બેલગામ : કર્ણાટક રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 15° 23´થી 17° 00´ ઉ. અ. અને 74° 05´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 13,415 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યનો તે સરહદી જિલ્લો હોઈ નૈર્ઋત્ય તરફ ગોવા સાથે તો ઉત્તર અને પશ્ચિમ તરફ મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ રચે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમે મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુર જિલ્લા, પૂર્વ તરફ બીજાપુર જિલ્લો, દક્ષિણ તરફ ધારવાડ અને ઉત્તર કન્નડ જિલ્લા આવેલા છે. તેની પશ્ચિમ સરહદે પશ્ચિમ ઘાટની હારમાળા વિસ્તરેલી છે તથા તે અરબી સમુદ્રથી પ્રમાણમાં નજીક આવેલો છે.

પ્રાકૃતિક રચના : જિલ્લાનું ભૂપૃષ્ઠ મુખ્યત્વે મેદાની છે, પરંતુ વચ્ચે કિલ્લેબંધીવાળી ટેકરીઓ આવેલી છે; વિશેષે કરીને નૈર્ઋત્ય સરહદ પરની ટેકરીઓ પ્રમાણમાં વધુ ઊંચાઈવાળી છે. જિલ્લાને બહોળી ર્દષ્ટિએ ચાર કુદરતી વિભાગોમાં વહેંચી શકાય છે : (1) પશ્ચિમ પટ્ટો : ખાનાપુર તાલુકાને આવરી લેતો સાંકડો વિભાગ ભૂપૃષ્ઠની ષ્ટિએ અસમતળ છે. જિલ્લાના તદ્દન છેડાના પશ્ચિમ ભાગમાં પશ્ચિમ ઘાટને આડી વીંધતી ડુંગરધારોની વચ્ચે વચ્ચે શ્રેણીબદ્ધ ખીણો આવેલી છે. મેદાનોની વચ્ચે પણ ઓછીવત્તી ઊંચાઈ ધરાવતી વૃક્ષવિહીન ટેકરીઓ જોવા મળે છે. અહીંનાં ઝરણાં અને નદીનાળાંની નજીકના કાંઠા કાળી ફળદ્રૂપ જમીનોથી બનેલા છે. (2) મધ્ય પટ્ટો : આ વિભાગ પશ્ચિમે આવેલી ટેકરીઓથી અલગ પડી જાય છે. અહીંની પૂર્વ તરફની ટેકરીઓ રેતીખડકોની બનેલી છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી ઘટપ્રભા નદી અહીં નીચે ઊતરી ટેકરીઓ સહિતના વળાંકવાળા મેદાની વિભાગમાંથી પસાર થાય છે. (3) દક્ષિણ પટ્ટો : દક્ષિણ વિભાગનું ભૂપૃષ્ઠ મિશ્ર પ્રકારનું છે. માલપ્રભા નદીખીણથી પશ્ચિમ તરફનો ભૂમિભાગ ટેકરીઓ તથા જંગલોથી આચ્છાદિત છે. (4) પૂર્વ પટ્ટો : અહીં ખુલ્લો, સમતળ ભૂમિભાગ આવેલો છે. ઢોળાવનું પ્રમાણ આછું છે. ગ્રૅનાઇટની ટેકરીઓ ક્યાંક ક્યાંક જોવા મળે છે; વધુ પૂર્વ તરફનો પ્રદેશ નીચી ટેકરીઓ અને કોતરોથી આવરી લેવાયેલો છે, અહીં સપાટ શિરોભાગવાળી ટેકરીઓ પણ છે, તેમના પર જૂના કિલ્લાઓના અવશેષો જોવા મળે છે. આ ટેકરીઓના ઢોળાવો વનરાજિથી આચ્છાદિત છે, આ ઢોળાવો પર ખેતી પણ થાય છે.

બેલગામ જિલ્લો

જંગલો : જિલ્લાનો પશ્ચિમ વિભાગ સદાહરિત જંગલોથી આચ્છાદિત છે, તેના પૂર્વ વિભાગમાં ભેજવાળાં પર્ણપાતી જંગલો આવેલાં છે. અહીંથી કેટલીક ઉપયોગી વન્ય પેદાશો મળી રહે છે. ઘટપ્રભા રેલમથકની નજીકના દુપધલ સરોવરની મધ્યમાં આવેલા નાના ટાપુ પર ઘટપ્રભા પક્ષી-અભયારણ્ય વિકસાવવામાં આવેલું છે. જિલ્લાના અર્થતંત્રમાં આ જંગલોનો ફાળો વિશેષ છે. તેમાંથી પોચાં લાકડાં, ઇમારતી લાકડાં, ઇંધનનાં લાકડાં, વાંસ તથા અન્ય વન્ય પેદાશો સારા પ્રમાણમાં મળે છે. અહીંથી થોડા પ્રમાણમાં ચંદન પણ મળી રહે છે.

ખેતી-સિંચાઈ-પશુપાલન : આ જિલ્લો ખેડાણયોગ્ય ફળદ્રૂપ જમીનો તેમજ કૃષ્ણા, ઘટપ્રભા, માલપ્રભા નદીઓ અને તળાવો ધરાવતો હોવાથી કૃષિપ્રધાન બની રહેલો છે. અહીંના ખાદ્ય અને રોકડિયા પાકોમાં જુવાર, ડાંગર, બાજરો, ઘઉં, શેરડી, મગફળી, કપાસ અને તમાકુનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઘાટ તરફનો જિલ્લાનો પશ્ચિમ ભાગ વન્ય પેદાશોથી સમૃદ્ધ છે. સિંચાઈયોજનાઓની સુવિધા પણ મળી રહે છે. ખેડૂતો ખેતીના વ્યવસાયની સાથે સાથે ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાં તથા મરઘાંનો ઉછેર પણ કરે છે.

ઉદ્યોગો-વેપાર : 1960ના દાયકા પછી અહીં ઊર્જા-સ્રોતોનો વિકાસ થયો હોવાથી ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો છે. જિલ્લામાં બૉક્સાઇટ અને મૃદ્-ખનિજો (clay minerals) મળી રહેતાં હોવાથી ઍલ્યુમિનિયમ અને સિરૅમિકનાં કારખાનાં નંખાયાં છે. માટીનાં વાસણો તેમજ માટીનાં પાત્રો તૈયાર થાય છે. ખેતી-આધારિત ઉદ્યોગોમાં સુતરાઉ કાપડની, ખાંડની અને તેલની મિલોનો સમાવેશ થાય છે. બેમકો હાઇડ્રૉલિક્સ લિમિટેડ, બેમકો જૅક્સ ઍન્ડ એલાઇડ પ્રૉડક્ટ્સ લિમિટેડ, અરુણ એંજિનિયરિંગ વર્ક્સ, ઘોગટે ટેક્સટાઇલ્સ લિમિટેડ, ઉગર શુગર વર્ક્સ લિમિટેડ વગેરે જેવા ઉદ્યોગસંકુલો ઉલ્લેખનીય છે. વાંસ અને પોચાં લાકડાં જેવી વન્ય પેદાશો અહીંના કાગળઉદ્યોગ, દીવાસળી-ઉદ્યોગ અને સંશ્લેષિત રેસા પૉલિફાઇબર ઉદ્યોગને કાચો માલ પૂરો પાડે છે. જિલ્લાના વિવિધ ભાગોમાંથી મળી રહેતાં આર્થિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતાં ખનિજો અહીંના અર્થતંત્રને નિભાવે છે.

જિલ્લાના લગભગ બધા જ શહેરી વિસ્તારોમાં વેપાર અને ઔદ્યોગિક ઉત્પાદન મુખ્ય પ્રવૃત્તિ છે. અહીં ખાદ્યાન્ન, ઉપભોક્તા-ચીજવસ્તુઓ, કાપડ, હાથસાળની સાડીઓ, શાકભાજી, મગફળી, તમાકુ, છીંકણી, બીડીઓ, શેરડી, ખાંડ, ગોળ, રૂ, સીંગતેલ, ચામડાનાં પગરખાં, કમાવેલાં ચામડાં, ઈંટો, નળિયાં, નાગરવેલનાં પાન, ડાંગર, સૂતર, લાકડાં, લાકડાના પાટડા અને પટ્ટીઓ, રેતી, ઍલ્યુમિનિયમ ધાતુ તથા હાઇડ્રૉલિક પંપોના ખરીદ-વેચાણનો વેપાર થાય છે.

પરિવહન : રાજ્યના બધા જ જિલ્લાઓમાં પરિવહનક્ષેત્રે બેલગામ આગળ પડતું સ્થાન ધરાવે છે. જિલ્લામાં કુલ 5,822 કિમી. લંબાઈના સડકમાર્ગો છે. પુણે-બૅંગ્લોર રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાં (200 કિમી.) થઈને પસાર થાય છે. જિલ્લાનાં લગભગ બધાં જ મુખ્ય શહેરો બગલોર સાથે તેમજ મહારાષ્ટ્રનાં શહેરો સાથે સડકમાર્ગોથી જોડાયેલાં છે. જિલ્લાનો 220 કિમી. લંબાઈનો મીટરગેજ રેલમાર્ગ મીરજને બગ્લોર સાથે સાંકળે છે. મોટાભાગના તાલુકાઓ પણ રેલમાર્ગોથી જોડાયેલા છે. પશ્ચિમ વિભાગ ગોવા સાથે સડકમાર્ગોથી સંકળાયેલો છે. જિલ્લામાં જળમાર્ગો નથી, પરંતુ બૅંગ્લોર અને પણજી હવાઈ માર્ગથી જોડાયેલાં છે.

પ્રવાસન : (1) સપ્તસાગર : કૃષ્ણા નદીના જમણા કાંઠે વસેલું અથની ગામ ‘સપ્તસાગર’ સ્થાનક તરીકે અહીં જાણીતું છે. લોકવાયકા મુજબ સાત ઋષિઓએ સાત સમુદ્રોમાંથી જળ લાવીને અહીં કૃષ્ણા નદીમાં રેડેલું. તેથી આ સ્થાનક પવિત્ર મનાય છે અને અહીં કૃષ્ણા નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે. (2) રામબર્થ (રામાવર્ત) : અથની તાલુકામાં આનંદપર્વત ટેકરીમાં આવેલી ગુફામાં આનંદ નાયકી માતાજીની મૂર્તિ જોવાલાયક ગણાય છે. ગુફાની પૂર્વ તરફ કોતરણીવાળા ઘણા થાંભલાઓવાળું રામેશ્વરનું સુંદર મંદિર પણ છે. (3) યદુર : યદુર(ચિખોડી તાલુકા)માં આવેલું વીરભદ્ર મંદિર અહીંના સમગ્ર વિસ્તારનું ધાર્મિક સ્થળ ગણાય છે. તે કૃષ્ણા નદીના કિનારે આવેલું છે. આ મંદિરમાં 1830 અને 1836ના બે શિલાલેખો છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં અહીં વીરભદ્રનો મેળો ભરાય છે. અસંખ્ય લોકો અહીં મેળાની મોજ માણવા આવે છે. (4) કરોશી : ચિખોડી તાલુકામાં આવેલું આ સ્થળ ઘંટી બસવન્નાના મંદિર માટે જાણીતું બનેલું છે. દર વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં અહીં મેળો ભરાય છે. (5) શેન્દુર : ચિખોડી તાલુકાના શેન્દુર ગામ નજીકની ટેકરી પર રસુબાઈનું મંદિર છે; ત્યાંથી એક ઝરો ફૂટી નીકળે છે. (6) કસબા નાદગઢ : ખાનાપુર તાલુકામાં આવેલું આ સ્થળ ઓગણીસમી સદીની શરૂઆતમાં એક અગત્યનું વેપારી મથક હતું. અહીં આવેલો પ્રતાપગઢનો દુર્ગ આજે ખંડિયેર હાલતમાં છે. કિત્તુરના દેસાઈ માલા સરજાએ બાજીરાવ પેશવા દ્વારા તેને મળેલા પ્રતાપરાવના ખિતાબની ઘટનાની યાદમાં 1809માં આ દુર્ગ બંધાવેલો. સમશેરગઢ નામનો બીજો એક દુર્ગ પણ 540 મીટર ઊંચી એક ટેકરી પર આવેલો છે. આ સ્થળ આઝાદીની ચળવળમાં શરૂઆતમાં સંકળાયેલું હતું. અહીં સંગોલી રાયન્નાને બ્રિટિશ સરકારે 1829માં ફાંસી આપેલી. કહેવાય છે કે તેણે પોતાના દેહને અહીં દફનાવવાની ઇચ્છા દર્શાવેલી અને જણાવેલું કે તે પછીથી તે સ્થાને એક મોટું વૃક્ષ ઊગી નીકળશે. તેની આ ઇચ્છા પૂરી કરવામાં આવેલી. ત્યાં વડનું ભવ્ય વૃક્ષ પણ ઊગેલું છે. તેથી તેની યાદમાં અહીં મંદિર પણ બંધાવેલું છે.

આ જિલ્લામાં ગૂડી પડવાને દિવસે તેમજ જેઠ માસની પૂર્ણિમાએ નંદીપૂજાનો ઉત્સવ યોજાય છે. ચૈત્રી નવા વર્ષે અહીં લોકો તૈલી સ્નાન કરીને, નવાં વસ્ત્રો ધારણ કરીને પૂજા કરે છે; લીમડાનો રસ ગોળ સાથે પીએ છે. ખેડૂતો આ દિવસે ખેતરોમાં બીજ વાવી ખેતીનું મુહૂર્ત પણ કરે છે. જિલ્લાના લોકોમાં શ્રાવણના સોમવારનું ખૂબ મહત્ત્વ હોય છે. છેલ્લા સોમવારે તેઓ મહોત્સવ ઊજવે છે. વળી નાગપંચમી, નવરાત્રિ, ગૌરીપૂજા, દિવાળી, મકરસંક્રાંતિ, મહાશિવરાત્રિ જેવા તહેવારો પણ લોકો ખૂબ જ આનંદથી ઊજવે છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 35,83,606 જેટલી છે, તે પૈકી 18,34,005 પુરુષો અને 17,49,601 સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ  અનુક્રમે 27,41,820 અને  8,41,786 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 30,51,877; મુસ્લિમ : 3,63,118; ખ્રિસ્તી : 15,810; શીખ : 552; બૌદ્ધ : 882; જૈન : 1,47,428; અન્યધર્મી : 462 અને ઇતર : 3,477 છે. અહીં કન્નડ, હિન્દી, મરાઠી, તેલુગુ તથા ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીંથી ‘તરુણ ભારત’ (મરાઠી) દૈનિક પત્ર નીકળે છે. 1991 મુજબ જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 15,71,044 છે, તે પૈકી 10,11,113 પુરુષો અને 5,59,931 સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 10,45,451 અને 5,25,593 જેટલું છે. જિલ્લામથક બેલગામમાં શિક્ષણનું અને શિક્ષણસંસ્થાઓનું પ્રમાણ વધુ છે. બાકીનાં મોટાભાગનાં નગરો અને ગામડાંઓ શિક્ષણના જુદા જુદા તબક્કાઓની સંસ્થાઓ ધરાવે છે. બેલગામ શહેરમાં જ 56 જેટલી જુદી જુદી વિદ્યાશાખાઓની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 10 તાલુકાઓમાં વહેંચેલો છે, 22 જેટલાં શહેરો/નગરો તથા 1,164 (26 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : પ્રાચીન કુંતલ દેશમાં હાલનો બેલગામ જિલ્લો આવેલો હતો. આઠમી સદીના ઉત્તરાર્ધમાં પશ્ચિમના ચાલુક્યોને હરાવીને રાષ્ટ્રકૂટોએ સત્તા મેળવી અને ઈ. સ. 973 સુધી ત્યાં તેમની સર્વોપરી સત્તા હતી. ઈ. સ. 850થી આ મહામંડલેશ્વરોએ બેલગામ જિલ્લાના ઘણા પ્રદેશમાં સામંતો તરીકે અને ઈ. સ. 1170થી સ્વતંત્ર રાજા તરીકે સત્તા ભોગવી. આ પ્રદેશો ઉપર થોડો સમય મુઘલોની તથા ત્યારબાદ મરાઠાઓની સત્તા હતી. 1719માં સતારાના છત્રપતિ શાહૂને બેલગામ સહિત દખ્ખણના છ જિલ્લાની ચોથ અને સરદેશમુખી ઉઘરાવવાનો અધિકાર શાહી ફરમાનથી મળ્યો. 1756માં બેલગામનો કિલ્લો મરાઠાઓને મળ્યો. હૈદરઅલીએ આ પ્રદેશો પર આક્રમણ કર્યું અને 1779માં મરાઠાઓએ તેનો હક સ્વીકાર્યો. ટીપુ સુલતાને મરાઠાઓને કબૂલ કરેલી રકમ ન આપવાથી મરાઠાઓએ મુંબઈથી કર્ણાટક સુધીનો પ્રદેશ લઈ લીધો, જે 1818 સુધી તેમની પાસે રહ્યો. અંગ્રેજોએ કિત્તુરનું રાજ્ય ખાલસા કરવાથી રાણી ચેનમ્માએ અંગ્રેજો વિરુદ્ધ બળવો કર્યો પણ તેમાં સફળતા મળી નહિ. 1840માં અંગ્રેજોએ નિયાણી ખાલસા કર્યું. 1844 અને પછી 1857માં કોલ્હાપુર અને સાવંતવાડીમાં નિષ્ફળ બળવા થયા. ઑગસ્ટ 1947માં ભારત સ્વતંત્ર થયા બાદ 1948માં દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું અને બેલગામ જિલ્લાની પુનર્રચના થઈ.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