બીટ : દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડિયેસી કુળની એક દ્વિવર્ષાયુ (biennial) વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Beta vulgaris Linn. છે. તે અરોમિલ માંસલ શાકીય જાતિ છે અને તેનાં મૂળ શર્કરાઓ ધરાવે છે. તે યુરોપ, અમેરિકા, ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશ અને વિશ્વના અન્ય વિવિધ ભાગોમાં વાવવામાં આવે છે.

સુગરબીટ-સ્વરૂપ

કૃષ્ટ (cultivated) બીટમાં ‘શુગર બીટ’, ‘ઉદ્યાન-બીટ’, ‘પર્ણ-બીટ’, ‘ચાર્ડ’ અથવા ‘સ્વિસ ચાર્ડ’ અને ‘મગલ’નો સમાવેશ થાય છે. તેમને બે જૂથમાં વહેંચવામાં આવે છે : (1) સીસ્લા જૂથ (B. vulgaris var. cicla Linn) : તેનાં પર્ણો શાકભાજી માટે વપરાય છે; દા.ત., પર્ણબીટ કે સ્પિનિજ બીટ, અને ચાર્ડ અથવા સ્વિસ ચાર્ડ; (જુઓ પાલખ.) (2) ક્રેસા જૂથ [B. vulgaris var, crassa (Alef) J. Helm] : તેનાં મૂળ શાકભાજી (ઉદ્યાન-બીટ અથવા બીટરૂટ) તરીકે ઉપયોગમાં લેવાય છે અને ચારા (મૅંગલ) માટે અથવા શર્કરાના સ્રોત તરીકે વાપરવામાં આવે છે.

ક્રેસા જૂથની જાતોનાં મૂળ 25 સેમી.થી 30 સેમી. લાંબાં, ખૂબ માંસલ-જાડાં, ઉપરના ભાગેથી વધતેઓછે અંશે અર્ધગોળાકાર અને નીચેથી શંકુ-આકારનાં સફેદ, પીળાં અથવા ગુલાબીથી માંડી લાલ-જાંબલી હોય છે. તેના ત્રણ ભાગો છે : મુકુટ (crown), ગ્રીવા (neck) અને મૂળ. તેનાં પર્ણો 20 સેમી. જેટલાં લાંબાં, નીચેનાં પર્ણોના પર્ણદંડ લાંબા, કુંઠાગ્ર (obtuse) કે તીક્ષ્ણાગ્ર અને તરંગિત (undulated) હોય છે; ઉપરનાં પર્ણો નાનાં, ટૂંકા પર્ણદંડવાળાં અથવા અદંડી અને લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. પુષ્પીય અક્ષ પર્ણોવાળો અને ફલનો તલસ્થ-ભાગ ગુલિકીય (tuberculate) હોય છે.

 તે બીજે વર્ષે બીજ-નિર્માણ કરે છે. પહેલા વર્ષે મૂળ માંસલ અને જાડું બને છે, જે રસદાર ગર ધરાવે છે. તેનું મુખ્ય ઘટક શર્કરા હોય છે. મૂળની સપાટી પીળાશ પડતી સફેદ અને પાતળી છાલ વડે આવરિત હોય છે.

