ભગવાનલાલ ઇન્દ્રજી (પંડિત) (જ. 7 નવેમ્બર 1839, જૂનાગઢ; અ. 16 માર્ચ 1888, મુંબઈ) : ભારતના મહાન પુરાતત્વવિદ. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ, પિતા ઇન્દ્રજી ઠાકર પાસે સંસ્કૃત ભણ્યા હતા. તેમને ગિરનારની તળેટીમાં આવેલ અશોકનો શિલાલેખ ઉકેલવાની જિજ્ઞાસા થઈ. જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની નકલ, સૌરાષ્ટ્રના તત્કાલીન પૉલિટિકલ એજન્ટ કર્નલ લૅન્ગ પાસેથી મેળવી. એના આધારે એણે પ્રાચીન બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોની સૂચિ પોતાના જર્નલમાં છપાવી. ભગવાનલાલે જૂનાગઢના મણિશંકર જટાશંકર કીકાણી પાસેથી 1854માં તેની નકલ મેળવી. એની મદદથી ગિરનારનો શિલાલેખ ઉકેલવામાં અતિપરિશ્રમ બાદ તેઓ સફળ થયા. તેઓ એવા તદ્વિદ બની ગયા કે પ્રિન્સેપની પણ ક્ષતિઓ તેમણે સુધારી. એ સમયે મુંબઈમાં પુરાતત્વના અભ્યાસી દેશી ગૃહસ્થો માત્ર બે હતા : (1) પંડિત બાલશાસ્ત્રી જાંભેકર અને (2) ડૉ. ભાઉ દાજી. એ. કે. ફૉર્બ્સની ભલામણથી ભગવાનલાલને ભાઉ દાજીએ મુંબઈ બોલાવ્યા. તેઓ ગિરનાર રુદ્રદામાના તથા સ્કંદગુપ્તના શિલાલેખોના પોતાના ઉકેલ તથા ક્ષત્રપોના સાઠ દુષ્પ્રાપ્ય સિક્કા પોતાની સાથે લઈ 1861માં મુંબઈ ગયા. વઢવાણથી સોળ દિવસે તેઓ મુંબઈ પહોંચ્યા હતા.

ડૉ. ભાઉ દાજીની ભલામણથી રૉયલ એશિયાટિક સોસાયટીના પ્રમુખ એચ. ન્યૂટને ગિરનારના શિલાલેખોની માહિતી ભગવાનલાલના ઋણસ્વીકાર સહિત સોસાયટીના સામયિકમાં પ્રગટ કરી. ગિરનારના શિલાલેખોની બાકી રહેલી ક્ષતિઓ ઉકેલવા તેઓ જૂનાગઢ પાછા ગયા અને તેની વિગતવાર નોંધ ભાઉ દાજીને મુંબઈ મોકલી આપી. ત્યારબાદ એપ્રિલ 1862માં તેઓ હંમેશ માટે મુંબઈ જઈને રહ્યા. ભાઉ દાજીના સૂચનથી દોઢ મહિનો રહીને અજંતાનાં ચિત્રો તથા લેખોની શુદ્ધ નકલો તેમણે ઉતારી લીધી. એકેક અક્ષર પાછળ કલાકોના કલાકો આપતા, પણ એમની ધીરજ ડગતી નહિ. ત્યારબાદ નાસિક, કાર્લા, ભાજા, બેડસા, જુન્નર, પિતલખોરા, નાના ઘાટ વગેરેના ઉત્કીર્ણ લેખો ઉકેલ્યા. તે પછી જેસલમેરના જૈન ભંડારોના દુર્લભ મહત્વના ગ્રંથોની નકલો કરી લીધી. ભારતના સ્થાપત્ય પરના ગ્રંથો વાંચ્યા બાદ તેમણે અલ્લાહાબાદ, વારાણસી, મથુરા, દિલ્હી વગેરે સ્થળેથી શિલાલેખોની નકલો કરી અને ઇન્ડો-ગ્રીક તથા કુશાણ સિક્કા ખરીદી મુંબઈ પાછા ફર્યા. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ પ્રદેશોનાં સામાજિક અને ધાર્મિક રિવાજો, પહેરવેશ, ભાષા વગેરેનો અભ્યાસ કરતા રહ્યા.  ભાઉ દાજીની ભલામણથી જૂનાગઢના નવાબે માસિક રૂ. 200/-ના પગારથી ભગવાનલાલને પુરાતત્વના સંશોધન માટે બે વર્ષ માટે રોક્યા.

