બ્રિટિશ લાઇબ્રેરી

January, 2001

બ્રિટિશ લાઇબ્રેરી : વિશ્વનાં ગ્રંથાલયોમાં નોંધપાત્ર ગણાતું બ્રિટનનું ગ્રંથાલય. બ્રિટિશ લાઇબ્રેરી ઍક્ટ (1972) અનુસાર 1 જુલાઈ 1973થી બ્રિટિશ મ્યુઝિયમ અને બ્રિટિશ લાઇબ્રેરી એમ બે ભિન્ન સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. 1973માં બ્રિટિશ લાઇબ્રેરીની સ્થાપના થઈ; જેને કારણે યુ.કે.માં રાષ્ટ્રીય ગ્રંથાલય તેમજ ગ્રંથાલય અને માહિતીનું માળખું રચાયું. બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહ સાથે નૅશનલ રેફરન્સ લાઇબ્રેરી ઑવ્ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી અને બ્રિટિશ નૅશનલ બિબ્લિયૉગ્રાફીનું એકીકરણ કરીને બ્રિટિશ લાઇબ્રેરી એવું નામ આપવામાં આવ્યું. આ સંસ્થાઓની સઘળી વ્યવસ્થા અને દેખરેખનું કાર્ય બ્રિટિશ લાઇબ્રેરી બોર્ડને સુપરત કરવામાં આવ્યું. એમાં આ વિભાગો શરૂ થયા : (1) વહીવટી કાર્યાલય, નાણાં, વેચાણ, મુદ્રણાલય, જાહેર સંપર્ક વિભાગ અને કેન્દ્રીય વહીવટી વિભાગો અસ્તિત્વમાં આવ્યા. (2) માનવીય વિદ્યાઓ અને સામાજિક વિદ્યાક્ષેત્રે સંગ્રહ વિકાસની જવાબદારી સ્વીકારવામાં આવી. વિશિષ્ટ સંગ્રહ વિભાગ (નકશાઓ, પાશ્ચાત્ય હસ્તલિખિત સંગ્રહ, સંગીતરચનાઓ, ટપાલટિકિટ વિભાગ આદિ), નૅશનલ સાઉન્ડ આર્કાઇવ્ઝ, સાર્વજનિક સેવા વિભાગ, વાચનાલય, પ્રકાશન વિભાગ અને સમાજવિદ્યાક્ષેત્રની સેવાઓ, લાઇબ્રેરી ઍસોસિયેશન, ન્યૂઝપેપર લાઇબ્રેરી, પ્રદર્શન અને પ્રશિક્ષણ વિભાગ આયોજન અને વહીવટી વિભાગ અને સંરક્ષણ સેવા વિભાગ ઇત્યાદિનો પ્રારંભ થયો.

(3) વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી (technology) અને ઉદ્યોગક્ષેત્રે – જૂના સમયના લૅન્ડિંગ સેક્શનના સ્થાને સાયન્સ રેફરન્સ ઍન્ડ ઇન્ફર્મેશન સર્વિસ, બિઝનેસ ઇન્ફર્મેશન સર્વિસ અને ડૉક્યુમેન્ટ સપ્લાય સેન્ટરનું ગઠન કરવામાં આવ્યું છે. (4) સંશોધન અને વિકાસ કાર્યક્રમોનો વિભાગ આરંભાયો. (5) વાઙ્મયસૂચિ સેવા વિભાગ સાથે સ્વયંસંચાલિત સેવાઓનો વિભાગ, રેકર્ડ ક્રિયેશન યુનિટ સાથે કૉપીરાઇટ ઍક્ટ હેઠળના ગ્રંથપ્રાપ્તિકાર્યની, કૅટલૉગિંગ ઇન પબ્લિકેશન પ્રોગ્રામની તથા યુ. કે. નૅશનલ સીરિયલ્સ ડેટા સેન્ટરની કામગીરીને સામેલ કરી.

(6) પ્રકાશન-વેચાણ એકમ : ઉપર્યુક્ત તમામ વિભાગોનો ખર્ચ સરકાર અનુદાન રૂપે આપે છે. બ્રિટિશ લાઇબ્રેરી માટે સરકારે વર્ષ 1998–99માં 80.450 લાખ પાઉન્ડ અનુદાન રૂપે આપ્યા હતા. બ્રિટિશ લાઇબ્રેરીમાં 18 લાખ વાચનસાહિત્ય-સામગ્રીના સંગ્રહમાં 1 લાખ કમ્પ્યૂટર ડિસ્ક તથા 55,000 કલાકની ધ્વનિ-અંકિત ટેપ છે.

