૌદ્ધ સ્તૂપના અવશેષો શોધી કાઢ્યા હતા. આ સ્તૂપના અવશેષો મુખ્યત્વે ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તા, મ્યુનિસિપલ મ્યુઝિયમ, અલાહાબાદ અને સતના, વારાણસી તેમજ મુંબઈનાં મ્યુઝિયમોમાં સંગૃહીત છે. સ્તૂપ તો નષ્ટ થયો છે. પણ એની વેદિકા અને સ્તંભો પરનાં અંશમૂર્ત શિલ્પોનો અઢળક ખજાનો અકબંધ રહ્યો છે. તેના અભ્યાસ પરથી જણાયું છે કે એના પરનાં અંશમૂર્ત શિલ્પો શુંગકાલ (ઈ. સ. પૂર્વે 1લીથી ઈ. સ.ની 1લી સદી) દરમિયાન કંડારાયાં હશે.

ભરહુતની વેદિકાના સ્તંભો અષ્ટકોણીય છે. તેમની મધ્યમાં પૂર્ણવિકસિત કમળ અને ઉપર તથા નીચેના ભાગમાં અર્ધપ્રફુલ્લિત કમળ કોતરેલાં છે. કમળની આકૃતિમાં કર્ણિકા, પાંખડીઓ, પદ્મગુચ્છ, પદ્મપત્ર અને પદ્મનાળ એમ વિવિધ અંકનો જોવામાં આવે છે. આ સ્તંભો પર વિધવિધ પશુપક્ષીઓની આકૃતિઓ પણ કોતરેલી છે, તેમજ બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં અનેક દૃશ્યો કોતરેલાં છે. કેટલાક સ્તંભો પર નાગ, યક્ષ તથા લોકદેવતાઓનાં આલેખનો છે. સ્તંભો પર જે જાતક-કથાઓનાં દૃશ્યો અંકિત કરેલાં છે તે દરેકની નીચે તે જાતકનું નામ કોતરેલું છે. એક દૃશ્યમાં માયાદેવીનું સ્વપ્ન અંકિત કરવામાં આવ્યું છે, જેમાં એક હાથી સ્વર્ગથી ઊતરી દેવીના ગર્ભમાં પ્રવેશ કરતો દર્શાવ્યો છે. સ્તંભો પર સાત માનુષી બુદ્ધ અને તેમની સાથે સંબંધ ધરાવતાં બોધિવૃક્ષો કોતરેલાં છે. તે દરેકની નીચે નામ આપેલાં છે. વેદિકાના સ્તંભોની જેમ તેની સૂચિઓ પર પ્રફુલ્લિત કમલપુષ્પો અંકિત કરેલાં છે. તેમાંના કેટલાક પર જાતક કથાઓનાં દૃશ્યો, સ્તૂપ, બોધિવૃક્ષ, ધર્મચક્ર વગેરે ચિહનો કોતરેલાં છે.

તોરણદ્વારના સ્તંભો પરનાં શિલ્પોનું વૈવિધ્ય નોંધપાત્ર છે. આ સ્તંભો પર યક્ષ-યક્ષિણી, દેવો અને ચાર દિશાના રક્ષકો અંકિત કરવામાં આવ્યાં છે. દા. ત., ઉત્તર દ્વાર પર કુબેર યક્ષ અને ચંદ્રાયાક્ષિણી, દક્ષિણ દ્વાર પર નાગરાજ ચક્રવાક અને ચુલકોકા દેવી અંકિત કરેલ છે. સ્તંભો પર બુદ્ધના જીવન સાથે સંબંધ ધરાવતાં કેટલાંક દૃશ્યો પણ કોતરેલાં છે. દા. ત., રાજા અજાત શત્રુ બુદ્ધના દર્શને આવે છે તે દૃશ્ય, નાગરાજ એલાપત્ર દ્વારા બોધિવૃક્ષની વંદના. કોસલરાજા પ્રસેનજિત દ્વારા ધર્મચક્ર આયાતનમાં પૂજા, જંગલી હાથીઓ દ્વારા અશ્વત્થ કાશ્યપની બુદ્ધ તથા બોધિવૃક્ષની પૂજા.

