બ્લિથ, ચૅય (જ. 1940) : બ્રિટનના નામી સઢનૌકાચાલક. 1970–71માં અતિવિકટ લેખાતો વિશ્વફરતો સઢનૌકા(yatch)નો પ્રવાસ એકલે હાથે ખેડનારા તેઓ સર્વપ્રથમ નૌકાચાલક હતા.

હૉવિક ખાતે શિક્ષણ લીધા બાદ, તેઓ રૉયલ આર્મીની પૅરેશૂટ રેજિમેન્ટમાં જોડાયા અને 1958થી 1967 દરમિયાન ત્યાં કામગીરી બજાવી. 1966માં જૉન રિજ્વે સાથે મળીને તેમણે પશ્ચિમથી પૂર્વ તરફના દરિયા-માર્ગે આટલાન્ટિકમાં નૌકાપ્રવાસ કર્યો. તે પછી તેમણે પશ્ચિમતરફી માર્ગે વિશ્વ ફરતી મહાસફર આદરી. 1973–74માં પૅરેશૂટ-ટુકડીની સહાય લઈ, ‘વાઇટબ્રેડ રાઉન્ડ ધ વર્લ્ડ યૉટ રેસ’ના વિજેતા બન્યા અને તેમાં પૂર્વ તરફથી પ્રારંભ કર્યો. સાગરપ્રવાસના તેમણે અનેક વિક્રમો સર કર્યા. બ્રિટિશ સ્ટીલ ચૅલેન્જ, રાઉન્ડ ધ વર્લ્ડ યૉટ રેસ(1973–’74)માં તેઓ અગ્રેસર રહ્યા અને તેમનો મૂળ પશ્ચિમતરફી નૌકાપ્રવાસ આરંભાયો.

મહેશ ચોકસી