અદ્યતન માહિતી-સેવાઓ : (1) ઇન્ટરનેટ અને માહિતી-સેવા : બ્રિટિશ લાઇબ્રેરીમાંથી યુ.કે.ના બધા જ ઉપભોક્તાઓ પોતાને જરૂરી માહિતી અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક ઇન્ટરનેટ દ્વારા મેળવી શકે છે. બ્રિટિશ લાઇબ્રેરી દ્વારા પૂરી પડાતી માહિતીસેવાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે :

બ્રિટિશ લાઇબ્રેરીના સંગ્રહનાં 9 લાખ પુસ્તકો વિશેની જાણકારી ગ્રંથાલયના ઑન-લાઇન કૅટલૉગ (ઓપેક 97) દ્વારા મેળવી શકાય છે.

પ્રલેખ-રવાનગી (ડૉક્યુમૅન્ટ સપ્લાય) / પૂર્તિ-સેવાને બ્રિટિશ લાઇબ્રેરીની વેબ-સેવાઓ સાથે સાંકળી લેવાયેલી છે.

વિશ્વભરનાં ગ્રંથાલયો, સંગ્રહાલયો અને કલાસંગ્રહો, સામયિકો જેવા સ્રોતોમાંથી ઉપયોગી માહિતી પ્રાપ્ત કરવાની સુવિધા અને સરળતા છે.

યુ. કે.માં ગમે ત્યાંથી ટેલિફોન આઇ.એસ.ડી. અને વી.90 56K PSTNનો સંપર્ક સપ્તાહના સાતેય દિવસ 24 કલાક માટે સાધી શકાય છે.

બિનધંધાદારી ઉપયોગ માટે બ્રિટિશ લાઇબ્રેરી ઇઝીનેટના સહયોગથી વેબ માટેની જગ્યા વિના મૂલ્યે પૂરી પાડે છે.

(2) વેબસાઇટ : બ્રિટિશ લાઇબ્રેરીએ વેબસાઇટનો પ્રારંભ ઈ. સ. 1995થી કરેલો છે. વેબસાઇટ દ્વારા આ લાઇબ્રેરીની સેવાઓ, સંગ્રહની વિશેષતાઓ અને પૅનક્રૉસ (St. Pancras) ખાતેના ગ્રંથાલયની માહિતી બ્રિટનવાસી ઉપરાંત વિશ્વભરમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાના કમ્પ્યૂટર દ્વારા મેળવી શકે છે. ગ્રંથાલયની આ વેબસાઇટ સંશોધનહેતુ માટેની માહિતીની માંગને પ્રાધાન્ય આપે છે.

1450થી અત્યાર સુધીનાં પ્રકાશિત સઘળાં પુસ્તકોની માહિતી ઓપેક 97 દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. વેબસાઇટ અને ઓપેક 97ના ઉપભોક્તાઓની સંખ્યા આશરે સાત લાખ જેટલી થવા જાય છે.

(3) સીડી રૉમ અને બ્રિટિશ નૅશનલ બિબ્લિયૉગ્રાફી (BNB) : બી.એન.બી.ને સી.ડી.રૉમ/વેબ પર કંડારી લેવામાં આવી છે. આ સહસ્રાબ્દીમાં બી.એન.બી.ને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેથી બ્રિટિશ પુસ્તકો વિશે અધિકૃત માહિતી ગ્રંથાલયોને આપી શકાય છે. રાષ્ટ્રનો પ્રકાશનનો રેકર્ડ વૈશ્વિક કક્ષાએ ઇન્ટરનેટ દ્વારા જાણી શકાય છે. આ સીડી રૉમની રચના અને વિકાસ એવી રીતે કરવામાં આવ્યાં છે કે તેમાં વિન્ડોઝ 95 અથવા વિન્ડોઝ 98 દ્વારા ઉપયોગ થઈ શકે છે.

