બોધિવૃક્ષ (શિલ્પ વિધાન) : બુદ્ધની પ્રતિમાના સર્જન પહેલાં પ્રચલિત પૂજાનું મહત્વનું પ્રતીક. બૌદ્ધ સંપ્રદાયોમાં બોધિવૃક્ષને ‘જ્ઞાનવૃક્ષ’ તરીકે ઓળખવામાં આવે છે. જે વૃક્ષ નીચે બેસીને ગૌતમને બોધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં તેઓ બુદ્ધ થયા એ વૃક્ષને ‘બોધિવૃક્ષ’ કહેવામાં આવે છે. પ્રતીક તરીકે એ એક ચૈત્યનું સ્વરૂપ ધરાવે છે. એને ફરતી વેદિકા રચી તેની પૂજા કરવામાં આવતી. ભરહૂતના સ્તૂપમાંથી આવાં બોધિવૃક્ષનાં શિલ્પો મળી આવ્યાં છે. બૌદ્ધ પરંપરામાં દરેક બુદ્ધને પોતાનું સ્વતંત્ર બોધિવૃક્ષ હોય છે દા. ત., કશ્યપનું વટવૃક્ષ (ન્યગ્રોધ), કનકમુનિનું ઉદુમ્બર, વિપસ્સીનનું પાટલિ, વિશ્વભૂનું શાલ્મ, ક્રકુચ્છંદનું શિરીષ અને શાક્ય સિંહ(ગૌતમ)નું અશ્વત્થ કે પીપળો મનાય છે. આ વૃક્ષોનાં શિલ્પોમાં જે તે બુદ્ધનું નામ અંકિત કરેલું હોય છે. બોધિવૃક્ષના શિલ્પમાં વૃક્ષ, છત્ર, સિંહાસન, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરતા ગંધર્વો, ચામરધારી પાર્ષદો તેમજ પૂજા કરતા પ્રજાજનો વગેરે નજરે પડે છે. આવાં શિલ્પોની રાજા અને બૌદ્ધ ધર્માનુયાયીઓ ભાવથી પૂજા કરતા.

પ્રવીણચંદ્ર પરીખ