બૉસ્નિયા-હર્ઝગોવિના

January, 2001

બૉસ્નિયા-હર્ઝગોવિના (Bosnia-Herzegovina) : યુગોસ્લા-વિયાથી છૂટો પડેલો અને સ્વતંત્ર બનેલો, મધ્ય યુરોપમાં આવેલો દેશ.

ભૌગોલિક સ્થાન : તે 42° 30´થી 45° 10´ ઉ. અ. અને 15° 40´થી 19° 30´ પૂ. રે. વચ્ચેનો 15,129 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ અને ઉત્તરે ક્રોએશિયા, પૂર્વે યુગોસ્લાવિયન પ્રજાસત્તાક સર્બિયા, પૂર્વે અને દક્ષિણે યુગોસ્લાવિયન રિપબ્લિક ઑવ્ મૉન્ટેનેગ્રો તથા દક્ષિણે એડ્રિયાટિક સમુદ્ર આવેલા છે. તેને મળેલા સમુદ્રકિનારાની લંબાઈ માત્ર 20 કિમી. જેટલી છે.

ભૂપૃષ્ઠ-આબોહવા-જળપરિવાહ : દેશનું મોટાભાગનું ભૂપૃષ્ઠ પહાડી છે. ઊંચાઈએ રહેલા ભાગો વેરાન છે, તળેટીના ભાગોમાં જંગલો છવાયેલાં છે. દેશના કુલ ક્ષેત્રફળનો 50 % વિસ્તાર જંગલ-આચ્છાદિત અને 25 % વિસ્તાર ઉજ્જડ છે. અહીં દિનારિક આલ્પ્સ ગિરિમાળા આવેલી છે. તેનું સર્વોચ્ચ શિખર 4,265 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીં ચૂનાખડકો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ચૂનાખડકોના વિસ્તારનું સ્થળદૃશ્ય ‘કાર્સ્ટ’ પ્રકારનું બની રહેલું છે.

દેશની આબોહવા સ્થાનભેદે વિવિધતાવાળી છે. સમુદ્રકિનારે ભૂમધ્ય પ્રકારની, ઊંચા પહાડી ભાગોમાં શુષ્ક, જ્યારે સમુદ્રકિનારાથી દૂરના અંતરિયાળ ભાગોમાં ખંડીય પ્રકારની આબોહવા પ્રવર્તે છે.

દેશની મુખ્ય નદીઓમાં સાવા અને નેરેટ્વાનો સમાવેશ થાય છે, તેમની સહાયક નદીઓના વહનમાર્ગ ઉત્તર દિશા તરફના જોવા મળે છે.

બૉસ્નિયા-હર્ઝગોવિના

જંગલસંપત્તિ-ખનિજસંપત્તિ : દેશના ઉત્તર, મધ્ય, પૂર્વ અને અગ્નિભાગો ગીચ જંગલોથી છવાયેલા છે. જંગલોમાંથી મળતાં લાકડાં દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર બની રહેલાં છે. આ ઉપરાંત, દેશ ખનિજસંપત્તિની દૃષ્ટિએ પણ સમૃદ્ધ છે. અહીંથી લિગ્નાઇટ, લોહઅયસ્ક, સિડેરાઇટ, તાંબું, મેંગેનીઝ, સીસું, જસત, ક્રોમિયમ, ચાંદી અને ઍલ્યુમિનિયમનાં ધાતુખનિજો મળે છે. મીઠું તેમજ ખનિજતેલ પણ મળે છે. પહાડી ભૂપૃષ્ઠને કારણે જળવિદ્યુત પણ બહોળા પ્રમાણમાં મેળવી શકાય છે.

ખેતી : સાવા નદીનો ખીણપ્રદેશ વધુ ફળદ્રૂપ હોવાથી મકાઈ, ઓટ, ઘઉં, ડાંગર, તમાકુ અને બટાટાની ખેતી લેવાય છે. સર્બિયાના સીમાવર્તી વિસ્તારમાં ભૂમધ્ય પ્રકારની આબોહવા પ્રવર્તતી હોવાથી દ્રાક્ષ, ઑલિવ અને ખાટાં ફળોનું વાવેતર થાય છે. ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસ્યો છે. ગાય, ઘેટાં, ઘોડા અને ભૂંડનો ઉછેર થાય છે.

