બુદ્ધિ અને બુદ્ધિમાપન

મનની એક શક્તિ અને તેનું માપન. બુદ્ધિ મનની એક શક્તિ ગણાય છે. પરંતુ એના સ્વરૂપ અંગે અનેક મતમતાંતર છે. કેટલાક મનોવિજ્ઞાનીઓ બુદ્ધિને મનની એક સાર્વત્રિક શક્તિ માને છે, જે દરેક મનુષ્યને તેના જન્મથી મળે છે. એ કુદરતી શક્તિ વાતાવરણની અસરથી તેના આવિર્ભાવમાં ભિન્ન દેખાય છે, પણ તેની માત્રા જન્મથી જ નક્કી થયેલી હોય છે. જો બુદ્ધિ મનની સાર્વત્રિક શક્તિ હોય તો તે તેના દરેક કાર્યમાં તેટલા જ પ્રમાણમાં જોવા મળવી જોઈએ. એટલે કે શ્રેષ્ઠ બુદ્ધિવાળાના દરેક કાર્યમાં શ્રેષ્ઠ પ્રમાણમાં જોવા મળવી જોઈએ અને જે ઓછી બુદ્ધિવાળું હોય તે તેના દરેક કાર્યમાં ઠોઠપણું બતાવતું હોય. પરંતુ આમ જોવા મળતું નથી. જે ભાષા, ગણિત વગેરે વર્ગમાં શીખવાતા વિષયોમાં શ્રેષ્ઠ જોવા મળે તે સંગીત, ચિત્રકળા કે યાંત્રિક કાર્યોમાં શ્રેષ્ઠ જોવા મળતા નથી.

આને કારણે વિવિધ મનોવિજ્ઞાનીઓએ બુદ્ધિની વ્યાખ્યા વિવિધ રીતોથી કરી છે.

વિલિયમ મેકડુગલના મતે જે વર્તન કુદરતી સહજ વર્તનથી ભિન્ન હોય તેને ઉત્પન્ન કરનારી શક્તિ તે બુદ્ધિ છે.

ઈ. એલ. થોર્નડાઇકની માન્યતા પ્રમાણે સત્યની ર્દષ્ટિએ સારા પ્રત્યાચારો આપવાની શક્તિ તે બુદ્ધિ કહેવાય.

લૂઇસ ટર્મનની વ્યાખ્યા પ્રમાણે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન (abstract thinking) કરવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે.

શિક્ષકો અને અધ્યાપકો વિદ્યાર્થીઓની નવું શીખવાની શક્તિને બુદ્ધિ ગણે છે. ઘણા મનોવિજ્ઞાની મનુષ્યની નવા સંયોગોને અનુરૂપ થવાની શક્તિને બુદ્ધિ ગણે છે.

ડેવિડ વૅક્સલર જેવા કેટલાક મનોવિજ્ઞાનીઓ બુદ્ધિમાં સામાજિક મૂલ્યને પણ ગણતરીમાં લે છે. તેની કસોટીઓમાં નીચેના જેવા પ્રશ્નો છે :

‘જો તમારાથી બહુ નાનો છોકરો તમારી સાથે મારામારી શરૂ કરે તો તમે શું કરશો ?’

‘કોઈને આપેલું વચન શા માટે પાળવું જોઈએ ?’

‘તમને  રસ્તામાંથી એક પરબીડિયું જડે છે, જેના પર સરનામું કરેલું છે અને સ્ટૅમ્પ પણ ચોડેલા છે. તો તમે તેનું શું કરશો ?’

આવા બધા પ્રશ્નોમાં જે સામાજિક મૂલ્ય દર્શાવવા ઉત્તર આપે તેને બુદ્ધિમાન ગણવામાં આવે છે; જેમ કે, છેલ્લા પ્રશ્નમાં જે ઉત્તર આપે કે હું તે પરબીડિયાને પાસેના પોસ્ટના ડબ્બામાં નાખી દઈશ. તેનો ઉત્તર પૂરો સાચો ગણે છે, પણ જે કહે કે ‘હું સ્ટૅમ્પ ઉખાડી લઈ પત્રને ફાડીને ફેંકી દઈશ’ તેને તે ખોટા ઉત્તર તરીકે ગણે છે.

કેટલાક મનોવિજ્ઞાનીઓ તો વળી ‘બુદ્ધિકસોટી જે માપે છે તે બુદ્ધિ’ એવી વ્યાખ્યા કરી બુદ્ધિકસોટીઓની રચના તરફ જ વધુ ધ્યાન આપે છે.