તે સંકર પાક હોવાથી સુધારેલી જાતોની સતત પસંદગી જરૂરી છે. ભારતમાં તેના વાવેતર માટે પૂર્વેના જર્મન ડેમોક્રૅટિક રિપબ્લિક, પૂર્વેના ધ ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મની, ચેકોસ્લોવેકિયા, યુ.કે., પૂર્વેના યુ.એસ.એસ.આર. અને યુ.એસ.માંથી બીટની ઘણી જાતોનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. ડૅન્માર્કની ‘મૅરીબો મૅગ્ના પૉલી’ અને ‘મૅરીબો રેસિસ્ટા પૉલી’ અને યુ.કે.ની ‘ટ્રિપ્લેક્સ’ અને ‘બુશ-ઇ’ અને પૂર્વેના યુ.એસ.એસ.આર.માંથી આવેલી ‘રેમોન્સ્કાયા’ જાતો રાજસ્થાનમાં સફળ થઈ છે. વાવેતર માટે વધારે મૂળ-ઉત્પાદન અને સપ્રમાણ સુક્રોઝ આપતી જાતો ઓછું મૂળ-ઉત્પાદન અને પુષ્કળ સુક્રોઝ આપતી જાતો કરતાં વધારે સારી ગણાય છે. ‘રેમોન્સ્કાયા’ અને ‘ઇરો પ્રકાર-ઇ’ જનીનિક રીતે વધારે સ્થાયી છે અને વધારે અનુકૂલનશક્તિ ધરાવે છે. તેની અંત: અને આંતર-વસ્તી-સુધારણા દ્વારા પંતનગરમાં ‘પંત એસ-1’, ‘પંત એસ-10’ અને ‘પંત કૉમ્પ-6’ અને લખનૌમાં ‘એલ. એસ. 6’ અને II એસ.આર. 2 જાતો વિકસાવવામાં આવી છે. બીટરૂટની ‘ડેટ્રૉઇટ ડાર્ક રેડ’, ‘ક્રિમ્સન રેડ’, ‘ઇજિપ્શિયન ટર્નિપ રૂટેડ’, ‘અર્લી વંડર’ અને ‘સટનની બ્લડ રેડ’ જાતો જાણીતી છે.

સામાન્ય રીતે શુગર બીટ 35°થી 60° અક્ષાંશ ઉત્તરે આવેલા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે; પરંતુ તેની માગ વધતાં હવે તેનું વાવેતર ઉપ-સમશીતોષણ (sub-temperate) અને ઉપોષ્ણ (sub-tropical) પ્રદેશોમાં પણ કરવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ (ભવાનીસાગર અને કૉઈમ્બતૂર) અને કર્ણાટક(બેલગામ)માં વાવવામાં આવે છે. તે શેરડી, ઘઉં અને એરંડી સાથે સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. માત્ર બીટ એકલું ઉગાડવા કરતાં ઘઉં સાથે તેને મિશ્ર પાક તરીકે વાવવાથી વધારે ફાયદો થાય છે.

તેનું પ્રસર્જન બીજ દ્વારા અથવા વાનસ્પતિક રીતે કરવામાં આવે છે. હવે તેનું વાનસ્પતિક પ્રજનન પેશી-સંવર્ધન પદ્ધતિ દ્વારા પણ કરાય છે. આ પદ્ધતિ ખૂબ વિપુલ પ્રજનનક્ષમતા (reproductive potential) ધરાવે છે.

શિયાળામાં તાપમાન જે વિસ્તારોમાં 20° સે. રહેતું હોય ત્યાં તે સૌથી સારી રીતે થાય છે; છતાં તે 33° સે. જેટલું તાપમાન સહી શકે છે. ઉત્તર ભારતમાં તે રવી પાક તરીકે અને મહારાષ્ટ્રના ફાલ્ટન વિસ્તારમાં પાછોતરા ખરીફ પાક તરીકે ઉગાડાય છે. ઉત્તર ભારતના ઊંચાઈવાળા પ્રદેશોમાં સપાટ વિસ્તારોમાં ઉનાળુ પાક તરીકે વવાય છે. તેને 500 મિમી.થી 700 મિમી. પ્રતિવર્ષ વરસાદ જરૂરી છે. જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં સિંચાઈની વ્યવસ્થા જરૂરી છે. મૂળના યોગ્ય વિકાસ માટે સૂર્યનો લગભગ 2,000 કલાકનો પ્રકાશ મળવો આવશ્યક છે. તે હિમ-અવરોધક હોવા છતાં જ્યાં હિમ પડ્યું હોય તેવા વિસ્તારોમાં તેનું ઉત્પાદન ઘટી જાય છે.

તેના મૂળના સારા વિકાસ માટે સારી રીતે સીંચેલી ભૂમિની જરૂરિયાત હોય છે; છતાં વધુપડતી જલસભર ભૂમિ માટે તે સંવેદી હોય છે. તે રેતાળ કે કાંપવાળી ગોરાડુ ભૂમિમાં સૌથી સારી વૃદ્ધિ પામે છે. છતાં તે કૅલ્શિયમયુક્ત ભૂમિમાં પણ થાય છે. તે ક્ષારોની ઊંચી સાંદ્રતા અને 10.5 pH સુધીની ક્ષારતા (alkalinity) સહન કરી શકે છે. પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાની લગભગ 70 લાખ હેક્ટર ક્ષારજ ભૂમિમાં તેનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી છે. સુંદરવનમાં તેને ઉગાડવાના પ્રયત્નો પણ સફળ થયા છે; જેથી ભૂમિસુધારણા પણ થઈ શકે છે. એવું પણ એક અવલોકન થયું છે કે બીટના વાવેતર પછી ઉગાડવામાં આવતો પાક સારું ઉત્પાદન આપે છે.

તેના પ્રાવરમાં 3થી 7 બીજ હોય છે. બીજ વાવતા પહેલાં તેમને 6થી 8 કલાક પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે; જેથી વિષાળુ ચયાપચયિત પદાર્થો દૂર થાય છે અને સખત બીજાવરણ તૂટી જાય છે. બીજને એગ્રોસનની ચિકિત્સા આપતાં પૂર્વ-નિર્ગમન (pre-emergence) અને નિર્ગમનોત્તર (post-emergence) સડો અટકાવી શકાય છે. એક હેક્ટરમાં વાવેતર માટે 7થી 10 કિગ્રા. જેટલાં છાલરહિત (decorticated) બીજ જરૂરી હોય છે. વાવેતરમાં જો ફળોનો ઉપયોગ કર્યો હોય તો એક જ સ્થાને 3થી 4 બીજાંકુર ઉત્પન્ન થાય છે. તેથી સારા ઉગાવા બાદ 20 સેમી.ના અંતરે પારવણી (thinning) કરવી જરૂરી બને છે.

પ્રતિહૅક્ટર 61 ટન જેટલું ઉત્પાદન આપતા બીટના પાક દ્વારા ભૂમિમાંથી 120 કિગ્રા. જેટલો નાઇટ્રોજન દૂર થાય છે. તેથી પ્રતિહેક્ટરે 120 કિગ્રા. નાઇટ્રોજનનું ખાતર આપતાં મૂળ ભ્રમરાકાર અને ટૂંકાં ઉત્પન્ન થાય છે અને તેમની છાલ લીસી હોય છે. તેથી પર્ણોમાં પણ પ્રોટીન-દ્રવ્ય વધે છે અને ચારા માટે તેનું મૂલ્ય વધે છે. નાઇટ્રોજન ત્રણ વિભાજિત માત્રાઓમાં – એક વાવેતર પૂર્વે અને બીજી બે માત્રાઓ વાવેતર પછી – પહેલા અને બીજા માસે આપવામાં આવે છે. કણીદાર સુપરફૉસ્ફેટ (70 કિગ્રા.થી 90 કિગ્રા. ફૉસ્ફૉરિક ઍસિડ/હેક્ટર) અને પોટૅશિયમ ક્લોરાઇડ (48 કિગ્રા.થી 90 કિગ્રા. K2O/હેક્ટર) મિશ્ર કરી લણણી પહેલાં ખેતરમાં આપવાથી ઉત્પાદન 10 % જેટલું વધી જાય છે. લીલા ખાતરનો ઉપયોગ પણ લાભદાયી છે.

બીટના પાકને 8થી 11 વાર સિંચાઈ કરવી જરૂરી છે. લણણી પૂર્વેની સિંચાઈ કરવી જરૂરી છે. લણણી પૂર્વેની સિંચાઈ અને મોડી સિંચાઈથી મૂળમાં શર્કરાની સાંદ્રતા ઘટે છે. સારા ઉત્પાદન માટે નીંદણ પણ આવશ્યક ગણાય છે. પારવણી પૂર્વે એક વાર અને ત્યારપછી બે વાર નીંદણ કરવું જોઈએ. પૂર્વનિર્ગમન અપતૃણનાશક તરીકે પાયરેમિન (2 કિગ્રા./હેક્ટર) અથવા નિર્ગમનોત્તર અપતૃણનાશક તરીકે પાયરેઝોન અથવા TCA (3 કિગ્રા./હેક્ટર) આપવાથી મૂળનું ઉત્પાદન અને તેમાં શર્કરાનું પ્રમાણ વધે છે. ક્ષારવાળી ભૂમિમાં EPTC (2 કિગ્રા./હેક્ટર) અથવા ડેલેપોન (3 કિગ્રા./હેક્ટર) વધારે લાભદાયી છે. પાક લગભગ 3 મહિને પરિપક્વ બને છે. તે સમયે પર્ણો પીળાશપડતાં લીલાં બને છે.

મૂળ, બીજાંકુર અને પર્ણોને ફૂગનો ચેપ લાગુ પડે છે. જાલાશ્મીય (sclerotial) મૂળનો સડો Sclerotium rolfsii દ્વારા થાય છે. બ્રેસિકોલ, વાઇટેવેક્સ, પેરેનૉક્સ, કાર્બોફ્યુરેન અથવા પેનોજેન ફેબ્રુઆરી માસમાં પ્રવાહીમય સ્વરૂપે આપવાથી અસરકારક નિયંત્રણ થાય છે. Rhizoctonia bataticola મૂળનો કાળો સડો ઉત્પન્ન કરે છે. અતિતીવ્ર ચેપ દરમિયાન સમગ્ર મૂળને કાળું જાલાશ્મ આવરે છે. R. solani દ્વારા મૂળને સૂકો સડો થાય છે. બેન્લેટ (15 કિગ્રા./હેક્ટર) અને બ્રેસિકોલ (15 કિગ્રા.થી 20 કિગ્રા./હેક્ટર) આપવાથી બંને સડાનું નિયંત્રણ થાય છે.

બીજાંકુરને Pythium debaryanum દ્વારા કાળા પગનો અને Rhizoctonia solani દ્વારા સુકારો થાય છે. બંને રોગથી બીજાંકુર ઝડપથી મૃત્યુ પામે છે. તેમના દ્વારા પૂર્વ-નિર્ગમન આર્દ્રપતન(damping off)નો રોગ પણ લાગુ પડે છે. Sclerotium rolfsii, Fusarium spp. અને P. spp. દ્વારા નિર્ગમનોત્તર આર્દ્ર પતન થાય છે. Phoma betae (Qud.) Frank. બીટના બીજાંકુરોનો નાશ કરે છે અને બીજને ઇથાઇલ મર્ક્યુરી ફૉસ્ફેટ, થિરમ અને કૅપ્ટનની ચિકિત્સા આપવાથી તેનું નિયંત્રણ થાય છે.

પર્ણો અને પર્ણદંડો પર નાના ગોળ આછા કે ઘેરા ભૂખરા રંગના ઉતકક્ષયી (necrotic) વ્રણ Cercospora beticola Sacc. દ્વારા ઉદભવે છે. પહાડી વિસ્તારોમાં તેની આવૃત્તિ 15 % થી 74 % જેટલી હોય છે. બ્રેસ્ટન (600 ગ્રા./હેક્ટર) અથવા ડ્યુટર (800 ગ્રા./હેક્ટર) દર પંદર દિવસના આંતરે ત્રણ વાર છાંટવામાં આવે તો રોગનું નિયંત્રણ થાય છે. ‘પંત કૉમ્પ–3’ અને ‘પંત એસ–10’ આ રોગની અવરોધક જાતિઓ છે. Alternaria tenuis Nees ex Pers. પર્ણો પર ઘેરા બદામીથી કાળા રંગનાં અનિયમિત આકારનાં ટપકાં ઉત્પન્ન કરી 30 % જેટલાં પર્ણોને નુકસાન પહોંચાડે છે. A. brassicae (Berk.) Sacc. અને A. chenopodii Racdeથી બીટને રોગો થાય છે. ડાઇથેન ઝેડ-78 (2.5 કિગ્રા./હેક્ટર)ના પંદર દિવસના આંતરે ત્રણ વાર છંટકાવ કરવાથી આ રોગો અસરકારક રીતે અટકાવી શકાય છે. Erysiphe betae (Varuna) Weltziem દ્વારા ભૂકી છારાનો રોગ થાય છે. તેનું નિયંત્રણ સલ્ફર(15 કિગ્રા. થી 20 કિગ્રા./હેક્ટર)ના અથવા બેન્લેટ(0.025 %)ના ડસ્ટિંગ દ્વારા કરી શકાય છે.

Pseudomonas aptata (Brown & Jamieson) Stevens. બૅક્ટેરિયા પાનનાં ટપકાંનો તીવ્ર રોગ ઉત્પન્ન કરે છે. વાઇરસ દ્વારા થતા રોગોમાં ‘ર્ક્લી ટોપ મોઝેક’ પીત-રોગ (yellows) અને મોઝેક સ્પિંનિજ મોઝેક વાઇરસ દ્વારા થાય છે અને જાંબલી પાનનો રોગ તમાકુ મોઝેક વાઇરસની એક જાત દ્વારા થાય છે. ‘એમ. રેસિસ્ટાપોલી’ સ્પિંનિજ મોઝેક વાઇરસની અવરોધક જાત માલૂમ પડી છે.

બીટ પર આક્રમણ કરતા કીટકોમાં કાતરા (cutworms), રોમિલ ઇયળો અને ચાંચડ-ભમરાઓ (flea-beetles) છે. કાતરા (Agrotis ypsilon Rottl., Euxoa interacta Walker અને E. segetis Schiff.) તરુણ વનસ્પતિઓનાં મૂળ અને પર્ણો ખાઈ જાય છે. મિશ્ર પાકનું વાવેતર આ કીટકોના આક્રમણમાં ઘટાડો કરે છે. BHC (5 %) ડસ્ટ અથવા હેપ્ટાક્લોર પ્રવાહીમય સ્વરૂપમાં ભૂમિને આપતાં તેનું નિયંત્રણ થાય છે.

પર્ણો ખાઈ જતા શલ્કપંખ(lepidopterous)માં Laphygma exigua Hubner, Plusia orichalcea Fabr., P. nigrisigna Walker, Spodoptera, litura Fabr., Diacrisia obliqua Walker, Prodenia litura Fabr., Amsacta lineola Fabr. અને Pieris brassicaeનો સમાવેશ થાય છે. અર્ધપંખ (hemipteran). કીટકોનો ખોરાક પર્ણો છે. Circulifer tenellus Baker., C. opacipennis Lethierry અને C. dubiosus Matsumura જેવી તીતીઘોડાની જાતિઓ રાજસ્થાન, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં નોંધાઈ છે.

વિપત્રણ (defoliation) કરતા બધા કીટકોનું 5 % BHC ડસ્ટ (15 કિગ્રા.થી 20 કિગ્રા./હેક્ટર), ફોસેલોન, મૉનોક્રોટોફોસ અને કાર્બેરીલ દ્વારા સફળતાપૂર્વક નિયંત્રણ કરી શકાય છે. કાતરાઓના નિયંત્રણ માટે હેપ્ટાક્લોર અથવા આલ્ડ્રીનનું પાયસ (emulsion) વનસ્પતિની ફરતે ભૂમિમાં આપવામાં આવે છે. ત્રણ અઠવાડિયાંના પાક પર ફોલીડોલ ઈ 605નો છંટકાવ પણ લાભદાયી છે.

ઉંદરો અને ખિસકોલીઓ આ પાક માટે ત્રાસરૂપ હોય છે. તેમનું નિયંત્રણ ઝિંક ફૉસ્ફેટના ચારા (baits) દ્વારા કરી શકાય છે.

Meloidogyne icognita (Kofoid & White) Chitwood અને M. javanica (Treub) Chitwood જેવી સૂત્રકૃમિઓની જાતિઓ મૂળના પાકને નુકસાન કરે છે. ડી.ડી.ટી. અને વેપમ જેવા બાષ્પશીલ વિષના ઉપયોગથી તેમનું સારી રીતે નિયંત્રણ થાય છે.

