બોલિવિયા : દક્ષિણ અમેરિકાની મધ્યમાં ઍન્ડીઝ ગિરિમાળામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 9° 40´થી 22° 40´ દ. અ. અને 57° 30´થી 69° 40´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 10,98,581 ચોકિમી. જેટલો છે. તેનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 1,448 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 1,287 કિમી. છે. તેની વાયવ્ય, ઉત્તર, ઈશાન અને પૂર્વ તરફ બ્રાઝિલ, અગ્નિ તરફ પરાગ્વે, દક્ષિણ તરફ આર્જેન્ટીના તથા પશ્ચિમ તરફ ચિલી અને પેરુની સીમાઓ આવેલી છે. તેને સમુદ્રતટ મળેલો ન હોવાથી તે સંપૂર્ણપણે ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે.

પ્રાકૃતિક રચના–જળપરિવાહ : દેશને તેના ભૂપૃષ્ઠની વિવિધતા મુજબ મુખ્ય ત્રણ પ્રાકૃતિક એકમોમાં વહેંચી નાખવામાં આવેલો છે :

(1) ઍન્ડીઝનો (પશ્ચિમનો) પહાડી પ્રદેશ : દેશના આશરે 16 % વિસ્તારને આવરી લેતો આ પહાડી પ્રદેશ, ઉત્તુંગ હિમાચ્છાદિત શિખરો ધરાવતી ઍન્ડીઝની ઉત્તર–દક્ષિણ વિસ્તરેલી બે સમાંતર હારમાળાઓ તથા તેમની વચ્ચે આવેલા વિશાળ ઉચ્ચપ્રદેશથી બનેલો છે. તેમાં ઍન્ડીઝની પશ્ચિમ તરફની હારમાળા ભૂકંપગ્રસ્ત વિસ્તાર ગણાય છે, તે દેશની પશ્ચિમ સરહદ રચે છે, તેમજ તે 6,000 મીટરથી વધુ ઊંચાઈનાં જ્વાળામુખી શિખરોની લાક્ષણિકતા ધરાવે છે. આ પૈકીનું અહીંનું સર્વોચ્ચ શિખર સાજેમા (Sajama) 6,542 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ઉપરાંત ઍન્કોહુમા (6,388 મી.), ઇયામ્પુ (6,485 મી.) તથા ઈયીમની (6,402 મી.) અહીંનાં અન્ય અગત્યનાં શિખરો છે. પશ્ચિમ અને પૂર્વની બે મુખ્ય હારમાળાઓ વચ્ચે સરેરાશ 3,800 મીટરની ઊંચાઈ ધરાવતો ‘ઑલ્ટિપ્લેનો’ અથવા ‘બોલિવિયાનો ઉચ્ચપ્રદેશ’ આવેલો છે. આ ઉચ્ચપ્રદેશના ઉત્તર ભાગમાં બોલિવિયા–પેરુની સરહદ પર ટીટીકાકા નામનું દુનિયાભરમાં સૌથી વધુ ઊંચાઈ (3,815 મી.) પર આવેલું મીઠા પાણીનું વિશાળ (8,290 ચોકિમી.) સરોવર છે. તે જળપરિવહન માટે ઉપયોગી છે. આ ઉચ્ચપ્રદેશની મોટાભાગની ભૂમિસપાટી શુષ્ક અને વેરાન છે. તેના કેટલાક ભાગોમાં અંત:સ્થ જળપરિવાહ ધરાવતાં ખારા પાણીનાં સરોવરો તથા ખારાપાટના વિભાગો પ્રસરેલાં છે. દેશના આશરે 40 % લોકો આ ઉચ્ચપ્રદેશ પર વસે છે. તે પૈકીના ઘણાખરા તો પાટનગર લા પાઝમાં રહે છે.

બોલિવિયા

(2) ઍન્ડીઝના પૂર્વ ઢોળાવો તથા નદીખીણો : દેશના ઈશાન તથા પૂર્વ તરફનો લગભગ 14 % હિસ્સાને આવરી લેતો આ પ્રદેશ મડીરાની શાખાનદીઓ તેમજ પિલ્કોમાયો નદી દ્વારા કોતરાયેલો છે. અહીં ઉગ્ર ઢોળાવવાળી ટેકરીઓ અને કોતરો આવેલાં છે. તે 2,000થી 2,700 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીં ઊંડાં કોતરો સાથે થાળાં પણ રચાયેલાં છે. ટેકરીઓની નજીક ઉપઅયનવૃત્તીય જંગલો પણ છે. અહીં બહુ જ ઓછા લોકો વસે છે. કેટલાક ભૂગોળવિદો આ પ્રદેશને ‘યુંગસ (Yungas)’ નામથી ઓળખાવે છે.

(3) પૂર્વનો મેદાની પ્રદેશ : આશરે 200થી 500 મીટરની ઊંચાઈ ધરાવતાં પૂર્વનાં વિશાળ મેદાનો દેશનો 70 % ભાગ આવરી લે છે. ઉત્તર તરફ ઢળતાં ઉત્તરનાં મેદાનો ઍમેઝોન-થાળાનો ભાગ બને છે, તેમાં ઍમેઝોનની શાખા મડીરાનો જળપરિવાહ આવેલો છે; પૂર્વ અને દક્ષિણ તરફ ઢળતાં દક્ષિણનાં મેદાનો પારાના થાળાનો ભાગ બને છે, તેમાં પારાનાની શાખા પિલ્કોમાયોનો જળપરિવાહ આવેલો છે. ઉત્તર ભાગ અયનવૃત્તીય વરસાદી જંગલોથી સમૃદ્ધ છે. અહીં ખુલ્લાં ઘાસનાં મેદાનો છે, તો નાનાંમોટાં ઘણાં ખેતરો પણ છે. આ પ્રદેશમાં પહોળી, ધીમા જળવેગવાળી નદીઓ વહે છે. ભારે વરસાદ પડે ત્યારે તેમાં પૂર આવે છે, પૂરનાં પાણી નદીકિનારા નજીકના ભાગોમાં ફેલાઈ જાય છે. આ ઉપરાંત અહીં કળણભૂમિ તથા નાના છોડવાવાળાં જંગલો પણ આવેલાં છે; તેથી ત્યાં વસ્તીનું પ્રમાણ પણ ઓછું છે. કેટલાક ભૂગોળવિદો આ પ્રદેશને ‘વૅલસ (Valles)’ અને ‘ઓરિયેન્ટ’ જેવા બે વિભાગોમાં વહેંચી નાખવાનું પસંદ કરે છે.

ઍન્ડીઝ હારમાળામાંથી અસંખ્ય નદીનાળાં ઉદભવીને ઉત્તર તરફ મડીરા નદીને મળે છે. આ પૈકી માદ્રે દ રિયોસ, બેની અને મામોરે નદીઓ મુખ્ય છે. પિલ્કોમાયો નદી દક્ષિણ દિશામાં વહીને છેવટે પારાના નદીને મળે છે.

આબોહવા : બોલિવિયાનું અક્ષાંશીય સ્થાન ઉષ્ણકટિબંધીય ગરમ ભેજવાળી આબોહવા ધરાવતા પ્રદેશમાં આવેલું છે; પરંતુ ભૂપૃષ્ઠના ઊંચાણનીચાણની વિવિધતાને કારણે દેશની આબોહવા પ્રદેશભેદે જુદી જુદી છે. અહીં દક્ષિણ ગોળાર્ધની ઋતુઓની અસર જોવા મળે છે. પશ્ચિમ તરફ પહાડી ભૂપૃષ્ઠને લીધે ઊંચાઈ વધવાની સાથે તાપમાનમાં ક્રમશ: ઘટાડો નોંધાય છે અને આબોહવા નરમ બનતી જાય છે. તેથી અહીં ઊંચાઈ મુજબના આબોહવાકીય વિભાગો અનુભવી શકાય છે; જેમકે, ગરમ (900 મી. સુધી), સમશીતોષ્ણ (900–1,800 મી.), શીત (1,800–3,000 મી.થી વધુ).

ઍન્ડીઝ પર્વતમાળામાં 6,100 મીટરની ઊંચાઈ પર હિમરેખા આવેલી છે, તેથી તેનાં હિમરેખા ઉપરનાં બધાં શિખરો સદૈવ હિમાચ્છાદિત રહે છે. અહીં તાપમાન 0° સે.થી નીચે હોય છે. મોટાભાગની વર્ષા અહીં હિમ રૂપે જ પડે છે, જળવર્ષાની માત્રા 250 મિમી.થી ઓછી રહે છે.

સરેરાશ 3,800 મીટર ઊંચાઈનો બોલિવિયાનો ઉચ્ચપ્રદેશ ઠંડો અને શુષ્ક તથા આકાશ મોટેભાગે નિરભ્ર રહે છે. અહીં મોટાભાગનો વરસાદ ઉનાળાના ડિસેમ્બરથી માર્ચના સમયગાળામાં પડી જાય છે, જ્યારે શિયાળમાં હિમ પડે છે. પાટનગર લા પાઝ(ઊંચાઈ 3,632 મી.)નાં સરેરાશ વાર્ષિક તાપમાન તથા વરસાદ અનુક્રમે 7° સે. અને 590 મિમી. રહે છે. ઑલ્ટિપ્લેનોનાં ઉનાળા-શિયાળાનાં તાપમાન અનુક્રમે 13° સે. અને 4.5° સે. રહે છે ને ક્યારેક તો દુષ્કાળની પરિસ્થિતિ પણ પ્રવર્તી રહે છે.

ઍન્ડીઝના પૂર્વ ઢોળાવો તથા ખીણપ્રદેશોની આબોહવામાં પણ વૈવિધ્ય જોવા મળે છે. કોચાબામ્બા(2,575 મી.)નું સરેરાશ વાર્ષિક તાપમાન 18° સે. તથા સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 465 મિમી. જેટલાં રહે છે.

પૂર્વનાં મેદાનોમાં લગભગ એકધારી ઉષ્ણકટિબંધીય આબોહવા પ્રવર્તે છે. આખુંય વર્ષ તાપમાનની સરેરાશ 24° સે. જેટલી રહે છે. ડિસેમ્બરથી માર્ચની વર્ષાઋતુમાં વરસાદનું પ્રમાણ 1,000 મિમી.થી વિશેષ હોય છે, પરંતુ ઉત્તર તરફ જતાં તે વધીને 1,500 મિમી. સુધી પહોંચે છે. શિયાળામાં ક્વચિત્ ઍન્ટાર્ક્ટિકાની ધ્રુવીય શીતલહેર ફરી વળે છે, ત્યારે અહીં તાપમાન ઠારબિંદુની લગોલગ પહોંચી જાય છે અને ઉત્તર તરફના ભાગોમાં સુરાઝોજ તરીકે ઠંડો રજમિશ્રિત પવન ફૂંકાય છે.

બોલિવિયાના સૌથી મોટા નગર લા પાઝ ખાતેનું સરકારી વહીવટી કચેરીઓનું સંકુલ

વનસ્પતિજીવન : ઉચ્ચપ્રદેશના ઘણાખરા વિસ્તારો ક્ષારવાળા અને વેરાન છે. બાકીના થોડાક ભાગોમાં બરછટ ઘાસ, છૂટાંછવાયાં નાનાં વૃક્ષો, ઝાંખરાં તથા થોર જેવી મરુનિવાસી વનસ્પતિ જોવા મળે છે. ટીટીકાકા સરોવરકાંઠે ટોટોરાના છોડવા ઊગે છે, જે હોડીઓ બનાવવામાં તથા છાપરાં છાવરવા ઉપયોગમાં લેવાય છે. પૂર્વ ઍન્ડીઝના ઢોળાવો તથા ખીણોના ઉત્તર તરફના વધુ વર્ષાવાળા ભાગોમાં ગીચ ઉષ્ણકટિબંધીય વર્ષાજંગલો છવાયેલાં છે. પરાગ્વેના ચાકો પ્રદેશના નજીકનાં અગ્નિકોણીય મેદાનોમાં કાદવકીચડ થાય છે, ત્યાં છૂટાંછવાયાં વૃક્ષઝુંડ સાથે સૅવાના ઘાસ જોવા મળે છે. આ રીતે જંગલો દેશનો આશરે 35 % હિસ્સો ધરાવે છે. અહીંથી અલ્પ માત્રામાં વૉલનટ અને મેહોગની વૃક્ષોનું કીમતી ઇમારતી લાકડું, રબર તથા બ્રાઝિલનટ જેવી વનપેદાશોની નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત વ્યાપારી ધોરણે થોડાક પ્રમાણમાં મત્સ્યપ્રવૃત્તિ ચાલે છે.

ખેતી-પશુપાલન : દેશના આશરે 26 % ભૂમિભાગમાં ગોચરો આવેલાં છે, જ્યારે તેના માત્ર 3 % ભૂમિભાગમાં જ  ખેતી થાય છે; આમ છતાં ખેતી દેશનો મુખ્ય આધારસ્તંભ છે. દેશની આશરે 70 % વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે. ઉચ્ચપ્રદેશમાં થતી ચીલાચાલુ સ્વાવલંબી ખેતી મુખ્યત્વે આબોહવાનિયંત્રિત છે. અહીં અપૂરતા અને અવિશ્વસનીય વરસાદ ઉપરાંત હિમ અને કરાનાં જોખમો રહેલાં છે. આમ છતાં 1970થી થોડાક પ્રમાણમાં સિંચાઈનો વિકાસ કરવામાં આવ્યો છે. ઉચ્ચપ્રદેશમાં બટાટા, જવ, ઘઉં, મકાઈ, કઠોળ તથા બીજા દેશી પાકોનું ઉત્પાદન લેવાય છે. અહીંના ખેડૂતો લામા, આલ્પાકા, ગ્વાનેકો, વિકુના તથા ઘેટાંનો ઉછેર કરે છે.

પૂર્વના ડુંગરાળ ઢોળાવો અને ખીણપ્રદેશમાં મોટેભાગે સ્થળ-બદલતી ખેતી-પદ્ધતિ અપનાવાય છે. સાનુકૂળ તાપમાન અને પૂરતા વરસાદને લીધે અહીં ઘઉં, મકાઈ, કઠોળ, શેરડી, બટાટા, કૉફી, કોકો, કપાસ, કસાવા, ફળો અને શાકભાજી તેમજ ઘાસચારાનું મબલક ઉત્પાદન થાય છે. આ ઉપરાંત અહીં કોકા(જેમાંથી કોકેઇન બનાવાય છે.)ની ખેતી અગત્યની છે. તેના ઉત્પાદનને માદક દ્રવ્યોના આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવામાં આવે છે.

ઘાસનાં ગોચરોમાં ઢોર, ઘેટાંબકરાં તથા ડુક્કરઉછેર કરવામાં આવે છે. આ દેશના ભૂમિહીન ખેડૂતો જાગીરદારોના એસ્ટેટમાં ગણોતપ્રથાથી ખેતી કરે છે. 1953 પછીથી જમીન-પુનર્વિતરણના પ્રયત્નોના ફળસ્વરૂપે કેટલાંક ભૂમિહીન ખેડૂત-કુટુંબોએ પૂર્વનાં મેદાનો અને ખીણપ્રદેશોમાં સ્થળાંતર કર્યું છે અને તેઓએ ત્યાં જમીન મેળવીને સુઆયોજિત કૃષિવસાહતો સ્થાપી છે. વળી સરકાર દ્વારા ચાલતા કાર્યક્રમ હેઠળ કેટલાક વિદેશીઓને જમીન ફાળવીને અહીં વસાવવામાં આવ્યા છે. તેઓએ અહીં મૉડેલ ફાર્મ સ્થાપ્યાં છે. આ પ્રદેશોમાં સહકારી ધોરણે ચાલતા વિશાળ અને અદ્યતન પશુવાડા (ranches) આવેલા છે. કેટલાક પશુવાડા તો હવાઈ પટ્ટી અને માલવાહક વિમાનોની સુવિધાઓ પણ ધરાવે છે; જેથી અહીંથી ચિલી, બ્રાઝિલ અને પેરુમાં માંસની સીધી જ નિકાસ થઈ શકે છે. આમ ધીમે ધીમે પૂર્વના પ્રદેશોની વસ્તી અને સમૃદ્ધિ વધતી જાય છે. ટૂંકમાં, આ પ્રદેશોની કાયાપલટ થઈ રહી છે.

ખનિજો-ઊર્જાસંસાધનો-ઉદ્યોગો : અહીંનાં પહાડી ક્ષેત્રોમાંથી જળવિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવે છે; એટલું જ નહિ પણ અહીં મળતા કુદરતી વાયુ-આધારિત તાપવિદ્યુતનું પણ ઉત્પાદન થાય છે. ખાણઉદ્યોગમાં વિદ્યુતનો સૌથી વધારે વપરાશ થાય છે.

પૂર્વ અને અગ્નિ ભાગમાં કુદરતી વાયુ તથા ખનિજતેલનાં ક્ષેત્રો આવેલાં છે, આ ક્ષેત્રોને પાઇપલાઇન દ્વારા સુક્રે, કોચાબામ્બા, ઓરુરો તથા લા પાઝ ખાતેની રિફાઇનરીઓ સાથે સાંકળવામાં આવ્યાં છે. વળી પાઇપલાઇન દ્વારા ચિલીના આરિકા બંદરેથી તેમજ આર્જેન્ટીના અને બ્રાઝિલમાં કુદરતી વાયુ અને ખનિજતેલની નિકાસ કરવામાં આવે છે. આ દેશમાં પોટોસી-ઓરુરોનું મિશ્રધાતુઓનું ક્ષેત્ર પ્રખ્યાત છે. અહીં કલાઈ સૌથી વધુ અગત્યની ધાતુ છે. વિશ્વમાં તેનો ઉત્પાદન-ફાળો 15 % જેટલો છે. કલાઈ ઉપરાંત ઍન્ટિમની, સીસું, જસત, ચાંદી, ટંગસ્ટન, બિસ્મથ, તાંબું, સોનું વગેરે ધાતુઓ પણ મળે છે. તેમાં ઍન્ટિમની ધાતુનો ઉત્પાદનફાળો 18 % જેટલો છે. સરકારે ખાણ-ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું છે અને પોટોસી તથા ઓરુરો જેવાં ખાણકેન્દ્રોની નજીકમાં જ ધાતુગાળણ-શુદ્ધીકરણ ઉદ્યોગો સ્થાપ્યા છે.

દેશમાં નાના પાયા પરના કુટિરઉદ્યોગોનું પ્રમાણ વિશેષ છે, જ્યારે મોટા અને મધ્યમ પાયા પરના ઉદ્યોગોનું પ્રમાણ સીમિત છે. આમ છતાં કુદરતી વાયુ અને ખનિજતેલ-ક્ષેત્રોના વિકાસ પછી ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે. ખાસ કરીને ખનિજતેલ-શુદ્ધીકરણ તથા પેટ્રોકેમિકલના; ખનિજઉત્ખનન અને ધાતુગાળણ-શુદ્ધીકરણના; ખાણ-ઉદ્યોગ માટેનાં જરૂરી સાધનો-ઉપકરણો, કાપડ, રાચરચીલું, સિમેન્ટ, પગરખાં, ખાદ્યખનિજો તથા પીણાં, સિગારેટ, રેફ્રિજરેટર તથા ઇલેક્ટ્રૉનિક ચીજવસ્તુઓ, મોટરવાહન વગેરેને લગતા ઉદ્યોગો આગળ પડતા છે. લા પાઝ, કોચાબામ્બા અને સાન્તાક્રૂઝ આ ત્રણ મુખ્ય ઔદ્યોગિક મથકો છે. અહીં પ્રવાસનઉદ્યોગ વિકાસ પામી રહ્યો છે. ઉચ્ચપ્રદેશમાં ઇન્કા સંસ્કૃતિના અવશેષો, ટીટીકાકા સરોવર તથા અન્ય સૌંદર્યધામો, ઍન્ડીઝમાં બરફ પર સરકવાની રમતો (skiing) વગેરે પ્રવાસીઓને નિતાંત આકર્ષતાં રહે છે.