ભરહુતનાં શિલ્પોને નીચેના વિભાગોમાં વહેંચી શકાય :

  • દેવયોનિ (યક્ષ, દેવતા, નાગ, અપ્સરા), (2) મનુષ્યવર્ગ (રાજા, ધાર્મિક પુરુષ), (3) પશુ, (4) વૃક્ષ અને ફૂલ, (5) ઉત્કીર્ણ મૂર્તિઓ તથા ઉત્કીર્ણ શિલાપત્રે, જેમાં 23 જાતક કથાઓ, (6) પૂજા-ચિહનો (સ્તૂપ, ચક્ર, બોધિવૃક્ષ, પાદુકા, ત્રિરત્ન વગેરે, (7) અલંકારણાત્મક ચિહનો (કલ્પવૃક્ષ, લતા વગેરે), (8) વાસ્તુદૃશ્યો (રાજપ્રાસાદ, પુણ્યશાલા વગેરે), ધાર્મિક સત્રગૃહ, (વજ્રાસન કે બોધિમંડપ, પર્ણશાલા સામાન્ય ગૃહ વગેરે), (9) અન્ય વસ્તુઓ (વાહનો, નૌકા, અશ્વરથ, ગોરથ, જુદા જુદા પ્રકારનાં વાદ્યો, ધ્વજાઓ તથા રાજચિહનો)

આમાં દેવયોનિમાં બૌદ્ધ સાહિત્યમાં જે ચતુર્મરાજિક તરીકે ઉલ્લેખાયેલા લોકપાલો (પૂર્વના ધૃતરાષ્ટ્ર, દક્ષિણનો વિરૂઢક, પશ્ચિમનો વિરૂપાક્ષ અને ઉત્તરનો વૈશ્રવણ કે કુબેર) પૈકી કુબેર અને વિરૂઢકનાં શિલ્પો મળી આવ્યાં છે. યક્ષમૂર્તિઓ પૈકી ઉત્તરના તોરણદ્વાર પરના અજકાલક યક્ષ અને ચંદ્રા યક્ષી, પૂર્વના તોરણ પરની સુદર્શના યક્ષી તથા દક્ષિણના તોરણ પર ગંગિત યક્ષ અને ચક્રવાક નાગરાજની મૂર્તિઓ મળી છે. પશ્ચિમના તોરણના એક સ્તંભ પર સુચિલોમ યક્ષ અને સિરિમા દેવીની મૂર્તિ પણ છે. બીજા સ્તંભ પર સુપાવસ યક્ષની મૂર્તિ છે.

સ્તંભો પર ઉત્કીર્ણ દેવમૂર્તિઓમાં દેવીમૂર્તિઓનું બાહુલ્ય છે. એમાં ચૂલકોકા અને મહાકોકા એ પ્રાચીનતમ લોકદેવીઓનાં શિલ્પ મળ્યાં છે. સિરિમા (શ્રીમા લક્ષ્મી) એ પ્રાચીન માતૃકા છે. ભરહુતમાં કમલપુષ્પો પર ઊભેલી કે કમલવનમાં બેઠેલી આ દેવીને ઉપરના ભાગમાં બે હાથી પોતાની સૂંઢ વડે આવર્જિત કુંભો વડે સ્નાન કરાવતા દર્શાવાયા છે. ચૂલકોકા અને મહાકોકા એ બંને કોકા નામની લોકદેવીઓ છે. (આ લોકદેવીઓ આજે પણ બનારસ–કાશીમાં પૂજાય છે.) નાગદેવો પૈકી ભરહુતમાં ઐરાવત નાગરાજ બોધિવૃક્ષની પૂજા કરતો દર્શાવ્યો છે. ભરહુતમાંથી અલંબુસા, મિશ્રકોશી, સુદર્શના અને સુભદ્રા એ ચાર અપ્સરાઓની મૂર્તિઓ તેમનાં નામ સાથે મળી છે. આ ઉપરાંત દેવોનાં નૃત્ય-ગીતના સટ્ટક ઉત્સવ- (વસંતોત્સવ)નું દૃશ્ય પણ અંકિત થયું છે.

