ભરવાડ (millepede) : ઉદરપ્રદેશના પ્રત્યેક ખંડમાં પગની બે જોડ ધરાવતું દ્વિપદી (diplopoda) વર્ગનું અને સામાન્યપણે સહસ્રપદી (millepoda) નામે ઓળખાતું સંધિપાદ સમુદાયનું એક પ્રાણી. ભરવાડની લંબાઈ 3 મિમી.થી 25 સેમી. જેટલી હોય છે અને કેટલાંક લાંબા કદનાં ભરવાડ પગની 380 જેટલી જોડ ધરાવે છે. ભરવાડ ગંધારી અવાવરું જગ્યાએ પથ્થર, લાકડાની નીચે અથવા ડાળીઓ અને સડતાં પાંદડાંઓની નીચે રહે છે. તે એક ગભરુ અને સુસ્ત પ્રાણી છે. તેની સ્પર્શ-સંવેદના ઘણી તીવ્ર હોય છે, તેથી સહેજ પણ અન્ય પદાર્થને અડકવા સાથે ભરવાડ પોતાના શરીરને ગોળાકારમાં સંકોચીને વીંટાળી દે છે.

ભરવાડ

તેના શીર્ષ-પ્રદેશમાં સ્પર્શક(antenna)ની એક જોડ આવેલી હોય છે, જે અત્યંત સંવેદનશીલ હોય છે. સ્પર્શક સાત સાંધાઓ(joints)નું બનેલું હોય છે. અન્ય સંધિપાદોની માફક ભરવાડનાં મુખાંગો સુવિકસિત હોતાં નથી. ઉપલા ભાગમાં સાદી (simple), સમૂહમાં આવેલી આંખની એક જોડ હોય છે.

સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓની જેમ ભરવાડનું શરીર પણ શીર્ષ, ઉરસ્ અને ઉદર એમ – ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. શીર્ષપ્રદેશમાં સંવેદનાંગો આવેલાં હોય છે. એ ખોરાકગ્રહણ સાથે સંકળાયેલું છે. ઉરસ્ ચાર ખંડોનું બનેલું હોય છે. તેનો પ્રથમ ખંડ પગ વગરનો હોય છે. પ્રત્યેક ખંડમાં શ્વસનછિદ્રોની તેમજ ચેતાકંદોની એક જોડ આવેલી હોય છે. ઉદરપ્રદેશનો પ્રત્યેક ખંડ બે ભાગોમાં વહેંચાયેલો હોય છે. છેલ્લા ત્રણ ખંડો બાદ કરતાં ઉદરપ્રદેશના બધા જ ખંડો પગની બે જોડ, શ્વસનછિદ્રોની બે જોડ અને ચેતાકંદ(ganglion)ની બે જોડ ધરાવે છે. પ્રત્યેક પગ અનુક્રમે કક્ષા (coxa), અર્બુદ (trochanter), કીટજંઘ (femur), અંતર્જંઘ (tibia) અને કીટગુલ્ફ (tarsus) નામે ઓળખાતા સાંધાઓનો બનેલો હોય છે. નરના ત્રીજા ખંડના પગ મિથુનાંગો તરીકે માદાને પકડવામાં મદદરૂપ નીવડે છે. છેલ્લા ખંડના વક્ષભાગમાં મળદ્વાર (anus) ખૂલે છે. ઘણીખરી ભરવાડની જાતોમાં દુર્ગંધમય પ્રવાહી સ્રવતી ગ્રંથિઓ આવેલી હોય છે. સાઇનાઇડના જેવી દુર્ગંધ હોવાને લીધે દુશ્મનો ભરવાડથી દૂર રહેવાનું પસંદ કરે છે.

