બ્રૅડબરી, રે (ડગ્લાસ)

January, 2001

બ્રૅડબરી, રે (ડગ્લાસ) (જ. 22 ઑગસ્ટ 1920, વૉકગન, ઇલિનૉઇસ, અમેરિકા) : વૈજ્ઞાનિક કથાઓના અમેરિકન લેખક. તેમણે અતીતની ઝંખનાને લગતી વાતો, કાવ્યો, રેડિયો-નાટક તથા ટેલિવિઝન તેમજ ચલચિત્રો માટેની પટકથાઓ લખી છે. તેમની રચનાઓમાં માનવ-સ્વભાવમાં રહેલા વિક્ષિપ્તતા, હાસ્યાસ્પદતા તથા વેવલાપણાનાં તત્ત્વો આલેખવાની તેમની નિપુણતા જણાઈ આવે છે.

રે (ડગ્લાસ) બ્રેડબરી

તેમણે તેમની પ્રથમ વાર્તા 1940માં પ્રગટ કરી અને ત્યારપછી તુરત જ સામયિકોમાં પુષ્કળ લખાણો મોકલતા થયા. તેમની કેટલીય વાર્તાઓ ઇનામ-વિજેતા નીવડી છે અને 700 ઉપરાંત કથાઓ પ્રગટ થઈ ચૂકી છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ડાર્ક કાર્નિવલ’ 1947માં પ્રગટ થયો. તેના પગલે પ્રગટ થયેલા અન્ય સંગ્રહોમાં ઉલ્લેખનીય છે તે ‘ધ માર્શિયન ક્રૉનિકલ્સ’ (1950; ચલચિત્ર, 1966; ટેલિવિઝન લઘુશ્રેણી, 1980) વિજ્ઞાનવિષયક કથાસાહિત્યમાં ઉત્તમ રચના લેખાઈ છે. ત્યારપછી ‘ધી ઇલસ્ટ્રેટેડ મૅન’ (1951) તથા ‘ફેરનહીટ 451’ (1953) આ બંને કથા પરથી પાછળથી ચલચિત્રોની પટકથા તૈયાર કરાઈ હતી. 1953માં ‘ધ ગોલ્ડન ઍપલ્સ ઑવ્ ધ સન’ 1955માં ‘ઑક્ટોબર કન્ટ્રી’, 1957માં ‘ડૅન્ડૅલિયન વાઇન’, 1959માં ‘એ મેડિસિન ફૉર મેલન્કલી’, 1962માં ‘આર ઇઝ રૉકેટ’ તથા ‘સમથિંગ વિકેડ ધિસ વે કમ્સ’ અને 1969માં ‘આઇ સિંગ ધ બૉડી ઇલેક્ટ્રિક’ પ્રગટ થયા. તેમણે પુષ્કળ બાળવાર્તાઓ, નાટકો તથા (જૉન હસ્ટનના સહયોગમાં ‘મૉબી ડિક’ સહિત) ચલચિત્ર-પટકથાઓ લખ્યાં છે. તેમણે ‘વ્હેન એલીફન્ટસ લાસ્ટ ઇન ધ ડોરયાર્ડ ‘બ્લુમ્ડ’ (1973) અને’ વ્હેર રૉબૉટ મેન ઍન્ડ રૉબોટ વિમેન રન રાઉંડ ઇન રોબૉટ ટાઉન્સ (1977) જેવાં કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે.

મહેશ ચોકસી