પરિવહન-વ્યાપાર : ઍન્ડીઝના ઢોળાવો તથા મેદાની વિસ્તારોમાં વહેતી અસંખ્ય નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી બની રહેલી છે. તેમની કુલ લંબાઈ આશરે 14,500 કિમી. જેટલી થાય છે. પહાડી ક્ષેત્રોમાં ભારવાહક પ્રાણી તરીકે લામાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. દેશનું ભૂપૃષ્ઠ અસમતળ હોવાથી ભૂમિમાર્ગો બાંધવા ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ છે. તેમનો નિભાવખર્ચ પણ ભારે હોય છે. આમ છતાં અહીં આશરે 40,987 કિમી. લંબાઈના સડકમાર્ગો પથરાયેલા છે. તે પૈકી મોટાભાગના કાચા છે. લા પાઝ –કોચાબામ્બા–સાન્તાક્રૂઝ ધોરીમાર્ગ ઉચ્ચપ્રદેશ તથા મેદાનોને સાંકળતી કડીસમાન છે, જ્યારે પાન-અમેરિકન ધોરીમાર્ગ લા પાઝ, ઓરુરો અને પોટોસીને જોડે છે અને ત્યાંથી આર્જેન્ટીના તરફ જાય છે. આ દેશમાં આશરે 3,538 કિમી. લંબાઈના રેલમાર્ગો છે. વિદેશવ્યાપાર માટે પેસિફિક તટ પરના ચિલીના આન્ટોફાગાસ્ટા તથા આરિકા બંદરો સાથે રેલમાર્ગોનું સીધું જોડાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીંથી બ્રાઝિલ અને આર્જેન્ટીનાને જોડતા રેલમાર્ગો પણ છે. લૉયડ ઍરો બોલિવિયાનો (Lloyd Aeroe Boliviano)  નામની રાષ્ટ્રીય હવાઈ કંપની પેરૂ, બ્રાઝિલ, આર્જેન્ટીના અને ચિલી જેવા પડોશી દેશો ઉપરાંત આંતરિક હવાઈ સેવાઓ પણ પૂરી પાડે છે. લા પાઝ અને સાન્તાક્રૂઝ આ બે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.

આ દેશ મુખ્યત્વે યુ.એસ., યુ.કે., જર્મની, જાપાન, ચિલી, બ્રાઝિલ, આર્જેન્ટીના વગેરે દેશો સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે. તેની મોટા ભાગની નિકાસ ખનિજો અને અન્ય ખાણપેદાશોને લગતી છે. તેમાં કલાઈનો નિકાસફાળો 56 % જેટલો છે. આયાતોમાં મુખ્યત્વે ઔદ્યોગિક કાચો માલ, વપરાશી માલ, યંત્રસામગ્રી અને વાહનોનો સમાવેશ થાય છે.

વસ્તી અને વસાહતો : અસમતળ ભૂપૃષ્ઠ તથા આબોહવાની વિવિધતાને લીધે અહીંનું વસ્તી-વિતરણ ઘણું જ અસમાન છે. દેશની આશરે કુલ 74 લાખની વસ્તી(1995)માં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 48 % અને 52 % જેટલું છે. તે પૈકી 50 % ઇન્ડિયનો, 35 % મિશ્ર લોહી ધરાવતી ચોલા જાતિ અને બાકીના 15 % ગોરા તેમજ ગોરામિશ્રિત જાતિઓનો સમાવેશ થાય છે. પાટનગર લા પાઝને બાદ કરતાં ઉચ્ચપ્રદેશ પર બધે જ ઇન્ડિયનોનું પ્રમાણ વિશેષ છે. તેઓ મુખ્ય ત્રણ પેટા જાતિજૂથોમાં વહેંચાયેલા છે; ઇન્કા સામ્રાજ્યકાળથી તેમણે અહીં સ્થાયી વસવાટ કરેલો હોવાથી આ ઉચ્ચપ્રદેશ દેશનું રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક તેમજ અન્ય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલો છે. આમ છતાં બેત્રણ દાયકાથી આ પ્રદેશની વસ્તીનું પૂર્વના ખીણપ્રદેશો અને મેદાનોમાં સ્થળાંતર થઈ રહ્યું છે. આજે પૂર્વનાં મેદાનો આશરે 30 % વસ્તી ધરાવે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 78 % જેટલું છે. અહીં સ્પૅનિશ ક્વેચુઆ અને આયમારા ભાષાઓ બોલાય છે. દેશના આશરે 95 % લોકો રોમન કેથલિક ધર્મ પાળે છે.

બોલિવિયા–પેરુ સીમા પર, વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું –  મીઠા પાણીનું ટીટીકાકા સરોવર

દુનિયામાં સૌથી વધુ ઊંચાઈ (3,632 મીટર) પર આવેલા પાટનગર તરીકેની ખ્યાતિ ધરાવતું લા પાઝ એ દેશનું સૌથી મોટું નગર છે. તે દેશની અનેકવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. સુક્રે પણ દેશનું કાયદેસરનું પાટનગર ગણાય છે. આ ઉપરાંત તે વ્યાપારી મથક પણ છે. આ સિવાય કોચાબામ્બા, સાન્તાક્રૂઝ, ઓરુરો, પોટોસી, ટારીહા, ટ્રિનિદાદ વગેરે આ દેશની અન્ય મહત્વની શહેરી વસાહતો છે.

ઇતિહાસ : વેનેઝુએલાના લશ્કરી સેનાપતિ બોલિવર સાયમને ઈ. સ. 1825માં બોલિવિયાને સ્પેનની ગુલામીમાંથી મુક્તિ અપાવી હતી. એટલે એ દેશની પ્રજાએ ‘બોલિવર’ના નામ પરથી એ દેશનું નામ ‘બોલિવિયા’ રાખ્યું હતું. ત્યાં અમેરિકન ઇન્ડિયનોની વસ્તી ઘણી વધારે છે. એની મુખ્ય ત્રણ સત્તાવાર ભાષાઓ સ્પૅનિશ, આયમરા અને ક્વેચુઆ છે. એનાં સુક્રે અને લા પાઝ નામનાં બે પાટનગર છે. સુક્રે સત્તાવાર પાટનગર છે અને એ સર્વોચ્ચ અદાલતનું મુખ્ય મથક છે, જ્યારે લા પાઝમાં બધી સરકારી કચેરીઓ આવેલી છે. લા પાઝની વસ્તી 7,11,000 (મહાનગરની વસ્તી 11,26,000) છે અને એ દુનિયાનું સૌથી વધારે ઊંચાઈએ આવેલું પાટનગર છે. બોલિવિયાની અડધી વસ્તી ગ્રામવિસ્તારોમાં રહે છે અને એમાં નિરક્ષર તથા પછાતપણાનું પ્રમાણ વધારે છે. એના પશ્ચિમ ભાગમાં ઍન્ડીઝ પર્વતમાળા આવેલી છે, જેનાં શિખરો પર બારેમાસ બરફ છવાયેલો રહે છે.

બોલિવિયામાં સૌપ્રથમ વસવાટ કરનાર અમેરિકન ઇન્ડિયન લોકો હતા. ઈ. સ. 100 આસપાસ આ ઇન્ડિયનોએ એમની સંસ્કૃતિનો વિકાસ કર્યો. ઈસુની ચૌદમી સદીમાં આયમારા નામની લડાયક જાતિએ પશ્ચિમ બોલિવિયાનો પ્રદેશ જીતી લીધો; પરંતુ પંદરમી સદીમાં પેરૂના ઇન્કા ઇન્ડિયનોએ  બોલિવિયા પર સત્તા જમાવી અને ત્યાંના લોકોને એમનો ધર્મ, રીતરિવાજો તથા ક્વેચુઆ ભાષા અપનાવવાની ફરજ પાડી.

