બેરિયમ ચિત્રશ્રેણીઓ

January, 2000

બેરિયમ ચિત્રશ્રેણીઓ : બેરિયમના ક્ષારને પાણી સાથે મોઢા વાટે આપીને નિદાન માટે અન્નમાર્ગના એક્સ-રે-ચિત્રણો લેવાં તે. તે માટે વપરાતું દ્રવ્ય બેરિયમ સલ્ફેટ (BaSO4) પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેનું જઠર કે આંતરડામાં અવશોષણ થતું નથી. ઝીણા, સફેદ, ગંધરહિત, સ્વાદરહિત અદ્રાવ્ય ભૂકા કે ચૂર્ણ(powder)ના સ્વરૂપે તે ઉપલબ્ધ છે. સામાન્ય રીતે તેને પાણી સાથે ભેળવીને તેનું ઘટ્ટ દ્રાવણ બનાવાય છે અને તે દર્દીને પીવા માટે અપાય છે. ગળું, અન્નનળી, જઠર, નાનું અને મોટું આંતરડું વગેરેની વિવિધ વિકૃતિઓ કે વિકારના નિદાનમાં તેનો ઉપયોગ કરાય છે. ગળામાં કે અન્નનળીમાં કૅન્સર ઉદભવે કે અંધનાલિ(diverticulum)નો વિકાર હોય તો દર્દીને બેરિયમને ગળવાની ક્રિયા કરવા કહેવાય છે. ગળા તથા અન્નનળીની તપાસ માટે અપાતા અને ધીરે ધીરે ગળવામાં આવતા બેરિયમના દ્રાવણને બેરિયમ કંઠગલન (barium swallow) કહે છે. આ પ્રકારની તપાસ કરવાથી અન્નનળીના વિવિધ વિકારોને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. તેની મદદથી અન્નનળીમાં સંકીર્ણન (constriction) થયું હોય, તે પહોળી થઈ ગઈ હોય કે તેની લહરગતિ (peristalsis) ઘટી ગઈ હોય તો તે પણ સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. અન્નનળીમાં અનિયમિત આકારનો અવરોધ થયો હોય અને તેની ઉપરની અન્નનળી પહોળી થયેલી હોય તો તે કૅન્સર થયાની સંભાવના સૂચવે છે. તેનાથી વિપરીત જો અન્નનળીના નીચલા છેડે સીધી રેખામાં વધતો જતો અટકાવ જોવા મળે અને જો તે ઉંદરની પૂંછડી જેવો દેખાવ કરે તો તે અન્નનળીના સ્નાયુઓની વધેલી સજ્જતા અને સંકોચન સૂચવે છે. બેરિયમનું એકદમ પાતળું દ્રાવણ બનાવીને જો મોં વાટે અપાય તો તે અન્નનળી અને શ્વાસનળી વચ્ચે કૅન્સરને કારણે જોડાણ થઈ ગયું હોય તો તે પણ દર્શાવે છે.

આંત્રાતરાંત્ર વિકાર અથવા આંત્રનિવેશીનો વિકાર.
(અ) અને (આ) આંતરડામાં પ્રવેશેલું આંતરડું

અન્નમાર્ગના વિવિધ વિકારો અને રોગો તેની અંદરની દીવાલની સપાટીને અસર કરીને અનિયમિત બનાવે છે. તે અનિયમિતતાને બેરિયમના દ્રાવણ વડે દર્શાવવાથી નિદાનસૂચક માહિતી કે ચિહ્નો મેળવી શકાય છે. આ રીતે જઠર અને પક્વાશયમાં (duodenum) ચાંદું હોય તો તે પણ જાણી શકાય છે. જઠરમાં કૅન્સર ઉદભવ્યું હોય તો તેને કારણે અનિયમિત રીતે સાંકડું થયેલું જઠરનું પોલાણ દર્શાવી શકાય છે. નાના આંતરડાના વિકારો દર્શાવવા માટે મોં વાટે નળી નાંખીને તેના દ્વારા બેરિયમનું દ્રાવણ સીધેસીધું પક્વાશયમાં ઠાલવવામાં આવે છે. તે રીતે બેરિયમને સીધેસીધું નાના આંતરડામાં નાંખવાથી નાના આંતરડાના રોગોનું નિદાન વધુ ચોકસાઈથી કરી શકાય છે. આ પદ્ધતિને લઘુઆંત્રીય બસ્તી (small bowel enema) કે લઘુઆંત્રીય અંત:સરણ (small bowel infusion) કહે છે. મોં વાટે બેરિયમનું દ્રાવણ આપીને તે જઠર અને પક્વાશયના શરૂઆતના ભાગમાં ભરાય તેવા પ્રકારની તપાસને બેરિયમભોજ (barium meal) કહે છે, જ્યારે તે છેક મોટા આંતરડા સુધી પહોંચે ત્યાં સુધી રાહ જોઈને ચિત્રણો લેવામાં આવે ત્યારે તેને બેરિયમભોજ અનુક્રિયા (barium meal follow up) કહે છે. બેરિયમભોજ અનુક્રિયા કરવાથી નાના અને મોટા આંતરડાની શરૂઆતના ભાગના ચિત્રણો લઈ શકાય છે. તેવી રીતે ગુદા માર્ગે બેરિયમ ચઢાવીને મોટા આંતરડાંનાં ચિત્રણો લઈ શકાય છે. તેને બેરિયમ-બસ્તી (barium enema) કહે છે. તે સમયે જો સાથે હવાને પણ તેમાં નાખવામાં આવે તો બે પ્રકારની એક્સ-રે-રોધિતા (radio-opacity) ઉત્પન્ન કરીને મોટા આંતરડાના વિકારોને સ્પષ્ટ રીતે દર્શાવે છે અને નિદાન કરવામાં સુગમતા કરે છે.

બેરિયમ સલ્ફેટ કબજિયાત કરે છે. વળી જો તે સમયે દર્દીના અન્નમાર્ગમાં લોહી વહેલું હોય તો તે અને બેરિયમ ભેગાં મળીને ગઠ્ઠો કરે છે. તે ક્યારેક આંતરડામાં અવરોધ પણ ઉત્પન્ન કરે છે.  આવો આંતરડામાં થતો અવરોધ ક્યારેક જોખમકારી અને સંકટકારી નીવડી શકે છે. આંતરડામાંના અવરોધને આંત્રરોધ (intestinal obstruction) કહે છે. અન્નમાર્ગની રચનાલક્ષી વિકૃતિઓ દર્શાવવા મોં વાટે નળીવાળું અંતર્દર્શક (endoscope) નામનું એક સાધન વાપરીને તપાસ કરવી વધુ લાભકારક અને ઉપયોગી ગણાય છે. તેને અંતર્નિરીક્ષા(endoscopy)ની પદ્ધતિ કહે છે; પરંતુ તે અન્નમાર્ગના હલનચલનલક્ષી વિકારોના નિદાનમાં ખાસ ઉપયોગી નથી. તેવા વિકારોના નિદાનમાં બેરિયમ ચિત્રશ્રેણીઓ વધુ ઉપયોગી નીવડે છે. જ્યાં અંતર્નિરીક્ષાની પૂરતી સગવડ નથી ત્યાં પણ બેરિયમ ચિત્રશ્રેણીઓ ઉપયોગી રહે છે; પરંતુ જો દર્દીના અન્નમાર્ગમાં લોહી વહેતું હોય કે તેમાં કોઈ અવરોધ હોય તો બેરિયમ વડે તપાસ કરાતી નથી. પેટના સી.એ.ટી.-સ્કૅન વડે કરાતા અભ્યાસોમાં  બેરિયમનું દ્રાવણ પિવડાવીને જઠર અને આંતરડાને સુસ્પષ્ટ કરવામાં આવે છે, જેથી કરીને તેમના તથા અન્ય અવયવોના સ્થાન વિશે સ્પષ્ટ માહિતી મળી રહે. ચહેરાના આકારની છાપ મેળવવા માટે બેરિયમના ક્ષારને મોઢા પર ચોપડીને તેનું એક્સ-રે-ચિત્રણ પણ મેળવી શકાય છે. તેનો ઉપયોગ ચહેરાની પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા(plastic surgery)માં થાય છે. નાનાં બાળકોમાં ક્યારેક આંતરડામાં આંતરડું પેસી જાય એવો વિકાર થાય છે. તેને આંત્રાંતરાંત્ર (intussusception) કહે છે. તેમાં બેરિયમ ચિત્રશ્રેણીથી તપાસ કરવાથી નિદાન થાય છે, પરંતુ ઘણી વખત અંદર પેસેલું આંતરડું પણ તેથી બહાર નીકળી જાય છે. આમ તે વિકારનો ઉપચાર પણ બની શકે છે.

સંદીપ ઝાલા

શિલીન નં. શુક્લ