બુઝુર્ગ અલવી (જ. 1907, ઈરાન) : આધુનિક ફારસી લેખક. તેઓ ટૂંકી વાર્તાના ક્ષેત્રે, પાશ્ચાત્ય શૈલી અપનાવવા છતાં, પોતાની કલાને મૂળભૂત રીતે ઈરાની વિશિષ્ટતાઓવાળી રાખવામાં સફળ રહ્યા છે. આધુનિક ફારસી ગદ્યકારોમાં તેમનું આગવું સ્થાન છે. તેઓ 1922માં અભ્યાસાર્થે જર્મની ગયા હતા અને ત્યાંના નિવાસ દરમિયાન સિગ્મન્ડ ફ્રૉઇડના વિચારોથી પ્રભાવિત થયા હતા. ઈરાન પાછા ફર્યા બાદ તેઓ માર્કસવાદીઓના સંઘમાં જોડાઈ ગયા. માર્કસવાદ-લેનિનવાદ તરફના તેમના વલણને લઈને તેમણે 1937થી 1941 દરમિયાન કારાવાસ પણ ભોગવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાન ઉપર પશ્ચિમના દેશો તથા રશિયાના સંયુક્ત કબજા વખતે તેમને મુક્તિ મળી હતી. તે વખતે બુઝુર્ગ અલવીએ બીજા સામ્યવાદી બંધુઓ સાથે મળીને ઈરાનમાં ડાબેરી ‘તૂદે પાર્ટી’ની સ્થાપના કરી હતી. આ પક્ષ સાથે રહીને તેમણે રાજકીય, સામાજિક તથા સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવી હતી. 1953માં ઈરાનના સામ્યવાદી નેતા મુસદ્દિકના પતન અને રઝાશાહ પહેલવી બીજાના સત્તા ઉપરના આગમન પછી, બુઝુર્ગ અલવી દેશ છોડીને યુરોપ જતા રહ્યા હતા. તેમણે પૂર્વ જર્મનીમાં હમ્બૉલ્ટ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું.

બુઝુર્ગ અલવીએ તેમની લાંબી સાહિત્યિક કારકિર્દી દરમિયાન ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ તથા પ્રવાસપુસ્તકો લખીને ફારસી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેમની પ્રખ્યાત કૃતિઓમાં ‘શમાદાન’, ‘નામે હા’ (પત્રો) અને ‘પંજાહ વ સે નફર’ (53 વ્યક્તિઓ) એ વાર્તાસંગ્રહોનો તથા ‘ચશ્મહાયશ’ (તેની આંખો) નવલકથાનો, તથા ‘ઉઝબેકહા’ (ઉઝબેક પ્રજા) નામની પ્રવાસકથાનો સમાવેશ થાય છે. તેમણે ફારસી સાહિત્ય વિશે જર્મન ભાષામાં પણ 2 રચનાઓ કરી છે.

બુઝુર્ગ અલવી ફ્રૉઇડથી પ્રભાવિત થયા હતા તેની અસર તેમના સર્વપ્રથમ વાર્તાસંગ્રહ ‘શમાદાન’માં દેખાઈ આવે છે. આ વાર્તાઓ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ઉપર આધારિત છે. આ પછીની રચનાઓમાં સામ્યવાદી-સમાજવાદી વિચારો જોવા મળે છે. સામ્યવાદી વિચારસરણી તેમનો આદર્શ બની ગઈ હતી. પોતાના સમકાલીન આધુનિક લેખકોની જેમ બુઝુર્ગ અલવીએ પણ સમાનતા તથા વાસ્તવિકતાના નામે નવા નવા વિચારોનું નિરૂપણ કર્યું હતું. અલવી તથા તેમના જેવા અલ્પસંખ્યક અન્ય આધુનિક લેખકો – સાદિક હિદાયત, મુહમ્મદ અલી જમાલઝાદે વગેરેએ ફારસી સાહિત્ય તથા ઈરાની સમાજને વ્યાપક રીતે પ્રભાવિત કર્યાં છે. તેમની કૃતિઓમાં ઈરાનની પરંપરાગત સંસ્કૃતિની પરંપરા વિરુદ્ધ એક પ્રકારની સ્વચ્છંદતા જોવા મળે છે. આ વલણ ઈરાની સમાજ તથા ફારસી સાહિત્યમાં, સામ્યવાદીઓના પતન અને રૂઢિચુસ્ત રાજાશાહીના પુનરાગમન પછી પણ ચાલુ રહ્યું હતું. આના જ પ્રતિકાર તરીકે એમના દાયકામાં શુદ્ધતાવાદીનો ખુમૈની યુગ શરૂ થયો હતો.

મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી