બ્લન્ટ, ઍન્થની ફ્રેડરિક

January, 2001

બ્લન્ટ, ઍન્થની ફ્રેડરિક (જ. 1907, ડૉરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1983) : જાણીતા કલા-ઇતિહાસકાર અને રશિયાના જાસૂસ. તેઓ 1926માં કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં જોડાયા અને 1932માં ત્યાં જ તેઓ ફેલો તરીકે જોડાયા. એ ગાળામાં તેઓ ગાય બર્ગેસના પ્રભાવ હેઠળ આવ્યા. તેની પ્રેરણા હેઠળ, સામ્યવાદી કાર્યપ્રવૃત્તિમાં જોતરી શકાય તે પ્રકારની આશાસ્પદ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને શોધી તેમનાં નામકામ બર્ગેસને પૂરાં પાડવાના કાર્યમાં તેઓ સક્રિય બન્યા.

‘બ્રિટિશ ઇન્ટેલિજન્સ’માંની તેમની યુદ્ધકાલીન કામગીરી દરમિયાન તેઓ રશિયન સરકારને મહત્વની બાતમી પૂરી પાડતા રહ્યા. 1964માં ફિલ્બીના નાસી છૂટ્યા પછી, કાયદેસર કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવે એ શરતે, બ્લન્ટે પોતાની તમામ કામગીરીની કબૂલાત કરી દીધી.

તેઓ રાણીના ખાનગી ચિત્રસંગ્રહના સર્વેયર તરીકે કાર્યમાં જોડાયા અને 1945થી 1972 સુધી એ હોદ્દા પર ચાલુ રહ્યા. તેમના સંપૂર્ણ જાસૂસી કામની છેક 1979માં જાણ થઈ શકી હતી.

તેઓ કલા-ઇતિહાસના વિદ્વાન હતા અને 1947થી 1974 દરમિયાન ‘કાર્ટોલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ’ના ડિરેક્ટર તરીકે ઉચ્ચ જવાબદારીભર્યો હોદ્દો સંભાળ્યો હતો. તેમને 1956માં અપાયેલો ‘સર’નો ખિતાબ 1979માં પાછો લઈ લેવામાં આવ્યો હતો.

મહેશ ચોકસી