બ્રિટિશ મ્યુઝિયમ, લંડન

January, 2001

બ્રિટિશ મ્યુઝિયમ, લંડન (1753) : 248 વર્ષ જૂનું વિશ્વનું સૌપ્રથમ અને સૌથી વિશાળ સંગ્રહાલય. તે ગ્રેટ રસેલ સ્ટ્રીટમાં આવેલું છે. અહીં વિશ્વનાં  બીજાં સંગ્રહાલયોના મુકાબલે સૌથી વધુ મુલાકાતીઓ આવે છે. વર્ષે તેની સંખ્યા 50 લાખ જેટલી થાય છે. આ સંગ્રહાલય સમગ્ર વિશ્વનું પ્રતિનિધિ હોય એવું વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. સંગ્રહાલયમાં પ્રકાશનગૃહ અને ભોજનગૃહ છે. તેની સુરક્ષાવ્યવસ્થા પણ છે. ઉપરાંત તે સમાજસેવકો, વૈજ્ઞાનિકો, સફાઈ-કામદારો, શિક્ષકો, ઇજનેરો અને હિસાબનીસો વગેરેનો વિશાળ કાફલો ધરાવે છે. વિશાળ સંગ્રહ ધરાવતી આ સંસ્થા માટે સતત તેના સંગ્રહનો વિસ્તાર કરવાનું, તેની જાળવણી કરતાં રહી તેનો અભ્યાસ કરવાનું કાર્ય મુખ્ય છે.

સંગ્રહાલયના સ્થાપક સર હેન્સ સ્લૉન હતા. તેમણે આ વિશાળ સંગ્રહ એકલે હાથે એકઠો કર્યો હતો. તેમાં છોડ, અશ્મીઓ, ખનિજસંપત્તિ, પ્રાણીશાસ્ત્રીય શરીરરચના સંબંધી અને રોગનિદાનશાસ્ત્રને લગતા નમૂનાઓ, પ્રાચ્યવસ્તુઓ અને આધુનિક માનવનિર્મિત વસ્તુઓ, પ્રિન્ટો, રેખાંકનો, સિક્કાઓ, પુસ્તકો અને હસ્તપ્રતો – આ બધું મળીને લગભગ 80,000 જેટલી વસ્તુઓનો સંગ્રહ રાષ્ટ્રને આપવાનું 92 વર્ષીય સર હેન્સે 1753માં પોતાના વસિયતનામામાં જણાવેલું. સર હેન્સ સ્લૉનના સંગ્રહમાં સર રૉબર્ટ કોટનનો સંગ્રહ અને સર હાર્લે પુસ્તકાલય – આ ત્રણેય ભળતાં બ્રિટિશ મ્યુઝિયમના નામે 1757માં તેનો નવો અવતાર શરૂ થયો. ઈ. સ. 1757માં જ્યૉર્જ બીજાએ પોતાની રૉયલ લાઇબ્રેરી મ્યુઝિયમને ભેટમાં આપી. આ બધો સંગ્રહ, બ્લુમ્સબરી વિસ્તારના મૉન્ટેગ હાઉસમાં પ્રદર્શિત કરેલો છે. સંગ્રહનો ઉત્તરોત્તર વિસ્તાર થતાં મકાનનો વિસ્તાર કરવાનું અનિવાર્ય લાગ્યું. 1847માં મૂળ મકાનનો વિસ્તાર કરવાનું કામ શરૂ થયું. જમીનથી ઠીક ઠીક ઊંચાઈએ આવેલી પરસાળો અને વિશાળ પ્રદર્શનખંડો સંગ્રહાલયની ભવ્ય સ્થાપત્યકલાનો અનુભવ કરાવે છે. 1807માં સંગ્રહનું વિષયવાર વિભાજન કરવામાં આવ્યું. પ્રિન્ટો અને ડ્રૉઇંગ ડિપાર્ટમેન્ટ 1836માં રચાયાં. 1881માં નૅચરલ હિસ્ટરી વિભાગના સંગ્રહને દક્ષિણ કેન્સિંગ્ટન ખાતે પ્રદર્શિત કરવામાં  આવ્યો. ઓગણીસમી અને વીસમી સદીના પ્રથમ દસકા દરમિયાન વિશ્વના અભ્યાસુ અને સંશોધકો દ્વારા થયેલ ઉત્ખનન-સંશોધનના કારણે આ સંગ્રહમાં અનેકગણું ઉમેરણ કરવામાં આવ્યું. 1938માં ઍલ્ગિન મારબલ અને ટોવનલીનાં મોટાં શિલ્પો માટે ડ્યુવિન ગૅલરી શરૂ થઈ. 1970માં ઍન્થ્રોપૉલૉજી સંગ્રહ બરર્લિંગ્ટન ગાર્ડનમાં આવેલ મ્યુઝિયમ ઑવ્ મૅનકાઇન્ડના સ્થળે ખસેડાયો. 1973માં સંગ્રહાલયને સંલગ્ન  પુસ્તકાલય વિભાગો બ્રિટિશ મ્યુઝિયમથી અલગ થયા અને નવું પુસ્તકાલયસંકુલ આકાર પામ્યું, જે બ્રિટિશ લાઇબ્રેરી તરીકે અસ્તિત્વમાં આવ્યું.

બ્રિટિશ મ્યુઝિયમ, લંડન

સંગ્રહાલયમાં વિભાગો આ પ્રમાણે છે : પ્રિન્ટેડ ઍન્ડ ડ્રૉઇંગ, કૉઇન્સ ઍન્ડ મૅડલ, ઇજિપ્તનો પ્રાચીન વસ્તુવિભાગ, વેસ્ટર્ન એશિયાટિક ઍન્ટિક્વિટિઝ, પ્રાગ્-ઐતિહાસિક અને પ્રાગ્-ઐતિહાસિક રોમનો-બ્રિટિશ ઍન્ટિક્વિટિઝ, પૂર્વોત્તર પ્રાચ્ય વસ્તુઓ, ઍથ્નૉગ્રાફી અને સંશોધન-પ્રયોગશાળા. ઍથ્નૉગ્રાફી વિભાગનો સંગ્રહ બર્લિંગ્ટન ગાર્ડનના મ્યુઝિયમ ઑવ્ મૅનકાઇન્ડમાં સંગૃહીત છે. બૅનિન બ્રોન્ઝીઝ અને પ્રિ-કોલંબિયન મેક્સિકન કલાનો પણ ત્યાં સમાવેશ થાય છે.

બ્રિટિશ મ્યુઝિયમે વિશ્વનાં બીજાં સંગ્રહાલયો માટે આદર્શ સ્થાપિત કર્યો છે. આ સંગ્રહાલયની મુલાકાતથી વિશ્વના કુદરતી અને માનવકલા-કૌશલ્યનો નિકટતમ પરિચય થાય છે.

સોનલ મણિયાર