ઉદ્યોગ-વેપાર : દેશમાં ઉપલબ્ધ ખનિજસંપત્તિની વિપુલતાને કારણે અહીં લોખંડ-પોલાદ, યંત્રસામગ્રી, શસ્ત્રો, પરિવહનનાં સાધનો, સિમેન્ટ બનાવવાના એકમો સ્થપાયા છે. ખનિજતેલ આધારિત રિફાઇનરીના એકમો વિકસાવાયા છે તેમજ તેની આડપેદાશો  પ્લાસ્ટિક, યાર્ન પણ મેળવાય છે. આ ઉપરાંત કાપડના ગૃહવપરાશનાં વીજળીનાં સાધનો, સિગારેટ બનાવનાર એકમો અને રાચરચીલાના એકમો પણ સ્થપાયા છે.

દેશનો મોટાભાગનો વેપાર ક્રોએશિયા, સર્બિયા, યુગોસ્લાવિયા, ઇટાલી, સેલોનિયા, જર્મની અને હંગેરી સાથે થાય છે. દેશની નિકાસી ચીજવસ્તુઓમાં કોલસો (લિગ્નાઇટ) તેમજ ગૃહવપરાશનાં સાધનો તથા આયાતી ચીજવસ્તુઓમાં ખાદ્યસામગ્રી, પોશાકો, રસાયણો અને ઔષધિઓનો સમાવેશ થાય છે.

પરિવહન : દેશમાં રેલમાર્ગો અને સડકમાર્ગો સારી રીતે વિકસ્યા છે. રેલમાર્ગોની લંબાઈ 1,021 કિમી.ની છે, તે પૈકી 795 કિમી. લંબાઈના રેલમાર્ગો વીજસંચાલિત છે. 22,000 કિમી. લંબાઈના પાકા સડકમાર્ગો છે, તે પૈકી ધોરી માર્ગોની લંબાઈ 3,800 કિમી.ની છે. દેશમાં ટેલિફોન, મોબાઇલ અને ટપાલ સેવાઓ પણ ઉપલબ્ધ છે. સમુદ્રકિનારો હોવા છતાં એક પણ બંદર નથી. સારાજેવો અને બાન્જાલુકા જેવાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો વિકસાવાયાં છે.

વસ્તી : 2000 મુજબ દેશની વસ્તી 43,40,000 જેટલી છે. સારાજેવો અહીંનું પાટનગર છે. અન્ય મહત્ત્વનાં શહેરોમાં બાન્જાલુકા, મોસ્ટર, પ્રિજેડોર, ટુઝલા અને ઝેનિકાનો સમાવેશ થાય છે. દેશમાં સર્બો-ક્રોએશિયન, ક્રોએશિયન અને બૉસ્નિયન ભાષાઓનો ઉપયોગ થાય છે. દેશમાં બધાંને માટે માધ્યમિક શિક્ષણ મેળવવાનું ફરજિયાત છે. 1995થી અહીંની ચાર યુનિવર્સિટીઓ હેઠળ ઘણી કૉલેજો સ્થપાઈ છે. દસમી સદી પછી અહીં ખ્રિસ્તીધર્મનો તથા પંદરમી સદી આસપાસ ઑટોમન સામ્રાજ્યના પ્રભુત્વ પછી ઇસ્લામ ધર્મનો પ્રસાર થયો છે. અહીં સર્બિયન ઑર્થોડૉક્સ અને રોમન કૅથલિક ધર્મીઓનું તથા સુન્ની મુસ્લિમોનું પ્રમાણ વિશેષ છે.

ઇતિહાસ : ઈ. સ.ની પ્રથમ સદીમાં અહીં રોમન પ્રજાનું વર્ચસ હતું. સાતમી સદીમાં સ્લાવ આદિવાસીઓએ અહીં વસાહતો સ્થાપી. પંદરમી સદી દરમિયાન ઑટોમને આ પ્રદેશ જીતી લીધો. અનેક લોકોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડી. 1914ના પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનોએ આ પ્રદેશ પર પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું. 1943-44માં યુગોસ્લાવિયા સ્વતંત્ર થયું, તે સમયે માર્શલ ટીટોએ પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળ્યો. 1990માં સર્બ અને મુસ્લિમ જાતિઓ વચ્ચે જાતિયુદ્ધ થયેલું. 1992માં બૉસ્નિયા યુનોની દેખરેખ હેઠળ મુકાયું અને સ્વતંત્ર થયું. 2000ના ઑક્ટોબરમાં વડાપ્રધાન તરીકે માર્ટિન રાનુઝની વરણી થઈ છે.

નીતિન કોઠારી