મૂળમાં સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રેફિનોઝ નામની શર્કરાઓ હોય છે. સુક્રોઝનું સરેરાશ પ્રમાણ 15 % જેટલું હોય છે અને સુપરફૉસ્ફેટ (1.7 % P2O5/હેક્ટર) અને પોટૅશિયમ (0.6 % KCl/હેક્ટર)ના છંટકાવથી તેનું પ્રમાણ 17 % જેટલું કરી શકાય છે. મૂળના નીચેના ભાગમાં સુક્રોઝનું પ્રમાણ વધારે હોય છે જ્યારે મધ્યભાગમાં અપચાયક (reducing) શર્કરાઓનું પ્રમાણ મહત્તમ હોય છે. આ શર્કરાઓનું પ્રમાણ મૂળની બહારની પેશીઓ કરતાં અંદરની પેશીઓમાં વધારે હોય છે. મૂળ 95% થી 96% જેટલો રસ અને રેસાઓ ધરાવે છે. બીટરૂટમાં લાલ અને પીળાં રંજકદ્રવ્યો પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમને બીટાલેઇન કહે છે; જેમાં લાલ-જાંબલી બીટાસાયનિન અને પીળા રંગનાં બીટાઝેન્થિનનો સમાવેશ થાય છે.

સારણી : ભારતીય શુગરબીટ અને શેરડીના રસનાં લક્ષણો

શુગરબીટનો રસ શેરડીનો રસ
pH 6.1–6.33 5.4–5.7
બ્રીક્ષ 10.06–20.80 14.16 –18.15
પૉલ 8.94–18.72 11.79 –14.87
શુદ્ધતા 72.34–90.00      –
સુક્રોઝ % 8.77–14.58 11.82–14.92
સુક્રોઝની શુદ્ધતા % 70.69–86.53 70.00–88.00
અપચાયક શર્કરાઓ % 0.02 –0.25 0.52–0.73
કલિલો % (colloids)       – 0.03–0.05
ભસ્મ 0.4–71.3 ગ્રા./લી. (CaO) 0.40–0.60 %

સમશીતોષણ પ્રદેશોમાં બીટનું વાવેતર ખાંડ બનાવવા માટે પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ ખાંડનો ઉપયોગ ખોરાક અને પીણાંને અને કડવાં ઔષધોને મીઠાશ આપવા માટે થાય છે. તે શામક (demulcent), પોષક અને મૂત્રલ (diuretic) હોય છે. પૂરતી સાંદ્રતાએ તે જીવાણુવિરોધી (bacteriostatic) અને પરિરક્ષક (preservative) છે; અને તેનો ઉપયોગ લોહતત્વયુક્ત ઔષધોનું ઉપચયન (oxidation) થતું અટકાવવા માટે થાય છે. તે હૃદય માટે બલ્ય (tonic) છે, સ્નાયુઓને શક્તિ આપે છે અને ઍસિડનું દહન કરે છે.

શુગરબીટની બીજી ઉપપેદાશોમાં ટૉપ, શુષ્ક અને આર્દ્ર ગર, મોલૅસિઝ અને નિસ્યંદ-કેક(filter cake)નો સમાવેશ થાય છે અને બીટ ઉગાડતા દેશોમાં તેમનો પુષ્કળ ઉપયોગ થાય છે.

બીટ ટૉપ મૂળનો ટોચ પરનો ફૂલેલો ભાગ (મુકુટ = crown) અને પર્ણો ધરાવે છે. યુરોપમાં તે ઢોરોને ખવડાવવામાં આવે છે. તેનું પોષણ-મૂલ્ય ઊંચું છે; કેમ કે, તે 10 % સુપાચ્ય પ્રોટીન, શર્કરાઓ અને કૅરોટિન ધરાવે છે. જરૂર ન હોય તો બીટ ટૉપ અનુગામી પાક માટે સારા ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાંડના નિષ્કર્ષણ પછી બાકી રહેલો અવશેષ (ગર) પણ ઢોરો માટે પોષણક્ષમ ખોરાક છે. તે પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. ગર અને નિસ્યંદ કેકમાં ગૅલેક્ટ્યુરૉનિક ઍસિડ પણ હોય છે; જેમાંથી પ્રજીવક ‘સી’નું સંશ્લેષણ થાય છે.

