ભગત, નિરંજન નરહરિ (જ. 18 મે 1926, અમદાવાદ; અ. 1 ફેબ્રુઆરી 2018) :  ગુજરાતી કવિ અને વિવેચક. અર્વાચીન ગુજરાતી કવિતામાં સુન્દરમ્  ઉમાશંકરની કવિ પેઢી પછીના 2 અગ્રણી કવિઓ તે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. પિતા નરહરિ અમદાવાદની લાલભાઈ દલપતભાઈની પેઢીમાં. માતા મેનાંબહેન. મોસાળમાં ઉછેર. અરુણ અને અજિત બે ભાઈ. અજિતનું ભરયુવાન વયે મીની આપૉલીસ, અમેરિકામાં અવસાન. ‘અજિત ભગત મેમોરિયલ ટ્રસ્ટ’ના સ્થાપક અને ટ્રસ્ટી. અમદાવાદની મ્યુનિસિપલ શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈને પ્રોપ્રાયટરી (હાલની દીવાન બલ્લુભાઈ) અને પછી નવચેતન હાઇસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે અમદાવાદની એલ. ડી. આર્ટ્સ અને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી મેળવી હતી. 1942ની સ્વાતંત્ર્ય-ચળવળમાં ભાગ લઈ થોડો સમય અભ્યાસ છોડીને પોલીસની લાઠીનો પણ અનુભવ કરેલો. શાળામાં બીજી ભાષા તરીકે ફ્રેન્ચનો અભ્યાસ કરેલો અને બંગાળી ભાષા પણ શીખ્યા હતા. વિવિધ કૉલેજોમાં અંગ્રેજી સાહિત્યના અધ્યાપક તરીકે અધ્યાપન કરીને છેલ્લે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે 1986માં નિવૃત્ત થયા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે 2 વર્ષ સુધી સક્રિય રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદ અને અન્ય સંસ્થાઓના ઉપક્રમે મુખ્યત્વે અમદાવાદમાં ગુજરાતી, ફ્રેન્ચ તથા અંગ્રેજી કવિતા વિશે છેલ્લા પાંચેક દાયકાથી તેઓ નિયમિત વ્યાખ્યાનો આપતા રહ્યા છે. તેઓ હાડે શિક્ષક – અધ્યાપક, ઉત્તમ વક્તા અને વિશ્વસાહિત્યના ઊંડા અભ્યાસી છે. સ્વચ્છ વિચારક, સભાન નાગરિક અને સ્પષ્ટવક્તા છે.

1942માં એમની સર્જનપ્રવૃત્તિનો આરંભ થયો. 1949માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘છંદોલય’ નાગરી-ગુજરાતી લિપિમાં પ્રકાશિત થયો અને ગુજરાતી કવિતામાં એક નવા જ વળાંકનાં દર્શન થયાં. એ જ વર્ષે એમને ‘કુમાર’ ચન્દ્રક મળ્યો. એ પછી 1950માં ગીતસંગ્રહ ‘કિન્નરી’, 1954માં ‘અલ્પવિરામ’, અને 1957માં ઉપર્યુક્ત 3 કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલાં અને મુંબઈ મહાનગરના વસવાટ અને અનુભવે લખાયેલાં નગરસંસ્કૃતિની આધુનિક કવિતાનાં ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો સમેતનો સંગ્રહ ‘છંદોલય’ પ્રગટ થયો અને નર્મદ સાહિત્ય સભાએ એને ‘નર્મદ ચન્દ્રક’થી પુરસ્કાર્યો. એ પછી લખાયેલાં થોડાંક કાવ્યો સહિત એમની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘છંદોલય (બૃહત્)’ 1974માં અને એની બીજી આવૃત્તિ 1997માં સુલભ થઈ છે. નિરંજનના સમગ્ર સર્જનને કેન્દ્રમાં રાખીને 1969નો પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચન્દ્રક એમને એનાયત થયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીએ એમનું 1994માં મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે સન્માન કર્યું હતું. એમનું કાવ્યસર્જન મુખ્યત્વે પાંચમા – છઠ્ઠા દાયકામાં થયું છે અને પછી એ લગભગ અટકી ગયું છે.

