બેવસ (જ. 25 ફેબ્રુઆરી 1885, લારખાના, સિંધ [હાલ પાકિસ્તાન]; અ. 23 સપ્ટેમ્બર 1947) : આધુનિક સમયના પ્રમુખ સિંધી કવિ. તેમનું મૂળ નામ કિશનચંદ્ર તીરથદાસ ખત્રી. મુખ્ય શિક્ષક તરીકે નોકરી સ્વીકારી નામના પામ્યા. તેઓ હોમિયોપૅથિક વૈદ્ય બન્યા. તેમણે સૂફી તત્વજ્ઞાન અને વેદાંતનો અભ્યાસ કર્યો. તેઓ સ્વભાવે અતિ મૃદુ અને નમ્ર હતા. ‘બેવસ’ એટલે ‘અસમર્થ’ના તખલ્લુસથી તેમણે કાવ્ય-રચનાઓ કરવાનું સ્વીકાર્યું.

ફારસી કથાઓનો ઉપયોગ કરીને સિંધી ગઝલ, રુબાઈ વગેરે પ્રકારની કાવ્યરચનાઓ કરી. સામાન્ય રીતે તેમનાં કાવ્યોના વિષયમાં પ્રેમી યુગલ કે તેમનાં પ્રતીકો–શમા, પરવાના, સાકી, ગુલ વગેરે તથા સ્ત્રીનાં અંગ-ઉપાંગોનાં વર્ણનોની ગૂંથણી કરવામાં આવી છે. ફારસીના પ્રભાવ હેઠળ તેમણે પારંપરિક સિંધી કાવ્ય-પ્રકારમાં તથા કાવ્ય-વિષયમાં મોટી ક્રાંતિ સર્જી છે. સ્ત્રીઓના સૌન્દર્યમાં શૃંગારિક કાવ્યો ઉપરાંત તેમનાં અન્ય કાવ્યોમાં બાળકોની નિર્દોષ લીલા તથા પ્રકૃતિનાં વિવિધ રૂપોનું આબેહૂબ વર્ણન જોવા મળે છે. કેટલાંક કાવ્યોમાં ચરાચર સૃષ્ટિના રચયિતા પરમેશ્વરની મહત્તા ગાવામાં આવી છે. પ્રેયસી ઉપરાંત સ્ત્રીનાં અન્ય ઉદાત્ત, ત્યાગમય, વાત્સલ્યભર્યાં રૂપોનાં ગુણગાન પણ કર્યાં છે. વધુમાં તેમણે ગરીબાઈ, શ્રીમંતાઈ, શોષણ, પરતંત્રતા, દેશભક્તિ, જન્મમરણ અને અધ્યાત્મ વગેરે વિષયોનાં કાવ્યોની રચના પણ કરી છે.

પ્રચલિત ફારસી શૈલીના હિંદીમાં ‘દોહા’, સિંધીમાં ‘બૈત’, ‘કાફી’ અને ‘બઈ’ અથવા સૂફી કાવ્યપ્રકારોને પોતાની રચનાઓ દ્વારા તેમણે યશસ્વી પુનર્જીવન આપ્યું છે.

રશિયાના સામ્યવાદી વાસ્તવવાદના પ્રણેતા બાલ્ઝાક, તોલ્સ્તૉય અને ચાર્લ્સ ડિકન્સના પ્રભાવ હેઠળ તેઓ સામાજિક રૂઢિઓના નિવારણ બાબતમાં ખૂબ જ આશાવાદી હતા. માનવમાત્રમાં દેવત્વ હોવા અંગે તેમની રચનાઓમાં આશાવાદ, રાષ્ટ્રવાદ, દેશભક્તિ અને માનવતાવાદનો અપૂર્વ ઉન્મેષ વ્યક્ત થાય છે. અત્યંત સમર્થક પ્રતિમા-પ્રતીકો રચવામાં તેઓ નિપુણ હતા. નવા ઉદ્દેશો અને અભિવ્યક્તિવાળી પરિવર્તનલક્ષી કવિતા દ્વારા તેઓ યુગપ્રવર્તક કહેવાયા. સિંધીમાં સર્વપ્રથમ રાષ્ટ્રીય સ્વરૂપનાં કાવ્યો અને ગીતો રચવાનું શ્રેય તેમને શિરે જાય છે.

તેમનાં કાવ્યોમાં ‘ગુરુનાનક જીવન-કવિતા’ (1941) એક લાંબું આખ્યાન છે. ‘શીરીં શેરુ’ (મધુર કાવ્ય, 1929); ‘ફૂલદાની’ (1932); ‘મૌજી ગીત’ (આનંદગીત, 1941) અને ‘બહારિસ્તાન’ વગેરે તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે.

આ ઉપરાંત તેમણે બોધપ્રદ નાટિકાઓ પણ લખી છે. તેમાં ‘ઇંદ્ર-ધનુષ્ય’ (1931), ‘પ્રહ્લાદ ભક્ત’ અને ‘નળદમયંતી’ નાટિકાઓ અતિ લોકપ્રિય નીવડી હતી.

બળદેવભાઈ કનીજિયા