માનવવર્ગમાં કોશલરાજ પ્રસેનજિત બુદ્ધનાં દર્શન-વંદન અર્થે આવે છે તે દૃશ્ય કોતરેલું છે. પ્રથમ દૃશ્યમાં સવારીની આગળ રાજાને રથમાં બેઠેલ દર્શાવ્યો છે. બીજા દૃશ્યમાં હાથી પરથી ઊતરી રાજા અંજલિમુદ્રામાં વજ્રાસનની વંદના કરતો દર્શાવ્યો છે. ધાર્મિક પુરુષોમાં પરિવ્રાજકો પોતાની પર્ણશાળાઓની આગળ    અગ્નિહોત્ર યજ્ઞમાં મગ્ન દર્શાવ્યા છે. દીર્ઘતપસી નામનો પરિવ્રાજક પોતાની સમક્ષ બેઠેલા શિષ્યોને અધ્યયન કરાવી રહ્યો છે.

પશુઆકૃતિઓમાં સ્વાભાવિક અને કલ્પિત એમ બે પ્રકાર મળે છે. કલ્પિતમાં મિશ્ર આકારનાં નર-પશુપક્ષીઓની આકૃતિઓ છે. દા. ત., સપક્ષ કે આકાશગામી અશ્વ, સપક્ષ સિંહવ્યાલ, ગજમચ્છ, મગરમચ્છ વગેરે. સ્વાભાવિક પ્રકારોમાં ચૌદ પ્રકારનાં પશુઓ અને છ પ્રકારનાં પક્ષીઓનું આલેખન થયું છે. ચતુષ્પાદમાં હાથી, સિંહ, અશ્વ, ગેંડો, બકરી, વૃષભ, મૃગ, ઘેટી, વાંદરો, બિલાડી, કૂતરો, ખરગોશ, ઘીલોડી વગેરે પક્ષીઓમાં કૂકડો, મોર, હંસ, જંગલી બતક વગેરે. આ બધાંમાં હાથીની ભાવપૂર્ણ આકૃતિઓ ખાસ ધ્યાન ખેંચે છે. કેટલાંક હાસ્ય-વ્યંગનાં દૃશ્યો છે; દા. ત., વાંદરો, હાથી અને મનુષ્ય ત્રણે મળીને એક મહાયક્ષની મૂછો સાણસી વડે ખેંચે છે, તે દૃશ્ય રોમાંચક છે. બીજા એક દૃશ્યમાં હાથી પર વાનરો ચડીને સરઘસાકારે તેને દોરી રહ્યાનું વ્યંગચિત્ર છે.

જાતક કથાઓમાં મિત્રજાતક, નાગજાતક, લટુઆ, છદન્તિય, ઇસિસિંગિમ, યમ્બુ મનોવયસી, કુટુંગમિગ, હંસ, કિન્નર, દશરથ, બિડાલ-કક્કુર, વિદુર પંડિત, વેસ્સન્તર વગેરે સ્થાન પામી છે. બુદ્ધ અને બોધિસત્વો સાથે સંબંધ ધરાવતાં વૃક્ષો પૈકી વટવૃક્ષ, ઉદુમ્બર, પાટલિ, શાલવૃક્ષ, શિરીષ અને અશ્વત્થ કે પીપલ આકાર પામ્યાં છે અને એ વૃક્ષો નીચે સંબંધિત બુદ્ધ અનુક્રમે કાશ્યપ, કનકમુનિ, વિપસ્સિન, વિશ્વભૂ, ક્રકુચ્છન્દ અને ગૌતમ બુદ્ધનાં નામ અંકિત કરેલાં છે.

ભરહુતનાં શિલ્પોમાં અંગભંગીનું સુરેખ દર્શન અને તે માટેના વ્યવસ્થિત પ્રયાસો નજરે પડે છે. આ શિલ્પો સમકાલીન સાંચીનાં શિલ્પો કરતાં વધુ ઘાટીલાં છે. રેખા-સૌષ્ઠવનું એ માધુર્યં વ્યક્ત કરે છે. અલબત્ત આ અંશમૂર્ત શિલ્પોને લઈને એમાં તક્ષણનું ઊંડાણ ન હોવાને કારણે તે સાંચીના સ્તૂપ નં. 2ના જેવાં જ સપાટ (flat) છે. અહીં પદ્મલતાના સ્વાભાવિક વેગ અને હલનચલન તેમજ મનુષ્યની અંગભંગીનાં હલનચલન એક સરખાં નિરૂપવાનો પ્રયત્ન નજરે પડે છે, તે ખાસ નોંધપાત્ર છે.

પ્રવીણચંદ્ર પરીખ