બૅકેરલ, આન્ત્વાં આંરી

January, 2000

બૅકેરલ, આન્ત્વાં આંરી (જ. 15 ડિસેમ્બર 1852, પૅરિસ; અ. 25 ઑગસ્ટ 1908, લ કર્વાશિક, ફ્રાન્સ) : 1903ની સાલના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા. સ્વયંસ્ફુરિત રેડિયો સક્રિયતા(spontaneous radioactivity)ની તેમની શોધની કદર રૂપે આ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. તેમના દાદા, નૅપોલિયન બોનાપાર્ટના સમયમાં એક નામાંકિત ભૌતિકશાસ્ત્રી હતા; તેમના પિતાએ આ કૌટુંબિક પરંપરા ચાલુ રાખી અને પ્રસ્ફુરણ(fluorescence)ના અભ્યાસમાં પારંગતતા પ્રાપ્ત કરી. આમ બૅકેરલનો ઉછેર, વૈજ્ઞાનિક સંશોધનને સમર્પિત એવા કુટુંબમાં થયો હતો. પોતાના પિતાની પ્રસ્ફુરણની શોધને આગળ ધપાવી બૅકેરલે પોતાનું સંશોધનકાર્ય શરૂ કર્યું. તેમને વૈજ્ઞાનિક શિક્ષણ પૉલિટૅકનિક શાળા(Ecole Polytechnique)માં અને ઇજનેરી તાલીમ ‘ગર્ડર અને કૉઝવે’ની શાળા(Ecole des Pouts et chaussees)માં મળ્યું હતું. પ્રકાશના શોષણ (absorption of light) ઉપરના તેમના મહાનિબંધ (thesis) માટે તેમને 1888માં પીએચ.ડી.ની ઉપાધિ એનાયત કરવામાં આવી; અને ત્યારપછીના બીજા જ વર્ષે તેઓ ‘સાયન્સ અકાદમી’ના સભ્ય બન્યા. 1892માં ‘મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી’ના અને 1895માં ‘પૉલિટેક્નિક સ્કૂલ’માં પ્રાધ્યાપક તરીકે નિમાયા. લંડનની રૉયલ સોસાયટી તેમજ ઘણી બધી ‘સાયન્ટિફિક સોસાયટી’ના તેઓ સભ્ય હતા.

આન્ત્વાં આંરી બૅકરેલ

રૉનઝનની એક્સ-કિરણોની શોધ તેમને પ્રસ્ફુરણ ઉત્તેજિત કરવા માટે એક્સ-કિરણોની ક્ષમતા તપાસવાના કાર્ય પ્રતિ, સ્વાભાવિક રીતે જ દોરી ગઈ. વળી પ્રસ્ફુરણ દાખવતા પદાર્થો સ્વયં એક્સ-કિરણો કે કૅથોડ કિરણો ઉત્પન્ન કરતા હતા કે કેમ તે વિશે તેમને જિજ્ઞાસા જાગી. તેથી એની ચકાસણી કરવા માટે જેમની પ્રસ્ફુરણ કરવાની ક્ષમતા અદભુત હતી તેવા, યુરેનિયમ તત્વના પોટૅશિયમ યુરેનિલ સલ્ફેટ જેવો ક્ષાર તેમણે પસંદ કર્યો. ધાતુના પાતળા પતરા(metal foil)માં આ ક્ષારને વીંટાળીને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર રાખ્યો. પ્લેટને ડેવલપ કરતાં ક્ષારની જગ્યાવાળો ભાગ કાળો જણાયો. તે ઉપરથી અનુમાન કરવામાં આવ્યું કે ક્ષારમાંથી આવી રહેલ કોઈક શક્તિશાળી અર્દશ્ય વિકિરણને કારણે ફોટોગ્રાફિક પ્લેટનો ભાગ કાળો જણાતો હતો. વારંવાર આ પ્રયોગનું પુનરાવર્તન કર્યા પછી બૅકેરલને જણાયું કે આ વિકિરણ યુરેનિયમના ક્ષારમાંથી જ ઉત્સર્જિત થતું હતું અને તેને પ્રસ્ફુરણ સાથે કોઈ નિસબત ન હતી.

1899માં બૅકેરલે દર્શાવ્યું કે આ વિકિરણનું ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન (deflection) થઈ શકે છે અને તેથી તે વિકિરણનો અમુક ભાગ વિદ્યુત-ભારિત કણોનો બનેલો છે. તેનો અર્થ એ થયો કે આ વિકિરણ એક્સ-કિરણો નથી. ત્યારબાદ બીજાં તત્વો પણ આ પ્રકારના વિકિરણનું ઉત્સર્જન કરે છે તેવું દર્શાવવામાં આવ્યું. તેમાંનું મુખ્ય તત્વ 1898માં માદામ ક્યૂરી અને તેમના પતિ પિયેર ક્યૂરીએ શોધેલું રેડિયમ-તત્વ હતું. માદામ ક્યૂરીએ બૅકેરલના વિકિરણને ‘રેડિયોસક્રિયતા’ એવું નામ આપ્યું. તે વિકિરણ એક્સ-કિરણોના જેવું જ, પરંતુ તેના કરતાં વધુ શક્તિશાળી છે અને આજે તે ગામા વિકિરણ તરીકે ઓળખાય છે. વિલિયમ ટૉમસન સુધ્ધાં બીજા વિજ્ઞાનીઓએ પણ બૅકેરલના કાર્યનું પુનરાવર્તન કરીને તેનું સમર્થન કર્યું. રેડિયોસક્રિયતાની શોધ માટે માદામ ક્યૂરી અને પિયેર ક્યુરીની સાથે સાથે બૅકેરલને પણ નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. 1894માં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તેના પોતાના જ વાતાવરણ ઉપર થતી અસરનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું; તથા સ્ફટિક વડે થતા પ્રકાશના શોષણની પણ તેમણે તપાસ કરી (1886–88).

એરચ મા. બલસારા