બેવિન, અર્નેસ્ટ (જ. 9 માર્ચ 1881, વિન્સફર્ડ, સમરસેટ પરગણું; અ. 14 એપ્રિલ 1951, લંડન) : બ્રિટનના ખ્યાતનામ રાજપુરુષ તથા બ્રિટનની મજૂર ચળવળના એક અગ્રગણ્ય નેતા. બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં મજૂર અને રાષ્ટ્રીય સેવાના કૅબિનેટ કક્ષાના પ્રધાન તરીકે અને ત્યારપછી વિદેશ ખાતાના પ્રધાન તરીકે એમણે કામગીરી બજાવી હતી.

અર્નેસ્ટ બેવિન

તેમનો ઉછેર ગરીબ કુટુંબમાં થયેલો. અગિયારમે વર્ષે તેમણે શાળા છોડી. સંખ્યાબંધ નોકરીઓ કર્યા પછી તેમને બ્રિસ્ટલ શહેરમાં મિનરલ વૉટર ડિલિવરીના કામમાં કાયમી નોકરી મળેલી. 1905માં બ્રિસ્ટલની કામ કરવાના અધિકારની સમિતિમાં માનાર્હ મંત્રીપદ હાંસલ કર્યા પછી, 1910માં એ જ શહેરમાં એમણે ગોદી કામદાર સંઘ(dockers union)ની કાર્ટર્સ શાખા સ્થાપી. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)ના અંતે તેઓ આ મજૂર સંઘના સહાયક સામાન્ય મંત્રી તરીકે કાર્ય કરતા હતા, જોકે એ હોદ્દો 1920 સુધી ઔપચારિક રીતે અસ્તિત્વમાં આવેલો નહિ. 1921માં તેમણે ઘણાં મજૂર સંગઠનોનું એકીકરણ કર્યું અને તેના સામાન્ય મંત્રી તરીકે 1940 સુધી કામ કર્યું. વિશ્વના સૌથી મોટા મજૂર મંડળ તરીકે આ સંગઠન પંકાયેલું.

1925થી બેવિન બ્રિટનના મજૂર મંડળ(Trade Union Congress – TUC)ની સામાન્ય સમિતિના સભ્ય હતા અને 1937માં તેઓ એ સમિતિના ચૅરમૅન ચૂંટાયા હતા. મે 1926માં બ્રિટનમાં વ્યાપક હડતાલના આયોજનમાં તેમણે આગળ પડતો ભાગ ભજવેલો અને એનું સમાધાન કરાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા બજાવેલી.

1929થી શરૂ થયેલી વિશ્વવ્યાપી મંદીનાં શરૂઆતનાં વર્ષોમાં બેવિને મજૂર પક્ષની બીજી રામસે મૅકડોનાલ્ડના નેતૃત્વ હેઠળની (1929–31) સરકારની ટીકા કરી હતી; કેમ કે, તે સરકારે બેકારી દૂર કરવા જહાલ પગલાં લીધાં નહિ. એથી એમણે મૅકડોનાલ્ડની મિશ્ર સરકાર(1931–1935)ને ટેકો આપવાની ના પાડેલી.

વીસમી સદીના ચોથા દાયકામાં, નાઝી જર્મની અને ફાસીવાદી ઇટાલીના વધતા જતા ખતરાને ખાળવા બેવિને બ્રિટન વધુ શસ્ત્રો મેળવવા સજ્જ બને અને તેની વિદેશનીતિ મક્કમ બને એવી ખાસ હિમાયત કરેલી.

મે 1940માં બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના નેતા વિન્સ્ટન ચર્ચિલે યુદ્ધ-સમયની મિશ્ર સરકાર રચી ત્યારે મજૂર અને રાષ્ટ્રીય સેવાના મંત્રી તરીકે બેવિને કામગીરી બજાવી હતી. આ હોદ્દાની રૂએ તેમને ‘યુદ્ધના મંત્રીમંડળ’(વૉર કૅબિનેટ)માં સ્થાન આપવામાં આવ્યું હતું. તેમણે દેશમાં લશ્કરમાં ફરજિયાત ભરતીનું પગલું લીધું.

બીજા વિશ્વયુદ્ધ પછી ક્લેમન્ટ ઍટલીના નેતૃત્વ હેઠળની સરકારે 1945માં હડતાળો પર પ્રતિબંધ મૂક્યો. સરકારની પૂર્વસંમતિ વગર કામદારો નોકરી બદલી શકશે નહિ અથવા રાજીનામું આપી શકશે નહિ એવો કાયદો દાખલ થયો તથા મજૂર મંડળોને તેમની નીતિ યુદ્ધની પરિસ્થિતિને સુસંગત રાખવા બેવિને સમજાવ્યા.

મજૂર પક્ષની જે સરકાર રચાઈ, તેમાં વિદેશ પ્રધાન તરીકે બેવિનની પસંદગી થયેલી. બીજા વિશ્વયુદ્ધમાં તારાજ થયેલાં પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રોની આર્થિક અને સંરક્ષણને લગતી પુન:સ્થાપના અને તેના પુનર્નિમાણ માટે બ્રસેલ્સ કરારની સમજૂતી કરવામાં બેવિને મહત્વનો ફાળો આપ્યો હતો. યહૂદીઓ અને અરબોનું સમવાય રાષ્ટ્ર રચવા અંગેની તેમની યોજના (1947–48) તથા પૅલેસ્ટાઇનના ભાગલા પાડવાના તેમના સૂચનને વ્યાપક ટેકો સાંપડ્યો ન હતો. બ્રિટને જાન્યુઆરી 1950માં સામ્યવાદી ચીનને માન્યતા આપી, તેમાં પણ બેવિનની ભૂમિકા મહત્વની હતી. નાદુરસ્ત તબિયતને કારણે એમણે માર્ચ 1951માં મંત્રીપદેથી રાજીનામું આપ્યું.

દક્ષિણ તથા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના આર્થિક પુનરુત્થાન માટે ઘડાયેલી ‘કોલંબો યોજના’ની પહેલ કરવામાં પણ તેમની ભૂમિકા નોંધપાત્ર રહી હતી.

આનંદ પુ. માવળંકર