ચાર્લ્સ સ્પિયરમૅન જેવા મનોવિજ્ઞાનીઓેએ જોયું છે કે શાળામાં જે વિદ્યાર્થીઓ ભાષા, ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા વગેરે વિષયોમાં ઉત્તમ ગુણ મેળવે છે તેઓ સંગીત, ચિત્રકળા, યાંત્રિક કાર્યો જેવાં અન્ય કેટલાંક કાર્યોમાં તેટલા જ ઉત્તમ ગુણ મેળવતા નથી. આથી તેઓ બુદ્ધિને મનની સાર્વત્રિક શક્તિ તરીકે સ્વીકારતા નથી. સ્પિયરમૅને તેથી બે અવયવો કે તત્વોનો સિદ્ધાંત (Two Factor Theory) રજૂ કર્યો છે. તેમના મત પ્રમાણે બુદ્ધિનો જેમાં ઉપયોગ થાય છે એવી બધી બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં G નામનો સામાન્ય અવયવ (General Factor) જોવા મળે છે. જેની અસર બાદ કરતાં દરેક પ્રવૃત્તિમાં જે બાકી રહે છે તે વિશિષ્ટ (specific) અવયવ S1, S2, S3 વગેરે છે. આમ સ્પિયરમૅનનો દ્વિ-અવયવી સિદ્ધાન્ત આજ સુધી મોટાભાગના મનોવિજ્ઞાનીઓએ સ્વીકાર્યો છે.

આકૃતિ 1 : સ્પિયરમૅનનો દ્વિઅવયવી સિદ્ધાંત
[G = સામાન્ય અવયવ; S1, S2, S3, S4, વગેરે વિશિષ્ટ અવયવો]

અમેરિકામાં એલ. એલ. થર્સ્ટન નામના મનોવિજ્ઞાનીએ તેના અનુભવ પરથી પ્રતિપાદિત કર્યું કે મનની બધી બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં કોઈ સામાન્ય તત્વ (G Factor)  હોતું નથી, પણ મનની ઘણી સમૂહ-અવયવી શક્તિઓ (Group factor abilities) અસ્તિત્વમાં હોય છે, જેમાંની કેટલીક અમુક પ્રવૃત્તિઓમાં અને બીજી કેટલીક અન્ય પ્રવૃત્તિઓમાં જોવા મળે છે. ભાષાશક્તિ, ગાણિતિક શક્તિ, અવકાશીય શક્તિ વગેરે આવી શક્તિઓ છે; જેમ કે, લેખ લખવા, ભાષણ કરવું, કવિતા બનાવવી વગેરે પ્રવૃત્તિઓમાં ભાષાશક્તિ (V factor) વપરાય છે; જ્યારે ગણિતના દાખલા ગણવામાં, હિસાબો તૈયાર કરવામાં, બૅંકોમાં કામ કરવામાં વગેરેમાં ગાણિતિક શક્તિ કે અવયવ (N factor) વપરાય છે. આથી થર્સ્ટનનો સિદ્ધાંત સમૂહ-અવયવોના (Group factor) સિદ્ધાંત તરીકે ઓળખાય છે. થર્સ્ટન G–સાર્વત્રિક શક્તિ કે અવયવ એટલે કે બધી જ પ્રવૃત્તિઓમાં દેખાય તેવી શક્તિ અસ્તિત્વમાં નથી, પણ તે ઘણી પ્રવૃત્તિઓમાં દેખાતો હોવાથી એક મોટા સમૂહ-અવયવ (Group factor) તરીકે તેને ગણી શકાય. ઉપરાંત V (ભાષા), N (ગાણિતિક), S (અવકાશીય) વગેરે અનેક સમૂહ-અવયવો સ્વીકારી શકાય.

સિરિલ બર્ટ, ફિલિપ વર્નન અને હમ્ફ્રીઝ નામના મનોવિજ્ઞાનીઓએ આ સર્વ સિદ્ધાંતોનો સમન્વય કરીને આકૃતિ 3માં જણાવ્યા પ્રમાણે અવયવોની શ્રેણી દર્શાવી છે.

આકૃતિ 2 : અવયવોની શ્રેણી

આકૃતિ 3 : થર્સ્ટનનો સમૂહ-અવયવી સિદ્ધાંત. A, B અને C અવયવો છે, જે એકબીજાથી સ્વતંત્ર છે. પ્રવૃત્તિ कમાં A અને C અવયવોનો ઉપયોગ થાય છે. પ્રવૃત્તિ खમાં માત્ર B અવયવનો ઉપયોગ થાય છે અને પ્રવૃત્તિ गમાં B અને C અવયવોનો ઉપયોગ થાય છે; પરંતુ ત્રણે પ્રવૃત્તિઓમાં કોઈ પણ સામાન્ય તત્વ કે અવયવનો ઉપયોગ થતો નથી.

