બૅકૉલ, લૉરેન (જ. 1924, ન્યૂયૉર્ક શહેર) : અમેરિકાનાં નામાંકિત અભિનેત્રી. અમેરિકન એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટમાં તેમણે અભ્યાસ કર્યો. 1942માં તેમણે રંગભૂમિ પર સૌપ્રથમ અભિનય આપ્યો. 1945માં, તેમની સાથે કામ કરતા અભિનેતા હમ્ફ્રી બૉગાર્ટ સાથે તેમણે લગ્ન કર્યાં અને ‘ધ બિગ સ્લિપ’ (1946) અને ‘કી લાર્ગો’ (1948) જેવાં રોમાંચક ચિત્રોમાં તેમની સાથે અભિનય કર્યો.

લૉરેન બૅકૉલ

1957માં બૉગાર્ટના અવસાન પછી તેઓ રંગભૂમિ પર પાછાં ફર્યાં. બ્રૉડવે પર તેમણે મેળવેલી બહુવિધ સફળતામાં સંગીતપ્રધાન ‘ઍપ્લૉઝ’ (1970–72) ઉલ્લેખનીય છે. તે બદલ તેમને ટૉની ઍવૉર્ડ મળ્યો હતો.

પછીનાં વર્ષોનાં તેમની ભૂમિકાવાળાં ચિત્રોમાં ‘મર્ડર ઑન ધી ઑરિયેન્ટ એક્સપ્રેસ’ (1974), ‘ધ શૂટિસ્ટ’ (1976), ‘મિ. નૉર્થ’ (1988) તથા ‘એપૉઇન્ટમેન્ટ વિથ ડેથ’ વગેરેનો સમાવેશ થાય છે. તેમના ‘ધ મિરર હૅઝ ટૂ ફેસિઝ’(1996)માં સહાયક અભિનેત્રી તરીકેના અભિનય બદલ ઑસ્કર ઍવૉર્ડ માટે તેમના નામનું સૂચન થયું હતું. તેમણે બીજી વારનાં લગ્ન અભિનેતા જૅસન રોબાર્ડ (જુનિયર) સાથે કર્યાં હતાં (1961–1969). તેમની આત્મકથા ‘બાય માઇસેલ્ફ’ 1979માં પ્રગટ થઈ હતી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે સૌથી વધુ વેચાતું પુસ્તક (best seller) બની રહ્યું હતું.

મહેશ ચોકસી