ભગવાનદાસ, ડૉ. (જ. 12 જાન્યુઆરી 1869, વારાણસી; અ. 18 સપ્ટેમ્બર 1958, વારાણસી) : આધુનિક ભારતના અગ્રણી તત્વચિંતક, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન, સમાજસેવક અને સ્વાતંત્ર્યસેનાની. સમગ્ર શિક્ષણ વતન વારાણસી ખાતે. તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. તથા એમ.એ.ની પદવીઓ પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કર્યા પછી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટી કલેક્ટરના પદ પર વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમને સરકારી નોકરી કરતાં ધર્મ તથા તત્વચિંતનના બૌદ્ધિક ખેડાણમાં વધારે રસ હતો. સમયાંતરે થિયૉસૉફિસ્ટ અને જાણીતા દાર્શનિક ઍની બેસંટ(1847–1933)ના પ્રભાવ હેઠળ આવ્યા અને જીવનનું ધ્યેય જ બદલાયું. તેમના માર્ગદર્શન હેઠળ બનારસ ખાતે સેન્ટ્રલ હિંદુ કૉલેજની સ્થાપના કરી. સમય જતાં પંડિત મદનમોહન માલવિયજીના સઘન પ્રયાસોથી આ જ સેન્ટ્રલ હિંદુ કૉલેજનું બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રૂપાંતર થયું. ત્યાર બાદ ડૉ. ભગવાનદાસે રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના રૂપમાં કાશી વિદ્યાપીઠની સ્થાપના કરી અને તેના વડા તરીકે વર્ષો સુધી તેનું સંચાલન કર્યું.

ડૉ. ભગવાનદાસ

ડૉ. ભગવાનદાસ ફિલૉસૉફર અને કેળવણીકાર હોવા ઉપરાંત સમાજસેવક પણ હતા અને તેની રૂએ તેઓ અવિભાજ્ય ભારતની સેન્ટ્રલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીના સક્રિય સદસ્ય હતા. સાથોસાથ તેઓ હિંદુસ્તાની કલ્ચર સોસાયટી સાથે પણ સંબદ્ધ રહ્યા. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક સામાજિક અને રાજકીય સંમેલનોનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું. આઝાદી પૂર્વે ભારતમાં અવારનવાર કોમી હુલ્લડો થતાં જેના પર કાબૂ મેળવવા માટે અને દેશમાં કોમી એખલાસ સ્થાપવા માટે સરકારી રાહે જે રાષ્ટ્રીય સમિતિની સ્થાપના કરવામાં આવતી તેના પ્રમુખપદે તેમની વરણી થતી. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો અને તે માટે અવારનવાર કારાવાસ પણ ભોગવ્યો હતો.

સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હોવાને નાતે તેમણે હિંદી ભાષાનું વ્યાપક ખેડાણ કર્યું અને તેને સમૃદ્ધ કરવા માટે ઘણા નવા શબ્દો તે ભાષામાં ઉમેર્યા. તેમણે સંસ્કૃત અને હિંદીમાં લગભગ ત્રીસ જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમાંનાં મોટા ભાગનાં પુસ્તકો ભારતીય તત્ત્વચિંતન અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિને લગતાં છે. ઉપરાંત, તેમનાં કેટલાંક પુસ્તકો મનોવિજ્ઞાન અને સમાજવાદી વિચારસરણી પર પણ લખાયેલાં છે. આ હકીકત બતાવે છે કે તેઓ ભારતના જાહેર જીવનના અગ્રણી હોવા ઉપરાંત બહુમુખી વિદ્વત્તા ધરાવતા જ્ઞાનોપાસક પણ હતા. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને જ્ઞાનના સમન્વયમાં તેમને અતૂટ શ્રદ્ધા હતી.

સ્વાતંત્ર્યોત્તર કાળમાં ભારત સરકાર દ્વારા દેશના અગ્રણી વિદ્વાનો અને સમાજસેવકોની કદર અને સન્માન કરવાના હેતુથી જે ‘પદ્મ’ ઍવૉર્ડ્ઝ દાખલ કરવામાં આવ્યા છે તેની સર્વપ્રથમ યાદીમાં ‘ભારતરત્ન’ના ઍવૉર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. 1956માં દેશનાં રાજ્યોની ભૌગોલિક અને ભાષાકીય પુનર્રચના કરવામાં આવી. તેની યોજના હેઠળ દ્વિભાષી મુંબઈ રાજ્યની સ્થાપના થતાં તેના સર્વપ્રથમ રાજ્યપાલ તરીકે શ્રીપ્રકાશની વરણી થઈ હતી, જે ડૉ. ભગવાનદાસના પુત્ર હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે