બ્લડ વેડિંગ : સ્પૅનિશ કવિ નાટ્યકાર ફ્રેડરિકો ગાર્સિયા લોર્કા(1898થી 1936)ની 3 યશસ્વી કરુણાંતિકાઓમાંની એક. ‘બ્લડ વેડિંગ’ વારસાગત વૈર અને હત્યાના રક્તબીજના ઉદ્રેકની તેમ મૃત્યુનેય ન ગણકારી લોહીમાંથી ઊઠતા જીવનઝંખનાના અદમ્ય પોકારને વશ વર્તતા વિદ્રોહી પ્રેમની કથા છે. આ પરંપરાગત જીવનશૈલીની ભૂમિકા પર રચાયેલી કુટુંબની મોટાઈ અને પ્રણયતલસાટ વચ્ચેની, પ્રેમ અને વેરના સામસામા રક્તોન્મેષોની તાણથી તંગ કરુણાંતિકા છે. ઉત્સવ અને ઉઠમણા જેવા પ્રાસંગિક પરંપરાગત ઉધામાઓના નિરૂપણને કારણે તખ્તાપરક નાટ્યત્વ પામે છે તો કાવ્યમય અને સંગીતમય ઊર્મિસભર સંવાદો અને કલ્પનાત્મક-રૂપકાત્મક અંશોને કારણે કાવ્યત્વ પામે છે. પરિણામે માત્ર અતિપ્રચલિત, મધ્યકાલીન કથાકાવ્યમાં મળતું વસ્તુ ‘બ્લડ વેડિંગ’માં અપૂર્વ નાટ્યરૂપ ધારણ કરે છે.

કથા તો લગ્ન કરીને તુરત જ આંગણામાં જામેલા લગ્નોત્સવને રમતો રાખી, પરણ્યાને પડતો મૂકી, પરણીને પિતાય બની ચૂકેલા નાનપણના પ્રેમી સાથે ભાગી જતી કન્યાની ને અંતે રક્તપાતમાં પરિણમતી વૈરઝંખનાની જ છે. જે એક પાત્રને નામ આપવામાં આવ્યું છે તે લિયોનાર્દો પરણી ગયેલો હોવા છતાં, ‘કન્યા’ પોતાના એ નાનપણના પ્રેમીને, એના વ્યક્તિત્વથી પોતાના લોહીમાં ઊઠતા અદમ્ય પોકારને તરછોડી શકતી નથી. સામે પક્ષે, તેના પિતાએ જે મુરતિયો તેના માટે પસંદ કર્યો છે તેની માતાના હૃદયમાં, એ જ લિયોનાર્દોના કુટુંબે કરેલી તેના પતિ-પુત્રની હત્યા, સતત છરાની જેમ ભોંકાયા કરે છે. છેવટે કન્યા અને મુરતિયાનાં લગ્ન તો થાય છે, પણ હજી તો લગ્નોત્સવની ઉજવણી પરંપરાગત રીતે ચાલુ હોય છે ત્યાં જ કન્યા લિયોનાર્દો સાથે ભાગી જાય છે. ઉત્સવમાં કન્યાની ગેરહાજરી વરતાતાં તેની શોધાશોધ થતાં, આ હકીકત લિયોનાર્દોની ઈર્ષ્યાગ્રસ્ત પત્ની જ ખુલ્લી પાડે છે. મુરતિયાની માના હૃદયમાં રહેલાં વેદના અને વૈર ભભૂકી ઊઠે છે. દીકરાના જાનનું જોખમ છે તે જોવા છતાં તે પુત્રને, કુટુંબગૌરવની રક્ષા ખાતર પત્નીને પાછી લાવવા સાથીઓ સાથે પીછો કરવા ઉશ્કેરે છે. અંતે, નાસતું યુગલ જંગલમાં પકડાઈ જતાં જે થાય છે તે લેખકે રંગભૂમિ પર દર્શાવ્યું નથી. માત્ર બે મરણપોકારો – ચીસો સંભળાય છે – એક લિયોનાર્દોની અને બીજી મુરતિયાની ! પરંતુ છેલ્લા ર્દશ્યમાં મુકાયેલી આવેશયુક્ત, નાટ્યાત્મક પણ કાવ્યમય એવી કન્યાની ઉક્તિ અને તે પછીની માતાની ઉક્તિઓ નાટકને માત્ર રક્તપાતની કૃતિ રહેવા ન દેતાં તેને ઊંચા સ્તરે લઈ જાય છે. નાટકમાં કોરસના જેવું કામ કરતા ગીતયુક્ત સંવાદો, લિયાનાર્દોના બાળકને રમાડતાં ગવાતું ગીત, કૃષિકન્યાઓનો પ્રવેશ, ઉપરાંત વસ્તુની વાસ્તવિકતાને કપોલકલ્પિત સાથે ભેળવી નવું જ વાતાવરણ સર્જતી, ચન્દ્ર અને મૃત્યુની વ્યક્તિઓ તરીકે રજૂઆત – અને અનોખો કાવ્યાસ્વાદ ઉમેરતું, મૃત્યુને ભિક્ષુક સ્ત્રી તરીકે રજૂ કરતું રૂપકાત્મક નિરૂપણ, ઉપરાંત આરંભથી અવારનવાર આવ્યા કરતા ‘છરા’ના વિવિધ સંદર્ભમાં ઉલ્લેખ વગેરે તત્વો નાટકને, સામાન્ય પરંપરાપરિચિત કથામાંથી, લૉર્કાના માનવજીવનના દર્શનને સંવેદનાસભર સર્જનાત્મક કરુણાંતિકા બનાવવામાં સહાયક નીવડે છે.

નાટક પૂરું કર્યા પછી ચિત્તમાં કન્યા અને માતાના ઉદગારો પડઘાતાં તે સંદર્ભમાં સમગ્ર ઘટના જાણે નવો અર્થ – નવો મર્મ પ્રગટ કરતી લાગે છે અને ત્યારે લૉર્કાએ નાટકના આપેલા મૂળ નામ કરતાં પછી અપાયેલં મથાળું ‘Blood Wedding’ (1947–1949) વધુ અર્થસૂચક લાગે છે; કારણ કે એમાંથી અનેક ધ્વનિઓ પ્રગટતા જણાય છે.

વિનોદ અધ્વર્યુ