નિરંજન નરહરિ ભગત

નિરંજનનાં આરંભનાં એટલે કે સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ પૂર્વેનાં કાવ્યોમાં એમની સ્વપ્નિલ મુગ્ધતા અને રંગરાગિતાનો અનુભવ થાય છે. પ્રણય અને વિરહના ભાવોને, પ્રેમ સાથે જોડાયેલા કારુણ્યના ભાવોને એમણે ઉત્કટ અને કલામય રીતે નિરૂપ્યા છે. મુક્તક, સૉનેટ તેમજ ગીત જેવા ઊર્મિકાવ્યના પ્રકારમાં એમનો રંગદર્શી મિજાજ આરંભમાં સબળ રીતે પ્રગટ થયો છે અને એમાં કાન્ત, ન્હાનાલાલ, ટાગોર જેવા પૂર્વસૂરિઓના પડઘા ક્યાંક ક્યાંક સંભળાય છે. એ પછીનાં કાવ્યોમાં એમની સુઘડ અને સ્વચ્છ કાવ્યબાની અને નિરૂપણરીતિનું નાવીન્ય તરત જ ધ્યાન ખેંચી રહે છે. કવિની સબળ પ્રાસરચના એમનાં કાવ્યોને સુંદર ર્દઢબંધ આપે છે અને એમના કલા-કસબથી કાવ્યની સમગ્ર ઇબારત સુશ્લિષ્ટ રૂપ પામે છે. દેશના ભાગલા પછી ભારતમાં જે કંઈ ઘટનાઓ બની એના સંવેદનને વાચા આપતા ‘સંસ્મૃતિ’ કાવ્યથી એમની કવિતાના જુદા જ મિજાજનું અને સાથે નવા જ વળાંકનું દર્શન થાય છે. મુક્તિ-દિને પોતાની અને સમષ્ટિની વ્યથાને કવિએ ઝૂલણા છંદના ખંડવિભાજિત પરંપરિત રૂપમાં પ્રભાવક રીતે વ્યક્ત કરી છે. ઝૂલણાનો પંચકલ દાલદા સંધિ એમની વેદનાને સતત દબાવીને ઉપસાવતો રહે છે અને એની ધ્રુવકડી જેવા પંક્તિસંપુટથી કવિની ચિત્તસ્થિતિની છિન્નતાને પ્રગટ કરતો રહે છે. લયઇબારત જાળવીને, ઝૂલણાના સંધિઓ એમના કથનને ધાર કાઢી આપે છે. તેઓ ઝૂલણા અને પછીથી એ જ રીતે હરિગીત છંદને બોલચાલની લઢણમાં ઢાળીને કાવ્યભાષાને નવો જ વળોટ આપે છે. માત્રિક છંદોમાં બોલચાલનો લય અને ગદ્યના વિવિધ મરોડો લાવીને એમને પૂરી લવચીકતાથી પ્રયોજીને નિરંજને આ છંદોની કાયાપલટ કરી એ ગુજરાતી કવિતામાં અ-પૂર્વ છે.

નિરંજનની કવિતાનું ઉત્તમ રૂપ મુંબઈના નગરજીવનનાં ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોમાં જોવા મળે છે. મુંબઈના વસવાટે અને અનુભવે મુંબઈ નગરી નગરસંસ્કૃતિના પ્રતીક રૂપે એમનાં કાવ્યોમાં આવે છે અને એને ‘આધુનિક અરણ્ય’ તરીકે ઓળખાવીને આધુનિક મનુષ્યની વેદના અને કરુણતાને, સંવેદના અને કરુણા સાથે કવિ પ્રગટ કરે છે. નગરસંસ્કૃતિના પ્રત્યક્ષ અનુભવ સાથે એલિયટ, બોદલેર અને રિલ્કેની કવિતાનો ઘનિષ્ઠ પરિચય કવિને સહાયભૂત થયો છે. યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિમાં જીવતા મનુષ્યની જીવનરીતિમાં જોવા મળતી કરુણતા એમની રચનાઓમાં કાવ્યરૂપ પામી છે. ‘પાત્રો’માં કવિ, આંધળો, ફેરિયો, પતિયો, ભિખારી, વેશ્યા જેવાં પાત્રોની એકોક્તિઓ દ્વારા નગરજીવનની એ કરુણતા વ્યંગ્ય, કટાક્ષ, વક્રોકિત રૂપે, બોલચાલની લઢણોમાં, નાટ્યાત્મકતાથી હરિગીતના પ્રવાહી રૂપમાં પ્રગટ થઈ છે. એમની કવિતાના કીર્તિકળશ જેવી રચના ‘ગાયત્રી’માં વૈદિક પરંપરાના આર્ષ છંદ અનુષ્ટુપની નવી જ ઇબારતનાં દર્શન થાય છે. એમાં આધુનિક મનુષ્યના આંતર-જીવનમાં – ચિત્તમાં દ્વિદલ વ્યક્તિત્વમાં જે સંઘર્ષ છે એનું નિરૂપણ કરીને કવિ આધુનિક નગરના આધુનિક મનુષ્ય માટે પ્રાર્થે છે.

આ કવિએ ‘હરિવર મુજને હરી ગયો’, ‘ઘડીક સંગ’, ‘આષાઢ આયો’ જેવાં રમણીય ગીતો; ‘શ્વેત શ્વેત’ જેવાં છાંદસ ગીતો; ‘કરોળિયો’, ‘મોર’ જેવાં સુશ્લિષ્ટ સૉનેટો; ‘પારેવાં’ જેવું કમનીય ઊર્મિકાવ્ય અને ‘હાથ મેળવીએ’ જેવાં કેટલાંક ચિરસ્મરણીય ઊર્મિકો પણ આપ્યાં છે. આરંભમાં ‘કાન્ત’ના ‘પૂર્વાલાપ’નું અને પછી ઠાકોરના ‘ભણકાર’ સંગ્રહનું સેવન એમના સર્જનઘડતરના પાયામાં રહેલું છે. એ પછી પાશ્ચાત્ય કવિતાના સંપર્કે અને નગરજીવનના અનુભવે એમની સર્જનયાત્રાને નવાં પરિમાણો પ્રાપ્ત થયાં છે.