ભરવાડ કોહવાતી વનસ્પતિ કે પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. વનસ્પતિનાં મૂળ પણ તેનો મનગમતો ખોરાક છે. ભરવાડની આ આદતને લીધે પાકનો નાશ થવાથી માનવી માટે ભરવાડ આર્થિક ર્દષ્ટિએ નુકસાનકારક છે. પાચનતંત્ર અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાંત્રનું બનેલું હોય છે. અગ્રાંત્રની શરૂઆત મુખગુહાથી થાય છે, જે અન્નનળી(oesphagus)માં ખૂલે છે. મુખગુહા મુખાંગોથી ઘેરાયેલી હોય છે. મુખાંગો તરીકે તે અધોજમ્ભ(labrum)ની એક જોડ ધરાવે છે, જે ખોરાકના ટુકડા કરવામાં અગત્યની છે. ભરવાડમાં પ્રથમ જમ્ભ(1st maxilla)નો અભાવ છે. દ્વિતીય જમ્ભ(second maxilla)ને જમ્ભમૃશ (maxillary palp) હોય છે, જે ખોરાકને લગતા સંવેદના-ગ્રહણમાં મદદરૂપ બને છે. મુખગુહા અન્નનળીમાં ખૂલે છે. મધ્યાંત્ર ખોરાક પાચન અને શોષણ સાથે સંકળાયેલું હોય છે. તેની અંદરની સપાટીની દીવાલ પાચક રસોનો સ્રાવ કરે છે, તેથી ખોરાકનું પાચન થાય છે. ખોરાકનું શોષણ પણ મુખ્યત્વે મધ્યાંત્રમાં થાય છે. મધ્યાંત્ર અને પશ્ચાંત્ર વચ્ચે માલ્પિધીની નલિકાઓ આવેલી હોય છે, જે મુખ્યત્વે ઉત્સર્જન સાથે સંકળાયેલી હોય છે. અન્ય સંધિપાદ પ્રાણીઓની જેમ શરીરગુહા રુધિરગુહા બની હોય છે. માલ્પિધીની નલિકાઓ રુધિરગુહામાં આવેલાં ઉત્સર્ગદ્રવ્યોનું શોષણ કરીને પશ્ચાંત્રમાં ઠાલવે છે. પશ્ચાંત્રમાં શેષ ખોરાક એટલે કે મળનો સંગ્રહ થાય છે. વખતોવખત મળદ્વાર વાટે તેનો ત્યાગ કરવામાં આવે છે. રુધિરગુહામાં રુધિર આવેલું હોય છે. રુધિરગુહા વચ્ચે ઉરોદર-પટલ આવેલું હોય છે, જેથી રુધિરગુહા પૃષ્ઠકોટર અને વક્ષકોટર એમ બે ભાગમાં વહેંચાયેલી રહે છે. પૃષ્ઠભાગમાં ખંડિત નલિકાઓનું બનેલું એક હૃદય હોય છે. પ્રત્યેક ખંડમાં મુખિકાઓ(openings)ની એક જોડ આવેલી હોય છે. મુખિકાઓ વાલ્વયુક્ત હોવાને કારણે રુધિર નીચલા રુધિરકોટરમાંથી હૃદયમાં પ્રવેશે છે. ઉરોદર-પટલ સાથે સંકળાયેલા સ્નાયુઓ સંકોચન પામવાથી હૃદયમાંથી રુધિરનું સિંચન થાય છે અને શરીરના વિવિધ ભાગોમાં વહેંચાઈ જાય છે; છેવટે આ રુધિર રુધિર-કોટરના નીચેના ભાગમાં ફરીથી એકઠું થાય છે.

શ્વસનતંત્ર શ્વાસનળીઓનું બનેલું હોય છે. શરીરના પાર્શ્વ ભાગમાં શ્વસનછિદ્રો આવેલાં છે. શ્વસનછિદ્રો દ્વારા બહારની હવા શ્વસનતંત્રમાં પ્રવેશે છે અને શરીરના બધા ભાગોને હવા પહોંચાડે છે અને શરીરગુહા આકુંચન પામવાથી આ હવા શરીરમાંથી બહાર નીકળી જાય છે. સામાન્યપણે પ્રત્યેક ખંડમાં ચેતાકંદો આવેલા હોય છે, જે ખંડીય મગજની ગરજ સારે છે. જ્યારે શીર્ષપ્રદેશમાં આવેલા ચેતાકંદો વિલયન પામીને મધ્યસ્થ મગજ બનાવે છે.

ભરવાડ એકલિંગી પ્રાણી છે. સમાગમ દરમિયાન નરજનનકોષો માદાના શરીરમાં પ્રવેશે છે અને અંત:ફલનથી ફલિતાંડો રચાય છે. ભરવાડ અંડપ્રસવી પ્રાણી છે. માદા એકીસાથે હજારોની સંખ્યામાં ઈંડાં મૂકે છે અને તેમનું રક્ષણ પણ કરે છે. ભરવાડ રૂપાંતરણથી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. રૂપાંતરણ દરમિયાન ઈંડું, ઇયળ અને કોશેટાની અવસ્થામાંથી પસાર થઈ તે પુખ્ત બને છે.

અરુણ રામશંકર ત્રિવેદી