બેવાન, એનાયરિન (જ. 15 નવેમ્બર 1897, ટ્રેડગર; અ. 6 જુલાઈ 1960, ચેશામ) : ઇંગ્લૅન્ડના અગ્રણી મજૂર નેતા તથા રાજકારણી. તેઓ એક ખાણિયાના પુત્ર હતા. તેમણે સેરહોઈ એલિમેન્ટરી સ્કૂલ અને સેન્ટ્રલ લેબર કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 13 વર્ષની વયે ખાણમાં મજૂરી કરવાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં જ આક્રમક મજૂર-સંગઠનના નેતા બન્યા. 1929માં તેઓ પ્રથમ વાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા. તેમના વિચારો હંમેશાં ડાબેરી વિચારધારા તરફ ઢળેલા રહેતા. પોતાના પક્ષના નેતાઓ જેમાં સામેલ હતા તેવી યુદ્ધસમયની વિન્સ્ટન ચર્ચિલના નેતૃત્વ હેઠળની સંયુક્ત સરકારની તેમણે ઉગ્ર ટીકા કરી હતી, જેને કારણે તેમણે પ્રજાનું વ્યાપક સમર્થન મેળવ્યું. 1939માં તેમને મજૂર પક્ષમાંથી વિલંબિત કરવામાં આવ્યા હતા. 1940–45 દરમિયાન તેઓ સમાજવાદી વિચારસરણીની તરફેણ કરતા ‘ટ્રિબ્યૂન’ પત્રના સંપાદક રહ્યા. 1945થી 1951 દરમિયાન તેઓ આરોગ્યપ્રધાન રહ્યા હતા. તે દરમિયાન ‘રાષ્ટ્રીય આરોગ્ય સેવા’ની સ્થાપના થઈ હતી. 1951માં તેઓ શ્રમપ્રધાન તરીકે નિયુક્ત થયા, પરંતુ સરકાર સાથે નીતિવિષયક મતભેદ સર્જાવાને કારણે તેમણે રાજીનામું આપ્યું.

એનાયરિન બેવાન

1951ના વિરોધ બાદ, પોતાના જ પક્ષની નીતિઓ અંગે બેવાનની ટીકાઓ શ્રમજીવીઓની મૂંઝવણ માટે કારણભૂત બની અને તે સમયે પક્ષમાં ભાગલા પડવાનો ભય દેખાયો. બેવાનના ઉગ્ર વિચારોને મતદારમંડળના સંઘોનું વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું. માર્ચ 1955માં થોડા સમય માટે બેવાન મજૂર-પક્ષના દંડક હતા. તેમને વિલંબિત કરવામાં આવ્યા હતા. જૂન 1955માં સામાન્ય ચૂંટણીમાં મજૂર-પક્ષના પરાજય પછી, બેવાન મજૂર-પક્ષના છાયા પ્રધાનમંડળમાં પુન: ચૂંટાયા હતા. પરિણામે, મજૂર-પક્ષમાં તેમનું સ્થાન વધુ અગત્યનું અને સુરક્ષિત બન્યું. ડિસેમ્બર 1955માં તેમને સંસદીય મજૂર-પક્ષના નેતાપદ માટેની ચૂંટણીમાં હ્યુ ગાઇટસ્કેલને હાથે પરાજય મળ્યો. ત્યારબાદ તેઓ પક્ષની નીતિના વફાદાર ટેકેદાર રહ્યા. ઑક્ટોબર 1956માં બેવાન મજૂર-પક્ષના ખજાનચી ચૂંટાયા હતા. ઑક્ટોબર 1957માં પણ તેઓ પુન: ચૂંટાયા હતા.

તેમણે ‘ઇન પ્લેસ ઑવ્ ફિયર’ (1952) નામનું આત્મચરિત્ર લખ્યું છે.

કમલેશ વાસુદેવ પંડ્યા