કવિ ઉપરાંત નિરંજન બહુશ્રુત વિદ્વાન છે. એમણે 1953થી આરંભી અનેક સ્વાધ્યાયલેખો લખીને ગુજરાતી તેમજ અંગ્રેજી, યુરોપીય અને અમેરિકન કવિતાની વિદ્વત્તાપૂર્ણ સમીક્ષા કરી છે. એ સ્વાધ્યાયલેખો 1997માં એકસાથે 8 ગ્રંથોમાં ‘સ્વાધ્યાયલોક (ગ્રંથ 1થી 8)’ નામે પ્રકાશિત થયા છે. એમાં ‘કવિ અને યુગધર્મ કવિતાનું સંગીત’ ‘કવિતા કાનથી વાંચો’, ‘ગદ્યકાવ્યનું સ્વરૂપ’, ‘કલ્પનપ્રતીક-પુરાકલ્પન’ જેવા સિદ્ધાંત-વિવેચનના અભ્યાસપૂર્ણ લેખો છે (ગ્રંથ 1), મિલ્ટન, વર્ડ્ઝવર્થ, ટેનિસન, યેટ્સ, એલિયટ, સી. પી. સ્નો, વિક્ટર હ્યુગો જેવા અનેક અંગ્રેજી અને યુરોપીય કવિઓ અને સાહિત્યસર્જકો (ગ્રંથ 2–3) વ્હિટમૅન, રૉબર્ટ ફ્રૉસ્ટ, ઑડન જેવા અમેરિકન સાહિત્યસર્જકો (ગ્રં. 4), નરસિંહ-મીરાં-પ્રેમાનંદ-દયારામ જેવાં મધ્યકાલીન ગુજરાતી કવિઓ તથા બળવંતરાય, ન્હાનાલાલ, સુન્દરમ્ – ઉમાશંકર, રામનારાયણ, ચંદ્રવદન તથા રાજેન્દ્ર શાહ જેવા અર્વાચીન ગુજરાતી કવિઓના માર્મિક સ્વાધ્યાયલેખો એમણે લખ્યા છે. ઉપરાંત ‘સાગર અને શશી’, ‘આપની યાદી’ જેવાં કાવ્યોનાં આસ્વાદલક્ષી વિવેચનો, ‘હિંદસ્વરાજ’, ‘માસ્તર નંદનપ્રસાદ’ જેવી કેટલીક કૃતિઓની સમીક્ષાઓ (ગ્રં. 5–6–7) એમણે આપી છે. એમની વિવેચના જગતસાહિત્યના વિશાળ પટ સાથે અનુસંધાન ધરાવે છે અને વિવેચકનાં મૌલિક નિરીક્ષણોથી મૂલ્યવાન બને છે. સાહિત્યનાં સર્વકાલીન ઉચ્ચ ધોરણોનું એમાં પ્રવર્તન થતું અનુભવાય છે. એમના આ ‘સ્વાધ્યાયલોક’ના ગ્રંથને 1998નું સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક મળ્યું છે.

આ ઉપરાંત નિરંજને અનુવાદક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. બંગાળીમાંથી રવીન્દ્રનાથનાં કેટલાંક કાવ્યોનો તથા ’ચિત્રાંગદા‘નો પયાર છંદમાં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ‘સ્વપ્નવાસવદત્તા’નો એમનો અંગ્રેજી અનુવાદ અમેરિકાના રંગમંચ પર ભજવાયો હતો. નરસિંહ મહેતાનાં પચીસેક પદોને એમણે સુભગ અંગ્રેજીમાં અનૂદિત કર્યાં છે. બાઇબલમાંથી ‘ધ બુક ઑવ્ જૉબ’ને અને ‘સેંટ જૉન ઑવ્ ધ ક્રૉસ’નાં 8 કાવ્યોને ગુજરાતીમાં ‘અષ્ટપદી’ નામે અનૂદિત કર્યાં છે. કવિ ઑડનનાં કાવ્યોને પણ એમણે ગુજરાતીમાં અવતાર્યાં છે. ‘પ્રો. બ. ક. ઠાકોર : અધ્યયનગ્રંથ’; ‘સુન્દરમનાં : કેટલાંક કાવ્યો’ અને ‘મૃદુલા સારાભાઈ – પ્રથમ પ્રત્યાઘાત’ : ‘બાપુની બિહારયાત્રા’ જેવાં એમનાં કેટલાંક ઉપયોગી સંપાદનો પણ છે.

ચિમનલાલ ત્રિવેદી