ભરદ્વાજ : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિ. બૃહસ્પતિ અને મમતાના પુત્ર. 75 સૂક્તો ધરાવતા ઋગ્વેદના છઠ્ઠા મંડળનાં મોટાભાગનાં સૂક્તોના મંત્રદ્રષ્ટા ઋષિ ભરદ્વાજ છે અને ત્યાં તેમનો ઉલ્લેખ ‘બાર્હસ્પત્ય’ (બૃહસ્પતિના પુત્ર) તરીકે થયો છે; એટલું જ નહિ, પણ તે મંડળનાં અન્ય થોડાં સૂક્તોના મંત્રદ્રષ્ટાઓ તરીકે ‘સુહોત્ર’, ‘શુનહોત્ર’, ‘નર’, ‘ગર્ગ’, ‘ઋજિષ્વા’, ‘પાયુ’ વગેરે ભરદ્વાજ-વંશજોનાં નામો પણ નોંધાયાં છે. તેઓ પાતળા, ઊંચા, દીર્ઘાયુષી, વિદ્વાન અને તપસ્વી હતા. ઇન્દ્રે ભરદ્વાજને સાવિત્રીવિદ્યાનું જ્ઞાન આપેલું. દિવોદાસ રાજાના તેઓ પુરોહિત હતા.

પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક પરંપરાની એ વિશિષ્ટતા રહી છે કે આવા શ્રુતિકાલીન ઋષિઓની આર્ષ કારકિર્દી છેક સ્મૃતિઓ અને પુરાણોના સમય સુધી ચાલુ રહી છે. ઋગ્વેદનાં ત્રીજા અને સાતમા મંડળોના મંત્રદ્રષ્ટાઓ અનુક્રમે વિશ્વામિત્ર અને વસિષ્ઠ ‘રામાયણ’નાં મહત્વનાં પાત્રો તરીકે સુપ્રસિદ્ધ છે. એ જ રીતે, વનવાસ દરમિયાન, દંડકારણ્ય જઈ રહેલા રામને ચિત્રકૂટ-પર્વત તરફ જવાનાં સૂચન તથા માર્ગદર્શન પ્રયાગ-નિવાસી ભરદ્વાજે આપ્યાં હોવાનો ઉલ્લેખ રામાયણમાં મળે છે. વળી રામને અયોધ્યા પાછા લઈ આવવા નીકળેલા ભરતને રામ વિશેની માહિતી ભરદ્વાજે જ આપી હતી અને રાવણ-વધ પછી અયોધ્યા પાછા ફરતાં રામે, ફરીથી તેમનાં દર્શન કર્યાં હતાં એવું પણ વાલ્મીકિએ નોંધ્યું છે.

અપ્સરા ઘૃતાચીના સૌન્દર્યથી કામાતુર-અવસ્થામાં સ્ખલિત થયેલા પોતાના વીર્યને આ ભરદ્વાજે એક પડિયામાં સંઘર્યું હતું, જેમાંથી શ્રુતાવતી નામની પુત્રી જન્મી એવો નિર્દેશ પુરાણોમાં છે. આ શ્રુતાવતીએ ઇન્દ્રને પરણવા માટે ઉગ્ર તપ કર્યું હતું, જેના પરિણામે તે શચીરૂપે તેની પત્ની થઈ હતી.

વળી, પૂર્વમન્વંતરમાંના બ્રહ્મર્ષિ તરીકે આંગિરસ-કુલોત્પન્ન ભરદ્વાજને શ્રુતાવતી નામક ક્ધયા ઉપરાંત યવક્રીત-નામક પુત્ર અને રૈભ્ય-નામક ઋષિમિત્ર હોવાની વીગતો પણ અન્ય પુરાણોમાં સાંપડે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ભરદ્વાજનો સાત વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વેદ-મંત્રોના અર્થઘટનમાં મહત્વનાં ગણાતાં શ્રૌતસૂત્રોમાં એક ભારદ્વાજ સંપ્રદાયનો ઉલ્લેખ પણ મળે છે.

આમ ભરદ્વાજનું પ્રદાન શ્રૌત–સ્માર્ત બંને પરંપરાઓમાં નોંધપાત્ર રહ્યું છે.

જયાનંદ દવે