આર. બી. કેટેલ નામના મનોવિજ્ઞાનીએ સામાન્ય અવયવ Gના બે પ્રકાર જોયા છે. તેના મત પ્રમાણે પ્રત્યક્ષ વસ્તુઓ (concrete objects) સાથે કામ કરવામાં Gcનો ઉપયોગ થાય છે અને માનસિક તર્ક કે અમૂર્ત વિચારમાં Gf(fluid intelligence)નો ઉપયોગ થાય છે. એ. આર. જેન્સનના મત પ્રમાણે જે પ્રજા લાંબા સમયથી સુસંસ્કૃત થયેલી છે તેમાં Gf વધુ જોવા મળે છે; પણ અમેરિકાના નિગ્રો લોકો જે ત્રણસો વર્ષથી સુસંસ્કૃત થયા છે તેમનામાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે Gc પ્રત્યક્ષ વસ્તુઓ સાથે કામ કરવામાં એટલે કે મશીનરીનો ઉપયોગ, વસ્તુઓ ખસેડવી વગેરે કામોમાં જે વપરાય છે તે બંને પ્રકારની પ્રજામાં સરખા પ્રમાણમાં જોવા મળે છે. આ વિચારણાનો ખૂબ વિરોધ થયો છે.

જે. પી. ગિલ્ફર્ડ નામના મનોવિજ્ઞાનીએ મનોવૈજ્ઞાનિક કસોટીઓના બહોળા ઉપયોગ પછી વિવિધ અવયવોને ત્રિપરિમાણ મૉડલમાં રજૂ કર્યા છે, જેને બૌદ્ધિક શક્તિઓની રચના(Structure of Intellect)ના મૉડલ તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં તેમણે 120 અવયવોનું મૉડલ રજૂ કર્યું હતું. જેને સુધારી પાછળથી 180 અવયવોના ત્રિપરિમાણવાળા મૉડલમાં રજૂ કર્યું હતું. તેમાં તેણે દરેક શક્તિનાં ત્રણ પરિમાણ આ પ્રમાણે જોયાં હતાં :

(1) ક્રિયાઓ (operations), (2) વસ્તુ (contents) અને (3) નીપજ (products).

6 ક્રિયાઓ × 5 વસ્તુ × 6 નીપજ મળી 180 અવયવો નીચે જેવા મૉડેલમાં તેમણે દર્શાવ્યા છે. (જુઓ આકૃતિ 4)

ઉદાહરણ તરીકે એક વ્યક્તિ ભાષણ કરે છે ત્યારે (1) તેની ભાષણ કરવાની ક્રિયાના છ ભાગ પાડી શકાય. તે જે વિષય પર ભાષણ કરતા હોય તે વિષયવસ્તુના પાંચ ભાગ પાડી શકાય અને શ્રોતામાં તેના ભાષણને કારણે જે અસર પેદા થાય છે તેના છ ભાગ પાડી શકાય.

ગિલ્ફર્ડે પોતાના જીવન દરમિયાન સોથી વધુ વિશિષ્ટ અવયવોને ઓળખાવ્યા હતા. હજુ તેમના અનુયાયીઓ વધુ ને વધુ વિશિષ્ટ અવયવોને ઓળખાવતા જાય છે.

સ્વિટ્ઝર્લૅન્ડના મનોવિજ્ઞાની ર્જ્યાં પિયાજેના મત પ્રમાણે બુદ્ધિ એ નવા સંયોગો સાથે અનુકૂલન કેળવવાની શક્તિ છે, જે બે ચાવીરૂપ પ્રક્રિયાને કારણે વિકસે છે. એકને તે ગ્રહણ (assimilation) અને બીજીને તે સ્થાપન (accomodation) કહે છે. પોતાના માનસિક ખ્યાલોમાં નવી બાબતને દાખલ કરવાની ક્રિયાને તે ગ્રહણ કહે છે અને નવી બાબતો દાખલ કરવાથી મનુષ્ય પોતાના મનોવ્યાપારોને જે નવું સ્વરૂપ આપે છે તેને નવસ્થાપન કહે છે; ઉદાહરણ તરીકે એક બાળક ઘણાં રમકડાંઓ સાથે રમે છે જેમાં દડો, ઢીંગલી, ઘંટડી, વાંસળી વગેરે છે. તેમાં તેને એક નવું રમકડું મળે છે જેમાં લોહચુંબક છે. તાત્કાલિક તો એ નવા રમકડાને પછાડી જુએ છે, તેમાં ફૂંક મારી જુએ છે, પણ એ બધું નકામું જાય છે. પણ તેવામાં તે જુએ છે કે એ રમકડું લોખંડની વસ્તુઓ જેવી કે પતરું, ટાંકણી, ખીલી વગેરેને આકર્ષે છે. આથી તે રમકડા અંગેનો ખ્યાલ બદલી માનવા લાગે છે કે બધાં રમકડાંને વગાડવા કે પછાડવાનાં હોતાં નથી. એમાંનાં કેટલાંક અમુક ધાતુને આકર્ષે પણ છે. આમ નવા અનુભવોથી માણસ પોતાના જૂના ખ્યાલોને સુધારી નવું નવું શીખે છે. જેમ વ્યક્તિ વધુ બુદ્ધિમાન તેમ આ બે ક્રિયાઓને વધુ સારી રીતે પ્રયોજે છે.

આકૃતિ 4 : ગિલફર્ડનું ત્રિપરિમાણ મૉડલ
(6 × 5 × 6 = 180)

બુદ્ધિકસોટીઓ : એક બાજુ બુદ્ધિ અંગેના ખ્યાલો રજૂ થતા ગયા તો બીજી બાજુએ મનોવિજ્ઞાનીઓ વિવિધ પ્રકારે બુદ્ધિમાપન કરતા ગયા. બુદ્ધિકસોટીઓ વિવિધ પ્રકારની રચાઈ છે. જ્યારે કસોટી એવી હોય કે એક જ વ્યક્તિને એક સમયે આપી શકાય ત્યારે તેને વ્યક્તિગત કસોટી (individual test) કહેવામાં આવે છે. આવી કસોટી ખૂબ સારી અને આધારભૂત હોય છે, પણ તેને મોટા સમૂહને આપવામાં ખૂબ સમય જાય છે. આથી અનેક વ્યક્તિઓને એકસાથે આપી શકાય એવી – બૅંકો, ઑફિસો કે રેલવેના કર્મચારીઓ કે શાળામાં વિદ્યાર્થીઓને આપી શકાય એવી – કસોટીઓ પણ રચવામાં આવી છે. આવી કસોટીઓને સમૂહ-બુદ્ધિકસોટીઓ (group intelligence test) કહેવામાં આવે છે. એવી કસોટીઓ કાગળ પર છાપેલી હોય છે અને તેમના ઉત્તર આપનારે તેમાં પેન્સિલ કે પેન વડે સાચા ઉત્તરોના વિકલ્પો પર નિશાની કરવાની હોય છે. આથી તેમને કાગળ-પેન્સિલ કસોટીઓ (paper-pencil tests) કહેવામાં આવે છે. હાલ ખર્ચ ઓછો કરવા પ્રશ્નપત્ર અને ઉત્તરપત્ર જુદાં છાપવાનો રિવાજ શરૂ થયો છે. તેમાં પ્રશ્નપત્ર પર કંઈ જ લખવાનું કે નિશાની કરવાની ન હોવાથી તે વારંવાર વાપરી શકાય છે. ઉત્તરપત્રો તપાસી પરિણામ તૈયાર કરવામાં કમ્પ્યૂટરનો ઉપયોગ શરૂ થવાથી સમૂહ-બુદ્ધિમાપન ખૂબ ઝડપી બન્યું છે.

વ્યક્તિગત તેમજ સમૂહબુદ્ધિ-કસોટીઓમાં પણ બે પ્રકાર જોવા મળે છે. જે લોકો પ્રશ્નકર્તાની ભાષા સમજી શકતા હોય તે લોકો તે ભાષામાં પ્રશ્નો સાંભળી કે વાંચી ઉત્તરો આપે છે; પરંતુ જેઓ પ્રશ્નકર્તાની ભાષા જાણતા ન હોય કે અભણ હોય તેમને માટે અમુક કાર્ય કરવાની કે ચિહ્નો અથવા ચિત્રોવાળી ભાષા વગરની (non-verbal) કસોટીઓ પ્રયોજાઈ છે. આવી કસોટીમાં નિશાનીથી જે તે સૂચના આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિગત કસોટીમાં નીચે જેવા પ્રશ્ન પૂછવામાં આવે છે :

(1) બારણું વાસી આવો, પછી

(2) પેલી ચોપડી લાવી આ ટેબલ પર મૂકો, અને

(3) સામેની ખુરસી પર બેસી જાઓ.

આ કાર્યો પરીક્ષાર્થીએ એ જ ક્રમમાં કરવાનાં હોય છે.