(4) અધિકૃત નામ યાદી (Name Authority File) : ગ્રંથાલય- સૂચિમાં લેખકોનાં નામનાં મથાળાં બાંધવાની મોટી અને વિકટ સમસ્યા રહેલી છે. એક જ લેખકનાં એનાં વિવિધ નામનાં મથાળામાંથી ગ્રંથાલયસૂચિ તૈયાર કરવામાં આવે તો પુસ્તક-માહિતી-શોધ/જાણકારી નબળી પડે છે, જેથી કોઈ સમયે વાચકોને નિરાશ થવું પડે. આથી 7,77,500 લેખકનાં નામનાં મથાળાંની ઍંગલો-અમેરિકન નિયમ પ્રમાણે અધિકૃત ફાઇલ તૈયાર કરવામાં આવી છે, જેમાં 1997ના સુધીનાં લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસનાં 70,000 મથાળાંઓને પણ સમાવવામાં આવ્યાં છે. પ્રતિમાસ 5,000 નવાં મથાળાંઓ ઉમેરવામાં આવે છે.

(5) વાઙ્મય-સૂચિગત માહિતી-આદાન-પ્રદાન : વિશ્વમાં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં પુસ્તકોની વાઙ્મય-સૂચિગત માહિતીના આદાન-પ્રદાન માટે એમરિટેક અને બ્રિટિશ લાઇબ્રેરી વચ્ચે ચાર વર્ષ માટેના કરાર તાજા કરાવાયા છે, જેથી બી.એન.બી. અને લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ રેકર્ડનો ઉપયોગ ડાયનિક્સ પદ્ધતિના ઉપભોક્તાઓ ફક્ત 20 પેન્સના નજીવા દરથી કરી શકે છે.

(6) વીજાણુ-ગ્રંથાલય (eletronic library) : વીજાણુ-ગ્રંથાલયના યુગમાં ગ્રંથાલયના પરંપરાગત માહિતીસ્રોતો(પુસ્તકો, સામયિકો, ચોપાનિયાં, સમાચારપત્રો ઇત્યાદિ)નો સંગ્રહ અને ઉપયોગ બંધ નહિ થાય; પરંતુ કમ્પ્યૂટર-ટૅકનૉલૉજીના વિકાસના પરિણામે આ બધી વાચન-સામગ્રીના ઉપયોગની માહિતીપ્રાપ્તિમાં સરળતા અને સવલતોમાં વધારો થશે.

(7) વિકાસ-કાર્યક્રમો : બ્રિટિશ લાઇબ્રેરીનો ઉપયોગ કરવા માટેના વિવિધ વિકાસ-કાર્યક્રમો એક્સેસ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નં. 1, 2, 3 હાથ ધરવામાં આવ્યા છે, જેમાં બ્રિટિશ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહની સૂચિગત માહિતી કમ્પ્યૂટર દ્વારા સીધેસીધી પ્રાપ્ત કરી શકાય છે અને આ યોજનાને બ્રિટિશ સિસ્ટમ ડૉક્યુમેન્ટ સપ્લાય સાથે સાંકળી લીધેલ છે.

સમસ્ત વાઙ્મયસૂચિ પદ્ધતિ.

વેબ ઓપેક અને રિડિંગરૂમ ઓપેક.

બ્રિટિશ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહની માહિતી.

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ઉપયોગ દ્વારા ઉપભોક્તાઓ ગ્રંથાલય સિવાયનાં અન્ય ક્ષેત્રોમાંથી માહિતી ઉપલબ્ધ કરી શકશે. ઑન-લાઇન પબ્લિક ઍક્સેસ કૅટલૉગ, વર્લ્ડવાઇડ વેબ (WWW), ઇન્ટરનેટ દ્વારા માહિતી પૂરી પાડવાના કાર્યક્રમો બ્રિટિશ લાઇબ્રેરીએ અપનાવેલા છે.

ભારતમાં 13 નગરોમાં તેની શાખાઓ હાલ (2000) કામ કરે છે. શાખા શરૂ કરવા માટે મોટેભાગે જે તે રાજ્યના પાટનગરનું સ્થળ પસંદ કરવામાં આવે છે, જેમાં પુણે અપવાદ છે. બ્રિટિશ લાઇબ્રેરીના સભ્યોના બે પ્રકાર હોય છે : (1) વ્યક્તિગત સભ્ય, (2) સંસ્થાકીય સભ્ય.

કનુભાઈ શાહ

કિરીટ ભાવસાર