બેહુલા : બંગાળીમાં રચાયેલ બેહુલાની કથા (સત્તરમી સદી) : ‘મનસામંગલ’ કાવ્યનું છેવટનું અને સૌથી મહત્વનું આખ્યાન. ‘ક્ષેમાનંદ’–કેતકાદાસ એના રચયિતા છે. બંગાળના ઇતિહાસના અંધારા સૈકાઓમાં સંસ્કૃતમાં લખનારા પંડિતો અને કવિઓ મૌન બની ગયા હતા ત્યારે અગમપંથના ગાયકો અને લોકદેવતાઓના ચારણો ચૂપ નહોતા; તેઓ સ્થાનિક પુરાણકથાઓ, આખ્યાનો, લોકદેવતાઓની આસપાસ વણાયેલી અને એકબીજીમાં ભળી જતી રચનાઓ કરતા હતા. મનસા, ચંડી અને ધર્મ જેવા લોકદેવતાઓ પરનાં મધ્યકાલીન બંગાળી આખ્યાન-કાવ્યો મળે છે. તેમાંનું એક ‘મનસા આખ્યાન’ સૃષ્ટિની ઉત્પત્તિની કથાથી શરૂ થાય છે. જોકે સર્પદેવતા મનસાની કથાનો ઉદભવ જટિલ છે. ‘મનસા’ નામમાં શિવની કામવાસનામાંથી તેની ઉત્પત્તિ થયાનો સંકેત છે, જે સ્વૈરિણી દેવી છે. શિવ સાથેના સંબંધનો સંકેત ‘મનસામંગલ’ કવિતામાં જ નહિ, અન્ય મધ્યકાલીન કાવ્યોમાં પણ મળે છે. આમાં સૌથી લોકપ્રિય બેહુલાનું આખ્યાન છે. દેવતાઓનું દેવત્વ માણસની સ્વીકૃતિ પર, એની પૂજા પર આધાર રાખે છે. મનસાને ઉચ્ચ પૈસાદાર સોદાગરોની માન્યતા પ્રાપ્ત કરવી છે. ચાંદ સોદાગર શિવનો પરમ ઉપાસક હતો. તેણે મનસાની પૂજા કરવાની ના પાડી, પણ શિવે કહ્યું હતું કે ચાંદ તારી પૂજા નહિ કરે ત્યાં સુધી જગતમાં તારો પ્રચાર નહિ થાય. મનસાએ આંધી મોકલી ચાંદના વહાણને ડુબાડી દીધું; તેના સર્પોએ સોદાગરના 6 છોકરાઓને મારી નાખ્યા. વર્ષો પછી સૌથી નાનો પુત્ર લખિન્દર – લખાઈ – મોટો થયો. તેને માટે ગુણવતી વહુ શોધી, – તે હતી બેહુલા. તે નૃત્યમાં કુશળ હોવાથી ‘બેહુલા નાચની’ કહેવાતી. ચાંદને ખબર હતી કે મનસા તેના વંશનો અંત લાવવા માગે છે. જોશીએ પણ ભાખ્યું હતું કે લગ્નની પહેલી રાત્રે સર્પદંશથી લખિન્દરનું મૃત્યુ છે. ચાંદે પુત્રને ભવિષ્યવાણીથી ઉગારવા સોહાગરાત માટે લોખંડનો આવાસ બનાવ્યો. ચારેય બાજુ સર્પનિવારક ઔષધિઓ વાવી. ક્રોધિત સર્પદેવી અતિ સૂક્ષ્મ છિદ્રમાંથી સાપને મોકલવા માંડી. બેહુલા જાગતી હતી, તેથી સર્પ પાછા જતા હતા. મધરાતે દેવીની માયાથી બેહુલાની આંખમાં ઊંઘનાં ભારણ ભરાયાં અને કાલનાગણે ઘરમાં પ્રવેશી લખિન્દરને જીવલેણ દંશ દીધો. સવાર થતાં તેનું કરુણ મૃત્યુ થયું. સમસ્ત નગર શોકમાં ડૂબી ગયું. બેહુલા તેના મૃત પતિને ખોળે લઈ હોડીમાં બેસી સ્વામીને ફરી જીવતા કરવાની પ્રતિજ્ઞા કરી નીકળી પડી. ત્રિવેણી આગળ દેવતાઓની ધોબણ અને મનસાની સખી નેતા (નિત્યા) તેને મળી. તે બેહુલાને તેની વિનંતિથી સ્વર્ગમાં લઈ ગઈ. બેહુલાના નૃત્યથી શિવ અને દેવતાઓ પ્રસન્ન થયા. બેહુલાની સઘળી વાત સાંભળી, શિવે મનસાને બોલાવી તેના સ્વામીને જીવતો કરવા કહ્યું. મનસાએ લખિન્દરને જીવતો કર્યો અને બેહુલાની યાચનાથી 6 જેઠને પણ જીવતા કર્યા અને બધી સંપત્તિ પાછી આપી. સાવિત્રીની જેમ સજીવન પતિને લઈ બેહુલા પાછી આવી. શિવની પ્રેરણાથી ચાંદ સોદાગરને મનસા ઉપર ભાવ જાગ્યો. લખિન્દર-બેહુલા પાછાં આવતાં તેમણે મનસાની પૂજા કરી, પણ ડાબે હાથે; જમણો હાથ તો શિવની પૂજાને અર્પિત થયેલો હતો !

‘ક્ષેમાનંદ’ પ્રચલિત કથાપદ્ધતિને અનુસરે છે, કવિની વર્ણનરીતિ જનમાનસને સ્પર્શે તેવી સરળ છે. પાત્રનિરૂપણમાં પણ તેમના કૌશલનો પરિચય મળે છે. ‘ક્ષેમાનંદ’ તખલ્લુસનો ‘મનસામંગલ’ના કેટલાક બીજા કવિઓએ પણ ઉપયોગ કર્યો છે.

અનિલા દલાલ