ઈ. સ. 1530 પછીના દસકામાં સ્પેને ઇન્કા ઇન્ડિયનોને હરાવી બોલિવિયાને પોતાનું સંસ્થાન બનાવ્યું અને તેને ‘અપર પેરૂ’ અથવા ‘ચરકસ’ નામ આપ્યું. 1545માં બોલિવિયામાં પોટોસી પાસેના પર્વતોમાં રૂપાની ખાણો શોધાયા પછી હજારો સ્પેનવાસીઓ ત્યાં આવીને રહ્યા. આ સ્પેનવાસીઓ ઇન્ડિયનો પાસે સખત મજૂરી કરાવતા અને ઘણું શોષણ કરતા તેથી ઇન્ડિયનો બળવો કરતા. સમય જતાં સ્પેનવાસીઓ અને ઇન્ડિયનો વચ્ચે લગ્નસંબંધો બંધાયા અને તેને કારણે બંનેની મિશ્ર જાતિ ત્યાં અસ્તિત્વમાં આવી.

ગુલામી અને શોષણના કારણે સ્પેનના લૅટિન અમેરિકામાંનાં સંસ્થાનોમાં પ્રજાનો વિરોધ વધતો ગયો. 1825માં વેનેઝુએલાના લશ્કરી સેનાપતિ સાયમન બોલિવરે સ્પેનને હરાવી બોલિવિયાને આઝાદી અપાવી. એના પ્રથમ પ્રમુખ તરીકે સેનાપતિ એન્ટોનિયો જોઝ ડી સુક્રેએ 1826થી 1828 સુધી વહીવટ કર્યો. એ પછી સેનાપતિ એન્ડ્રેસ સાન્તાક્રૂઝે 1829થી 1839 સુધી શાસન કર્યું. એના સમયમાં પ્રજાએ થોડી સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનો અનુભવ કર્યો. એ પછી ઓગણીસમી સદીના અંત સુધી બોલિવિયામાં સરમુખત્યારોએ રાજ્ય કર્યું. 1879–83ના પેસિફિક યુદ્ધ દરમિયાન ચિલીએ બોલિવિયાના સમુદ્રકાંઠાનો પ્રદેશ પડાવી લીધો. તેથી બોલિવિયા સમુદ્રકિનારા વગરનો દેશ બન્યો. 1935માં પેરુગ્વેએ ચાકો યુદ્ધમાં બોલિવિયાને હરાવીને તેની પાસેથી મોટો મેદાની પ્રદેશ પડાવી લીધો. આમ આ બંને દેશોએ બોલિવિયાનો લગભગ અડધો પ્રદેશ મેળવી લીધો.

1935 પછી બોલિવિયામાં અવ્યવસ્થા અને અસ્થિરતા શરૂ થઈ. એને પરિણામે 1952માં નૅશનલ રિવૉલ્યૂશ્નરી મૂવમેન્ટ નામના ખાણ-કામદારોના પક્ષની આગેવાની નીચે પ્રજાકીય ક્રાંતિ થઈ. વિક્ટર પાઝ એસ્ટેન્સોરોએ 1952થી 1956 અને 1960થી 1964 સુધી પ્રમુખ તરીકે કામગીરી કરી. 1967માં ક્યુબાના ચી ગ્વેરાએ સામ્યવાદી બળવો કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ નિષ્ફળ ગયો. 1980માં સિલેસ ઝુઆઝો પ્રમુખ તરીકે ચૂંટાયો. 1985માં વિક્ટર પાઝ એસ્ટેન્સોરો અને 1989માં જેઇમી પાઝ ઝામોરા રાષ્ટ્રનો પ્રમુખ બન્યો. 1980 પછીના દસકામાં રાષ્ટ્રીય દેવું અને ફુગાવો એ બોલિવિયાની મુખ્ય સમસ્યાઓ હતી. દુષ્કાળો અને પાણીની રેલોએ અનાજની અછત ઊભી કરી. તેથી બોલિવિયાના કામદારો ભાવવધારો, ઓછાં વેતનો અને અનાજની તંગી માટે હડતાળો પાડી અસંતોષ વ્યક્ત કરતા હતા.

બીજલ પરમાર

મુગટલાલ પોપટલાલ બાવીસી