બિનભાષી સમૂહબુદ્ધિ-કસોટીમાં નીચે જેવા પ્રશ્ન આકૃતિઓ દ્વારા રજૂ કરેલા હોય છે; જેમ કે,

આકૃતિ 5માં આપેલાં ચિત્રોમાંથી જે બીજાં બધાંથી જુદું પડતું હોય તેની ક્રમસંખ્યા પર ઉત્તરપત્રમાં નિશાની કરો.

અમૂર્ત સમૂહબુદ્ધિ-કસોટીની એક વિગત : કેટલીક, ખાસ કરીને વ્યક્તિગત કસોટીમાં કસોટી લેનારે લાકડાના વિવિધ આકારના ટુકડાઓ કે ચિત્રોનાં કાર્ડને યોગ્ય રીતે યોગ્ય ક્રમમાં ગોઠવવાનાં હોય છે. આવી કસોટીને ક્રિયાત્મક કે કૃતિ-કસોટી (performance test) કહેવામાં આવે છે. (જુઓ આકૃતિ 6)

અભિયોગ્યતા માપવા માટે પણ કૃતિ-કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે.

વ્યક્તિગત કસોટીઓમાં સૌથી જાણીતી કસોટીઓ સ્ટેનફર્ડ-બિને અને વૅક્સલરની ત્રણ કસોટીઓ છે. બુદ્ધિ-કસોટીઓની શરૂઆત કરનાર ફ્રેન્ચ મનોવિજ્ઞાની આલ્ફ્રેડ બિનેની કસોટીનું અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં લૂઇસ ટર્મન અને મૉડમેરિલ નામના બે મનોવિજ્ઞાનીઓએ કરેલા રૂપાંતરને સ્ટેનફર્ડ-બિને નામે ઓળખવામાં આવે છે. હાલ તેની ચોથી આવૃત્તિ જે એલ. એલ. થૉર્નડાઇક અને અન્ય મનોવિજ્ઞાનીઓએ તૈયાર કરેલી છે તે વપરાશમાં છે. ડેવિડ વૅક્સલર નામના મનોવિજ્ઞાનીએ મોટી ઉંમરની વ્યક્તિઓ માટે WAIS (Wechsler Adult Intelligence Scale), પાંચથી પંદર વર્ષની ઉંમરનાં બાળકો માટે WISC (Wechsler Intelligence Scale for Children) અને પૂર્વપ્રાથમિક શાળાઓના તથા પ્રાથમિક શાળાનાં ચારથી સાડા છ વર્ષની ઉંમરનાં બાળકોને આપવાની WPPSI (Wechsler Pre-primary and Primary Scale of Intelligence) કસોટીઓ તૈયાર કરેલી છે; જેમનાં ગુજરાતી ભાષામાં તથા ભારતની કેટલીક ભાષાઓમાં રૂપાંતર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે.

આકૃતિ 5 : અમૂર્ત સમૂહબુદ્ધિકસોટીની એક વિગત

સમૂહબુદ્ધિ-કસોટીઓ અંગ્રેજીમાં અનેક છે. તેમાં ખૂબ જાણીતી લૉર્જ અને એલ. એલ. થૉર્નડાઇકની Coznitive Abilities Test, આર. બી. કેટેલની Culture-fair Intelligence Test, રૅવનની Raven’s Progressive Matrices Test છે. ગુજરાતીમાં તેમજ ભારતની ઘણી ભાષાઓમાં સમૂહબુદ્ધિ-કસોટીઓ રચવામાં આવી છે.

ક્રિયાત્મક કસોટીઓમાં Pinter Paterson Scale, Daever and Collins Performance Tests વગેરે ઘણી કસોટીઓ જાણીતી છે. ગુજરાતી તથા ભારતની અન્ય ભાષાઓમાં પણ કેટલીક ક્રિયાત્મક કસોટીઓ તૈયાર થયેલી છે.

બુદ્ધિમાપન કેવી રીતે થાય છે ? : સામાન્ય રીતે એક વ્યક્તિ તેના જેવી અનેક વ્યક્તિઓની સરખામણીમાં કેટલી બુદ્ધિશાળી છે તે કસોટીઓના મૂલ્યાંકનમાંથી ફલિત થાય છે. આથી નવી બનાવેલી કસોટીઓ અમુક વયજૂથ કે અમુક વર્ગજૂથના મોટા સમૂહની વ્યક્તિઓને આપવામાં આવે છે અને તેમના પ્રાપ્તાંક પરથી વિવિધ વ્યક્તિઓ કેટલી બુદ્ધિશાળી છે તે દર્શાવતી જંત્રી (Ready-Recknor) બનાવવામાં આવે છે. તેમાં વિવિધ જૂથોના સરાસરી પ્રાપ્તાંકો પરથી તેમના બુદ્ધિમાનાંક (Intelligence Quotient) I.Q. શોધવામાં આવે છે. 90થી 110ના બુદ્ધિમાનાંક સામાન્ય બુદ્ધિ દર્શાવે છે. 90થી ઓછા બુદ્ધિમાનાંક વિવિધ કક્ષાની મંદ બુદ્ધિ દર્શાવે છે અને 110થી વધુ બુદ્ધિમાનાંક વિવિધ કક્ષાની વિશેષ બુદ્ધિ દર્શાવે છે. એ યાદ રાખવું ઘટે કે જુદી જુદી કસોટી પર મળતા બુદ્ધિમાનાંક ભિન્ન હોય છે.

ઉચ્ચકક્ષાના બુદ્ધિમાનાંક ધરાવનાર લોકો આઇ.એ.એસ., ડૉક્ટર, એન્જિનિયર વગેરે ઉચ્ચકક્ષાના વ્યવસાય કરવા પ્રેરાય છે; જ્યારે સામાન્ય બુદ્ધિવાળા કારકુનો, હિસાબનીસો વગેરેના ધંધામાં જાય છે.

આકૃતિ 6 : ફૉર્મબૉર્ડના નમૂના

મંદ બુદ્ધિના ઘણા પ્રકાર છે, જેમાં અતિમંદબુદ્ધિવાળી વ્યક્તિઓ ભાષા પણ શીખી શકતી નથી. હજુ એવી દવા શોધાઈ નથી કે જેથી મંદ બુદ્ધિ બાળકની બુદ્ધિ એકદમ તીવ્ર બની શકે. એટલું યાદ રાખવું ઘટે કે મંદબુદ્ધિ બાળકો ગાંડાં હોતાં નથી; તેમ સામે પક્ષે પ્રખર બુદ્ધિવાળી વ્યક્તિ પણ ગાંડી થઈ શકે છે.

આકૃતિ 7 : શાહીના ડાઘાની કસોટી જેવો નમૂનો

વ્યક્તિત્વ અને વ્યક્તિત્વમાપન : વ્યક્તિની વિલક્ષણતાઓ અને તેનું માપન : ‘વ્યક્તિત્વ’ (personality) શબ્દમાં એક રીતે તો પૂરા મનોવિજ્ઞાનનું ક્ષેત્ર સમાઈ જાય છે. વ્યક્તિત્વમાં મનુષ્યની બુદ્ધિ, તેની અભિયોગ્યતાઓ કે વિશિષ્ટ શક્તિઓ, તેની અભિરુચિઓ કે રસો, તેની વિશિષ્ટ વિચારસરણી, વિવિધ સંજોગોમાં તેના વર્તનની ભાતો, તેની કપડાં પહેરવાની રીતો વગેરે સર્વનો સમાવેશ થાય છે. આમાંથી બુદ્ધિ અને અભિયોગ્યતાઓ જેવી તેની શક્તિઓ જન્મદત્ત હોય છે તો તેની અભિરુચિઓ, તેની વિચારસરણી, તેની કપડાં પહેરવાની પદ્ધતિ વગેરેનું આસપાસના વાતાવરણમાંથી નિર્માણ થાય છે. આ સર્વ મળીને એક વ્યક્તિની જે વિશિષ્ટતા બને છે તેને તેનું વ્યક્તિત્વ કહેવામાં આવે છે. આમ વ્યક્તિત્વમાં વિશિષ્ટતા( individuality)નું તત્વ મુખ્ય છે, જેને લીધે, દરેક વ્યક્તિ ભિન્ન છે અને તેની એ ભિન્નતા જ તેના વ્યક્તિત્વને દર્શાવે છે. મનુષ્યના વ્યક્તિત્વનો ઘણો આધાર તેના બાહ્ય વાતાવરણ પર હોવાથી, મનુષ્યનું વાતાવરણ જેમ બદલાય તેમ તેનું વ્યક્તિત્વ પણ બદલાય છે. ગામડામાં ઊછરતો એક યુવક જ્યારે શહેરમાં કે પરદેશ જાય છે ત્યારે તેનામાં મોટા ફેરફાર થાય છે. તેનાં કપડાં, વર્તનની તરેહો, શોખ વગેરે ઘણું બદલાઈ જાય છે. તેની બુદ્ધિ અસલ જેવી જ રહે છે. તોપણ તેને વ્યક્ત કરવાના તેના વર્તનમાં ઘણો ફેરફાર થઈ જાય છે.

