બૉર્ડોક્સ : ફ્રાન્સના નૈર્ઋત્ય ભાગમાં આવેલું ઍક્વિટેનનું પાટનગર તથા જિરોન્ડ પ્રદેશનું વહીવટી મથક. ઍક્વિટોન થાળાના વિસ્તાર માટે તે વેપારવણજના કેન્દ્ર તરીકે ખ્યાતિ પામેલું છે. ભૌગોલિક સ્થાન : 44° 50´ ઉ. અ. અને 0° 34´ પૂ. રે.  ગેરોન નદીના કાંઠા પર વસેલું આ શહેર ઍક્વિટોન થાળામાંની દ્રાક્ષની વાડીઓ માટે ફ્રાન્સમાં જાણીતું બનેલું છે. અહીં ઘણાં મદ્ય-ઉત્પાદન-કેન્દ્રો આવેલાં છે. ગેરોન નદી બીસ્કેના ઉપસાગર સાથે જોડાયેલી હોવાથી આ નદીબંદર પરથી વહાણો દ્વારા વિવિધ જાતના દારૂની વિદેશો ખાતે નિકાસ થાય છે. અહીં જહાજવાડો, રસાયણઉદ્યોગ તથા મત્સ્ય-ઉદ્યોગનાં મથકો આવેલાં છે. આ ઉપરાંત અહીં ખનિજતેલ શુદ્ધીકરણના તથા વૈમાનિકી એકમો પણ આવેલા છે.

1441માં અહીં બૉર્ડોક્સ વિશ્વવિદ્યાલયની સ્થાપના થયેલી. પંદરમી સદીનો સેન્ટ મિશેલ ટાવર તથા અઢારમી સદીનું ગ્રાન્ડ થિયેટર અહીંનાં જાણીતાં સ્થળો છે. બૉર્ડોક્સની વસ્તી 2,13,300 (1990) જેટલી છે.

રોમન સામ્રાજ્યકાળ વખતે પણ બૉર્ડોક્સ એક મહત્વનું શહેર હતું. 1154થી 1453 સુધી તે અંગ્રેજોના શાસન હેઠળ રહેલું. 1870, 1914 અને 1940ના યુદ્ધગાળા દરમિયાન જર્મન હુમલાઓ ખાળવા ફ્રેન્ચ સરકારે તેને વહીવટનું સ્થળ બનાવેલું.

ગિરીશભાઈ પંડ્યા