બ્લડસ્ટોન : સિલિકા(SiO2)નું બંધારણ ધરાવતા કૅલ્સિડોની ખનિજનો ઘેરો-લીલો રંગ ધરાવતો પ્રકાર. તે હેલિયોટ્રોપ નામથી પણ ઓળખાય છે. ઘેરો લીલો રંગ ધરાવતા કૅલ્સિડોની ખનિજના દળમાં તેજસ્વી લાલ જાસ્પરના ગઠ્ઠા રહેલા હોય છે. તેમને ઘસીને, ચમક આપીને સુંદર બનાવવામાં આવે ત્યારે ઘેરી લીલી પાર્શ્વભૂમાં વચ્ચે વચ્ચે લોહી જેવાં રાતાં ટપકાંનો દેખાવ રજૂ કરે છે. આ કારણે તેને બ્લડસ્ટોન (રક્તપાષાણ) નામ અપાયું છે. મધ્યયુગી ઇતિહાસકાળ દરમિયાન આ બ્લડસ્ટોનનું ઘણું ઊંચું મૂલ્ય અંકાતું હતું અને શહીદોનાં શિલ્પો બનાવવામાં તેનો ઉપયોગ થતો હતો. ક્રમે ક્રમે આ પાષાણની કિંમત અને મહત્વ ઘટતાં ગયાં છે તે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મળી આવે છે. તેના બધા જ ભૌતિક ગુણધર્મો ક્વાર્ટ્ઝ ખનિજને મળતા આવે છે.

ગિરીશભાઈ પંડ્યા