બૉર્ડર, એલન (રૉબર્ટ)

January, 2001

બૉર્ડર, એલન (રૉબર્ટ) (જ. 1955, સિડની, ઑસ્ટ્રેલિયા) : નામાંકિત ક્રિકેટ-ખેલાડી. તેમણે સિડની ખાતે શિક્ષણ લીધું હતું. 1977માં તેમણે ક્રિકેટ-ખેલાડી તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો.

1978–79માં ઇંગ્લૅન્ડ સામેની મૅચથી તેમણે ટેસ્ટ ક્રિકેટનો આરંભ કર્યો. 1984–85માં તેઓ કૅપ્ટનપદે નિયુક્ત થયા. તેમની નેતાગીરી હેઠળ, ઑસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધુ સફળતા પામતી રહી. તેમણે 1989માં ‘ઍશિઝ’નો કપ પાછો મેળવ્યો અને 1990–91માં તથા 1993માં તે જાળવી પણ રાખ્યો.

એલન (રૉબર્ટ) બૉર્ડર

તેઓ ડાબોડી ક્રિકેટ-ખેલાડી હતા અને ઑસ્ટ્રેલિયામાં તેઓ સૌથી વધારે રન મેળવનારા ક્રિકેટવીર બની રહ્યા. 1994માં તે નિવૃત્ત થયા ત્યારે તેઓ સૌથી વધારે કૅચ (156) કર્યાનો, સૌથી વધારે ટેસ્ટ મૅચ 156 રમ્યાનો અને બીજા કોઈ પણ કૅપ્ટન કરતાં સૌથી વધારે વખત ટીમનું કૅપ્ટનપદ (93 ટેસ્ટ) સંભાળ્યું હોવાનો વિક્રમ ધરાવતા હતા. તેમની સૌથી અનન્ય સિદ્ધિ તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન કર્યા તે છે. 1993 સુધીમાં તેમણે 10,123 રન નોંધાવીને સુનીલ ગાવસ્કરનો વિક્રમ તોડ્યો હતો; આ વિક્રમ તેમણે છેલ્લે 11,174 રન સુધી પહોંચાડેલો. 1990માં તેઓ ‘ઑસ્ટ્રેલિયન ઑવ્ ધ યર’ તરીકેનું સ્થાન પામ્યા.

મહેશ ચોકસી