વ્યવસાયની અસર પણ વ્યક્તિત્વ પર થાય છે. ઘણી વાર રેલવે કે બસમાં મુસાફરી કરતા માણસનો કયો વ્યવસાય હશે તે આપણે કહી શકીએ છીએ.

વ્યક્તિત્વનું માપન : વ્યક્તિત્વનું માપન કે મૂલ્યાંકન કરવાની ઘણી રીતો અસ્તિત્વમાં આવી છે. તેમને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (1) આત્મનિવેદન એટલે વ્યક્તિએ પોતે પોતાના ગમા-અણગમા, માન્યતાઓ વગેરે દર્શાવવાની રીતો, જેમાં ચેક-લિસ્ટ, પ્રશ્નાવલિ વગેરેનો સમાવેશ થાય છે; (2) નિરીક્ષણની રીતો, જેમાં વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં મુકાય ત્યારે તે કેવું વર્તન કરે છે તેનું અન્ય કોઈ નિરીક્ષણ કરે છે અને (2) પ્રક્ષેપણ-પ્રયુક્તિઓ (projective techniques), જેમાં તે જાણ્યે-અજાણ્યે એવું વર્તન દર્શાવે છે, જેમાં તેનું આંતરિક મન ચાડી ખાય છે.

પહેલા પ્રકારમાં ચેક-લિસ્ટનું સ્વરૂપ નીચે પ્રમાણે હોય છે :

મનને નીચેની બાબતો લાગુ પડે છે :

  –ચંચળતા    –સૂક્ષ્મ ચિંતન

 –સ્થિરતા      –તાત્કાલિક પ્રત્યાચાર

–અંતર્મુખતા    –દિવાસ્વપ્નો

–બહિર્મુખતા    –વિજાતીય આકર્ષણ

પ્રશ્નાવલિમાં આવી જ બાબતો પ્રશ્ન રૂપે પૂછવામાં આવે છે, જેના ઉત્તર તે ‘હા’ કે ‘ના’માં આપે અથવા પંચબિંદુ, સ્કેલ પર તેનો નિર્દેશ કરે; જેમ કે,

(1) તમને અંધારામાં બીક લાગે છે ? હા/ના.

(2) તમારું માથું વારંવાર દુ:ખે છે ? હા/ના.

અથવા

(1) તમને શરદી થાય છે ?

    ઘણી વાર/કેટલીક વાર/કોઈક વાર/ભાગ્યે જ/કદી નહિ.

(2) તમને એમ લાગે છે કે તમારાં માબાપ તમને સમજતાં નથી ?

     ઘણી વાર/કેટલીક વાર/કોઈક વાર/ભાગ્યે જ/કદી નહિ.

(3) તમને વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ થાય છે ?

     ઘણી વાર/કેટલીક વાર/કોઈક વાર/ભાગ્યે જ/કદી નહિ.

આવાં ચેક-લિસ્ટો તથા પ્રશ્નાવલિઓના ઉત્તર વ્યક્તિએ પોતે આપવાના હોવાથી તેમાં માણસ પોતે વધુ સારા દેખાવા સમાજમાન્ય પ્રત્યાચારો પ્રત્યે ઢળે છે અને તેથી તે આત્મલક્ષી બને છે.

આકૃતિ 8 : ચિત્ર પરથી વાર્તા બનાવવાની કસોટી

બીજા પ્રકારમાં વ્યક્તિ અભ્યાસ કરતી હોય ત્યારે તેના શિક્ષકો કે અધ્યાપકો અને તે વ્યવસાયમાં હોય ત્યારે તેના ઉપરી અધિકારી તેના વર્તનનું મૂલ્યાંકન કરે છે, જે વધુ વસ્તુલક્ષી (objective) હોવા છતાં તેમાં મૂલ્યાંકન કરનાર વ્યક્તિના ગમા-અણગમાની અસર આવી જાય છે. કેટલીક વાર વ્યક્તિને ખાસ પ્રકારની પરિસ્થિતિમાં મૂકી તેના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે; ઉદાહરણ તરીકે પ્રામાણિકપણું શોધવા વ્યક્તિના માર્ગમાં દસ રૂપિયા કે સો રૂપિયાની નોટ ફેંકવામાં આવે છે, અને વ્યક્તિ ત્યાંથી પસાર થતાં શું કરે છે તેનું નિરીક્ષણ કરી મૂલ્યાંકન કરવામાં આવે છે.