મોલૅસિઝ બીટની મહત્વની ઉપપેદાશ છે. તે 47.8 % થી 55 % જેટલો સુક્રોઝ, 3.9 %; રેફિનોઝ, 0.02 % સ્ટેચીઓઝ અને પ્લેન્ટીઓઝ ધરાવે છે. 40 % જેટલો મોલૅસિઝ ઢોરોના ખોરાક તરીકે અને બાકીનો મોલૅસિઝ આલ્કોહૉલ અને યીસ્ટ બનાવવામાં વપરાય છે. તેનો બહુ થોડા પ્રમાણમાં ઉપયોગ ગ્લિસરીન, લૅક્ટિક ઍસિડ, બ્યુટાઇલ આલ્કોહૉલ, ઍસિટોન, પ્રતિજૈવિક ઔષધો, સાઇટ્રિક ઍસિડ, ગ્લુકોનિક ઍસિડ, પ્રજીવક ‘બી’-સંકુલ અને મૉનો-સોડિયમ ગ્લુટામેટના ઉત્પાદન માટે થાય છે. કૅનેડામાં બીટ-મોલૅસિઝનું Aerobacter aerogenes અને Pseudomonas hydrophila દ્વારા આથવણ કરવામાં આવે છે; જેથી 2,3–બ્યુટેનેડિયોલ(બ્યુટાઇલીન ગ્લાયકોલ)નું ઉત્પાદન થાય છે. તેનું રૂપાંતર બ્યુટેડીઇનમાં થઈ શકે છે. તેનો કેટલાક પ્રકારના સંશ્લેષિત રબરના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે.

બીટરૂટના તાજા ટૉપ લીલાં શાકભાજી તરીકે વાપરવામાં આવે છે, તેના મૂળનો કચુંબર અને અથાણા તરીકે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તે સલગમ અને ગાજરની જેમ રાંધી શકાય છે અને તેમાં દૂધ, ઘી અને ખાંડ ઉમેરી સ્વાદિષ્ટ હલવો પણ બનાવવામાં આવે છે. માનવમાં થતા રુધિરાભિસરણ અને ચયાપચયિક રોગોની ચિકિત્સામાં મૂળનો મંદ-દ્રાવ્ય નિષ્કર્ષ ધરાવતું ઔષધીય વિરેચન મોં દ્વારા કે આંત્રેતર (parenteral) રીતે આપવામાં આવે છે. બીટરૂટનો રસ Satmonella typhi અને Micrococcus pyogenes var. aureus સામે પ્રતિજીવાણુક સક્રિયતા દર્શાવે છે. મૂળ અર્બુદ (tumor) અવરોધક-કારકતા ધરાવે છે. મૂળનો આસવ અને ક્વાથ જઠર અને આંતરડાંની ફરિયાદોમાં આપવામાં આવે છે. શાક-વાટિકા (kitchen-garden)માં તેનાં બદામી-લાલ ઝાંય ધરાવતાં ઘેરા લીલા રંગનાં પર્ણો મનોહર ર્દશ્ય આપે છે.

મૅંગલના છોડ 2 મી. જેટલી ઊંચાઈ ધરાવતા મોટા અને મજબૂત હોય છે. તેનાં પર્ણો હૃદયાકાર અને હૃદયાકાર-અંડાકાર (cordate-ovoid) અને મોટાં હોય છે. આ જાત યુરોપ અને અમેરિકામાં ઢોરોના ખોરાક તરીકે ઉપયોગી છે. ભારતમાં પણ તેનો પ્રવેશ ચારા(fodder)ના પાક તરીકે કરાવવામાં આવ્યો છે.

રાજેન્દ્ર ખીમાણી

દેવશીભાઈ સાદરિયા

બળદેવભાઈ પટેલ