ભગવાનલાલ ઇન્દ્રજી

તેમણે ઓમકારેશ્વર, ઉજ્જૈન, બાઘની ગુફાઓ, ધાર, માંડવગઢ, સાંચી, સેલારો, ભોજપુર, શતધાર વગેરે સ્થળોની મુલાકાત લીધી. તથા ઉત્તર ભારતમાં બલૂચિસ્તાન, વાયવ્યના પ્રદેશોથી ઠેઠ તિબેટ અને નેપાળ સુધી ઘૂમી વળ્યા. તેમને જે કાંઈ પ્રાચીન શિલાલેખો, સિક્કાઓ, પ્રાચીન વસ્તુઓ વગેરે મળે તેની તેઓ નોંધ કરી લેતા. સિક્કાઓ ખરીદતા. મંદિરો, સ્તંભો વગેરેના ફોટોગ્રાફ્સ લેતા તથા જૂના લેખોની નકલ કરી લેતા. આ અભ્યાસ-પ્રવાસના ત્રૈમાસિક હેવાલો નવાબ ઉપર તેમણે લખી મોકલ્યા. તેમાંથી કેટલાક હરિલાલ માધવજી ભટ્ટે ‘પુરાતત્વ’ સામયિકમાં પ્રગટ કર્યા છે. નેપાળમાં એમણે ઘણાં હસ્તલિખિત પુસ્તકોનો અભ્યાસ કર્યો. નેપાળનો ઇતિહાસ, લોકોનાં રીતરિવાજો, રહેણીકરણી વગેરેની નોંધો તેમણે લખી હતી. ડૉ. બુહલર જેવા જર્મન વિદ્વાન ભગવાનલાલના ગુજરાતી લેખોનો અંગ્રેજીમાં અનુવાદ કરી આપતા. ડૉ. કૉર્ડિન્ગ્ટન, બર્જેસ, પીટરસન અને કુન્હા જેવા પુરાતત્વવિદોને એમની વિદ્વત્તા તથા વિવેકબુદ્ધિ માટે આદર હતો. 1874 પછી, મુંબઈમાં સ્થિર થઈ, પોતે એકત્ર કરેલ માહિતી, વસ્તુઓ, નકલોની નોંધો વગેરે વ્યવસ્થિત કરી એને પ્રગટ કરવાની પ્રવૃત્તિ એમણે કરી. તેથી એમની શોધખોળોનાં પરિણામો પ્રસિદ્ધ થયાં. એમની વિદ્વત્તાની ભારતમાં અને વિદેશોમાં પ્રશંસા થઈ. રૉયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાએ 1877માં તેમને માનાર્હ સભ્ય બનાવ્યા. મુંબઈ સરકારે 1882માં તેમને મુંબઈ યુનિવર્સિટીમાં ફેલો નીમ્યા. હેગની રૉયલ ઇન્સ્ટિટ્યૂટે 1883માં તેમને ફૉરેન મેમ્બર બનાવ્યા. લંડન યુનિવર્સિટીએ 1884માં તેમને ‘ડૉક્ટર ઑવ્ લિટરેચર’ની ઉપાધિ આપી. બ્રિટિશ રૉયલ એશિયાટિક સોસાયટીએ પણ તેમને આજીવન સભ્યપદ આપ્યું. આખી દુનિયાના શ્રેષ્ઠ ઇતિહાસ-સંશોધકોની હારમાં દીપી ઊઠે એવા પંડિત ભગવાનલાલ માટે ગુજરાત ગૌરવ લઈ શકે છે.

દુષ્યંત કિશોરકાન્ત શુક્લ