ત્રીજા પ્રકારમાં વ્યક્તિને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે કે જેમાં, તેનું મન આડકતરી રીતે કે અજાણપણે પોતાના મનોવ્યાપારોને છતા કરે છે; જેમ કે રોરશૅકના શાહીના ડાઘા(Inkblots)ની કસોટીમાં શાહીના ડાઘાની દશ આકૃતિઓ દશ કાર્ડ દ્વારા વ્યક્તિને બતાવી તેને તેમાં કોઈક ભાગમાં કે આખા ડાઘામાં શું દેખાય છે તે પૂછવામાં આવે છે. જે દેખાતું હોય તે તથા તે ક્યાં દેખાય છે તે પરથી તેના મનમાં શું ચાલી રહ્યું છે તે નક્કી કરવામાં આવે છે. આ કાર્ડોમાં કેટલાકમાં લાલ તથા બીજા રંગો પણ હોય છે. તેથી માનસિક ગરબડવાળી વ્યક્તિને લાલ ભાગ અગ્નિ, જ્યોત કે આગ જેવો લાગે છે. કાર્ડને વિવિધ દિશામાં ફેરવવાની છૂટ હોય છે.

અહીં કાર્ડમાંનાં ચિત્રો માત્ર શાહીના ડાઘા જ છે, છતાં વિવિધ વ્યક્તિઓને તેમાં મનુષ્ય, પક્ષી કે પ્રાણીઓ કે તેમનાં હલનચલન, વાદળો, પરમાણુ-વિસ્ફોટ વગેરે દેખાય છે.

વળી એક પ્રકારની કસોટીમાં ચાલીસ ચિત્રો જોઈ વ્યક્તિએ તે ઉપરથી વાર્તાઓ બનાવવાની હોય છે. આ ચાલીસ વાર્તાઓનાં તત્વો (themes) પરથી વ્યક્તિના વ્યક્તિત્વનું નિદાન કરવાની પદ્ધતિ મરે નામના એક મનોવિજ્ઞાનીએ શોધી છે. તેને Thematic Apperception Test, TAT નામે ઓળખવામાં આવે છે.

એક કસોટીમાં વાક્યોમાંની ખાલી જગ્યા પૂરવાની હોય છે; જેમ કે,

મને  —————— ગમે છે.

મારીમાતા મને —————— છે.

મને રોજ રાત્રે ——————- છે.

કેટલીક કસોટીઓમાં વ્યક્તિએ મનુષ્ય, ઘર અને ઝાડનાં ચિત્ર દોરવાનાં હોય છે. તેમાં વ્યક્તિ પોતાના ગમા-અણગમા પરથી મનુષ્યને જાડા, પાતળા, ઊંચા, નીચા કે મોટા માથાવાળા કે લાંબા હાથપગવાળા, ઘરને ઝૂંપડી કે મહેલ જેવું અને ઝાડને સૂકી કે લીલી ઝાડી જેવું બતાવે છે.

એક કસોટી જેને ચિત્રવૈફલ્ય-કસોટી (Picture Frustration Test) કહેવામાં આવે છે તે રોઝેન્ઝવીગ નામના મનોવિજ્ઞાનીએ રચી છે, જેમાં એક વ્યક્તિ વૈફલ્ય ઉત્પન્ન થાય તેવું ઉચ્ચારે છે અને બીજી વ્યક્તિ તેના સંદર્ભે કંઈક બોલે છે, જે નોંધવાનું હોય છે.

આકૃતિ 9 : ચિત્રવૈફલ્ય-કસોટીનો નમૂનો

આવી પ્રક્ષેપણ-પ્રયુક્તિઓની મોટી ખામી એ છે કે સામાન્ય વ્યક્તિ પણ ઘણી વાર એવા પ્રત્યાચારો આપે છે, જેનું અર્થઘટન તેની માનસિક ગરબડ તરીકે કરવામાં આવે છે. ઘણી વાર શાહીના ડાઘાની કસોટીમાં કોઈક ભાગને વ્યક્તિ હાથીની સૂંઢ કહે છે અને તે પરથી યૌનવૃત્તિનું નિદાન કરવામાં આવે છે. પણ ભારતમાં હાથી ઘણી વાર જોવા મળે છે અને સૂંઢવાળા હાથીના માથાવાળા ગણપતિને હિંદુઓ દેવ માનતા હોવાથી કદાચ તે સૂંઢ દેખાયાનો ઉત્તર કોઈ વ્યક્તિ આપે છે. વળી પ્રક્ષેપણ-પ્રયુક્તિઓનું અર્થઘટન કરવા પરીક્ષકને લાંબો અનુભવ તથા વ્યક્તિત્વના મનોવિજ્ઞાનનું વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. તેથી ઘણી વાર ઓછા અનુભવવાળા પરીક્ષકો બહુ ખોટાં નિદાન કરતા હોય છે.

કૃષ્ણકાંત ગો. દેસાઈ