ભગત, ધનરાજ (જ. 20 ડિસેમ્બર 1917, લાહોર) : ભારતના આધુનિક શૈલીના શિલ્પી. તેમણે લાહોરની મેયો સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પનો ડિપ્લોમાં મેળવ્યો હતો. આ જ કૉલેજમાં તેમણે થોડાં વરસ અધ્યાપન કર્યું. આ પછી તેઓ નવી દિલ્હીની કૉલેજ ઑવ્ આર્ટમાં શિલ્પકલાના પ્રાધ્યાપક નિમાયા. ત્યાં તે પછીથી શિલ્પવિભાગના અધ્યક્ષ પણ હતા. ત્યાંથી 1976માં નિવૃત્ત થયા. 1972થી ’75 લગી તેઓ દિલ્હીની કેન્દ્રીય લલિત કલા અકાદમીના સભ્ય તથા 1978માં ફેલો (રત્નસદસ્ય) તરીકે ચૂંટાયા. ફૉર્ડ ફાઉન્ડેશન અને રૉકફેલર ફાઉન્ડેશનની શિષ્યવૃત્તિઓ તેમને મળી હતી. 1951માં તેમણે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ કર્યો. 1950, ’52, ’54, ’56, ’58, ’63, ’66 અને ’72માં દિલ્હીમાં તથા 1967માં ચંડીગઢમાં તેમણે વૈયક્તિક પ્રદર્શન યોજેલાં. 1937, ’39 અને ’45માં તેમને પંજાબ ફાઇન આટ્ર્સ સોસાયટીનો એવૉર્ડ; 1947 અને ’49માં ‘આઇફેક્સ ઍવૉર્ડ; 1954માં નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટનો શિલ્પ-ઍવૉર્ડ તથા 1961માં નેટ ઍવૉર્ડ મળ્યા હતા.

દિલ્હીની ‘લલિત કલા અકાદમી’, દિલ્હીની ‘નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ’, ચંડીગઢનું ગવર્નમેન્ટ મ્યુઝિયમ તથા પંજાબ યુનિવર્સિટી મ્યુઝિયમ, પતિયાળાનું ‘પંજાબી યુનિવર્સિટી મ્યુઝિયમ’ તથા વડોદરાની બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરીમાં તેમનાં શિલ્પો કાયમી સંગ્રહમાં સ્થાન પામેલાં છે.

દિલ્હીવાસી શિલ્પીઓના સંગઠન ‘શિલ્પી ચક્ર’ની તેમણે 1949માં સ્થાપના કરેલી. પૅરિસમાં વડું મથક ધરાવતા ‘ઇન્ટરનૅશનલ એસોસિયેશન ઑવ્ પ્લાસ્ટિક આર્ટ્સ’ની સમિતિના પણ તે થોડાં વરસ સભ્ય હતા.

અમિતાભ મડિયા